ધર્મતેજ

કુન્દુકેશ્ર્વર લિંગ દુષ્ટોનું વિનાશક, ભોગ-મોક્ષનું પ્રદાન અનેસર્વદા સત્પુરૂષોની સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારું છે

શિવ રહસ્ય -ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
શુંભ-નિશુંભ અને દુન્દુભિનિર્હાદના વધ બાદ સમગ્ર સૃષ્ટિમાં દેવગણોનું સામ્રાજ્ય થતાં સુખ સમૃદ્ધિ વધવા લાગી. ત્રિદેવ પોતપોતાના લોકોમાં નિવાસ કરી રહ્યા હતા. અચાનક બ્રહ્મલોક ખાતે ‘ૐ બ્રહ્મણે નમ:’નો નાદ ગૂંજવા લાગ્યો. માતા સરસ્વતી દ્વારા પુછાતા બ્રહ્માજીએ જવાબ આપ્યો કે, દેવી આ બે અસુર કુમાર વિદલ અને ઉત્પલ છે, તેઓ કયા વરદાનની ઇચ્છાથી તપસ્યા કરી રહ્યા છે એ ખબર નથી, પણ હવે તેમનો સ્વર બ્રહ્મલોક સુધી પહોંચતાં મારે વરદાન આપવા જવું જ પડશે.’ માતા સરસ્વતી અને બ્રહ્માજી શિલોંગના જંગલમાં પહોંચે છે જ્યાં વિદલ અને ઉત્પલ તપસ્યા કરી રહ્યા હોય છે. બ્રહ્માજી તેમને વરદાન માગવાનું કહેતાં વિદલ કહે છે, ‘બ્રહ્મદેવ જો તમે વરદાન આપવા જ માગતા હોવ તો અમને એવું વરદાન આપો કે કોઈ પુરુષ અમને મારી ન શકે.’ માતા સરસ્વતી તેમને સાવચેત કરતાં કહે છે, ‘જુઓ કુમારો તમે જે વરદાન માગો છે એમાં એ ફલિત થાય છે કે કોઈ સ્ત્રી જ તમારો વધ કરી શકે બરાબર ને.’ ચતુર ઉત્પલ કહે છે, ‘માતા સરસ્વતી અમે એવું માનીએ છીએ કે સંસારની દરેક સ્ત્રી અમારી માતા સમાન છે, અમે તેમનું સન્માન જ કરીશું.’ પ્રસન્ન બ્રહ્માજી વરદાન આપતાં કહે છે, ‘તથાસ્તુ, પણ કુમારો યાદ રહે અનીતિનું આચરણ હંમેશાં વિનાશનું કારણ હોય છે, જીવનમાં જો અનીતિ અને અધર્મનું આચરણ કરશો તો તમારો વિનાશ નિશ્ર્ચિત છે.’ માતા સરસ્વતી અને બ્રહ્માજી વરદાન આપી બ્રહ્મલોક પહોંચે છે. દેવરાજ ઇન્દ્ર અને દેવગણોને એ વરદાનની વાત ખબર પડતાં તેઓ બ્રહ્મલોક પહોંચે છે. તેમને સાંત્વન આપતાં બ્રહ્માજી કહે છે, ‘દેવગણ નિશ્ર્ચિંત રહો ભગવાન શિવ અને માતા શક્તિનું આદરપૂર્વક સ્મરણ કરી ધૈર્ય ધારણ કરો, એ બંને દૈત્યો નિશ્ર્ચિત જ દેવીપાર્વતીના હાથે માર્યા જશે અને લોકોનું કલ્યાણ થશે.


બ્રહ્માજીના સાંત્વનથી દેવગણો આનંદિત થઈ પોતપોતાને ધામ જતા રહ્યા. શરૂઆતમાં વિદલ અને ઉત્પલ ધર્મનું આચરણ કરી રહ્યાં હતા, પણ જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ તેમનામાં અસુરી વૃત્તિનું ઉત્થાન થવા લાગ્યું, પોતાની શક્તિઓ અજય છે તેવું સમજાતા તેઓએ પૃથ્વીલોક પર અત્યાચાર કરવાનું શરૂ કર્યું, અસુર માતા દીતિ જાણતી હતી કે વિદલ અને ઉત્પલનો કોઈ પુરુષ દેવગણ વધ નહીં કરી શકે, એટલે તેમણે પોતાની અસુરી વૃત્તિને ફલિત કરવાનું વિદલ અને ઉત્પલને સમજાવ્યું. પ્રથમ તેમણે સ્વર્ગલોક પર આક્રમણ કરી દેવરાજ ઇન્દ્રને બંદી બનાવ્યા. દેવરાજને બંદી બનેલા જોઈ અન્ય દેવગણ ત્યાંથી પલાયન થઈ જાય છે. ફરી દેવગણો મુશ્કેલીમાં આવી ગયા. પલાયન દેવગણો દેવર્ષિ નારદ પાસે પહોંચે છે અને તેમને ઘટનાક્રમની જાણકારી આપે છે. વિજેતા વિદલ અને ઉત્પલને અસુર માતા દીતિ કહે છે કે, ‘હે અસુર શિરોમણિઓ આ સ્વર્ગલોક તમારી રાણીઓ વગર સૂનું છે, તમારે સંસારની સુંદર ક્ધયા શોધીને તમારી રાણી બનાવવી જોઈએ.’


દેવર્ષિ નારદ પોતાની કળા દાખવતા વિદલ અને ઉત્પલ સમક્ષ પ્રગટ થાય છે.
વિદલ: ‘દેવર્ષિ, તમારા આગમનનું કારણ બતાવવાની કૃપા કરશોજી.’
દેવર્ષિ નારદ: ‘નહીં વિદલ-ઉત્પલ હું તમને મળવા નથી આવ્યો, હું તો અહીંથી જતો હતો તો થયું ચાલો તમને મળતો જાઉં.’
વિદલ: ‘દેવર્ષિ તમે તો સમગ્ર સંસારમાં વિહરતા હોવ છો, તો શું તમે અમને જણાવી શકો કે સંસારમાં સૌથી સુંદર સ્ત્રી કોણ છે?’
દેવર્ષિ નારદ: ‘સમગ્ર સંસારમાં તો સૌથી સુંદર માતા પાર્વતી છે.’
ઉત્પલ: ‘તેના વિશે વધુ જણાવી શકશો.’
દેવર્ષિ નારદ માતા પાર્વતીના સૌંદર્યની પ્રશંસા કરતાં કરતાં ત્યાંથી વિદાય લે છે. દેવર્ષિ નારદના વિદાય બાદ વિદલ અને ઉત્પલ માતા પાર્વતીના વિચારોમાં ખોવાઈ જાય છે, તેઓ કૈલાસના આકાશમાં વિચરવા લાગે છે. તેઓ શિવગણોનું રૂપ ધારણ કરી માતા પાર્વતીની નિકટ જવાની કોશિશ કરે છે. તે સમયે માતા પાર્વતી નંદીની પત્ની સુયશા સાથે દડાની રમત રમતાં હોય છે. વિદલ અને ઉત્પલના નેત્રોથી પ્રગટ થયેલી ચંચળતાને કારણે ભગવાન શિવ તેમને ઓળખી જાય છે. ભગવાન શિવ માતા પાર્વતીને કટાક્ષ દ્વારા સૂચિત કરે છે કે ‘આ બંને દૈત્ય છે, ગણ નથી.’ માતા પાર્વતી એ સંકેતને સમજીને એ દડાથી એકીસાથે એ બંને પર ઘા કરે છે. માતા પાર્વતીના દડાના પ્રહારથી આહન થઈ બંને મહાબલી દુષ્ટ દૈત્ય ચક્કર ફરતાં ફરતાં ભૂતલ પર પડી જાય છે જાણ કે વાયુના સપાટાથી ચંચળ થઈને બે પાકેલાં તાડનાં ફળ પોતાના થડથી તૂટીને પડી જાય છે. બંને દૈત્યોનો વધ થતાં દેવગણો માતા પાર્વતીનો જયજયકાર કરે છે. બંને મહાબલી દૈત્યને ઘા કરનારો દડો લિંગરૂપે પરિવર્તિત થાય છે અને કુન્દુકેશ્ર્વર નામે પ્રખ્યાત થાય છે. કાશી સ્થિત કુન્દુકેશ્ર્વર લિંગ દુષ્ટોનું વિનાશક, ભોગ-મોક્ષનું પ્રદાન અને સર્વદા સત્પુરૂષોની સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારું છે. જે મનુષ્ય કુન્દુકેશ્ર્વર લિંગના મહિમા-આખ્યાનને હર્ષપૂર્વક સાંભળે, સંભળાવે અથવા વાંચે છે એને ભયનું દુ:ખ રહેતું નથી, તે આ લોકમાં વિવિધ પ્રકારનાં સંપૂર્ણ ઉત્તમોત્તમ સુખ ભોગવીને દેવદુર્લભ દિવ્ય ગતિને પ્રાપ્ત કરે છે.
(ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઘરમાં પૈસા નથી ટકવા દેતી આ ભૂલો, તમે પણ તો નથી કરતાં ને? રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો…