માઘ મેળો: ચાર યુગની ધાર્મિક પરંપરા
ઉત્સવ -ધીરજ બસાક
તીર્થરાજ પ્રયાગમાં આગામી પંદર જાન્યુઆરી ૨૦૨૪ (મકર સંક્રાંતિ)થી શરૂ થયેલો માઘ મેળો ૮મી માર્ચ ૨૦૨૪ સુધી એટલે કે બાવન દિવસ સુધી દેશ વિદેશના લોખો લોકોની ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉપસ્થિતિનું કેન્દ્ર રહેશે. એક અંદાજ અનુસાર ૧૫ જાન્યુઆરી થી ૮ માર્ચ ૨૦૨૪ સુધી છ મુખ્ય સ્નાન કરવા લગભગ એક કરોડથી વધુ લોકો આવશે, જેમાંથી ૭ થી ૯ લાખ લોકો વિદેશી હશે. મિનિકુંભ તરીકે ઓળખાતા આ ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાનું મહત્ત્વ સમજી શકાય છે. મકર સંક્રાંતિના દિવસે વહેલી સવારે પ્રયાગરાજમાં લાખો લોકો ડૂબકી લગાવે છે.
સમગ્ર દુનિયામાં રહેતા હિંદુ અને હિંદુ સનાતન સંસ્કૃતિમાં વિશ્ર્વાસ રાખવાવાળા દર વર્ષે લાખો લોકો પ્રયાગમાં માઘ મેળામાં પોતાની વિવિધ મનોકામના લઈને આવે છે. ધર્મ અને સંસ્કૃતિના હજારો વિદેશી સાક્ષરો હજારો વર્ષોથી લોકો જે શ્રદ્ધા દર્શાવી રહ્યા છે તેનું અવલોકન અને અનુભવ કરવા આવે છે. વિદેશી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલા ધર્મ સંબંધી સંશોધનકારીઓ આ મેળામાં વિશેષ સંસ્કૃતિનો અભ્યાસ કરવા આવે છે, જ્યારે દેશના ખૂણે ખૂણામાંથી લોકો આવે છે. વિદેશી મીડિયા મેળાની શરૂઆત અગાઉ અહીં આવે છે અને કેટલાક પત્રકારો તો અનેક સપ્તાહ અહીં રહેતા હોય છે.
આ મેળામાં પવિત્ર સ્નાનના છ મુખ્ય દિવસ આવે છે. સનાતન હિંદુ સંસ્કૃતિમાં પવિત્ર સ્નાનનું ઘણું મહત્ત્વ છે. પ્રથમ વિશેષ સ્નાન મકર સંક્રાંતિનું હોય છે જ્યારે બીજું પોષ પૂર્ણિમાનું, ત્રીજું મૌની અમાસનું, ચોથું વસંત પંચમીનું, પાંચમું માઘ પૂર્ણિમાનું અને છઠ્ઠું સ્નાન મહાશિવરાત્રીનું હોય છે. આ વર્ષે છ પવિત્ર સ્નાનના દિવસો ૧૫મી જાન્યુઆરી, રપમી જાન્યુઆરી, નવમી ફેબ્રુઆરી, ૧૪મી ફેબ્રુઆરી, ૨૪ ફેબ્રુઆરીએ અને છેલ્લા ૯ માર્ચે છે. લાખો સાધક સંગમના તટ પર કુટિર બનાવી કલ્પવાસ કરે છે અને સવાર સાંજ સંગમમાં સ્નાન કરે છે અને ભગવાનની પૂજા, ધ્યાનમાં તલ્લીન રહે છે.
એક મહિનામાં કલ્પવાસથી એક કલ્પનું પુણ્ય મળે છે. એક કલ્પ બ્રાહ્માના એક દિવસ સમાન હોય છે અને બ્રહ્માજીનો એક દિવસ ૧૦૦ મહાયુગ સમાન હોય છે. માઘ મેળામાં ઘણાં પ્રકારના યજ્ઞ હોય છે. વિવિધ પ્રકારની પ્રાર્થના કરવામાં આવે છે અને ઘણાં અનુષ્ઠાન સંપન્ન કરવામાં આવે છે. સાધુ, સંત, ગૃહસ્થ, નગા તમામ પોતાની ધાર્મિક આસ્થા અનુસાર અનુષ્ઠાન સંપન્ન કરે છે. માઘ મેળા દરમિયાન કલ્પવાસ કરનારા સાધકોને પોતાના મન અને ઈંદ્રિયોને નિયંત્રણ કરવાની શક્તિ મળે છે.
માઘ મેળા અને કુંભ મેળામાં સમગ્ર વિશ્ર્વ કેમ ભાગ લેતું હોય છે તેનો અભ્યાસ કરવામાં સાંસ્કૃતિક સાક્ષરોને ખૂબ જ રસ પડે છે. આ બન્ને મેળામાં પ્રકૃતિ અને આધ્યાત્મના સંગમનું આકર્ષણ વિશ્ર્વના સાંસ્કૃતિક અભ્યાસુ અને જિજ્ઞાસુઓને પોતાના તરફ ખેંચે છે. કલ્પવાસની પરંપરા આદિકાળથી ચાલી રહી છે અને આ પાછળનો ઉદ્દેશ્ય માનવીની આત્મશુદ્ધિનો છે. સંગમના કિનારે એક મહિનો રહેવાથી, વેદોનો અભ્યાસ કરવાથી અને ધ્યાનથી યોગ કરવા માનવીની મનોસ્થિતિ આધ્યાત્મિક રંગમાં રંગાઈ જાય છે. ધાર્મિક માન્યતા છે કે પ્રયાગરાજમાં એક કલ્પવાસ દરમિયાન તપ અને ધ્યાન કરનારાઓને ૧૦,૦૦૦ અશ્ર્વમેધ યજ્ઞો જેટલો પુણ્યલાભ મળે છે. આ જ કારણ છે કે દર વર્ષે દેશના વિવિધ વિસ્તારોમાંથી લાખો લોકો કલ્પવાસ માટે અહીં આવે છે. આનાથી લોકોની ચેતના પર ગંભીર અસર પડે છે. કલ્પવાસમાં બ્રહ્માંડની સમગ્ર શક્તિનો પ્રયાગના સંગમ કિનારા પર ચુંબકીય પ્રભાવ પડે છે અને તન, મનમાં ઊર્જા અને સ્ફૂર્તિનો સંચાર થાય છે.