ધર્મતેજ

રામાયણ સમગ્ર માનવજાતની કથા: કોમી વાડાઓ તોડીને ભાઈભાઈ બની જઈએ

આચમન -અનવર વલિયાણી

સાહિત્યની પરિભાષામાં ચિરંજીવ કૃતિને યુગકથા કહેવામાં આવે છે. આપણા બે મહાના ગ્રંથો રામાયણ અને મહાભારત કેટલા હજાર વર્ષ પૂર્વે લખાયાં એ મહત્ત્વનું નથી. હજારો વર્ષથી આ બે ગ્રંથો આપણી ભારતની સંસ્કૃતિની આધારશીલા બની રહ્યા છે, કારણ? માત્ર હિન્દુઓની ધર્મ પ્રેત્યેની આસ્થા જ કારણભૂત નથી, પરંતુ એમાં મહાકવિ વાલ્મીકિ અને વેદવ્યાસે જીવન જીવવાનો અર્થ સમજાવ્યો છે.

-રામાયણની કથાને રામ વનવાસ કે આજ્ઞાંકિત પુત્રની કથારૂપે જુઓ કે આસુરી વૃત્તિ પર માનવીના વિજયની ગાથારૂપે. એમાં જે બોધ છે એ ચિરંજીવી છે. આમન્યાની લક્ષ્મણરેખા ઓળંગેલી, કૈકેયીથી સર્જાયેલ અનર્થથી માંડીને, સીતાથી સર્જાયેલ અર્થ સુધીની વાતમાં રામાયણની રચયિતા મહાકવિ માનવીને ખુદ જીવન અસુર સાથે સુરના સંઘર્ષની કથા છે એટલું જ નથી કહેતા, પરંતુ આગળ વધીને કહે છે કે વિજય હંમેશાં પ્રમાણીત આદર્શનો હોય.

-રામનો જન્મ રાવણનો વધ કરવા પૂરતો જ નહોતો. સ્વૈચ્છિક મર્યાદાપાલક માનવીને મૂર્તિમંત કરવા થયો હતો એટલે જ કથાના આરંભથી અંત સુધી પ્રભુ શ્રી રામ યોગ્યા-યોગ્ય, ન્યાય-અન્યાય, નીતિ-અનીતિ, સારાસાર, સ્વાભિમાન-મિથ્યાભિમાન, અવિચાર-વિવેક અને સુખ-દુ:ખના ભેદનો નિરક્ષીર ન્યાય કરતા રહ્યા છે.

-માનવી જ નહીં, પ્રત્યેક જીવ પ્રત્યે સમદૃષ્ટિ કેળવવાની એમની હિમાયત એમના વર્તન દ્વારા આદર્શ સિદ્ધાંત બની જાય છે અને એમાંથી પ્રગટે છે.

  • અર્થસભર જીવનના માર્ગે આગળ કોણ વધી શકે એના પાયાના સિદ્ધાંતો.

-રાવણ માત્ર અસુરી શક્તિનું પ્રતીક નથી. કદાચ રાક્ષસી શક્તિનું પ્રતીક પણ નથી, કારણ વિદ્વાન હતો, રાજનીતિજ્ઞ હતો, સઘળી કળાઓમાં નિપુણ હતો, પ્રકાંડ પંડિત હતો, જ્ઞાનનો ઉપાસક હતો, વિજ્ઞાનનો જાણકાર હતો.

પરંતુ, જ્ઞાન સાથે બંધાયેલી સમતુલનની લક્ષમણરેખા ઓળંગીને એણે મિથ્યાભિમાનને પોષીને ઈન્સાનના બેલગામ મનને જો અંકુશમાં ન રખાય તો શું થાય એનું પ્રતીક પણ હતો -અને જ્યાં આપખુદપણું જુલ્મ અને જોહુકમીનો માર્ગ ગ્રહણ કરે ત્યાં ઉદંડતા કેવો અનર્થ સર્જે છે એનો ખ્યાલ આપતું પાત્ર બની ગયો છે.

-રામાયણની કથા સામાન્ય માનવીને ભગવાનના અવતારે ધરતી પરના દુષ્ટાત્માનો નાશ કરવા પૂરતો સંતોષ લેવા માટે નહોતી રચાઈ, એ માનવ ઈતિહાસમાં જ્યારે જ્યારે
અન્યાય, અરાજકતા, અંધાધૂંધી, આપખુદી, અત્યાચાર અને આતતાયી બળો એકત્ર થાય ત્યારે ત્યારે આ જુલ્મો સામે ટકરાવવા માટે લોકશક્તિ પ્રગટ્યા વિના રહેતી નથી એ સત્યના સિદ્ધાંતનું પ્રતિપાદન કરતી કથા છે.

સનાતન સત્ય: રામાયણ ભારતમાં લખાયું માટે હિન્દુઓની કથા બની જતી નથી. એ માનવજાતની કથા છે અને દરેક ધર્મના ઉસૂલો (સિદ્ધાંતો) ઈન્સાનને જેવા બનવાનું કહે છે એવું જ રામાયણમાં કહેવાયું છે એ જાણ્યા પછી એવું નથી લાગતું કે આપણે કોમી વાડાઓ તોડીને ભાઈભાઈ બનીને જીવી શકીએ તેમ છીએ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button