ધર્મતેજ

કાનો એક ગોપીઓ અનેક

ચિંતન -હેમુ ભીખુ

ભારતના ઇતિહાસમાં અંકિત થયેલી સૃષ્ટિની આ એક અનેરી ઘટના કહેવાય છે, પણ આ ઘટના નથી, આ તો કાયમનું સત્ય છે. આ કોઈ એક પ્રસંગ નથી પણ સનાતન બાબત છે. ભલે આ ઇતિહાસનો ભાગ હોય પણ તે વાસ્તવમાં સૃષ્ટિનું સમીકરણ છે. ગોપી-કાના વચ્ચેનો આ દ્વૈત નથી પણ એમના ઐક્યનો વિસ્તાર છે. આ કોઈ એક સમયે ખેલાયેલ રાસલીલા નથી પણ સૃષ્ટિની ‘સત્ય-લીલા’ છે. અહીં કોઈ યોગિક ક્રિયાની પ્રસ્તુતિ નથી પણ સમગ્ર બ્રહ્માંડ તે યોગ યુક્ત છે તેની સાબિતી છે. આ કંઈ એક રાત્રીમાં આકાર પામેલ તથ્ય નથી પણ પ્રત્યેક મન્વંતરમાં યોગ દ્વારા સમજાયેલ અને સમજાવાયેલ હકીકત છે. યોગ અને જ્ઞાન વડે માનવ સમાજમાં શાશ્ર્વત સત્ય સ્થાપિત કરવાનો આ પ્રયત્ન છે. માનવ જીવનના ઇતિહાસની આ એક અનેરી ઘટના છે જે સૃષ્ટિના ઘણાં ખરાંસમીકરણો છતાં કરે છે. કાનો એક છે અને ગોપીઓ અનેક. આ કાનો એટલે કે કૃષ્ણ એટલે શેની અભિવ્યક્તિ અને ગોપીઓ એટલે કઈ પરિસ્થિતિનું પ્રસ્થાપન, તે સમજવાનું છે.

વિશ્ર્વમાં બ્રહ્મ વિશે વિવિધ પ્રકારની પૂર્વ ધારણા પ્રચલિત છે. આવી પરિસ્થિતિમાં બ્રહ્મ અને પ્રત્યેક અસ્તિત્વ વચ્ચેનો સંબંધ જોવાનો છે. બ્રહ્મની સાર્થકતા અને ક્ષમતા સમજવા માટે આ એક સરસ ગોઠવણ છે. બ્રહ્મ એક છે અને તેનો વિસ્તાર અનેક સ્વરૂપે ફેલાયેલો છે, અને તે પ્રત્યેક સ્વરૂપમાં બ્રહ્મ હાજર છે. માનવી અનેક છે પણ તે દરેકમાં પરમાત્માનો અંશ – પરમાત્માની ચેતના હયાત છે. આવું જ પ્રત્યેક પ્રાણી માટે કહી શકાય. આવું જ જડ પદાર્થો માટે પણ કહી શકાય. જો સૃષ્ટિના નિર્માતા એ પૃથ્વી-જળ-વાયુ- અગ્નિ- અવકાશ જેવા મહાભૂતનું નિર્માણ કર્યું હોય તો એ વાત તો સ્થાપિત થાય છે કે આ બધામાં તે નિર્માતાનો અંશ હોય – આ બધામાં તેની કારીગરી હોય – આ બધા પાછળ તેનું પ્રયોજન હોય – અને આ બધા યથા સ્વરૂપે કાર્યરત થાય તે માટે તેમાં બ્રહ્મની ચૈતન્ય સ્વરૂપ પ્રેરણા હોય. આમ જડ અસ્તિત્વ પાછળ પણ તે જ કારણ સ્વરૂપે રહેલો હોય. જડ અને ચેતન બન્ને તેના અસ્તિત્વના શાશ્ર્વત સાક્ષી છે.

પૃથ્વીને જડ માનીએ તો પણ તે સૂર્યની આસપાસ ગતિ કરે છે. સૂક્ષ્મ અણુમાં પણ ગતિ સ્થાપિત થયેલી છે. ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું સમીકરણ અણુને સ્થિર રાખે છે અને ગતિમાન પણ. બ્રહ્માંડના દરેક પિંડ એક યા બીજા સ્વરૂપે ગતિ કરે છે અને સંજોગોને પ્રતિભાવ આપતાં હોય તેમ બદલાવ પામે છે. ગતિ ચૈતન્યને કારણે સંભવી શકે. ચૈતન્ય બધે જ વ્યાપ્ત છે. જ્યાં પણ પ્રકૃતિ જે પણ સ્વરૂપે છે ત્યાં શ્રીકૃષ્ણનું ચૈતન્ય હાજર હોય છે. જ્યાં જ્યાં ભૌતિક કણ છે ત્યાં ત્યાં ચૈતન્ય પણ છે – તેવી જ રીતે જ્યાં જ્યાં ગોપી છે ત્યાં ત્યાં તેની સાથે જોડાયેલ તે શ્રીકૃષ્ણ છે – અને આ જોડાણ શાશ્ર્વત છે. આ જોડાણ વિના સૃષ્ટિનું અસ્તિત્વ જ શક્ય નથી.

અસ્તિત્વના બે પાસાં આમ પણ સ્થાપિત થયાં છે : તત્ત્વ અને ગુણધર્મ. વિશ્ર્વનાં કોઈ પણ તત્ત્વ તેના ગુણધર્મો સાથે જ અસ્તિત્વમાં આવે છે. સાકર અને તેની મીઠાશ એક સાથે અસ્તિત્વમાં આવે. મીઠાશ વગરની સાકર ન હોય અને સાકર વગર મીઠાશનું અસ્તિત્વ ન સંભવે. જ્યારે આપણે સાકર કહીએ ત્યારે તેની મીઠાશની વાત તેની સાથે આવી જ જાય – એવી એક પણ સાકર ન મળે કે જેમાં મીઠાશ ન હોય. એમ જણાય છે કે સાકર અને મીઠાશ વચ્ચે જે સંબંધ છે તે સંબંધ શ્રીકૃષ્ણ અને ગોપી વચ્ચે છે. શ્રીકૃષ્ણ વગર ગોપી ન હોય અને ગોપી વગર શ્રીકૃષ્ણનું મહાત્મ્ય ન સમજાય. આ બંને ભિન્ન ભિન્ન છે અને પરસ્પર આધારિત છે એમ નથી, આ બંને એક જ છે. રાસલીલાના સમયે વિશ્ર્વ સમુદાય આ સત્ય સમજી શકે એટલા માટે ઇતિહાસમાં આવી લોકોને દેખાય તેવી ઘટના અસ્તિત્વમાં ઉતારવી પડે.

સમાજ જો ગોપીઓને અલગ અલગ ગણે તો તેની સાથે અલગ અલગ શ્રીકૃષ્ણ હોવા જોઈએ. સેંકડો ગોપીઓ માટે સેંકડો શ્રીકૃષ્ણ હોવા જોઈએ; પણ જો આપણે ગોપીને એક જ માનીએ તો સેંકડો કૃષ્ણની જરૂર જ નથી. પ્રકૃતિને આઠ ભાગમાં જોઈએ તો ચૈતન્ય આઠ ભાગમાં વિભાજિત થયેલું લાગે અને જો ચૈતન્યને એકવીસ હજાર છસો નાડીઓ સાથે જોઈએ તો શ્રીકૃષ્ણ પણ એકવીસ હજાર છસો દેખાવા જોઈએ. પ્રકૃતિને જેટલી વિભાજિત જોઈએ તેટલા શ્રીકૃષ્ણના સ્વરૂપ પ્રગટ થશે. શ્રીકૃષ્ણના તે સ્વરૂપ સાથેના જોડાણ સિવાય પ્રકૃતિનું કોઈપણ અંગ અસ્તિત્વમાં આવી જ ન શકે. પ્રકૃતિના પ્રત્યેક અંગ સાથે તે ચૈતન્ય જોડાયેલું છે. આ જોડાણ વગર પ્રકૃતિનું અસ્તિત્વ જ શક્ય નથી. કાનો એક અને જેટલા પ્રકૃતિના સ્વરૂપ એટલા તે આકાર ધારણ કરે.

મોતી અનેક હોય પણ તે જેમાં પરોવાઈ તે ધાગો એક જ હોય. દરેક મોતી તે ધાગા સાથે સંલગ્ન હોય. દરેક મોતી તે ધાગામાં જ પરોવાયેલું હોય. મોતી અને ધાગા વચ્ચેનું સંબંધ અતૂટ હોય. માળાનું સર્જન ત્યારે જ થઈ શકે જ્યારે મોતી અને ધાગો સાથે ‘રાસ’ રમે. પછી ભલે ધાગો એક જ હોય તો પણ દરેક મોતી સાથે તે રાસ રમી શકે. જો એક સૂત્રતામાં બાંધનાર ધાગો અર્થાત શ્રીકૃષ્ણ ન હોય તો માળાનું સર્જન ન થાય અને મોતી અર્થાત ગોપીઓ ન હોય તો પણ માળા સમાન સુમધુર રાસ ન રમાય.

સ્વપ્નમાં આવેલ દરેક તત્ત્વ સાથે સ્વપ્ન જોનારનું અસ્તિત્વ જોડાયેલું હોય છે. સ્વપ્નમાં પ્રતીત થતાં દરેક સજીવ સાથે તો સ્વપ્ન જોનારનું ચૈતન્ય જોડાયેલું જ હોય છે પણ સ્વપ્નમાં જડ પદાર્થો સાથે પણ તેવો જ સંબંધ હોય છે. સૃષ્ટિના સર્જનમાં પણ આમ જ કંઈક થઈ રહ્યું છે. ફેર એટલો કે માનવી સ્વપ્ન જુએ અને બ્રહ્મ – શ્રીકૃષ્ણ નિર્દોષતાથી સંકલ્પ કરે. આમ શ્રીકૃષ્ણ બધા સાથે સંલગ્ન રહે, જોડાયેલા રહે, એકરૂપ રહે, આત્મસાત થઈને રહે અને રાસ રમતા રહે.

અંતે તો હેમનું હેમ હોયના સિદ્ધાંત પ્રમાણે જે ગોપી છે તે જ શ્રીકૃષ્ણ છે અને જે શ્રીકૃષ્ણ છે તે જ ગોપી છે. જે કંઈ ભેદ પ્રતીત થાય છે તે અવિદ્યાથી સ્થાપિત થયેલ માયાના પ્રપંચ સમાન છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker