ધર્મતેજ

ચાલો ઉત્તરાયણને ઊંડાણપૂર્વક સમજીએ

પ્રાસંગિક -હેમુ ભીખુ

મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ દિવસે આવે છે – કે એક જ દિવસે મનાવવામાં આવે છે. સૂર્યના મકર રાશિના પ્રવેશની વાત તો સમજી શકાય એમ છે પણ તે દિવસે સૂર્ય ઉત્તર તરફ ખસે છે તે વાત ખગોળિય ઘટના તો નથી જણાતી. સૂર્યની ઉત્તર તરફની ભાસમાન-ગતિ ૨૧ કે ૨૨મી ડિસેમ્બરથી શરૂ થઈ પછીના વર્ષની ૨૧મી જૂન સુધીની ગણાય. ત્યાર પછી તે દક્ષિણ તરફ ગતિ કરતો હોય તેવું ભાસે. ખગોળિય ગણના પ્રમાણે સૂર્યની ઉત્તર તરફની ભાસમાન ગતિને ૧૪ જાન્યુઆરી સાથે જોડવાની પ્રક્રિયામાં કંઈક ગૂઢ અર્થ સમાયેલો હોવો જોઈએ. સામાન્ય તર્કમાં આ સમયગાળાને કૃષિ ઉત્પાદન સાથે સાંકળી લેવામાં આવે છે.

૧૫મી જાન્યુઆરીનું વિશેષ મહત્ત્વ મકરસંક્રાંતિને લીધે પણ હોઈ શકે. સંક્રાંતિનો એક અર્થ છે કે એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં સ્થાનાંતરિત થવું. સૂર્યના અનુસંધાનમાં આમ તો વર્ષમાં ૧૨ રાશિઓને અનુલક્ષીને કુલ ૧૨ સંક્રાંતિઓ થાય છે જ્યારે મકરસંક્રાંતિની વાત કરવામાં આવે ત્યારે સૂર્ય ધનુ રાશિને સ્થાને મકર રાશિની પૃષ્ઠભૂમિમાં દેખાય છે.

જ્યારે મેં ગીતાના આઠમા અધ્યાયમાં પહેલીવાર વાંચ્યું કે ઉત્તરાયણના સમયગાળામાં મૃત્યુ પામનાર વ્યક્તિ સદગતિ પામે છે, ત્યારે મનમાં પ્રશ્ર્ન ઉદ્ભવેલો. શું મૃત્યુ પછીની ગતિ મૃત્યુના સમય પર કે જીવનભર કરેલા કર્મોને આધારિત હોય. શું પાપી કે અધર્મી ઉત્તરાયણના સમયગાળામાં મૃત્યુ પામે તો એ મોક્ષ પ્રાપ્ત કરી શકે કે નહીં. જો ગીતામાં જ કર્મને મહત્ત્વ આપવામાં આવ્યું હોય તો પછી મૃત્યુના સમયને આટલું મહત્ત્વ કેમ મળ્યું. અને તેમાં પણ ઉત્તરાયણ વાસ્તવમાં ઉતરાયણ છીએ કે નહીં તે પણ પ્રશ્ર્ન છે.

દિશાઓને સમજવાની જરૂર છે. સમગ્ર બ્રહ્માંડની વાત કરીએ તો કશું જ ઉપર નથી કે કશું જ નીચે નથી, કશું જ ઉત્તરમાં નથી કે કશું જ દક્ષિણમાં નથી. સમગ્ર બ્રહ્માંડમાં પૂર્વ-પશ્ર્ચિમ જેવું પણ કંઈ નથી. પૂર્વ-પશ્ર્ચિમની ધારણા પૃથ્વી પર છે અને તે પૃથ્વીની ગતિને કારણે નિર્ધારિત થઈ છે. પૃથ્વી પર પૂર્વ છે અથવા પશ્ર્ચિમ છે, બ્રહ્માંડમાં નથી. સમગ્ર બ્રહ્માંડમાં અનંતતા હોવાથી દિશાના સૂચન માટે કોઈ આધાર જરૂરી બને. સામાન્ય રીતે આ આધાર પૃથ્વી છે.

પૃથ્વીને આધાર રાખવામાં પણ થોડાક પ્રશ્ર્ન છે. અહીં કદાચ ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ર્ચિમના પ્રશ્ર્નનું નિરાકરણ થઈ જાય પરંતુ ઉપર શું અને નીચે શું તે સ્થાપિત નથી થઈ શકતું. પૃથ્વી ગોળ હોવાથી એક સ્થાને જે ઉપરની દિશા છે તે તેનાથી વિપરીત સ્થાનેથી નીચેની દિશા થઈ જાય. જો આમ હોય તો પૃથ્વીની ચારે તરફની દિશા ઉપરની દિશા બને અને તો પછી નીચેની દિશા જેવું કંઈ અસ્તિત્વ જ ના હોય. તેથી પૃથ્વીને આધાર તરીકે રાખવાથી ઉપર-નીચેની દિશાના પ્રશ્ર્નનું નિરાકરણ નથી થતું. બ્રહ્માંડને કેન્દ્ર નથી, પૃથ્વી કેન્દ્રમાં નથી, સૂર્ય પણ કેન્દ્રમાં નથી તો પછી દિશાઓ અને ઉપર નીચેની ધારણા કોને આધારે સ્થાપિત થાય.

