ધર્મતેજ

જખમ

ટૂંકી વાર્તા -રસિક બારભાયા

બે હાથ જોડી વંદન કરતો દીપક આગળ વધ્યો. સ્ટેજ પાસે પહોંચીને પ્રથમ તેણે સ્ટેજની વ્યવસ્થા જોઈ. પછી ઊંચે નજર કરી. દીવાલ ઉપર મહાત્મા ગાંધીની તસવીર લટકતી હતી અને તેની બંને બાજુ પંડિત જવાહરલાલ નહેરુ તથા લાલ બહાદુર શાસ્ત્રીની તસવીરો લટકતી હતી.

ઈંદિરાજી કે મોરારજીભાઈની તસવીરો ન હતી. બંને બાજુ લોકકલાના જૂના ભરતકામના તોરણો લટકતાં હતાં. ઉપર ‘સ્વાગતમ’નું બોર્ડ ભરાવેલું હતું. તેની ઉપર ‘માલપર યુવક સમાજ’નું બેનર હતું.
સામે રહેલી ખુરશીઓમાં, વચ્ચેની ખુરશી પોતા માટે છે તે દીપકને સમજતાં વાર ન લાગી. તેણે બે હાથ જોડી સભાજનોને વંદન કરી જગ્યા લીધી. અને બેઠા પછી સભાગૃહ ઉપર નજર કરી. હોલ મોટો હતો અને ખીચોખીચ ભરાઇ ગયો હતો. લોકોમાં ઉત્સાહ પણ દેખાતો હતી.

તેની બાજુમાં શહેરના આગેવાનો આવીને બેઠા. એક બાજુ તાલુકા પંચાયતના પ્રમુખ, બીજી બાજુ કોલેજના િ૫્રન્સિપાલ, તેની બાજુમાં નગરપંચાયતના પ્રમુખ, સહકારી મંડળીનાં પ્રમુખ અને પછી બીજા અનેક.

પક્ષના યુવા કાર્યકરો તરફથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દીપક રાજ્યના પ્રધાનમંડળમાં સૌથી નાની વયનો હતો અને તેનો વિશેષ લાયકાત તરીકે વર્તમાનપત્રોમાં અવાર-નવાર ઉલ્લેખ થતો હતો. યુવક પ્રવૃત્તિથી અને વિદ્યાર્થી પ્રવૃત્તિથી પોતે આગળ આવ્યો હતો. તે સરકારમાં યુવક પ્રવૃત્તિ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને સમાજ કલ્યાણ ખાતું સંભાળતો હતો. પ્રધાનશ્રીની નજરમાં આવવા માટે સ્થાનિક યુવક કલ્યાણ તેને અહીં ખેંચી લાવ્યા હતા.

પ્રધાન થયા તે પહેલા અને આજે પણ દેશમાં યુવકો જ ક્રાંતિ લાવી શકશે. સમાજમાં સર્વાંગી પરિવર્તન લાવવાની જરૂર છે અને તે યુવકો જ કરી શકશે, એમ દીપક માનતો હતો. ખાસ કાર્યંક્રમ ….. યુવકોમાં ચેતના ફેલાવવાની જરૂર છે એટલે સહકારી પ્રવૃત્તિ, દહેજ નાબૂદી, જાતિવાદ નાબૂદ કરવો, અસ્પૃશ્યતા નિવારણ વિગેરે બાબતો ઉપર તે ભાર મૂક્તો.

આ ક્રાંતિ સંદેશ આપવા યુવકો તેને ખાસ અહીં લાવ્યા હતા. મિટિંગો, સેમિનારો, ઉદ્ઘાટનો અને પ્રશ્ર્નોના અભ્યાસમાંથી આમ તો ફુરસદ મળવી મુશ્કેલ છે. પણ પોતાના મિશન જેવા કાર્યક્રમ માટે દીપક ગમે તેમ સમય કાઢતો હતો. શનિવારે સવારે દશ વાગ્યે તેણે માલપુર આવવા સંમતિ આપી દીધી હતી.

