ધર્મતેજ

ભગવાન કૃષ્ણ કહે છે સત્સંગ કરો સત્સંગ બુદ્ધિને નિર્મળ ને સાફ કરે છે

માનસ મંથન -મોરારિબાપુ

तात स्वर्ग अपबर्ग सुख धरिअ तुला एक अंग |
तूल न ताहि सकल मिलि जो सुख लव सत्संग ||
મારાં ભાઈ-બહેનો, કૃષ્ણ ચરિત્રમાં વિરહ બહુ છે. કૃષ્ણનો આખો કાર્યકાળ છે, મથુરાની જેલથી લઈ અને પ્રાચીના પીપળાના ઝાડ સુધીનો જે એનો કાર્યકાળ છે, એમાં બહુ સંઘર્ષ આવ્યો છે; બહુ વિનાશક ઘટનાઓ ઘટી છે. પણ બે પ્રસંગ- મહાભારતનું કુરુક્ષેત્ર અને શ્રીમદ ભાગવતજીનું ક્રીડાક્ષેત્ર, આ બે બહુ મહત્ત્વના છે. વ્રજભૂમિ, વૃંદાવન અને કુરુક્ષેત્રના મેદાનમાં કોઈનો નાશ શસ્ત્રોથી નથી થયો. શસ્ત્ર તો ઉપયોગમાં લેવાયા, કારણ કે શસ્ત્ર યુદ્ધની શોભા છે, લડાઈનું એક માધ્યમ છે. બાકી કોઈ ક્યાં ક્યારે શસ્ત્રથી મર્યું છે? કોઈ આજ સુધી શસ્ત્રથી કોઈને મારી શક્યો છે? આત્મા તો અવધ્ય છે. કુરુક્ષેત્રના મેદાનમાં જે મર્યા, તે કેવળ શસ્ત્રથી નથી મર્યા, ફક્ત બુદ્ધિનાશને કારણે મર્યા છે! બાપ! મારો અને તમારો નાશ કેવળ બુદ્ધિના પતનથી થાય છે. બુદ્ધિ નાશાત પ્રણશ્યતી. સંસારમાં આપણો નાશ ન એટમબૉમ્બ,ય કોઈ શસ્ત્ર, ય કોઈનું સાધન કરી શકે છે, વ્યક્તિનો નાશ કેવળ બુદ્ધિના નાશથી થાય છે અને આ બુદ્ધિને દીક્ષિત કરવાનું કામ ભગવતકથા કરે છે. સત્સંગ બુદ્ધિને નિર્મળ, સાફ કરે છે. તેથી ખૂબ સત્સંગ કરો. સત્સંગ માટે જો કંઈક ગુમાવવું પડે, તો સાધકોએ તેની પણ તૈયારી રાખવી જોઈએ.

વૈષ્ણવ આચાર્યોનો એક મત છે- જ્ઞાન અગ્નિ છે, સંસાર પ્રપંચ, માયા, જલ છે. અગ્નિ કેટલોય પ્રબળ હોય પણ માયા એને બુજાવી શકે. તમારા પોતાના અનુભવથી એને ભીંજાવી દેશે કૃષ્ણએ પણ કહ્યું જ્ઞાનાગની, જ્ઞાન અગ્નિ છે. પરંતુ માયા, પ્રપંચ, આપણે અહંતા, આ મારું અને આ તારું એ જલ છે જે અગ્નિને બુઝાવી દેશે. બહુ પ્રબળ અગ્નિ હશે તો કદાચ થોડો ઓછો બુજાશે, બાકી પાણી અસર કર્યા વિના ન રહે. વિશ્ર્વામિત્ર જેવા જ્ઞાની જ્ઞાનઅગ્નિને પણ આ પ્રપંચે થોડો બુઝાવ્યો અને ધુમાડો કાઢી નાખ્યો. આપણું જ્ઞાન પણ નહીં બચે. વૈષ્ણવ આચાર્યો કહે છે કે જળને તમે પાત્રમાં લઈ લો, પછી અગ્નિ પ્રગટ કરો તો અગ્નિ નહીં બુજાય, અગ્નિને કારણે પાણી ધીરે ધીરે બળી જશે, વરાળ બની ઊડી જશે. સીધા જ્ઞાનને પણ આ પ્રપંચરૂપી અગ્નિ કંઈ ને કંઈ કરી દે છે. મોટા મોટાના જીવનમાં મુશ્કેલીઓ આવી છે, પરંતુ પાત્રમાં જો જલ લેવામાં આવે તો જે પાણી અગ્નિને બુઝાવતું હતું તે પોતે પાત્રમાં હોવાને લીધે બળી જાય છે.

માયા જલ છે; જ્ઞાન અગ્નિ છે; સત્સંગ પાત્ર છે. સત્સંગરૂપી પાત્રમાં જ્યારે માયારૂપી પ્રપંચ ભરવામાં આવે તો જ્ઞાનરૂપી વિવેક એ પ્રપંચને બાળી નાખશે પછી કોઈ પતન નહીં થાય. બાપ! બુદ્ધિ પ્રાપ્ત થાય પુરુષાર્થથી, અભ્યાસથી, સ્વાધ્યાયથી, અધ્યયનથી. બુદ્ધિને પ્રાપ્ત કરવાના ઘણાં કેન્દ્રો છે. બહુ સારાં પુસ્તકો વાંચો તો બુદ્ધિનો વિકાસ થાય. સારા માણસોના સંગમાં રહીએ, સારું સાંભળીયે, બુદ્ધિનો વિકાસ થાય. ખૂબ અધ્યયન કરીએ, શાળા-કોલેજમાં આગળ આગળ ખૂબ ભણીએ તો જે તે સબ્જેક્ટ-જે વિષયો આપણે પસંદ કર્યા હોય એમાં આપણી બુદ્ધિનો વિકાસ થાય. એટલે બુદ્ધિ પ્રાપ્ત કરવાનાં ઘણાં કેન્દ્રો છે, પણ બુદ્ધિની શુદ્ધિ કોઈ દિવસ પુરુષાર્થથી નથી થતી, કેવળ કોઈની કૃપાથી થાય છે. બહુ મોટામાં મોટો સૂત્રપાત તુલસીદાસજી આ પંક્તિમાં કરે છે. બુદ્ધિ મેળવી શકો તમે, પણ બુદ્ધિની શુદ્ધિ કૃપા વિના સંભવ નથી. હવે જે લોકો બુદ્ધિ પ્રાપ્ત કરે છે, બુદ્ધિમાન હોય છે, બોદ્ધિક હોય છે એવા લોકોમાંય ક્યારેક ક્યારેક બુદ્ધિની અશુદ્ધિ કેમ દેખાય છે? એનું કારણ એજ છે કે એ પ્રયત્નોથી સંભવ નથી. બુદ્ધિ બહુ છે સંસારમાં ,પણ વિશુદ્ધ નથી.એનું કારણ, કોઈની કૃપા આપણે સંપાદિત કરી શક્યા નથી.

આ પૃથ્વીનો ગોળો બહુ સુંદર છે, બાપ! આને બગડવા નહિ દેવો જોઈએ. અમુક મુર્ખ લોકો જે ઊતરી પડ્યા છે એને સમજાવો. આ ગ્રહ પર આપણને ઈશ્ર્વરે મોકલ્યા છે એને અમુક નાસમજ લોકો ભયંકર શસ્ત્રો દ્વારા છિન્નભિન્ન કરવાની વાતો કરી રહ્યા છે. એને કોઈ રોકો… યુદ્ધ વગરની દુનિયા ન બનાવી શકાય? ભગવાન કૃષ્ણને કહેવું પડ્યું: ‘યુદ્ધ મારી નિયતિ છે, મારો સ્વભાવ નથી. હું કરું છું, મારે એમાં ઊતરવું પડ્યું છે, મારો સ્વભાવ નથી. મારો સ્વભાવ તો એકાંતમાં ક્યાંક પીપળાની નીચે બેસીને કોઈનું તીર ખાઈને નિર્વાણ પામવાનો છે.’ આ પૃથ્વીનો ગોળો સાચવવાની બહુ જરૂર છે.

બુદ્ધિ દીક્ષિત થાય છે સત્સંગથી. તેથી જ્યાંથી મળે, જેટલી માત્રામાં મળે, એટલી માત્રામાં સત્સંગ લઈ લો. મને કોઈ પૂછે તો કહું કે, મુક્તિનીયે ઝંખના ન કરો, મુક્તિ તો મળવાની જ છે. કોઈની મજાલ નથી કે આપણી મુક્તિને રોકી શકે. બે જનમ પછી મળશે. ક્યાં જવાની છે? કોણ ચિંતા કરે? ભગવાન પણ મળેલા છે. મારી વિનમ્ર સમજ પ્રમાણે કોઈ પૂછે તો હું કહીશ કે આપણે અહીં આવ્યા છીએ સત્સંગ માટે. संत संग अप वर्ग कामी भव कर पंथ | તુલસીદાસજીએ રામાયણમાં એક ત્રાજવું પેદા કર્યું છે અને આપણે બધા જાણીએ છીએ કે ત્રાજવામાં જે પલ્લું ભારે હોય એ નીચે બેસી જશે અને હલકું ઉપર ઊઠી જશે. એનો અર્થ એ કે સુખનું પલ્લું ભારે નથી, એ હલકું છે તેથી ઉપર ગયું અને સત્સંગનું ભારી છે કારણ કે જમીન ઉપર સત્સંગ મળે છે. ધરતી પર સત્સંગ મળે છે. વૈકુંઠમાં કેટલો સત્સંગ મળે છે એની મને ખબર નથી, પરંતુ વ્રજમાં નિત્ય સત્સંગ મળે છે. તો સત્સંગ બહુ મહત્ત્વનો છે. આપણો નાશ ન કોઈ વેરી કરી શકે, ન કોઈ રાક્ષસ કરી શકે, કોઈ ન કરી શકે, કોઈની તાકાત નથી. મારો અને તમારો નાશ કેવળ બુદ્ધિનાશથી થાય છે. કુરુક્ષેત્રની ક્રિયામાં બુદ્ધિ નાશી નાશ થયો, બધા મરી ગયા છે. અને વ્રજની ક્રીડામાં એક વસ્તુથી બધાનો વિકાર મરી ગયો. સત્ય વસ્તુથી બધા વિકારોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું અને એ યોજના હતી વિરહ. આલાપ,પ્રલાપ અને વિલાપ એ વિરહ વિના સંભવ નથી. માટે આપણી બુદ્ધિને નિર્મલ કરવા સત્સંગ કરીએ.
(સંકલન: જયદેવ માંકડ)

Show More

Related Articles

Back to top button
સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી… તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ…