ધર્મતેજ

લાભ પાંચમ – લાભ ‘પંચમ’

વિશેષ -હેમુ ભીખુ

કારતક મહિનાના સુદ પક્ષની પાંચમી તિથિ એટલે લાભ પાંચમ. દિવાળીના તહેવારોની ઉજવણી બાદ, નવા વર્ષને આવકાર્યા પછી આવતો આ એક અગત્યનો તહેવાર છે. આ તિથિ જાણે દિવાળીના તહેવારની પૂર્ણાહુતિ સમાન છે. આ આ દિવસ પછી દિવાળીના તહેવારોની ભવ્યતા, ધાર્મિકતા તથા આધ્યાત્મિકતા અહીંથી જાણે અન્ય સ્વરૂપે પ્રગટ થશે અને આગળના જીવનને સાર્થક બનાવશે તેવી પ્રતીતિ થાય છે. દિવાળીના તહેવારો જે તાદાત્મ્યતાથી ઉજવાય છે તેને કારણે તહેવારોની આવી પૂર્ણાહુતિ બાદ પણ, આ તહેવારો દ્વારા સર્જાયેલ માનસિકતા લગભગ આખું વર્ષ જળવાઈ રહેતું હોય છે. આ પૂર્ણાહુતિ પણ છે અને શરૂઆત પણ. આ અંત પણ છે અને સર્જન પણ. એક રીતે જોતા આ સર્જન યુક્ત અંત છે – પ્રારંભ યુક્ત પૂર્ણાહુતિ છે. વ્યવસાયિક તથા વ્યાપારી સંસ્થાઓમાં અહીં ઉત્સવિયતાનો અંત આવે છે અને નવા વ્યવહારની શરૂઆત થાય છે.

આમ તો જે લાભ મેળવવાના હતા તે ધનતેરસના કે દિવાળીના દિવસે કરાયેલ લક્ષ્મી-પૂજનથી પ્રાપ્ત થઈ ગયા હોવા જોઈએ. એ પછી આવતી લાભ પાંચમ એ જાણે નવા વર્ષનો પ્રથમ તહેવાર છે એમ પણ કહી શકાય. અહીં જીવનમાં શરૂ થયેલ નવા વર્ષના આગળના પ્રવાસ માટે લાભની વાત થઈ હોવી જોઈએ, જે યોગ્ય પણ છે.

મજાની વાત એ છે કે અહીં લાભની વાત થાય છે, શુભની નહીં. આ લાભ પાંચમ છે, શુભ પાંચમ નહીં. જોકે, શુભ અને લાભ એક યુગ્મ સમાન છે – આ એક જોડ છે જેમાં એકની હાજરીથી બીજાની હાજરી લગભગ સ્થાપિત થઈ જાય છે. લાભ અને શુભને ભિન્નતાની દૃષ્ટિથી જોવું કઠિન પણ છે અને અયોગ્ય પણ છે. જ્યાં શુભતા – આધ્યાત્મિક શુદ્ધિ હોય ત્યાં જ યોગ્ય પ્રકારનો લાભ, યોગ્ય પ્રમાણમાં મળી રહે.

છતાં પણ ક્યારેક ક્યારેક એમ માની લેવામાં આવે છે કે લાભને કારણે પરિસ્થિતિ શુભ જણાય. આ યોગ્ય નથી. અહીં તો બધું જ શુભતાથી ભરેલું છે. આકાશ શુભ છે તો પૃથ્વી પણ તેટલી જ શુભ છે. પાણી અને અગ્નિમાં શુભતાની માત્રા સમાન હોય છે. આ પણ શુભ છે અને તે પણ શુભ છે. અહીં પણ શુભતા છે અને ત્યાં પણ તે જ પ્રમાણેની શુભતા છે. શુભતા સર્વત્ર છે – સદા કાળ માટે છે. લાભ-ગેરલાભનું પરિમાણ તો કામના ગ્રસ્ત સમુદાયમાં જોવા મળે. અપ્રમાણસર કે અનીતિમય કે અશાસ્ત્રીય કે અનિચ્છનીય લાભ મેળવવાની કામના રાખનારને લોભી કહેવાય. આ અશુભતા છે.
લાભને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. શેનો લાભ, કોની માટે લાભ, કયા હેતુ માટે લાભ, શેના પરિણામ સ્વરૂપ પ્રાપ્ત થતો લાભ – આ અને આવી બાબતો થોડી ઊંડાણમાં સમજવાની જરૂર છે. જો લાભ માત્ર ધન માટે જ વપરાતો શબ્દ હોય તો સમજમાં ક્યાંક ઊણપ છે એમ કહી શકાય. લાભમાં માત્ર સંપત્તિ પ્રાપ્તિની ગણતરી ન થવી જોઈએ. લાભ ઘણા પ્રકારના હોઈ શકે. જેમકે, જીવનમાં સદ્ગુરુની પ્રાપ્તિ એ બહુ મોટો લાભ ગણાય.

લાભદાયી સ્થિતિ હોય ત્યારે સાત્ત્વિક પ્રવૃત્તિની વ્યક્તિ આધ્યાત્મકતા તરફ વડે, રાજસી પ્રકૃતિની વ્યક્તિ સંપત્તિ પાછળ દોડે અને તામસી પ્રકૃતિની વ્યક્તિ ભોગવિલાસમાં ડૂબે.

અનુશાસનમાં જીવનાર દરેક વ્યક્તિ માટે પ્રત્યેક દિવસ લાભદાયી હોય છે. છતાં પણ ચોક્કસ દિવસ અને ચોક્કસ સમયનું – મુહૂર્તનું આગવું મહત્ત્વ હોય તેમ પ્રતીત થતું રહ્યું છે. વિશ્ર્વમાં પ્રવર્તમાન હકારાત્મક સૂક્ષ્મ પરિબળો આવા સમયે સમાન સ્તરે ઊતરી આવે છે. આવી પરિસ્થિતિમાં તેમની સાથેનો વ્યવહાર – તેમની સાથેનું સમીકરણ સરળ અને ચોક્કસ બની શકે. કેટલાક બુદ્ધિજીવીઓના મતે આ એક કાલ્પનિક વાત હોઈ શકે, પણ એ વાત સમજી લેવી જોઈએ કે આ પ્રકારનું સત્ય બુદ્ધિની સમજથી પર છે.

એ પણ સમજવું જોઈએ કે જે સૃષ્ટિનું સર્જન સ્વયં ઈશ્ર્વરે કર્યું હોય ત્યાં કશું જ અપશુકનિયાળ ન હોય. અહીં સદા સર્વત્ર શુભ મંગલ પ્રસરેલું રહે. લાભદાયી પ્રસંગો નિત નિત ઊભરતા રહે. સમજવાની વાત એ છે કે લાભ પાંચમની વિરુદ્ધમાં ક્યારેય ગેરલાભ પાંચમ નથી આવતી. અર્થાત્ નુકસાનકારક સમય અસ્તિત્વમાં જ નથી. પ્રત્યેક દિવસ લાભ પાંચમ સમાન છે અને પ્રત્યેક પળ લાભ મુહૂર્ત સમાન છે. જે વ્યક્તિ તટસ્થ છે, નિર્મોહી છે તેને માટે પ્રત્યેક પળ શુભ-લાભ છે. ઈશ્ર્વર પરાયણ વ્યક્તિ ક્યારે અશુભતા-ગેરલાભમાં પ્રવેશી જ ન શકે. અને તેને લાભ માટે કોઈ પ્રકારનો મોહ પણ ન હોય.

મનુષ્ય તરીકે જન્મ મળ્યો તે જ એક મોટો લાભ છે. વળી, ભારતીય ઉપખંડમાં માનવ-જન્મ મળ્યેથી જે જે સંભાવના ઊભી થાય છે તે પણ એક મહાન લાભ સમાન છે. હજારો વર્ષ પુરાણી સંસ્કૃતિ અને લાંબા કાળખંડમાં સિદ્ધ થયેલી પરંપરાને કારણે અહીંની પરિસ્થિતિ એક હકારાત્મક બળ આપે છે. અહીંના વાતાવરણમાં ખુલ્લાપણું છે, જિજ્ઞાસા છે, ઉચ્ચકોટિના માર્ગદર્શન માટે વિકલ્પો છે, પોતાનો માર્ગ પસંદ કરવાની સ્વતંત્રતા છે, સદ્ગુરુનું સાંનિધ્ય મળી શકે તે માટે અપાર સંભાવનાઓ છે – આ જ લાભ. આનાથી મોટો લાભ કોઈ પ્રકારે, કોઈ પરિસ્થિતિમાં, કોઈ સ્થાને, કોઈ કાળખંડમાં ન સંભવી શકે. આ લાભ લઈ લેવા જેવો છે.

જીવનમાં પાંચ મહાભૂતો, પાંચ ઇન્દ્રિયો, પાંચ તેના વિષયો તથા પાંચ કર્મેન્દ્રિયોનો મહત્તમ સુ-લાભ લઈ લાભ પંચમને યથાર્થ કરવાનો આ પ્રસંગ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button