ધર્મતેજ

દેવોના અધ્યક્ષ વિઘ્નહર્તા દેવનો સર્વોત્કૃષ્ટ શ્રીગણેશોત્સવ મનમોહક ઉજવીએ

તસવીરની આરપાર – ભાટી એન.

“વક્રતુંડ મહાકાય, સૂર્ય કોટિ સમ પ્રભા, નિર્વિઘ્નં કુરુ મે દેવા, સર્વ કાર્યેષુ સર્વદા॥
હિન્દુ સનાતન ધર્મમાં દેવાધિદેવ મહાદેવનો આખો પરિવાર સમષ્ટિગત પૂજાય છે. શંકર, પાર્વતી, ગણેશ અને કાર્તિકેયનું સૃષ્ટિ પર એકચક્રી શાસન ચાલે છે..!? ભોળાનાથનો પરિવાર નિરંતર ઓનલાઈન લાગે છે! આખા શ્રાવણમાં હર… હર… મહાદેવ… ૐ નમ: શિવાયના જપ અને તપ કર્યું ત્યાં આવી ભાદરવા સુદિ ચોથની મહાસિદ્ધિ વિનાયક ચોથ એટલે ગણેશ ચતુર્થી એ દુંદાળા દેવ એવા વિઘ્નહર્તા શ્રી ગણેશજીને ભજવાનો રૂડો અવસર છે. એની ઉજવણી ધામધૂમપૂર્વક હર્ષોલ્લાસથી કરવામાં આવે છે. મહારાષ્ટ્ર, ગુજરાતમાં ગણેશોત્સવ નિમિત્તે શેરી-ગલીએ મહોલ્લા-ચોકમાં પંડાલ બાંધીને ગણપતિની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે. મૂળ મહારાષ્ટ્રમાં ઉજવાતા આ તહેવારો છેલ્લાં થોડાં વર્ષોથી ગુજરાતને ઘેલું કર્યું છે…!

ગુજરાતના મોટા ભાગનાં શહેરોમાં હવે ગણેશોત્સવ ઉજવાવા લાગ્યો છે. ગુજરાતમાં દેવાધિદેવ મહાદેવ, ભગવાન શ્રીકૃષ્ણ, મા અંબે, હનુમાનજીની સાથેસાથ ગણપતિ પણ ભક્તજનોના તન-મનમાં એક રસ થઈ ગયા છે. ગણેશજી દુંદાળા છે અને હાથીનું મુખડું ધરાવતા હોવા છતા તેમનું સૌંદર્ય મનોહર દીસે છે…! એટલે આપણે ત્યાં લાંબી સૂંઢવાળા ગણપતિ આપણી આંખોના તારા બની ગયા છે. આપણને તેમની ઉપાસના તથા જપ-તપથી કરવાનું અનહદ ગમે છે. ગણેશને દેવોના અધ્યક્ષની પદવી માતા પાર્વતીના આગ્રહથી ભોળા શિવે આપી છે…! એટલે આપણે ત્યાં ઊજવાતા કોઈ પણ માંગલિક પ્રસંગમાં બધાં જ દેવ-દેવીઓની પૂજા કરતા પહેલાં શ્રી ગણેશનું પૂજન અર્ચન કરવામાં આવે છે. માંગલિક પ્રસંગમાં તો ઠીક પણ લોક ડાયરો, સંતવાણી જેવા કાર્યક્રમો કે કોઈ પણ પ્રકારના જાહેર કે ખાનગી કાર્યક્રમમાં ગણેશજીની સ્તુતિ કરવાનો મહિમા ગાવાનો એક ચાલ છે…!

સંકટ હરનાર વિઘ્નેશ્ર્વરાય ગણેશજી આપણને સુરક્ષા કવચ બક્ષે છે. તમામ કાર્યોમાં આપણે બે હાથ જોડી ગણપતિ દાદાને વિનંતી કરીએ છીએ કે હે ગણેશજી, અમારું આયોજન સુચારુ રીતે નિર્વિઘ્ને પાર પડે એટલું કરજો. આપણામાં એક કહેવત છે: ગણેશનાં કર્યા કામ ગણેશ ઉકેલે…! જોકે એમાં આપણે અપાર સાધનાનો તંતુ જોડાયેલો છે. ગણેશજી જ્ઞાની અને ગુણિયલ છે. તેમનું નામ માત્ર લેવાથી ચેતના પ્રગટે છે. ગણેશજીના લગ્ન રિદ્ધિ અને સિદ્ધિ સાથે થયા છે. અને તેમને લાભ ને શુભ નામના બે પુત્રો છે.

ગણેશ ચોથના દિવસે ગોળમાંથી બનાવેલા મોદક એટલે કે લાડુ બનાવીને ગણેશજીને નૈવેધ તરીકે ધરાવવામાં આવે છે. હું નાનો હતો ત્યારે અમારા ઘરના બારણાં પર લાભ-શુભ લખતો જે મને હજુયે યાદ છે. પ્રતિ વર્ષ લાભ-શુભને નવોન્મેશ રૂપમાં નિહાળી અમે પુલકિત થતા. ગણેશના ગાન-સ્તૃતિ કરવાથી ઘરમાં રિદ્ધિ-સિદ્ધિ રહે છે. અને નિરંતર લાભ થયા કરે છે. એટલે ધનના ઢગલા થાય છે…! ધન આવે તો આપણી પ્રગતિ થાય છે અને શુભ થાય એટલે સુંદરતા રહે છે…! સ્વચ્છતા રહે છે. ને ઘરમાં શુભ કાર્યો અવિરત થતાં રહે છે. તો ગણેશજીના આવા પરિવારને ભજવામાં કોણ પાછી પાની કરે…! ગણેશોત્સવનો મંગલકારી દા’ડો છે. ભાદરવા સુદિ ચોથને મહાસિદ્ધિ વિનાયક ચોથના દિવસે ઉત્તમોત્તમ નયનરમ્ય, સપ્તરંગી ગણેશજીની પ્રતિમાને ધામધૂમપૂર્વક લાવી ‘ગણપતિ બાપા મોરયા’ના નાદ સંગાથે નવ…નવ… દિવસના ભવ્યાતિભવ્ય ઉજવણી બાદ તેનું જળરાશીમાં વિસર્જન કરવામાં આવે છે.

Show More

Related Articles

Back to top button
Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે?