ધર્મતેજ
થોડામાં સંતોષ બરકત આપેઅહિંસા પ્રાણીમાત્રના હૃદય પર રાજ કરે
આચમન -કબીર સી. લાલાણી
સુલતાના ચાંદબીબીના શાસનની એક કથા છે:
એક ગરીબ સ્ત્રીએ તેમના શ્રીમંત પાડોશી પર અડધો શેર દૂધ ઉછીનું લઈને પાછું નહીં આપ્યાનો આક્ષેપ કર્યો હતો.
- પહેલી નજરે આ આરોપ હાસ્યાસ્પદ લાગે, કારણ
- શ્રીમંતને ત્યાં કોઈ વાતની કમી નહોતી કે એ ગરીબને ત્યાંથી દૂધ ઉછીનું લાવે, પરંતુ
- ચાંદબીબી વ્યવહારુ અને સમજદાર શાસનકર્તા હતા. એણે સીધીસાદી કસોટી રચી.
- બંને સ્ત્રીને ચોક્કસ દિવસે દરબારમાં હાજર થવાનો હુકમ કર્યો.
- ગોઠવણ એવી કરી કે બંનેના આવવાના માર્ગમાં કાદવ – કીચડ હોય જેથી પગ ગંદા થાય.
- દરબારના પ્રવેશદ્વાર પાસે બે બાલદી અડધી પાણીથી ભરેલી હતી, ત્યાં પગ ધોઈને દરબારમાં દાખલ થવાનું હતું.
- બંને સ્ત્રીઓ જે રીતે પગ ધોઈને અંદર આવી એનું નિરીક્ષણ કરીને સુલતાનાએ શ્રીમંત સ્ત્રીને હુકમ કર્યો:
- આ ગરીબનું દૂધ પાછું આપી દે નહીંતર ગરીબને હેરાન કરવાના અને દરબારમાં જૂઠું બોલવાના એવા બે ગુના બદલ સજા કરીશ.
- દરબારીઓને નવાઈ લાગી.
- એ જોઈને સુલતાનાએ સ્પષ્ટતા કરી:
- શ્રીમંત સ્ત્રીએ હજૂરિયા પાસે બે બાલદી વધુ પાણી માગ્યું અને એ પછી પણ એના પગ બરાબર સાફ થયા નથી. એ ચીજવસ્તુ વેડફે છે.
- જ્યારે આ ગરીબ સ્ત્રીએ મેં મુકાવેલી અડધી બાલદી પાણીમાં પગ બરાબર સાફ કર્યા એ પછી પણ બાલદીમાં થોડું પાણી છે.
- એટલે કે આ સ્ત્રી કરકસરમાં માને છે,
- થોડામાં સંતોષ માને છે એટલે
- એને ત્યાં બરકત છે.
આવો જ બોધ આપનારો એક બીજો પ્રસંગ પણ જાણવા જેવો છે:
સંત રાબિયાએ ઊંચા દરજજાની અહિંસા કેળવી હતી.
- પ્રાણીમાત્ર પ્રત્યે તેમના માતૃહૃદયમાં અપાર મમતા હતી.
- પોતાનો બધો સમય તે બંદગી (ઈશ્ર્વરના ધ્યાન)માં જ ગાળતી.
- બંદગી (પ્રાર્થના)માં ખલેલ ન પડે એ માટે તે ગાઢ જંગલમાં જઈ બેસી જતી.
- સંત હસન બસરી પણ ક્યારેક ક્યારેક જંગલમાં તેમને મળવા જતા. તેઓ પણ ઉચ્ચ દરજજાના સંત હતા.
- એક વખત તેઓ રાબિયાને શોધતા શોધતા જંગલમાં પહોંચ્યા.
- ત્યાં જોયું તો રાબિયા ધ્યાનસ્થ છે.
- તેમની ચારેબાજુ જંગલી પ્રાણીઓ તેમને ઘેરી, પ્રેમભાવે ઊભાં છે!
- હસનસાહેબને જોતાં જ પશુઓ ભયભીત થઈ ભાગી ગયા.
- હસન સા’બ વિચારવા લાગ્યા અરે! મારા જેવા અહિંસકથી પણ આ પ્રાણીઓ ભાગે છે!
- સંત હસને રાબિયાને પૂછયું, પ્રાણીઓ મને જોઈને ભાગ્યાં કેમ?
- રાબિયાએ પૂછયું, આજે તમે શું ખાધું છે?
- હસનસાહેબ બોલ્યા, ‘ગોશ્ત’ (માંસ)!
- રાબિયાએ ખડખડાટ હસતાં કહ્યું, અરે હસનસા’બ! તમે ગોશ્ત ખાવ છો તો પછી આ બિચારા પ્રાણીઓ તમારાથી ભયભીત બનીને કેમ ન ભાગે?
કબ્રસ્તાન સાથે આવેલા યમરાજને જોઈને તો ભલભલા ભડવીર પણ ભાગે, તો બિચારા પ્રાણીઓ ભાગે તેમાં તમને આશ્ર્ચર્ય થાય છે!’
બોધ: અહિંસાના ભાવથી ભરેલું હૃદય પ્રાણીમાત્રના હૃદય પર રાજ
કરે છે.
સનાતન સત્ય: એકાંતમાં કામને જીતે એ વીર છે.