માઇક સરખું કરવામાં આવ્યું. શ્રોતાજનોમાં ગરબડ ઓછી થઈ. યુવક સમાજના પ્રમુખે સ્વાગત પ્રવચન કર્યું. સમાજના મંત્રીએ પોતાના મંડળની પ્રવૃત્તિનો અહેવાલ આપ્યો. જો કે મંડળ તેમાંની એક પણ પ્રવૃત્તિ આજે કરતું ન હતું. મંત્રીશ્રી સાથેના સંબંધો વિકસાવવા પ્રમુખ અને મંત્રીએ આ કાર્યક્રમ યોઠવ્યો હતો.

પછી ફૂલહારનો કાર્યક્રમ ચાલ્યો. મંચ ઉપર બેઠેલા બધાને ફૂલહાર કરવામાં આવ્યાં.

પછી માનનીય મંત્રીશ્રીનો પક્ષના આગેવાને સભાજનોને પરિચય આપ્યો. ‘હવે નેતાગીરી યુવાનોના હાથમાં આવી છે તેનું પ્રતીક દીપક છે.’ તેમ ભાર દઈને તેમણે કહ્યું. પછી આગળ, ‘આપણે સૌ જેમને સાંભળવા ઉત્સુક છીએ, જેઓ આપણને વર્તમાનની જરૂરિયાતનો ક્રાંતિકારી સંદેશો આપવા અહીં સુધી પધાર્યા છે તે દીપકભાઈને હું ઉદ્બોધન કરવા વિનંતી કરું છું.’ કહી તે બેસી ગયાં.

દીપક ઊભો થયો. તેણે શ્રોતાજનો ઉપર નજર કરી. ગળું સાફ કર્યું. માઈકને આંગળી અડકાડી તપાસી જોયું.

‘ભાઈઓ અને બહેનો-’ અને અટકીને તેણે ફરી સભાજનો ઉપર નજર કરી. પછી ધીમા અવાજે શરૂ કર્યું. ‘આપ જાણો છો કે દેશ આજે એક મહાન પરિવર્તનની પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યો છે.
આપણે એક પરિવર્તનના આરે ઊભા છીએ. દેશની કાયાપલટ થઇ રહી છે. દેશના ઘણા બધા પ્રશ્ર્નોમાં મુખ્ય પ્રશ્ર્ન ગરીબી નાબૂદ કરવાનો, અસમાનતા દૂર કરવાનો, યુવાનોને રોજગારીની તક પૂરી પાડવાનો છે. આપણી સરકાર આયોજનને આખો દૃષ્ટિકોણ ફેરવી આ દિશામાં જવા માગે છે. ઉત્પાદન વધારવું એટલું જ નહીં પણ તેની ન્યાયી વહેંચણી ઉપર પણ અમે ભાર મૂક્વા માગીએ છીએ. છેક છેવાડે પડેલા પીડિત અને દલિત વર્ગને તેના લાભો પહોંચે તે માટે સરકાર સજાગ છે.’

‘આપણી સમક્ષના અનેક પ્રશ્ર્નોમાં અજ્ઞાનતા દૂર કરવાની, દહેજ નાબૂદીનો, અસ્પૃશ્યા દૂર કરવાની, જેવા પ્રશ્ર્નો મુખ્ય છે. સમાજ માત્ર આર્થિક પ્રગતિ કરે એટલું જ પૂરતું નથી. સામાજિક રૂઢિગત ખ્યાલો પણ બદલવા જરૂર છે. આ દિશામાં આપણે સૌએ ઘણું મોટું કામ કરવાનું છે. આપણી સમક્ષ એક ખાસ મિશન લઈને હું આવ્યો છું અને અમે એક ખાસ મિશન લઈને વહીવટ સંભાળ્યો છે. યુવાનો પાસેથી અમે વિશેષ આશા રાખીએ છીએ. આ દેશમાં હવે યુવાનો જ ક્રાંતિ કરી શકશે, પરિવર્તન લાવી શકશે… દેશ યુવાનો પાસે ઘણી મોટી આશા રાખે છે…’

