ધર્મતેજ

તે કાળના સમગ્ર આર્યાવર્તના ભગવાન શ્રીકૃષ્ણ લગભગ સર્વમાન્ય રાજનેતા હતા

જીવનનું અમૃત -ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
૧૭. રાજનેતા શ્રીકૃષ્ણ રાજા નથી, પરંતુ રાજરાજેશ્ર્વર છે!
કંસના ઉદ્ધાર પછી ‘રાજાને જીતે તે રાજા થાય’ તદનુસાર સૌ ઈચ્છતા હતા કે શ્રીકૃષ્ણ મથુરાના રાજા થાય, પરંતુ શ્રીકૃષ્ણ રાજગાદી પર બેઠા નહિ અને ઉગ્રસેનને રાજગાદી પર બેસાડ્યા.
દ્વારિકાની સ્થાપના તેમના દ્વારા જ થઈ, તેઓ જ દ્વારિકાધીશ ગણાય છે. તેમણે ઈચ્છ્યું હોત તો સરળતાથી અને સર્વસંમતિથી તેઓ રાજા બની શક્યા હોત, પરંતુ તેમણે રાજગાદીનો સ્વીકાર ન કર્યો, આમ છતાં વસ્તુત: તેઓ જ દ્વારિકાના ખરા રાજા હતા.
જરાસંધના ઉદ્ધાર પછી પણ ભગવાને ગાદી જરાસંધના પુત્ર સહદેવને સોંપી છે. આમ અનેક વાર ભગવાન રાજા નહિ, પરંતુ રાજા બનાવનાર (ઊંશક્ષલ ળફસયિ) બન્યા છે.
તે કાળના સમગ્ર આર્યાવર્તના ભગવાન શ્રીકૃષ્ણ લગભગ સર્વમાન્ય રાજનેતા હતા.
પાંડવોને તેમનું રાજ્ય તેમણે જ અપાવ્યું છે અને જરાસંધના ત્રાસથી અનેક રાજાઓને તેમણે જ મુક્ત કર્યા છે. યાદવોનું નવું રાજ્ય દ્વારિકા તેમનું જ સર્જન છે.
ભૌમાસુર, નકલી વાસુદેવ આદિના ત્રાસમાંથી પ્રજાને તેમણે જ મુક્તિ અપાવી છે.
બાણાસુર પર વિજય તેમના થકી જ સિદ્ધ થયો છે.
ભગવાન શ્રીકૃષ્ણ વિધિવત રાજા નથી, છતાં સર્વમાન્ય રાજરાજેશ્ર્વર છે અને કુશળ રાજનેતા પણ છે જ!
૧૮. મહાન વક્તા
શ્રીકૃષ્ણ એક મહાન વક્તા પણ છે. શ્રીકૃષ્ણ શું નથી?
મહાભારત અને શ્રીમદ્ ભાગવતમાં ભગવાન શ્રીકૃષ્ણનાં અનેક વક્તવ્યો સંગ્રહિત છે. શ્રીમદ્ ભગવદ્ગીતા, ઉત્તરગીતા અને ઉદ્ધવગીતા – આ ત્રણ વક્તવ્યો તો સુપ્રસિદ્ધ છે, પરંતુ આ ત્રણ ઉપરાંત પણ ભગવાનનાં અનેક વક્તવ્યો છે જ!
ગોપબાળકો અને ગોપીઓ સાથેના સંવાદો, નંદબાબા અને યશોદામા સાથેના સંવાદો, યુધિષ્ઠિર અને દ્રૌપદી સાથેના સંવાદો, કુંતાજી, અર્જુન અને ઉદ્ધવજી સાથે સંવાદોમાં ભગવાન શ્રીકૃષ્ણની વાક્છટા અભિવ્યક્ત થાય છે. શ્રીકૃષ્ણની વાક્છટા જોઈને સ્પષ્ટત: લાગે છે કે તેઓ એક અપ્રતિમ વક્તા છે!
આ બધું છતાં શ્રીકૃષ્ણનું વક્તૃત્વનું ચરમ સ્વરૂપ તો એક અન્ય પ્રસંગે જ અભિવ્યક્ત થાય છે. ભગવાન શ્રીકૃષ્ણ શાંતદૂત બનીને હસ્તિનાપુર જાય છે. તે વખતે કૌરવોની રાજસભામાં ભગવાન જે વક્તવ્ય આપે છે, તેમાં ભગવાનનું જ વક્તૃત્વ, જે વાક્છટા અભિવ્યક્ત થાય છે, તે અપ્રતિમ છે. હજારો વર્ષ પછી પણ આ વક્તવ્ય વિદ્વાનોમાં અનવરત આદરપાત્ર અને પ્રશંસનીય બની રહ્યું છે.
કેમ ન હોય?
ભગવાન શ્રીકૃષ્ણ એક મહાન વક્તા પણ છે જ!

