ધર્મતેજ

“અલૌકિક દર્શન” રામે સીતાનો ત્યાગ કર્યો નથી!

જીવનનું અમૃત – ભાણદેવ

(ર)
આપ ચોંકી ન જશો અને આપને કદાચ ચોંકી જવું હોય તો ચોંકી જજો, પરંતુ આપ નારાજ ન થજો. નારાજ થવું હોય તો ભલે નારાજ થજો, પરંતુ મારી વાત તો અવશ્ય અને પૂરી સાંભળજો.

એક બહુ સાચી વાત કહેવી છે.
આ વાત પ્રમાણભૂત ગ્રંથોમાં કહેલી વાતથી ઘણી વેગળી છે અને સૌ માનવોની માન્યતાથી પણ વેગળી છે. ભારતીય ચેતનામાં ગહન સ્વરૂપે ઘૂંટાઈ ગયેલી માન્યતાથી પણ આ વાત વેગળી છે, ઘણી વેગળી છે અને તેથી આ વાતનો સ્વીકાર કરવા માટે ઘણી મોટી હિંમતની આવશ્યકતા છે.
પ્રમાણભૂત ગ્રંથોમાં કહેલી વાતોથી પણ વેગળી હોય તેવી વાત ક્વચિત્‌‍ સાચી હોઈ શકે છે. લોકમાન્યતા અને સામૂહિક ચેતનામાં દૃઢીભૂત થઈ હોય તેવી માન્યતાથી વેગળી હોય તેવી વાત પણ ક્વચિત્‌‍ સાચી હોઈ શકે છે.

તો હવે સાંભળો, આવી એક સાચી વાત :
“રામે સીતાનો ત્યાગ કર્યો નથી!”
પરંતુ વાલ્મીકિય રામાયણ',અધ્યાત્મરામાયણ’ આદિ રામલીલાપરક સર્વ ગ્રંથોમાં તો સ્પષ્ટ કહ્યું છે કે રામે સીતાનો ત્યાગ કર્યો છે. એટલું જ નહીં, અન્ય વિશાળ ગ્રંથોમાં જ્યાં રામલીલાનું સંક્ષિપ્ત કથન છે, ત્યાં પણ ભગવાન રામ દ્વારા સીતાત્યાગનું કથન છે જ. તો શું આ ગ્રંથોનું કથન સત્યથી વેગળું છે? વાલ્મીકિય રામાયણ' જેવા પ્રમાણભૂત ગ્રંથના કથનનો ઈન્કાર કેવી રીતે કરી શકાય?મહાભારત’, `શ્રીમદ્ભાગવત’ અન્ય અનેક ગ્રંથોમાં ભગવાન શ્રીરામ દ્વારા સીતાત્યાગની કથા છે જ તેનું શું? શું તેને અસત્ય ગણી શકાય?

અહીં થોડી વાતો નિરાંતે કરવી જોઈએ.
રામાયણ',મહાભારત’, `શ્રીમદ્ભાગવત’ અનેક પુરાણો – આ ગ્રંથો ઘણાં મૂલ્યવાન છે અને ભારતીય સંસ્કૃતિના સમર્થ વાહકો છે. તે બધા ગ્રંથો શિરસા વંદનીય છે. તેમના
પ્રત્યે પર્યાપ્ત આદરપૂર્વક થોડી વાતો કહેવાની છે.

