ધર્મતેજનેશનલસ્પેશિયલ ફિચર્સ

તે જ ક્ષણમાં જીવવાનું છે

મનન -હેમંત વાળા
માત્ર વર્તમાન અસ્તિત્વ ધરાવે છે. ભૂતકાળ સ્મૃતિ રૂપે મનમાં સંગ્રહાયેલો રહે છે જ્યારે ભવિષ્ય કલ્પના સમાન છે. વર્તમાન જ વાસ્તવિકતા છે. કોઈપણ કાર્યમાં સંલગ્ન થવા માટે વર્તમાનમાં જ સંભાવના છે.

વર્તમાન છે એટલે જ સંભાવના છે. શ્ર્વાસ વર્તમાનમાં લઈ શકાય, શરીર પર અને મન પર વર્તમાનમાં જ કામ થઈ શકે, ચિત્તની શાંતિ માટે પણ વર્તમાનમાં જ પ્રયત્ન કરવો પડે, પોતાના દુશ્મન પણ વર્તમાનમાં જ ઊભા થાય અને વર્તમાનમાં જ વ્યક્તિ મિત્ર બનાવી શકે. જીવન ટકાવી રાખવા, જીવનને દિશા આપવા, જીવનને અનુભવવા, જીવનની યથાર્થતા સમજાવવા વર્તમાન જ
સક્ષમ છે.

આ વર્તમાનમાં જ જીવવાનું છે. વર્તમાનમાં જ કાર્યરત થવાનું છે. વર્તમાન થકી જ ભૂતકાળની પરંપરા ચાલુ રાખી શકાય અને ભવિષ્યના સપનાને સાકાર કરવાનો પ્રયત્ન કરી શકાય. વર્તમાનમાં ભૂતકાળની છાપ વર્તાય અને ભવિષ્યની આશા બંધાય. વર્તમાન છે એટલે ભૂતકાળની સ્મૃતિ છે અને વર્તમાનના અસ્તિત્વને કારણે જ ભવિષ્ય તરફ નજર માંડી શકાય. આ વર્તમાનમાં જીવવાનું છે. જે ક્ષણ જે રીતે સમક્ષ આવે તે રીતે તેને પ્રતિભાવ આપવો પડે. મહાભારતમાં એક સમયે વેદવ્યાસજી જન્મેજયને સમજાવે છે કે યુદ્ધ જો સામે આવે તો લડી લેવાનું, અને તે પણ જીતવા માટે. આ યુદ્ધ વર્તમાનમાં જ લડાય. આ સત્ય દરેક પરિસ્થિતિને લાગુ પડે છે.

એક વિચારધારા પ્રમાણે એમ કહેવાય છે કે ‘જજમેન્ટલ’ – નિર્ણાયક નહીં બનવાનું. જે તે સમયે જરૂરી નિર્ણય લઈ લેવાનો પરંતુ કોઈ પણ બાબતે સમગ્રતામાં ધારણા નહીં બાંધી દેવાની. પરિસ્થિતિ બદલાઈ શકે. આ જ યોગ્ય છે અને તે સિવાયનું બધું જ અયોગ્ય, આ પ્રકારની માન્યતા એક સમયે સ્વીકૃત બની શકે પરંતુ તે સ્વીકૃતિમાં મર્યાદાઓ રહેલી હોય. શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે કોઈપણ બાબતને સંપૂર્ણતામાં સત્ય નથી કહી શકાતી કે અસત્ય પણ નથી કહી શકાતી. દરેક પરિસ્થિતિનો એક સંદર્ભ હોય છે, દરેક પરિસ્થિતિ જુદા જુદા સંજોગોને કારણે અસ્તિત્વમાં આવે છે, દરેક પરિસ્થિતિના ઉદભવ પાછળ કાર્ય-કારણની એક શૃંખલા સંકળાયેલી હોય છે. કોઈપણ પરિસ્થિતિ આકસ્મિક નથી હોતી. કોઈપણ પરિસ્થિતિ હેતુ વિના આકાર નથી લેતી.

સૃષ્ટિમાં આકાર લેતી પ્રત્યેક ઘટના એક લાંબી પરંપરાનું પરિણામ છે. તેની પાછળના બધા જ કારણો ક્યારેય સમજમાં આવી ન શકે. સમજની આ મર્યાદા છે. બુદ્ધિની એ મર્યાદા છે. કાં તો બુદ્ધિ પાસે સમય ઓછો છે કાં તો બુદ્ધિની ક્ષમતાની બહારનો એ વિસ્તાર છે. જ્યાં સુધી સંપૂર્ણતામાં સમજ ન સ્થપાય ત્યાં સુધી યોગ્ય-અયોગ્યનો નિર્ણય ન લઈ શકાય. માતા તરીકે ગંગા જ્યારે પોતાના નવજાત શિશુને નદીમાં વહાવી દે ત્યારે પ્રશ્ન તો થાય જ, પરંતુ જ્યારે વસુના ઉદ્ધારની વાત સમજમાં આવે ત્યારે તે પ્રશ્નનું નિરાકરણ થઈ જાય. આ અને આવી વાત સામાન્ય માનવીની સમજમાં ભાગ્યે જ આવે. અને તેથી નિર્ણયાત્મક બનવું ઇચ્છનીય નથી ગણાતું. જે રીતે પરિસ્થિતિ સામે આવે – જે રીતે વર્તમાન સ્થાપિત થાય – તે રીતે તેને પ્રતિભાવ આપવો એ સૌથી સલામત માર્ગ છે.

તે ક્ષણ જેવી રીતે સમક્ષ આવે તે રીતે તેને જીવી લેવાની. જે સમય જે રીતે સ્થાપિત થાય તે મુજબ સંભવિત ઘટનાક્રમ નિર્ધારિત કરવાનો. જે પ્રકારે સંજોગો ઉભરે તે પ્રકારને યોગ્ય રીતે સમજી તે સમયના પ્રશ્નોનો ઉકેલ લાવવા પ્રયત્ન કરવાનો, અને ઉભરેલી સ્થિતિમાં રહેલી સંભાવનાઓને ફળીભૂત કરવાની. સૃષ્ટિનો આ નિયમ છે કે જે પરિસ્થિતિ જે રીતે આકાર લે તેને તે રીતે પ્રતિભાવ આપવાનો.

સામાજિક ઉત્તરદાયિત્વ છે. પાડોશી ધર્મ પણ નિભાવવાનો છે. પડોશમાં કોઈકને હૃદય રોગનો હુમલો થાય તો તેમને હોસ્પિટલ પહોંચાડવાની વ્યક્તિની જવાબદારી ગણાય. પણ તે જ વખતે જો ઘરમાં કોઈને હૃદય રોગનો હુમલો થાય તો પાડોશીને છોડીને પોતાના કુટુંબીજનને હોસ્પિટલ પહોંચાડવામાં આવે. તે જ વખતે જો પોતાને હૃદય રોગનો હુમલો આવે તો બધું જ ભૂલીને પોતાની સારવાર માટેની વ્યવસ્થા કરવી પડે. વર્તમાનને સમજવા માટે, વર્તમાનની પરિસ્થિતિને સમજવા માટે, વર્તમાનની પરિસ્થિતિને અનુકૂળ વ્યવહાર કરવા માટે આ એક ઉદાહરણ છે. સંજોગોને અનુસાર તે જ ક્ષણે નિર્ણય લેવાનો હોય છે.

બધી જ વસ્તુઓ પહેલેથી નિર્ધારિત કરી રાખવી જરૂરી નથી, ઇચ્છનીય પણ નથી. આગોતરું આયોજન કરી શકાય, પણ તે તો એક સંભાવના તરીકે. હકીકત જ્યારે સામે આવે ત્યારે બની શકે કે આયોજન કામમાં ન આવે. આ પ્રકારનું આયોજન કરવું હોય તો એક સાથે એક કરતાં વધુ પ્લાન તૈયાર રાખવા પડે. બની શકે કે આમાંનો એક પણ પ્લાન કામમાં ન આવે. છતાં પણ, પછી જે સંભાવના હોય તે પ્રમાણે કાર્યમાં સંલગ્ન થવું પડે. અંતિમ નિર્ણય તો તે ક્ષણે જ લેવો પડે.્ સંભાવના તરીકે જે આયોજન કરવામાં આવ્યું હોય તેની કેટલીક બાબતો અનુકૂળ બની પણ રહે, પરંતુ તે સંપૂર્ણતામાં ઉકેલ આપવા અસમર્થ હોય. આખરી નિર્ણય તો વર્તમાનમાં જ લેવો પડે.

દરેક પરિસ્થિતિ એક પ્રશ્ન હોય છે જેનો જવાબ શોધવો પડે. દરેક પરિસ્થિતિ ભિન્ન ભિન્ન હોય છે તેથી જવાબમાં ભિન્નતા હોય તે પણ સ્વાભાવિક છે. પ્રશ્નની સમજ વગર જવાબ ન મળી શકે. પ્રશ્ન ત્યારે જ સમજમાં આવે જ્યારે તે સામે આવીને ઊભો હોય. અર્થાત વર્તમાનના પ્રશ્નનો જ જવાબ યથાર્થતા પૂર્વક ગોતી શકાય. જો પ્રશ્નનું અસ્તિત્વ જ ન હોય તો જવાબ માટેની માત્ર કલ્પના હોય. પ્રશ્ન જ્યારે વાસ્તવિક બને ત્યારે તે જવાબ સાર્થક બની રહે. વર્તમાનને સમજવાનો છે. વર્તમાનમાં ઉપસ્થિત થયેલા પ્રશ્નને સમજવાના છે. પ્રાપ્ય સંસાધનો અને વ્યક્તિગત ક્ષમતાને મુલવવાનાં છે. પ્રશ્નોના નિરાકરણ માટે પ્રાપ્ય સમયને પણ સમજવાનો છે. આ બધાને એકત્રિત કરીને વર્તમાનના પ્રશ્નો માટે વર્તમાનમાં જ જવાબ ગોતવો પડે. તે ક્ષણના પ્રશ્નોને તે ક્ષણે જ ઉકેલવા પડે. આ જ જીવન છે – તે ક્ષણનું જીવન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button