શિવ ને શક્તિના મિલનનું મહાપર્વ મહાશિવરાત્રી
શિવોત્સવ -આર. સી. શર્મા
મહાશિવરાત્રી પર આખી રાત ભોળા શિવના ભક્તો જાગરણ કરે છે અને શિવજીના લગ્નનો ઉત્સવ ઉજવતા હોય છે. કેમ કે માન્યતા એવી છે કે આ જ દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયાં હતાં. શિવરાત્રીના દિવસે જ ભગવાન શિવે વૈરાગ્યનો ત્યાગ કરીને ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો હતો. આને લીધે જ ફાગણ મહિનાની કૃષ્ણ ચૌદશને શિવ અને શક્તિના મહામિલનની રાત માનવામાં આવે છે. આધ્યાત્મિક દૃષ્ટિએ આ મિલન પ્રકૃતિ અને પુરુષનું મિલન માનવામાં આવે છે. આ જ દિવસે આખા દેશના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ થતી હોય છે અને કેટલાંક વિશેષ મંદિરોમાં તો લોકો લાંબે-લાંબેથી ગંગાજળ લાવીને ભગવાન શિવનો જળાભિષેક કરતા હોય છે. આ વર્ષે મહાશિવરાત્રી ૮ માર્ચ, ૨૦૨૪ના રોજ આવી રહી છે. પંચાંગ મુજબ ૮ માર્ચે રાતે ૯.૫૭ વાગ્યાથી તેની શરૂઆત થશે અને ૯ માર્ચે સાંજે ૬.૧૭ વાગ્યે તેનું સમાપન થશે. શિવજીની પૂજા પ્રદોષ કાળમાં કરવામાં આવતી હોવાથી ઉદયાતિથી જોવાનું આવશ્યક હોતું નથી અને તેથી જ મહાશિવરાત્રીની ઉજવણી ૮ માર્ચે ઉજવવામાં આવશે.
મહાશિવરાત્રીને લઈને કેટલીક પૌરાણિક માન્યતાઓ મુજબ આ દિવસે ભગવાન શિવ જ્યોતિર્લિંગના સ્વરૂપમાં પ્રગટ થયા હતા અને આ શિવનું એવું સ્વરૂપ છે જેનો કોઈ આદિ પણ નથી કે અંત પણ નથી. એમ કહેવાય છે કે પૌરાણિક કાળમાં આ જ દિવસે ૬૪ સ્થળો પર શિવલિંગ પ્રગટ થયાંં હતાં, પરંતુ હવે તે ફક્ત બાર જગ્યા પર જ હયાત છે. આ જ શિવલિંગને જ્યોતિર્લિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ ૧૨ જ્યોતિર્લિંગમાં સૌથી પહેલું છે ગુજરાતના સૌરાષ્ટ્રમાં સમુદ્ર કિનારે આવેલું સોમનાથનું મંદિર. બીજું આંધ્ર પ્રદેશના કૃષ્ણા નદીના કિનારે શ્રીશૈલ પર્વત પર આવેલું મલ્લિકાર્જુન, ત્રીજું મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત મહાકાલેશ્ર્વર, ચોથું મધ્ય પ્રદેશના ઈન્દોરથી અંદાજે ૮૦ કિલોમીટર દૂર આવેલું ઓંકારેશ્ર્વર, પાંચમું છે ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું કેદારનાથ, છઠું છે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સહ્યાદ્રી પર્વત પર આવેલું ભીમાશંકર, સાતમું છે કાશીમાં ગંગા કિનારે આવેલું બાબા વિશ્ર્વનાથ, આઠમું છે નાશિક જિલ્લામાં આવેલું ત્ર્યંબકેશ્ર્વર, નવમું છે ઝારખંડના દેવધર જિલ્લામાં આવેલું બાબા વૈદ્યનાથ. દશમું છે ગુજરાતના દ્વારકામાં આવેલું નાગેશ્ર્વર, અગિયારમું તામિલનાડુના રામનાથપુરમ જિલ્લામાં આવેલું રામેશ્ર્વરમ અને બારમું મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના દૌલતાબાદ વિસ્તારમાં આવેલું ઘૃષ્ણેશ્ર્વર માનવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે આ બધા જ જ્યોતિર્લિંગ મંદિરોમાં ભારે ભીડ જોવા મળે છે.