આ સર્વ ગ્રંથોમાંથી કોઈ પણ વિશુદ્ધ ઈતિહાસનો ગ્રંથ નથી. આ બધા ગ્રંથો મળીને પણ વિશુદ્ધ ઈતિહાસ બનતો નથી. આ બધા ગ્રંથોમાં અપરંપાર ઐતિહાસિક તત્ત્વો છે, પરંતુ આમાં કોઈ ગ્રંથ કે બધા ગ્રંથો વિશુદ્ધ ઈતિહાસ નથી. આધુનિક અર્થમાં આપણે જેને ઈતિહાસ' ગણીએ છીએ તેવો કોઈ ઈતિહાસ પ્રાચીન ભારતમાં લખાયો નથી. ઈતિહાસના કોઈક આછાપાતળા ગ્રંથો મળતા હોય તોપણરામાયણ’ને રામકથા-વિષયક કોઈ પણ ગ્રંથને વિશુદ્ધ ઈતિહાસ કહી શકાય તેમ નથી. `વાલ્મીકિય રામાયણ’ એક મહાકાવ્ય (યાશભ) છે, ઘણું ઉચ્ચ કોટિનું મહાકાવ્ય છે, તે વિશે કોઈ બેમત નથી. સ્વામી વિવેકાનંદજીએ એક વાર કહ્યું છે :

“વાલ્મીકિય રામાયણ’ની તોલે આવે તેવું મહાકાવ્ય આ પૃથ્વીના પટ પર હજુ સુધી રચાયું નથી.”
આ બધું છતાં રામાયણ' મહાકાવ્ય છે.રામાયણ’ અને મહાભારત'ને આપણા પ્રાચીન ભારતના ઈતિહાસ તરીકે અનેક વાર જોવામાં આવે છે, કારણ કે તેમનામાં અપરંપાર ઐતિહાસિક તત્ત્વો છે. આમ છતાંરામાયણ’ અને મહાભારત'ને આપણે વિશુદ્ધ ઈતિહાસગ્રંથો ગણી શકીએ તેમ નથી. રામાયણ’માં જેમનું કથન છે, તે સર્વ ઘટનાઓ તે જ સ્વરૂપે ઘટી હતી તેમ આપણે ન કહી શકીએ. આટલું જો આપણે સ્વીકારી શકીએ તો આપણા માટે આમ સ્વીકારવું શક્ય બનશે કે `રામાયણ’માં જે સ્વરૂપનું કથન છે તેના કરતાં ઘટના કોઈ જુદા સ્વરૂપે ઘટી હોય તેમ બની શકે!
આ ઉપરાંત બીજી એક વાત સમજી લેવી જોઈએ.

`રામાયણ’માં ઐતિહાસિક તત્ત્વો અપરંપાર હોવા છતાં…

  1. `રામાયણ’ સ્વરૂપત: એક મહાકાવ્ય છે.
  2. `રામાયણ’ એક અધ્યાત્મગ્રંથ છે.
  3. `રામાયણ’માં રૂપક-સ્વરૂપની કથાઓ પણ છે.
  4. રામાયણ'ને મહાકાવ્યનું સ્વરૂપ આપવા માટે અને આધ્યાત્મિક સત્યોને અભિવ્યક્ત કરવા માટે મૂળ કથામાં પરિવર્તન કરવામાં આવ્યું છે. આપણે એ પણ નોંધવું જોઈએ કે ભિન્ન-ભિન્નરામાયણ’ની કથામાં ભિન્નતા પણ જોવા મળે છે.

હજુ બીજી પણ એક વાત નોંધવી જોઈએ. રામાયણ' ભગવાન શ્રીરામનું જીવનચરિત્ર (બશજ્ઞલફાિવુ) નથી. આધુનિક અર્થમાં આપણે જેનેજીવનચરિત્ર’ કહીએ છીએ તેવું ભગવાન શ્રીરામનું કોઈ જીવનચરિત્ર આપણી પાસે નથી. `રામાયણ’ ભગવાન શ્રીરામનું જીવનચરિત્ર નહીં, પરંતુ લીલાકથા છે. આ લીલાગ્રંથ છે અને તેને લીલાગ્રંથ તરીકે લેવો જોઈએ.
હવે આપણે મૂળ વાત પર આવીએ.