મારી પાસે જવાબ છે કે નહીં તેની મને ખબર નથી. પણ છેલ્લા કેટલાક સમયથી આ વિચારો મનમાં આવે છે. યોગની એક પરંપરામાં કહેવામાં આવે છે કે જ્યારે કુંડલિની જાગૃત થાય ત્યારે પશ્ર્ચિમની દિશા ખુલે – પશ્ચિમની બારી ખુલે. આ પશ્ર્ચિમ એટલે કયું પશ્ર્ચિમ – પૃથ્વી પરનું પશ્ર્ચિમ કે અન્ય કોઈ પશ્ર્ચિમ. અત્યારે જે પદાર્થ તમારી પશ્ર્ચિમમાં છે તે પદાર્થને જો તમે પશ્ર્ચિમ તરફ જઈ ઓળંગી લો તો તે પદાર્થ તમારા પૂર્વમાંથી થઈ જાય. અર્થાત પૂર્વ કે પશ્ર્ચિમ એ સાંદર્ભિક ઘટના છે જેના કેન્દ્રમાં તમે છો. તમારી પશ્ર્ચિમે કઈ પરિસ્થિતિ છે અને તમારી પૂર્વમાં શું છે તે તમે ક્યાં છો તેના પર આધાર રાખે છે. આવું જ ઉત્તર-દક્ષિણ માટે કહી શકાય. તો શું દિશાની સમજ માટે કેન્દ્રમાં સ્વયમ પોતે છે ! બ્રહ્મનું સ્થાન બ્રહ્મરંધ્રમાં છે અને તે માનવીના હૃદયની ઉપર છે. આ રીતે પણ દિશાની ધારણામાં સ્વયં વ્યક્તિની સ્થિતિનો સંદર્ભ લેવાય છે.

શરીરની ૭૨૦૦૦ નાડીઓમાંથી ઈડા ડાબે તરફ અર્થાત પશ્ર્ચિમમાં અને પિંગલા જમણી તરફ અર્થાત પૂર્વમાં છે. સુષુમ્ણા બંન્નેની મધ્યમાં કેન્દ્રમાં છે. એમ જણાય છે કે પૂર્વ અને પશ્ર્ચિમની ધારણા આ ત્રણ નાડીના અનુસંધાનમાં સ્થાપિત થઈ છે. તે જ પ્રમાણે ઉત્તર અને દક્ષિણ માટે હોઈ શકે. ઉત્તર તરફ રહેલી નાડીઓનું જ્યારે પ્રભુત્વ હોય ત્યારે શુભ-ભાવ પ્રવર્તમાન રહેતો હશે એમ માનવા મન પ્રેરાય છે. યોગદર્શનમાં જે પૂર્વ અને પશ્ર્ચિમની વાત થાય છે તે આ પ્રકારની હશે. અહીં પશ્ર્ચિમની બારી ખુલતી હશે. કઈ નાડીના પ્રભુત્વમાં દેહત્યાગની ઘટના બને તેનાથી આગળની ગતિ નિર્ધારિત થતી હોવાની સંભાવના જણાય છે. ધુમાડા રહીત શુદ્ધ દિવસ જેવી નિર્મળતા ચોક્કસ નાડીના પ્રભાવથી ઉદભવતી હશે. આ પ્રભાવનો સમય એટલે ઉત્તરનો પ્રભાવ એટલે ઉત્તરાયણ – ઉત્તર તરફ ચેતનાની ગતિ.

પૃથ્વી પર ચેતનાનો સ્ત્રોત સૂર્ય છે અને તેથી પ્રતીકાત્મક રીતે તેની ગતિની વાત વ્યવહારુ જીવનમાં કરાઈ હશે. સૂર્ય એક રૂપક છે અને વ્યક્તિની ચેતનાનું ઉત્તર તરફની નાડી તરફનું સ્થળાંતર એ આધ્યાત્મિક સત્ય છે. છતાં પણ એક પ્રશ્ર્ન તો રહી જ જાય છે કે ભીષ્મ જેવી વ્યક્તિ એ ઉત્તરાયણ જેવી ખગોળિય ઘટનાને મહત્ત્વ તો આપ્યું જ છે. આ કદાચ રૂપક કે પ્રતીક સ્થાપિત કરવાની ચેષ્ટા હોઈ શકે. કદાચ સ્વયં ભીષ્મ પણ પોતાની નાડીની ચેતનાની અમુક દિશાની ગતિની પ્રતીક્ષા કરતા હોય. નહીં તો જેમ પ્રચલિત વાયકા છે તેમ મુક્તિનો આધાર જે તે સમયગાળો બની રહે – વ્યક્તિના કર્મ નહીં. કેટલીક વિચારશીલ વ્યક્તિઓએ ખગોળિય ઘટનાને પણ સાબિત કરવા પ્રયત્ન કરેલ છે તો કેટલાક લોકોએ ઉત્તરાયણને પ્રતીક તરીકે આલેખનો પ્રયત્ન પણ કર્યો છે. તે પણ સાચા હોઈ શકે.

એમ કહેવાય છે કે આ દિવસે ગંગાજી રાજા ભગીરથની પાછળ ચાલતા ચાલતા કપિલ મુનિના આશ્રમમાંથી પસાર થઈ સાગરને મળ્યા હતા. ભગીરથ રાજાના પૂર્વજો માટે આ મુક્તિનો દિવસ હતો. કદાચ અહીંથી આ દિવસ સાથે મુક્તિનું મહાત્મ્ય સ્વીકારવામાં આવ્યું હોય જે ભીષ્મએ પણ પરંપરા તરીકે સ્વીકાર્યું હોય. સદગતિ માટે, સનાતન પરંપરામાં દાન-ધર્મ કરવાનું સૂચન છે. ઉત્તરાયણના દિવસે પણ એમ જ કરવામાં આવે છે. આ તહેવારની એક અગત્યતા તે છે કે અહીં પશુને – અને તેમાં પણ ખાસ કરીને ગાયને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. સમય ગમે તે હોય, જો સત્કાર્ય કર્યું હોય તો સદગતિ પ્રાપ્ત થાય જ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button