એ અટક્યો. એક યુવાને પાણીનો ગ્લાસ ધર્યો. પારદર્શક ગ્લાસમાંથી પાણી પીતા તેની નજર શ્રોતાજનો ઉપર ફરતી રહી અને ભરચક્ક સભાગૃહમાં શ્રોતાજનોની વચ્ચે બેઠેલા અમૃત ઉપર તેની નજર પડી. અને એ ગૂંચવાઇ ગયો… ક્ષણાર્ધમાં પોતાને સંભાળી લઈને તેણે આગળ ચલાવ્યું. અને પછી ભાષણ કર્યું.

પછી આભારવિધિનો કાર્યક્રમ થયો. હવે દીપક અન્યમનસ્ક હતો. તે સભા વિસર્જનની રાહ જોઈ રહ્યો હતો. તે મૂંઝારો અનુભવતો હતો, ટોળામાંથી છૂટવા ઈચ્છતો હતો.

વિખેરાતા ટોળા વચ્ચે તેણે અમૃતને એક બાજુ ઊભેલો જોયો. તેને તરત જવાનું હતુ.ં ચા-પાણી પછી કોઇ કાર્યક્રમ ન હતો. પ્રધાનો અને નેતાઓ ડાયરી અને ઘડિયાળ સામે જોઇને વાત કરે છે.

અમૃત થોડી જગ્યા થતાં તેની પાસે આવી ગયો. ‘હેલ્લો હાઉ આર યુ?’ દીપકે કહ્યું. ‘તમે અહીં છો અને મળવાનું થશે એ તો ખ્યાલ બહાર જ ગયું. સારું થયું મળી ગયા.’

અમૃત જવાબમાં હસ્યો. ‘તને જોઈને આનંદ થયો. આમ તો બહાર જવાનો હતો પણ તારા પ્રોગ્રામની જાણ થતાં જવાનું મોડું કર્યું.’

દીપક: ‘અહીં હાઈસ્કૂલમાં જ છે ને?’

અમૃત: ‘હા, બી.એડ. કર્યા પછી અહીં. જ ગોઠવાઈ ગયો.

‘સરસ અચાનક મળી ગયા. આગળ આપણે પત્રવ્યવહાર થયેલો એટલે ખ્યાલ તો હતો.’ દીપકે કહ્યુ. ‘મને તો સમય મળતો નથી. શરૂથી જ મેં રાજકારણમાં ઝુકાવ્યું… તેમાં દોડધામ સિવાય કંઈ હોતું નથી. એટલે મિત્રોને યાદ કરવાની પણ ફુરસદ રહેતી નથી.’

‘મારે ફુરસદ હી ફુરસદ છે. જેવી જોબ. ચાલો ઘેર જઈશું? દીપાએ કહેલું છે’અમૃતે ચાલતાં ચાલતાં કહ્યુ.

‘આમ તો મારે તુરત જવું છે. સાંજે જ અમદાવાદ પહોંચવું છે’-દીપકે કહ્યું.

‘વધારે સમય નહીં લઉં. આટલી બધી વ્યસ્તતા વચ્ચે પણ ઘર, મિત્રો અને હળવી પળો જરૂરી છે.’

દીપક સમારંભના આયોજકો તરફ ફર્યો. કહ્યું ‘આ મારા જૂના મિત્ર કૉલેજ સહાધ્યાયી છે. અહીં આવવાથી મોટો લાભ તો આ થયો, જૂના મિત્રને મળવાનો. હવે હું તેના ઘેર જાઉં છું. ત્યાંથી પછી સીધો જઈશ.’
‘ભલે.’
‘આભાર’
દીપક અને અમૃત બહાર જવા નીકળ્યાં. ડ્રાઈવરને કહી દીધું: ‘ગાડી અહીં જ રાખજે. હું હમણાં આવું છું.’

