ધર્મતેજ

કરાગ્રે વસતે લક્ષ્મી

આપણા હાથ જગન્નાથ – જેવી બાબત પણ હાથને કેન્દ્રમાં રાખીને કહેવાઈ છે. ઝાઝા હાથ રળિયામણા જેવી કહેવત હાથનું મહત્ત્વ સમજાવે છે. કોઈપણ પ્રકારના પરિશ્રમ માટે હાથ કેન્દ્રમાં હોય છે. હાથે કરીને પીડા પણ ઊભી થતી હોય છે. હાથ શું કરે છે તેના પરથી નક્કી થાય કે જિંદગી કઈ દિશામાં જશે.

મનન -હેમુ-ભીખુ

વાત તો સાચી છે. મહેનત કરવાથી જ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. મહેનત મહદ્અંશે હાથ થકી થતી હોય છે. હાથનો જે ભાગ મૂળ સાથે જોડાયેલો ન હોય તે વધુ હલનચલન કરી શકે અને કાર્ય સંપન્ન કરવાની તેની ક્ષમતા પણ વધુ હોય. તેથી એમ ચોક્કસ પ્રમાણે કહી શકાય કે હાથના અગ્ર ભાગમાં લક્ષ્મી વસે છે – અથવા તો હાથના અગ્ર ભાગના કાર્ય થકી લક્ષ્મી પ્રાપ્ત થાય તે પ્રકારના કાર્ય કરી શકાય છે…

પાંચેક કર્મેન્દ્રિયમાં હાથ કદાચ સૌથી અગત્યનો છે. અર્જુને બાણ વિદ્યામાં પારંગતતા હાથ થકી જ પ્રાપ્ત કરી હતી. હાથ વડે જ તે અર્જુનનો રથ શ્રીકૃષ્ણ હાંકતા હતા. કદાચ હાથ થકી જ દ્રૌપદીના વસ્ત્રો પૂરવામાં આવ્યા હતા અને હાથ થકી જ શબરીએ શ્રીરામને બોર ખવડાવ્યા હતા. હાથ થકી યજ્ઞમાં આહુતિ આપી શકાય છે અને હાથ થકી જ પ્રભુના જે તે સ્વરૂપની સેવા-અર્ચના સંભવ બને. સત્કાર્યમાં હાથ જરૂરી છે.

એ પણ સમજી લેવાની જરૂર છે કે હાથ થકી અધર્મનું આચરણ પણ સંભવી શકે. પાપાચરણમાં હાથનો ફાળો મોટો રહે છે. એની કોઈ ખાતરી નથી કે હાથ નામની કર્મેન્દ્રિય સારા કાર્યમાં જ જોતરાય. તો પછી પ્રશ્ર્ન એ થાય કે કરાગ્રે જે લક્ષ્મી વસે તે
શુભ લક્ષ્મી ન પણ હોય. પરિસ્થિતિ જટિલ છે.

દૈવી તત્ત્વમાં ક્યારેય અદૈવીત્વ સંભવી ન શકે. પ્રકાશ ક્યારેય અંધારું ન બની શકે. ધર્મ અધર્મ ન બને કે સત્ય અસત્ય ન બને. લક્ષ્મી અ-લક્ષ્મી ન બને. લક્ષ્મી એ લક્ષ્મી છે, તે કયા માર્ગે પ્રાપ્ત થાય છે તેનાથી લક્ષ્મીપણું સ્થાપિત નથી થતું, જે પણ માર્ગે લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય, તે માર્ગમાં મહત્તમ ઉપયોગ હાથનો થતો જોવા મળે છે. ક્યાંક એવું બની શકે કે લક્ષ્મી બુદ્ધિને કારણે મળે, પણ બુદ્ધિને કાર્યરત કરનાર કાં તો વાચા હોય છે કાં તો હાથ હોય છે. તેમાં પણ હાથનું મહત્ત્વ વધારે જણાય છે. શબ્દો દ્વારા બુદ્ધિની વાત કહેવાને બદલે જો હાથ દ્વારા નિર્દેશિત કરવામાં આવે તો તેની અસર વધુ સચોટ રહી શકે. બુદ્ધિની ઉપયોગિતામાં પણ હાથની જરૂર તો છે જ.

કહેવાય છે કે મનુષ્યનું ભવિષ્ય તેના હાથમાં છે. જો હાથ સલામત તો ભવિષ્ય નિશ્ર્ચિંત. આપણા હાથ જગન્નાથ – જેવી બાબત પણ હાથને કેન્દ્રમાં રાખીને કહેવાઈ છે. ઝાઝા હાથ રળિયામણા જેવી કહેવત હાથનું મહત્ત્વ સમજાવે છે. કોઈપણ પ્રકારના પરિશ્રમ માટે હાથ કેન્દ્રમાં હોય છે. હાથે કરીને પીડા પણ ઊભી થતી હોય છે. હાથ શું કરે છે તેના પરથી નક્કી થાય કે જિંદગી કઈ દિશામાં જશે.
લક્ષ્મી ચંચળ છે. હાથના અગ્ર ભાગે તેની સ્થાપનાથી જાણે તેની ચંચળતામાં વધારો થાય છે. હાથનો અગ્ર ભાગ પ્રમાણમાં અસુરક્ષિત ગણાય. આ ચંચળતા અને અસુરક્ષિતતાને કારણે લક્ષ્મી જતી પણ રહે. જે બાબત ચંચળ હોય કે જે બાબત અસુરક્ષિત હોય તેનું વધારે ધ્યાન રાખવું પડે. જેમ લક્ષ્મી અહીંથી પ્રાપ્ત થઈ શકે તેમ અહીંથી જ લક્ષ્મી પલાયન થઈ શકે. જો હાથનો અગ્રભાગ નિષ્ક્રિય બની જાય – જો હાથ પરિશ્રમ કરવાનું છોડી દે – તો લક્ષ્મી ટકે નહીં. લક્ષ્મી એ કંઈ એવી ઘટના નથી કે જે હાથના ટેરવે ટકેલી જ રહે, પણ હાથના ‘ટેરવાનો’ ઉપયોગ કરી લક્ષ્મી ચોક્કસ પ્રાપ્ત
થઈ શકે.

પરિશ્રમ જરૂરી છે. આ પરિશ્રમ પાછળ ક્યાંક જ્ઞાનનો ટેકો હોય તો પરિશ્રમ વધારે અસરકારક બની શકે. લક્ષ્મીને પ્રાપ્ત કરવાના કાર્યમાં જો સરસ્વતીનો આધાર હોય તો ઇચ્છિત પરિણામ ચોક્કસ મળી શકે. અને તેથી જેમ હાથના અગ્ર ભાગમાં લક્ષ્મી છે એમ કહેવાયું છે તો હાથના મૂળમાં સરસ્વતીનો વાસ છે એમ જણાવ્યું છે. કોઈપણ પ્રકારના પરિશ્રમ માટે – કોઈપણ પ્રકારના કર્મ માટે જ્ઞાનનો આધાર જરૂરી છે. જ્ઞાનના સહકાર વગર કરાયેલ કાર્ય ગધ્ધા-મજૂરી સમાન બની રહે. તેનાથી લક્ષ્મીની પ્રાપ્તિ તો થઈ શકે, પણ તે પ્રાપ્તિ કરેલ-કરાયેલા પ્રયત્નોના પ્રમાણ મુજબની ન હોય.
દરેક કાર્યના મૂળમાં વિચાર હોય છે. વિચાર એ હાથનો વિષય નથી. જ્ઞાન થકી ઉદ્ભવતા વિચારને કારણે જ કાર્યની શરૂઆત સંભવ બને. જ્ઞાન એ સરસ્વતીનું ક્ષેત્ર છે, જ્યારે લક્ષ્મી એ પરિશ્રમનું પરિણામ છે. એમ બની શકે કે જ્ઞાની અને પરિશ્રમી એ બંને ભિન્ન ભિન્ન અસ્તિત્વ હોય – ભિન્ન ભિન્ન વ્યક્તિ હોય, પરંતુ તે સંજોગોમાં પણ જ્ઞાન એ કારણ બને અને પરિશ્રમ એ પરિણામ, જ્યારે કરાગ્રે વસતે લક્ષ્મી:ની વાત થાય ત્યારે બે ભિન્ન વ્યક્તિની નહીં પણ
એક જ વ્યક્તિની વાત હોય તેમ જણાય છે.

અહીં તો લક્ષ્મી અને સરસ્વતી વચ્ચે ગોવિંદ આવી જાય છે. ગોવિંદ એટલે ઇન્દ્રિયોનો સ્વામી. એક દૃષ્ટિકોણથી જોતા એમ જણાશે કે મન એ ઇન્દ્રિયોનો સ્વામી છે. કર્મેન્દ્રિયોને મન આજ્ઞા આપે છે અને તે પ્રમાણે હાથ-પગ કાર્યરત થાય છે. મૂળમાં સરસ્વતી અર્થાત્ જ્ઞાન છે, વચમાં જ્ઞાનને પરિણામ-લક્ષી બનાવનાર મન છે જે અંતે લક્ષ્મીની પ્રાપ્તિ માટે હાથને આજ્ઞા કરે છે.

ભૌતિક લક્ષ્મી – ધનદોલત ઉપરાંત, દરેક પ્રકારની લક્ષ્મી માટે આ વાત યથાર્થ છે. જો દાન-પુણ્યને લક્ષ્મી ગણવામાં આવે તો તે માટે પણ આ સમીકરણ યોગ્ય છે. જો ભક્તિને લક્ષ્મી ગણવામાં આવે તો ઈશ્ર્વર માટેનું જ્ઞાન એ આધાર બને, મનને સંયમિત રાખવાની પ્રક્રિયા એ મધ્યમ સ્થિતિ બને અને સ્વરૂપ ભક્તિ માટે કરાતી પ્રત્યેક ચેષ્ટા કાર્ય બને. હાથના ત્રણેય ભાગ સરખા મહત્ત્વના છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત