ધર્મતેજ

ઈશ્ર્વર પ્રત્યેનો પ્રેમ એટલે જ ભક્તિ

પ્રાસંગિક -હેમંત વાળા

એમ કહેવાય છે કે “સા પુરાનુરક્તિશ્ર્વરે અર્થાત્ ઈશ્ર્વરમાં અનુરાગ યાને પ્રેમ એ જ ભક્તિ. પ્રેમ હંમેશાં યોગ્ય વ્યક્તિને જ કરાઈ અને સૃષ્ટિમાં ઈશ્ર્વર સિવાય અન્ય કોઈ યોગ્ય વ્યક્તિ તે માટે હોઈ જ ન શકે. માત્ર ઈશ્ર્વર પ્રેમને લાયક છે અને તેથી જ ઈશ્ર્વરની ભક્તિ સૃષ્ટિની સૌથી યથાર્થ ઘટના છે.

પ્રેમ એ નિસ્વાર્થ ભાવના છે. પ્રેમ એ પવિત્ર ઘટના છે. પ્રેમમાં કોઈપણ સ્વરૂપે, ક્યારેય પણ કપટ સંભવી ન શકે. પ્રેમ એ સમર્પણની લાગણીથી તરબતર સ્થિતિ છે. પ્રેમમાં ક્યારે અસત્ય કે અનૈતિકતાનો અંશ માત્ર પણ ન હોય. પ્રેમ સાત્ત્વિક છે. પ્રેમ એ જીવનની સૌથી હકારાત્મક ઘટના છે. એક વિચારધારા પ્રમાણે પ્રેમ છે એટલે બધું છે, પ્રેમના અભાવમાં કશું જ સંભવી ન શકે. પ્રેમ સર્વત્ર સમભાવે પ્રવર્તમાન હોય છે. જે વાસ્તવમાં પ્રેમ છે તે ક્યારેય કોઈપણ બાબતે દૂષિત ન થઈ શકે. પ્રેમ થતાં જ પૂર્ણતાની અનુભૂતિ થાય. આ પ્રેમ જ્યારે ઈશ્ર્વર પ્રત્યે થાય ત્યારે તે ભક્તિ કહેવાય. હકીકતમાં તો ઈશ્ર્વર સિવાય અન્ય કોઈને આ પ્રકારનો પ્રેમ કરવાની સંભાવના જ નથી હોતી. વિશ્ર્વમાં આજે પ્રેમ શબ્દ પ્રચલિત સ્વરૂપે વપરાય છે તે તો એક પ્રકારનો વ્યવહાર માત્ર છે. પ્રેમ એટલે ભક્તિ અને ભક્તિ એટલે ઈશ્ર્વરની આરાધના.

દુનિયાની અન્ય કોઈપણ વ્યક્તિ માટેનો કહેવાતો પ્રેમ એક રીતે સમીકરણ સમાન હોય છે. અહીં કશું પ્રાપ્ત થતું હોય છે અને કશુંક આપવાનું હોય છે. દુનિયાના વ્યવહારનો પ્રેમ હક સામે ફરજની ભાવનાવાળો હોય છે. આ બેમાંથી એકમાં પણ થોડી પણ ખોટ પ્રવર્તતી હોય તો પ્રેમ ભંગ થાય. પરંતુ સાચા પ્રેમનો ક્યારેય ભંગ નથી થતો. અને તેથી આ પ્રેમ નથી. આ તો લેવડદેવડનો સરવાળો હોય છે. દુનિયામાં પ્રેમને ખાતર જે કહેવાતો ત્યાગ કરવામાં આવે છે તેની પાછળ પણ પોતાની ખુશી, પોતાનો આનંદ કારણભૂત હોય છે. માનવીનો વ્યવહાર સ્વ-કેન્દ્રિત જ રહેવાનો. જેને પ્રેમ માનવામાં આવે છે તેની પાછળ પ્રાપ્ત કરવાની કંઈક અભિલાષા હોય છે, તેથી મૂળમાં તે સ્વાર્થ છે. સાચો પ્રેમ ઈશ્ર્વરને જ થઈ શકે, સાચો પ્રેમ ઈશ્ર્વર જ કરી શકે – અથવા તો ઈશ્વરના પ્રતિનિધિ સમાન સદ્ગુરુની આસપાસ પ્રેમની લાગણી બંધાઈ શકે.

“સા ત્વસ્મિન્ પરમપ્રેમરૂપા તે ઈશ્ર્વરમાં જ અતિશય પ્રેમમય થઈ જવું. તે ઈશ્ર્વર જ પ્રેમ રૂપ છે. તે ઈશ્ર્વર જ પ્રેમનું સ્વરૂપ છે. આ પ્રેમ જ સત્ય છે. આ પ્રેમ-સત્ય જ વિશ્ર્વનો આધાર છે. ઈશ્ર્વર સત્ય છે, ઈશ્ર્વર પ્રેમ છે, ઈશ્ર્વર ધર્મનો આધાર છે, ઈશ્ર્વર કરુણાના મહાસાગર છે, ઈશ્ર્વર સર્વ માટે સુહૃદયી છે અને તેથી જ ઈશ્ર્વર પ્રેમનું પાત્ર છે. ઈશ્ર્વરને કોઈ પણ સ્વરૂપે પ્રેમ કરી શકાય. ઈશ્ર્વર તમારી પ્રિય વ્યક્તિ બની શકે, ઈશ્ર્વરને તમે સંતાન સમજીને તરીકે પ્રેમ કરી શકો, ઈશ્ર્વર માતાપિતાના સ્થાને પણ હોવાથી તે સ્વરૂપે પણ તેમને પ્રેમથી નવાજી શકાય, જેમ ગુરુ ઈશ્ર્વરનું સ્વરૂપ છે તેમ ઈશ્ર્વર ગુરુની પ્રતીતિ છે અને તેથી ઈશ્ર્વરને ગુરુ તરીકે પણ પ્રેમ કરી શકાય. ઈશ્ર્વર સર્વના નિયંતા છે, તેઓની અધ્યક્ષતામાં પ્રકૃતિ તેના જે તે નિયમનું પાલન કરે છે અને સૃષ્ટિની વ્યવસ્થા જળવાઈ રહે છે. ઈશ્ર્વર બધાને આશરો આપે છે. ઈશ્ર્વર સાક્ષીભાવે દરેકના અંતર આત્મામાં વિરાજમાન હોય છે. યોગ્યતા પ્રાપ્ત થયા બાદ ઈશ્ર્વર સાક્ષાત વરદાન આપે છે. ઈશ્ર્વરને નિયંતા તરીકે, આશ્રયદાતા તરીકે, અંતરાત્મા તરીકે, વરદ તરીકે પણ પ્રેમ થઈ શકે.

વાસ્તવમાં ઈશ્ર્વરને પ્રત્યેક સ્વરૂપે પ્રેમ કરી શકાય. ઈશ્ર્વરનું કોઈ ચોક્કસ સ્વરૂપ નથી. તે તો નિરાકાર છે જે ભક્તની ભાવના પ્રમાણે સાકાર સ્વરૂપ ધારણ કરે. ભક્ત જો શિવ સ્વરૂપે તેમને પ્રેમ કરે તો સર્પોની માળા ધારણ કરી ત્રિનેત્રી તરીકે તેઓ પ્રેમનો સ્વીકાર કરે. વિષ્ણુ તરીકે જો ઈશ્ર્વરને પ્રેમ કરવામાં આવે તો વૈજન્તીમાલા ધારણ કરી ગરુડ ઉપર આસન થઈ પ્રેમને પ્રતિભાવ આપે. ઈશ્ર્વરની ઉપાસના જો શક્તિ તરીકે કરવામાં આવે તો તે માતા બની – જગદંબા બની – કુળદેવી બની સિંહની સવારી પર પ્રત્યક્ષ આવી પોતાની મૃદુતા – પોતાનું વાત્સલ્ય દર્શાવે. પ્રત્યેક સ્વરૂપે ઈશ્ર્વરને કરાયેલ પ્રેમ હંમેશા સાર્થક બની રહે.

ઈશ્ર્વર પ્રત્યેના પ્રેમ અર્થાત ભક્તિથી અકલ્પનીય બાબતો પ્રાપ્ત થઈ શકે, પણ આ પ્રેમ તે પ્રકારની પ્રાપ્તિ માટે ન હોય. ઈશ્ર્વરને પ્રેમ કરવાનો કારણ કે તે ઈશ્ર્વર છે. ઈશ્ર્વરને પ્રેમ કરવાનો કારણ કે સૃષ્ટિના અસ્તિત્વનું તે કારણ છે. પ્રેમમાં કોઈ પણ પ્રકારનો સોદો ન હોય – વ્યવહાર ન હોય. ઈશ્ર્વર સાથે સોદો ન કરાય. ઈશ્ર્વર સાથે વિનિમય ન સ્થપાય. ઈશ્ર્વરને બસ પ્રેમ કરવાનો હોય, અને ઈશ્ર્વર પણ સામેથી માત્ર પ્રેમ જ કરે. શરૂઆત પ્રેમથી થાય અને અંત પણ પ્રેમમાં જ પરિણમે. અહીં કશું અસાધ્ય પામવાની અપેક્ષા ન હોવી જોઈએ, અપ્રાપ્યની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન ન હોવો જોઈએ, અનિર્ધારિતને નિર્ધારિત કરવાની ચેષ્ટા ન હોવી જોઈએ, અક્ષમતાને ક્ષમતામાં રૂપાંતરિત કરવાની વાત ન હોવી જોઈએ. બસ માત્ર પ્રેમ અને પ્રેમનો પ્રસાર હોવો. બસ માત્ર પ્રેમ અને પ્રેમની અનુભૂતિ હોવી જોઈએ. બસ માત્ર પ્રેમ અને પ્રેમ માટેનું સમર્પણ હોવું જોઈએ. બસ માત્ર પ્રેમ અને પ્રેમનું સામ્રાજ્ય હોવું જોઈએ. સમગ્ર અસ્તિત્વમાં સમગ્રતામાં માત્ર પ્રેમ અને પ્રેમ જ પ્રજ્વલિત હોવો જોઈએ. ઈશ્ર્વર પ્રત્યેનો આ પ્રેમ એટલે જ ભક્તિની પરાકાષ્ઠા. આ પ્રેમ વિશ્ર્વાસ જગાવે, આ પ્રેમ શ્રદ્ધા સ્થાપિત કરે, આ પ્રેમ થકી જ વિવેક તથા સંયમ જળવાઈ રહે અને આ પ્રેમ જ ધર્મના આચરણ માટેનું કારણ બની રહે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button