આ વક્તવ્ય વાણીના અધિપતિનું વક્તવ્ય છે.

વાણીનાં દેવી સરસ્વતી તેમને અનુસરે છે.

૧૯. શાંતિદૂત – વિષ્ટિકાર
ભગવાન શ્રીકૃષ્ણ મહાન યોદ્ધા છે. પાંડવો પણ વીર પુરુષો છે. તેઓ કોઈ યુદ્ધથી ડરતા નથી. આમ છતાં તેઓ યુદ્ધખોર નથી. તેઓ શાંતિ ઈચ્છે છે.

તેઓ બરાબર સમજે છે કે મહાભારતનું યુદ્ધ માત્ર પાંડવો અને કૌરવો વચ્ચેનું યુદ્ધ નથી. આ યુદ્ધ સમગ્ર ભારતવર્ષનું યુદ્ધ થવાનું છે. આ યુદ્ધમાં મહાવિનાશ થશે. પાંડવો અને ભગવાન શ્રીકૃષ્ણ મહાયુદ્ધની આ વિનાશકતા અને નિરર્થકતા બરાબર સમજે છે અને તેથી શાંતિના એક છેલ્લા પ્રયત્ન માટે ભગવાન શ્રીકૃષ્ણ
શાંતિદૂત બનીને હસ્તિનાપુરમાં જાય છે.

કૌરવોની રાજસભામાં ઔપચારિક સ્વાગત પછી ભગવાન શ્રીકૃષ્ણ શાંતિના દૂત તરીકે વક્તવ્ય આપે છે.

આ મહાન વક્તવ્યમાં ભગવાન ધૃતરાષ્ટ્ર આદિ સભાજનો શું કહે છે? વિષ્ટિકાર તરીકે ભગવાન શું કહે છે? વાણીના અધિપતિના વક્તવ્યમાં શું-શું કહેવાય છે?

એકસઠ શ્ર્લોકના આ વક્તવ્યમાં ભગવાન કહે છે-
૧. રાજન્! મારા આગમનનો હેતુ શાંતિ છે.

૨. કુરુવંશ આર્યાવર્તનો એક મહાન રાજવંશ છે. તે વંશના ગૌરવને અનુરૂપ વર્તન કરો.

૩. આજ સુધી કૌરવોએ પાંડવો અને દ્રૌપદી પ્રત્યે ઘણો અનુચિત વ્યવહાર કર્યો છે. હવે તેમ કરવું બંધ કરો.

૪. માત્ર પાંડવો અને કૌરવો માટે જ નહિ, પરંતુ સમગ્ર ભારતવર્ષ માટે આ મહાયુદ્ધનાં પરિણામો બહુ ભયંકર અને બહુ આકરાં હશે. માટે આ યુદ્ધ ટાળી શકાય તો ઉત્તમ થશે.

૫. રાજન્! યુદ્ધ અને શાંતિમાં શાંતિ જ શ્રેયસ્કર છે. શાંતિ દ્વારા રાજા અને પ્રજા સૌ સુખી થાય છે; માટે શાંતિના આ પ્રસ્તાવનો સ્વીકાર કરો.

૬. પાંડવો આપના પુત્રો છે. તેમને પોતાના પુત્રો માનીને વાત્સલ્યભાવે તેમની સંભાળ રાખો.

૭. જો પાંડવો અને કૌરવો સાથે સંપીને રહેશે તો આર્યાવર્તના કોઈ રાજા તો શું, પરંતુ દેવો પણ તમને જીતી નહિ શકે, માટે રાજન્! સુલેહ અને શાંતિના મારા પ્રસ્તાવનો સ્વીકાર કરો!

૮. પાંડવો શાંતિ ઈચ્છે છે, પરંતુ તેઓ ભયને કારણે શાંતિ ઈચ્છે છે, તેવું નથી. તેઓ નિશ્ર્ચિતપણે શાંતિ ઈચ્છે છે, પરંતુ આવી જ પડે તો યુદ્ધ માટે પણ તૈયાર જ છે!

એકસઠ શ્ર્લોકના આ વક્તવ્યમાં ભગવાને ઘણું કહી દીધું છે, કહેવા જેવું બધું જ કહી દીધું છે!

આવું છે, શાંતિદૂત – વિષ્ટીકાર વાણીના અધિપતિનું વક્તવ્ય!
આ બધું છતાં ભગવાનનું આ શાંતિકાર્ય દુર્યોધનની અવળચંડાઈને કારણે નિષ્ફળ રહ્યું અને યુદ્ધ આવી જ પડ્યલું, તે તો સર્વવિદિત છે જ!