અમૃતને ઘેર પહોંચ્યો ત્યારે તેણે દીપાને સસ્મિત આવકારની સામે જોવાની ઈચ્છા રાખી હતી પણ તે દેખાઇ નહીં. તે સામે પડેલી ખુરશીમાં ગોઠવાયો. અમૃત પાણી લઈ આવ્યો. ઘર નાનું હતું. સાદું હતું. બે ઓરડા, વરંડો, પાછળ વાડો હતો. બે ખુરશી, એક ટીપોય, લોખંડનો પલંગ, મોટો કબાટ અને તેમાં રમકડાંને બદલે પુસ્તકો ગોઠવેલા હતાં. શિક્ષકના ઘરમાં વિશેષ શું હોઈ શકે.?
‘જમવાનું અહીં રાખવાનું છે.’

‘મોડું થશે. દીપા નથી? મારે-’
‘દીપા આવે છે. રસોઇ તૈયાર હશે. મારે પણ તરત જવાનું છે. અમારી સંચાલક મંડળની મિટિંગ છે. તમારી સરકાર સમક્ષ અમારા પ્રશ્ર્નો રજૂ કરવાના છે. તું રોકાઈ જા, આરામ કર. તું અને દીપા વાતો કરજો. હું સવારે આવી જઈશ.’ અમૃતે કહ્યું.

દીપા સામે આવી હતી. તેણે સસ્મિત કહ્યું, ‘આવો. મને હતું કે હજી મોડું થશે… પાછળ ફૂલ છોડને પાણી પાતી
હતી.’

આ દીપા.. જાણે વીજનો ચમકારો થયો. દીપક તેને જોઈ રહ્યો. દીપા: ‘અમૃત તમારી વાત કરે છે. અમારે ઘણીવાર આપણા કૉલેજ સહાધ્યાયની વાત નીકળે છે. આપણા કૉલેજ સહાધ્યાયીઓમાં તમે ઘણી પ્રગતિ કરી…’ દીપક: ‘પ્રગતિ કોને કહેવી એ એક પ્રશ્ર્ન છે. પણ બિઝી રહું છું.’

થોડા ગ્રામજનો સરપંચ અને પંચાયતના સભ્યો મળવા આવ્યા હતાં. દીપાએ કહ્યું, ‘જમવાનું તૈયાર કરું છું.’ અને તે રસોડા તરફ ફરી.
દીપક હવે રોકાઈ જવા ઇચ્છતો હતો. તેથી જમવા માટે કશી હા-ના કરી નહીં.

થોડી સરપંચ સાથે વાતો થઈ. દીપાએ આવીને કહ્યું, ‘જમવાનું તૈયાર છે’ સરપંચ વિગેરે જવા ઉઠ્યા.

જમ્યા પછી અમૃતે કહ્યું, હું બેની બસમાં જઈશ. મારે ત્રણ વાગ્યે પહોંચવાનું છે. રોકાઈ જઈશ તો ગમશે. હું રાતે મોડો અથવા સવારે આવી જઈશ. તું અને દીપા વાતો કરજો. તેને ઘણી ફરિયાદો છે. ગ્રામજનો સાથે મુલાકાતમાં સમય પસાર થઇ જશે. ‘જોઉં છું. રવિવારે આમ તો અમારા સિવાય કોઈ કાર્યક્રમ રાખવાના મતનો નથી.’

કૉલેજના િ૫્રન્સિપાલ અને તાલુકા પંચાયતના પ્રમુખ આવ્યાં. દીપકને તેમનું આગમન ગમ્યું નહીં. પણ મોં ઉપર હાસ્ય લાવી આવકાર આપ્યો. વાતો ચાલતી રહી. વાત વાતમાં દીપકે કહી દીધું, રોકાઇ જવાનું નક્કી કયું છે, અમૃત સાથે અગત્યના કામની વાત કરવાની છે. તે હમણાં આવી જવાનો છે. દીપક આ બધાથી છૂટવા માગતો હતો. દીપા સાથે તેને વાતો કરવી હતી. ભૂતકાળ ઉપર બાઝેલા પોપડા ઉખેળવા હતાં. પણ આ બધાથી છૂટે તો ને? મુલાકાતો ચાલતી રહી… લોકોને મળવાનું ટાળવું નહીં, કંટાળો લાવવો નહીં, થાકી જવું નહીં, હસતા મોંએ લોકોને આવકારવા-તે હવે ઘડાઈ ગયો
હતો.

પણ આજે તે એકાન્ત ઇચ્છતો હતો. દીપાને કેટલા વર્ષે મળ્યો હતો? એક દાયકો પૂરો થવા આવ્યો હતો.

તેણે પ્રિન્સિપાલ દવે સાહેબને કહી દીધું: ‘હું હવે આરામ કરવા માગું છું. ગઇ રાતે ઉજાગરો થયો છે. આપ બધા-’
અને બધા વિખેરાયા.

સમય મૌન બની ગયો.

દીપકની નજર ભૂતકાળમાં ખેંચાઇ. પવનની ઝાપટમાં પાનાઓ ઝડપથી ફરવાં માંડ્યાં.

બી.એ.ની પરીક્ષામાં પોતે ફેઈલ થયો અને દીપા પાસે થઈ. અને ત્યાંજ બંનેની યોજના ઊંધી વળી ગઇ હતી. બંનેએ પરીક્ષમાં પાસ થયા પછી સાથે નાસી જવાનું ગોઠવ્યું હતું. જાહેરમાં લગ્ન કરી લેવાને બદલે નાસી જવાનું કેમ ગોઠવ્યું તે આજે પણ તેની સમજમાં આવતું ન હતું. પોતે નાપાસ થતાં દીપાને મોં બતાવવાને લાયક રહ્યો નથી તેમ માની લીધું અને તેને મળ્યો નહીં. દીપાએ તેના માટે શું ધાર્યું હશે તે પણ તેણે વિચાર્યું નહીં. કૉલેજમાં પ્રથમ બેંચ ઉપર દીપા બેસતી હતી. અને તેની સામેની લાઈનમાં ત્રીજી બેંચ ઉપર દીપક. બે-ચાર દિવસે ક્લાસમાં દાખલ થતાં જ દીપા હસતી નોટબુક આગળ ધરી ‘થેંક્યું’ કહેતી દીપકને આપતી. તેના હાસ્યમાં બધું જ આવી જતું. દીપક તેને ક્યારે નોટબુક આપતો તે કોઈ જાણતું ન હતું. દીપક સાથે આ રીતે ઘણી નોટબુકો એકઠી થઈ હતી. નોટબુકમાં અંદર કવરમાં એક ચીઠ્ઠી રહેતી. રિસેસમાં દીપક તે દૂર થઈ વાંચતો.

એક ચીઠ્ઠીમાં લખ્યું હતું: ‘મિસ્ટર, પરીક્ષા નજીક આવે છે કવિતા લાવવાનું બંધ કરી વાંચવામાં ધ્યાન આપો. ક્લાસમાં લેક્ચરમાં ધ્યાન આપો. દક્ષિણ તરફની બારીમાંથી બહાર જોવાના બદલે-’
બીજી ચીઠ્ઠી: ‘આજે રાત્રે મેં તારાઓ ગણ્યા. કેટલા ખબર છે? સેંકડો, હજારો, લાખો… રાત્રે અગાસીમાં સૂતી હતી. આકાશમાં તારાઓના એવા આકાર રચાયેલા જોયા, સીતા અને રામચંદ્રજી જંગલમાં ચાલ્યા જાય છે દૂર દૂર. જે હજી મનમાંથી દૂર જતાં નથી.’

એક ઔર ચીઠ્ઠી: ‘હરણી પાછળ સીતાજી જાય છે-’
દીપક એકલો બેઠો હતો. દીપા બહાર હતી. એ સામે આવે તો વાતો થઇ શકે… કંઇક જાણી શકું… થોડીવારે દીપા ચા લઇને આવી. ટીપોય ઉપર કપ મૂકી, તે બાજુની ખુરશી ઉપર બેઠી.
દીપક: ‘કેમ છો? કેમ ચાલે છે? પૂછી શકું?’

‘સારું મઝાનું. જીવનમાં કશી કમી નથી… હા, દંભરહિત જીવન જીવીએ છીએ.’

‘એ જ તો જીવન છે’ – દીપક તેની સામે જોઈ રહ્યો. પછી કહ્યું. ‘હું તો તરત મુંબઈ ગયો. ગોવાની મુક્તિની લડતમાં જોડાઈ ગયો. જેલમાં રહ્યો. પછી સતત આજ પ્રવૃત્તિમાં ગળાડૂબ રહું છું.’
‘હવે એક મહાન કાર્યક્રમ – ક્રાંતિનો કાર્યક્રમ લઈને ફરો છો, તેના માટે બીજું વિચારવું બંધ કરી દીધું છે.’ દીપાએ કહ્યું. એ અવાજમાં ઉપાલંભ હતો, કટુતા હતી તે દીપકને તરત સમજાઈ ગયું.
‘તું શું કહેવા માગે છે તે હું સારી રીતે સમજી શકું છું.’

‘મારું સદ્ભાગ્ય. આ રીતે મને એક તક મળી. ભાગેડુઓ, કેવું મોટું કામ – ક્રાંતિ કરી શકે છે તે જોઈ હું ચક્તિ થઈ જાઉં છું.’ દીપા એકદમ બોલી ગઈ.

‘દીપા…’ અને તેને બોલતી બંધ કરવા દીપકે તેના મોં આડો હાથ ધરી દીધો.

દીપા તેની સામે જોઈ રહી. તેની ચમકતી આંખો… મોંની એક રેખાઓ.. હજી દશ વર્ષ પછી પણ એવી જ – એવી જ… હજી એવો જ ભોળો – નિર્દોષ…
તેના દિલમાં એક પ્રશ્ર્ન વારંવાર ઉઠતો હતો, છાપા દ્વારા તેના સમાચાર વાંચતા થતું, આ સેટ કેમ થઈ શક્યો? મને આટલી ઝડપથી કેમ ભૂલી શક્યો?… ના, હું જ તેને ભૂલી ગઈ.. સાવ જ. કેમ રાહ ન જોઈ?

બંને મૌન બની ગયા. વાતાવરણ ભારેખમ બની ગયું. બહારથી રીતુનો અવાજ આવ્યો. રીતુ તેની દીકરી. દીપા બહાર ગઈ.
દીપક પણ, ઊઠીને વાડા તરફ ગયો. વાડામાં દીપાએ ઉછેરેલો ફૂલ-છોડ જોઈ રહ્યો. ઠંડી હવા આવતી હતી. હવે તે સ્વસ્થ થઈ ગયો હતો. તેણે એક ફૂલ તોડ્યું… એ તોડતા તેના દિલમાં અરેરાટી થઈ… કોઈને પોતાના અંગથી દૂર હડસેલી શકાય?

દીપા નજીક આવીને ઊભી હતી. એ ફૂલ તેણે દીપાને ધરી દીધું.