તંત્રસાધકો માટે પણ મહાશિવરાત્રીનું મહત્ત્વ ઘણું વધારે છે. મહાનિશા પછી મહાશિવરાત્રી એવી બીજી રાત છે જ્યારે તંત્ર સાધકો આખી રાત સૂતા નથી, સાધનામાં તલ્લીન રહેતા હોય છે. આ રાતમાં તેઓ તંત્ર વિદ્યાઓને જાગૃત કરવામાં વીતાવતા હોય છે. સામાન્ય લોકો પણ મહાશિવરાત્રીમાં વહેલી સવારે શિવ મંદિરોમાં ભગવાન શિવનો જળથી અભિષેક કરવા માટે પહોંચતા હોય છે. આમ પણ મહાશિવરાત્રીનો દિવસ ઘણો પવિત્ર દિવસ હોય છે. આ દિવસે જ્યારે તક મળે ત્યારે શિવજીની પૂજા કરી શકાય છે. જોકે આ દિવસે દેશના બધાં જ શિવમંદિરોમાં તલ મૂકવા જેટલી પણ જગ્યા મળતી નથી. ઘણી મોટી સંખ્યામાં લોકો આ દિવસે શિવ મંદિરોમાં જવાનું પસંદ કરતા હોય છે. જે લોકો આખું વર્ષ કોઈ ધર્મ-કર્મ કરતા નથી તેઓ પણ આ દિવસે મંદિરમાં જવાને પ્રાથમિકતા આપતા હોય છે. આ દિવસે શિવલિંગ પર બીલીપત્ર ચોક્કસ ચડાવવા જોઈએ, ભગવાન શિવ આનાથી ઘણા વહેલા પ્રસન્ન થાય છે. જો બીલીપત્ર ન મળે તો આ દિવસે પીપળાના પાંદડાથી પણ ભગવાન શિવની પૂજા કરી શકાય છે. પીપળાના પાંદડાં પણ તેમને ઘણા પસંદ છે. ધતૂરો પણ ભગવાન શિવને પસંદ છે અને ભાંગ પણ તેમને પસંદ છે. સમુદ્ર મંથન વખતે સમુદ્રમાંથી વિષ નીકળ્યું હતું અને આ વિષના પ્રભાવથી ધરતીને વેરાન થતી બચાવવા તેમ જ દેવતાઓને વિનાશથી બચાવવા માટે ભગવાને પોતે વિષ પીધું હતું. આ વિષપ્રાશન કરવાને કારણે ભગવાન શિવને ભારે ગરમી લાગી રહી હતી અને આ ગરમીથી મુક્તિ મેળવવા માટે તેમણે દૂધ અને ભાંગનું સેવન કર્યું હતું એવું માનવામાં આવે છે અને તેથી જ તેમના ભક્તો પણ મહાશિવરાત્રીના દિવસે ભાંગનું સેવન કરતા હોય છે.
અવિવાહિત નારી મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરીને એવી પ્રાર્થના કરતી હોય છે કે તેમને પણ શિવ જેવો પતિ મળે. વિવાહિત મહિલા પોતાના પતિ અને પરિવારની મંગળકામના માટે વ્રત રાખતી હોય છે. મહાશિવરાત્રીના દિવસે આખો દિવસ અને આખી રાત શિવાલયોમાં હર હર મહાદેવ અને ઓમ નમ: શિવાયના સૂરો ગુંજતા હોય છે. હિંદુઓમાં આ જ દિવસે સૃષ્ટિનો આરંભ થયો હોવાનું માનવામાં આવે છે. એવી માન્યતા છે કે મહાશિવરાત્રીની મધરાતે જ સૃષ્ટિનો પાયો નખાયો હતો અને આ જ દિવસે મધરાતે ભગવાન ભોળાનાથ મહાકાલેશ્ર્વરના રૂપમાં પ્રગટ થયા હતા.
મહાશિવરાત્રી એક રીતે સૃષ્ટિમાં ઋતુઓના ફેરફારનો સૂચક પણ હોય છે. આ જ દિવસે એવું માનવામાં આવે છે કે શિયાળો પૂરો થઈ ગયો છે. મહાશિવરાત્રી પછી તહેવારોનો પ્રારંભ થતો હોય છે. હોળી, રામનવમી જેવા આખા દેશમાં ઉજવાતા તહેવારો મહાશિવરાત્રી પછી જ ઉજવાય છે.