૨૦. કુશળ વ્યવસ્થાપક
દ્વારિકાનગરની સ્થાપના, દ્વારિકાના રાજ્યની વ્યવસ્થા, ઇન્દ્રપ્રસ્થની સ્થાપના મહાભારતના યુદ્ધમાં પાંડવપક્ષનાં લશ્કરી આયોજન અને વ્યવસ્થા આદિ અનેક વ્યવસ્થાઓ ભગવાન શ્રીકૃષ્ણના માર્ગદર્શન પ્રમાણે થઈ છે.

ભગવાન શ્રીકૃષ્ણ એક સફળ અને કુશળ વ્યવસ્થાપક પણ છે.

ભગવાન શ્રીકૃષ્ણ ચતુર શિરોમણિ અને ચતુર સુજાણ પણ છે જ!

૨૧. આનંદપુરુષ શ્રીકૃષ્ણ

પરબ્રહ્મ પરમાત્માના પૂર્ણાવતાર હોવાથી ભગવાન શ્રીકૃષ્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તદનુસાર આનંદ તો તેમનું સ્વરૂપ છે. તે તો છે જ, પરંતુ તેમનાં માનવીય પાસાંનો વિચાર કરીએ તો પણ શ્રીકૃષ્ણ આનંદપુરુષ છે.

ભગવાન શ્રીકૃષ્ણ દુ:ખી થયા કે વિષાદમાં સરી પડ્યા તેવી ઘટના તેમના જીવનમાં જોવા મળતી નથી.

આમ જોઈએ તો તેમના જીવનમાં એવી ઘટનાઓ અનેક બની છે કે જે વખતે સામાન્યત: માનવી દુ:ખી-દુ:ખી થઈ જાય આમ છતાં શ્રીકૃષ્ણ જેમનું નામ! તેઓ સદાસર્વદા, સર્વસંજોગોમાં આનંદપુરુષ જ રહે છે. તેમની આનંદાવસ્થા અક્ષુણ્ણ જ રહે છે.

૨૨. મહાન યોદ્ધા શ્રીકૃષ્ણ

હા, શ્રીકૃષ્ણ મહાન યોદ્ધા પણ છે જ! સૌથી પ્રથમ શ્રીકૃષ્ણ બળવાન, મહાન બળવાન છે.

શ્રીકૃષ્ણ મલ્લ છે. ચાણુર, મુષ્ટિક, શલ, તોશલ જેવા કંસના મહાબળવાન મલ્લોને ભગવાને ઘડીના છઠ્ઠા ભાગમાં મહાત કર્યા છે.

શ્રીકૃષ્ણ ધનુર્ધારી યોદ્ધા પણ છે જ. અને બ્રહ્માસ આદિ દિવ્ય અસ્ત્રોના પણ ઉત્તમ જ્ઞાતા છે.

આમ છતાં એક યોદ્ધા તરીકે તેમનું પ્રધાન સ્વરૂપ તો ‘ચક્રધારી’ સ્વરૂપ છે. ભગવાન શ્રીકૃષ્ણના હાથમાં ચક્ર હોય ત્યારે વિશ્ર્વનો કોઈ યોદ્ધો તેમની સામે એક ક્ષણવાર પણ ટકી ન શકે.

ભગવાન શ્રીકૃષ્ણ માત્ર બંસીધર શ્રીકૃષ્ણ જ નથી. તેઓ ચક્રધારી શ્રીકૃષ્ણ પણ છે જ!

ભગવાન શ્રીકૃષ્ણ માત્ર યોદ્ધા જ નથી તેઓ યુદ્ધવિદ્યા વિશારદ, રક્ષાવિશેષજ્ઞ અને રણચતુર છે.

લશ્કરી શક્તિની દૃષ્ટિએ જોઈએ તો કૌરવપક્ષનું લશ્કરી સામર્થ્ય વધુ છે. પિતામહ, ભીષ્મ, દ્રોણાચાર્ય, અશ્ર્વત્થામા, કર્ણ, શલ્ય આદિ મહાન યોદ્ધાઓ કૌરવપક્ષે છે. સૈનિકોની સંખ્યા, યુદ્ધ સરંજામ, રથ, હાથી, ઘોડા આદિ પણ કૌરવો પાસે અધિક છે. આમ છતાં પાંડવોનો વિજય થયો! કઈ શક્તિ થકી? પાંડવપક્ષની આ શક્તિ છે – શ્રીકૃષ્ણ!

ભગવાન શ્રીકૃષ્ણે શસ્ત્રો તો ધારણ કર્યાં નથી; તોપણ તેમની રણચાતુરી થકી પાંડવોને સતત તેમનું માર્ગદર્શન મળતું રહ્યું છે અને તેમના માર્ગદર્શન પ્રમાણે યુદ્ધ કરીને પાંડવોએ કૌરવો પર વિજય પ્રાપ્ત કર્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button