દીપા તેની સામે જોઈ રહી હતી. દીપા પણ એક છોડ પાસે ગઈ અને વાંકા વળીને તેણે પણ એક ફૂલ ચૂંટ્યું. દીપકે તેની અદા જોઈ… આને ગુમાવીને પોતે કેટલું ગુમાવ્યું છે. તેનો એહસાસ થયો. તે નજીક ગયો. દીપાએ ફૂલ તેની સામે ધર્યું… દીપકે તેને બાહુમાં જકડી લીધી. તેનો ગરમ શ્ર્વાસોશ્ર્વાસ તેની ગરદનને અડકતો હતો. દીપકે તેનું માથું સુંઘ્યા કર્યું. દીપાએ તેની છાતીમાં માથું ભરાવી દીધું. એ જાણે હળવી બની ગઈ… એક સમાધિ અવસ્થા! દીપકને જાણે દીપાના શરીરમાંથી ફૂલની સોડમ આવતી હતી. પણ એકાએક દીપકે તેને અળગી કરી દીધી. દીપાએ તેમાં તેનો ક્ષોભ-ડર જોયા. દીપકને થયું. મારે હવે આમાંથી મુક્ત થઈ જવું જોઈએ. કોઈ જોઈ જશે તો? કેવી વાતો કરશે લોકો? હું એક મહાન ધ્યેય, મહાન કાર્યક્રમ સાથે જોડાયેલી છું. મારે હવે આવી લોભામણી પળોથી દૂર રહેવું જોઈએ… ભૂતકાળનાં વળગણોથી મુક્ત થઈ આગળ વધવું જોઈએ. દેશમાંથી ગરીબી દૂર કરવાની, અસમાનતા દૂર કરવાની, સમાજવાદ લાવવાની પક્ષના ચાર્ટરમાં નોંધેલી વાતો માટે જીવન સમર્પિત કરવાની પોતે પ્રતિજ્ઞા લીધી છે… એ અંદર ઓરડામાં આવ્યો. દીપા રસોડામાં ગઈ. થોડીવારે આવીને દીપાએ પૂછ્યું, ‘સાંજે શું જમવું છે?’
‘આમ તો જમવું નથી. પણ ના કહીશ તો તને નહીં ગમે. માત્ર ખીચડી અને દૂધ.’

‘સારું’ દીપા પછી રસોઈમાં વ્યસ્ત થઈ ગઈ.

મોડેથી યુવાનો મળવા આવ્યા. ઘણી વાતો થઈ.

મોડેથી દીપાએ જમવાનું તૈયાર છે એમ કહ્યું ત્યારે તે ઊઠ્યો.

રાત્રે દીપકે કહ્યું, ‘પથારી ખુલ્લામાં રાખજે. મને ફાવશે.’

અજવાળી રાત હતી. આકાશ સ્વચ્છ – તારાઓ મઢ્યું હતું. ઠંડો મંદ પવન વહેતો હતો, ન ઉકળાટ હતો, ન કોલાહલ. દૂરથી એકલદોકલ પંખીનો અવાજ… તમરાનો સંગીતમય અવાજ… ન ટેલિફોનની ઘંટડી રણકતી હતી, ન સ્ટેનો ‘યસ સર-’ કહેતો ફરતો રહેતો… વર્ષો પછી એક જુદા જ વાતાવરણમાં પોતે આવ્યો હતો.

દીપા રીતુ અને જયને સુવડાવવામાં પડી હતી. પોતે શુભ્ર આકાશને જોઈ રહ્યો. પછી ક્યારે ઊંઘી ગયો તેની ખબર ન રહી.

સવારે તે મોડો ઊઠ્યો. એ નાહીને તૈયાર થયો કે ચા અને દૂધના કપ આવ્યા. પછી યુવાનો, તેને કોઈને મળવાની ઈચ્છા ન થઈ. કોઈ સાથે એ વાત ન કરી શક્યો.

તેને એકાએક ખ્યાલ આવ્યો કે આજ પોતાનું જીવન હોત તો? એક શિક્ષક – માત્ર શિક્ષક હોત અને પાસે દીપા… પોતે કેટલો સુખી હોત. સુખી તો આજે પણ છે પણ રાત્રે જે આકાશ જોયું… એ હંમેશાં જોવા મળે તો? કાલે જે ફૂલ સુંઘ્યું એ દીપા મને રોજ સવારે આપે અને પોતાના ટેબલ ઉપર મૂકે – રાતની મીઠી નિંદર રોજ મળે તો? દીપાના મોં ઉપરનું લાવણ્ય, સુકુમારતા, એ ફૂલ પાંદડી જેમ સ્મિત વેરતો ચહેરો… તેનું સૌરભ ભરી દેતું સાંનિધ્ય…
તેને એકાએક ખ્યાલ આવ્યો કે તેણે હવે જવું જોઈએ. કોઈ અગત્યની મીટિંગ… સી.એમ.નો મેસેજ… આવતાં વીકના પ્રોગ્રામ ગોઠવવાના છે… કોઈ જાહેરાત કર્યા વગરનું રોકાણ ગેરસમજ ઊભી કરે.
‘દીપા: હું જઈ શકું? – જવા ઈચ્છું છું.’

દીપાએ નજીક આવીને કહ્યું, ‘જમીને, જમવાનું રાખે તો. રસોઈને વાર નહીં લાગે. અમૃત પણ આવી જશે.’

‘દીપા, મારે ઘણાં કામો છે. તને જોવાની – મળવાની ઈચ્છા હતી તેથી રોકાઈ ગયો. અહીંનો પ્રોગ્રામ ગોઠવ્યો.’

‘હવે તું ‘નેતા’ છે, તેની મને સમજ છે. આપણે મળ્યાં તેમ લાગતું હોય તો જઈ શકે છે, હું વધારે નહીં કહું.’
‘તું જાણે છે બધું.’ દીપકે મોં પર હાસ્ય ઉપસાવતા કહ્યું. દીપા તેની સામે જોઈ રહી. ક્યાંય સુધી. પછી કહ્યું. ‘હા, હું જાણું છું, તમે સમાજવાદ લાવવાના મહાન કાર્યમાં રોકાયેલા છો…’ ગરીબી, અસમાનતા દૂર કરવાની તમે પ્રતિજ્ઞા લીધી છે… તમે રાત દિવસ જોયા વગર મહાન ધ્યેય પાછળ સમર્પિત છો.’
તારે કંઈ મુશ્કેલી હોય તો કહે. અમૃતને કોઈ સારી જગ્યાએ ગોઠવાવું હોય તો.’

‘તમે એથી આગળ કંઈ કરી શકશો નહીં. ભલામણ… નોકરી.. મહેરબાની… પણ હું કંઈ જ ઈચ્છતી નથી. તમે લોકોના દુ:ખ દર્દ દૂર કરવાને બદલે બનાવટ છોડી દયો, પલાયનવાદી મટીને વાસ્તવવાદી બનો… મોં ઉપરથી દંભનું મહોરું ઉતારી સાચું હાસ્ય લાવી શકો તો પણ ઘણું છે… પણ તમારાથી કંઈ જ નહીં થઈ શકે… કંઈ જ.’ દીપાએ હોઠ ભીંસ્યા.

દીપક: તારે ઘણી ફરિયાદ છે હું જાણું છું… હું તે માટે દિલગીર છું. દીપકના દિલમાં ચચરાટ થયા છે. રાતની મીઠી નિંદર પછીની તાજગી ચાલી ગઈ.
દીપા: ‘તમે જીવનમાં રાજકારણ લાવો, જીવન પણ નિર્ભેળ રીતે માણી શકો નહીં અને મહાન ધ્યેય – આદર્શની વાતો કરો.’
દૂર રીતુ રડી રહી હતી. દીપાનું ધ્યાન તે તરફ ગયું.

કોઈ મળવા આવ્યું. કહે, ‘પટેલ સાહેબ આપની રાહ જુએ છે. અહીં આવે? દીપક: ‘ના પંચાયત ભવનાં બેસીશું. હું ત્યાં આવું છું.’
તે હવે અહીંથી છૂટવા ઈચ્છતો હતો. દીપા તેના જખમ ઉખાળી રહી હતી. એ હવે અહીં વધુ સમય બેસી નહીં શકે..
‘અચ્છા દીપા હું જાઉં છું, અમૃતને મારી યાદ આપજે. વર્ષો પછી ઘરની મઝા માણી છે. ફ્રેશ અને રીલેક્સ થયો છું.’

એજ વખતે દીપા મનોમન વિચારતી હતી. મારે આમ કહેવું જોઈતું ન હતું. કહેવાનો શો અર્થ હતો? હવે શો ફેર પડવાનો હતો? ના એણે મને સ્વપ્ન આપ્યું હતું અને એણે જ એ બગાડી નાખ્યું હતું. અને છતાં આ રીતે મળવાની તક મળતાં કેટલી ખુશી અનુભવી હતી!

દીપક બહાર નીકળી ગયો. દીપા ઝડપથી ટકરાયેલા દરવાજાને તાકી રહી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button