ભગવાન શ્રીરામે ભગવતી સીતાજીનો ત્યાગ કર્યો નથી. સીતાજી વાલ્મીકિજીના આશ્રમમાં રહ્યાં તે વાત સાચી છે, પરંતુ રામે સીતાનો ત્યાગ કર્યો તે વાત સાચી નથી.
તો સાચી વાત શી છે?
દૃષ્ટિકોણ વિધાયક અને હૃદયને ખુલ્લું રાખીને સાંભળો સાચી વાત.
ભગવાન શ્રીરામે ભગવતી સીતાનો ત્યાગ કર્યો નથી. ભગવાન શ્રીરામ સત્યપ્રતિજ્ઞા, ન્યાયપ્રિય અને પ્રેમી પુરુષ છે. તેઓ સીતાજીનો ત્યાગ ન જ કરે, ન જ કરી શકે. જેમની પવિત્રતા સ્પર્શની પવિત્રતા પણ વધુ પવિત્ર બને તેવાં સીતાજીનો ભગવાન શ્રીરામ ત્યાગ કરે? આ એક અશક્ય ઘટના છે અને તદનુસાર સીતાજીનો ત્યાગ થયો નથી.

તો શું સીતાજી વાલ્મીકિજીના આશ્રમમાં રહ્યાં તે ઘટના બની જ નથી? તે ઘટના બની છે. સીતાજી વાલ્મીકિજીના આશ્રમમાં રહ્યાં તે ઘટના સાચી છે, પરંતુ ભગવાને સીતાજીનો ત્યાગ કર્યો અને સીતાજી વાલ્મીકિજીના આશ્રમમાં ગયાં તેમ બન્યું નથી. તો શું બન્યું છે? ભગવતી સીતાજી શા માટે વાલ્મીકિજીના આશ્રમમાં રહેવા ગયાં હતાં?

મૂળ વાત આ પ્રમાણે છે :
સીતાજીનું રાવણ હરણ કરી ગયો. રામ-રાવણનું યુદ્ધ થયું. સીતાજીને મુક્ત કરીને ભગવાન શ્રીરામ અયોધ્યા આવ્યા અને અયોધ્યાની રાજગાદી પર ભગવાન શ્રીરામનો રાજ્યાભિષેક થયો.
અયોધ્યા મોટું નગર છે. ગામ હોય ત્યાં ઉકરડો હોય. કેટલાક નાસમજ, મૂર્ખ લોકો સીતાજી સામે આંગળી ચીંધવા લાગ્યા. અયોધ્યાનો રાજપરિવાર પણ મોટો હતો. આ રાજપરિવારના અમુક સભ્યો પણ કચકચ કરવા લાગ્યા. આ રાજપરિવારના થોડા સભ્યો પણ આ ભગવતી સીતાજી તરફ આંગળી ચીંધવા લાગ્યા :

અસુરના ઘરમાં રહીને આવી છે તેનો ભરોસો કેવી રીતે કરવો?
ભલભલા ઋષિઓ પણ પડ્યા છે, તો સીતાજીનું શું ગજું?
આમ રાજપરિવારના અમુક સભ્યો અને પ્રજાના થોડાક લોકો પણ આ નિંદામાં ભાગીદાર થવા લાગ્યા.
આંગળી ચીંધાય છે અને અનેક આંગળીઓ ચીંધાય છે.
લોકમુખે થતી આક્ષેપબાજી અને નિંદા પ્રત્યે તો ઉપેક્ષાભાવ રાખી શકાય છે, પરંતુ રાજપરિવારના સભ્યો પણ આંગળી ચીંધે ત્યારે શું કરવું?
નારીજીવનની સૌથી મોટી વિટંબણા કઈ? નારીજીવનની સૌથી મોટી વેદના કઈ? નારીજીવનનો સૌથી મોટો પરિતાપ કયો?
ચારિત્ર્ય પર ખોટો આક્ષેપ!

પવિત્રતા જ દેહ ધારણ કરીને આવી હોય તેવાં ભગવતી સીતા પર આવો સર્વથા અસત્ય આક્ષેપ!
ભગવતી સીતાને દુ:ખ થાય છે, સંતાપ અનુભવાય છે. તેમના માટે હવે અયોધ્યાના રાજમહેલમાં જીવવું અકારું-અકારું થઈ પડ્યું છે. સીતાજીની આ વેદના કોણ સમજે? ભગવાન શ્રીરામ જ સમજે અને તેમના વિના બીજા કોઈ ન સમજી શકે – ન અનુભવી શકે!

ભગવાન શ્રીરામે જોયું કે ભગવતી સીતાજી માટે હવે રાજમહેલમાં જીવવું સુખકારક નથી, દુ:ખદાયી છે!
કોઈક કારણસર, સ્વેચ્છાએ કે આધ્યાત્મિક જીવન જીવવા માટે રાજપરિવારના સભ્યો અરણ્યમાં જાય અને આશ્રમજીવનનો સ્વીકાર કરે તેવી પ્રાચીન ભારતની પરંપરા રહી છે.

ભગવતી સીતા આ અકારણ અને અનિચ્છનીય માનસિક સંતાપમાંથી મુક્ત થાય તેવી શુભ ભાવનાથી શ્રીરામ ઈચ્છે છે કે હવે ભગવતી સીતાજી આ રાજમહેલમાં વસવાને બદલે ભલે વાલ્મીકિજીના આશ્રમમાં વસે અને ત્યાં રહે. ભગવાન શ્રીરામે પોતે જ સીતાજી પ્રત્યેના પ્રેમ અને સદ્ભાવથી પ્રેરાઈને તેમને વાલ્મીકિજીના આશ્રમમાં રહેવાનું સૂચવ્યું અને પોતે જ ત્યાં રહેવાની વ્યવસ્થા ગોઠવી આપી.
આ સીતાજીનો ત્યાગ નથી. આ તો રાજમહેલના વાતાવરણને કારણે નિવાસ-પરિવર્તનની સુખદ ઘટના છે, સદ્ભાવયુક્ત નિવાસ-પરિવર્તનની ઘટના બની છે તેમ સમજવું જોઈએ.

ભગવાન શ્રીરામે ભગવતી સીતાજી પ્રત્યે સ્નેહ અને સદ્ભાવથી પ્રેરાઈ સીતાજી માટે આ વ્યવસ્થા કરી છે, આ પરિવર્તન કર્યું છે. આ ઘટના સીતા-ત્યાગની ઘટના નથી જ નથી!
ભગવાન શ્રીરામ સીતા પ્રત્યે કેવો ભાવ ધારણ કરે છે?

  1. સીતાજીના હરણ વખતે ભગવાન શ્રીરામ અપરંપાર રુદન કરે છે અને ઉન્મત્તની જેમ પ્રલાપ કરે છે.
    ભગવાન શ્રીરામનો સીતા પ્રત્યેનો પ્રેમ અત્યંત ગહન, ઉદાત્ત અને અલૌકિક છે, તો કોઈકના અસત્ય વિધાનથી ભગવાન શ્રીરામ સીતાજીનો ત્યાગ શા માટે કરે?
  2. ભગવાન શ્રીરામ સાદ્યંત અને પૂર્ણત: ન્યાયપ્રિય રાજવી છે. તેઓ સીતાજીનો ત્યાગ કરે એ તો સીતાજીને ઘોર અન્યાય છે. આવો અન્યાય ભગવાન શ્રીરામ કદી ન કરે – ન જ કરે!
  3. ભગવાન શ્રીરામ કોમળ હૃદયના અને કરુણાર્દ્ર છે. સીતાજીનો ત્યાગ કરવા જેવું અતિ કઠોર પગલું ભગવાન શ્રીરામ કદી ન ભરે!
  4. સીતાજી માટે ભગવાન શ્રીરામે કેટલો પ્રચંડ પુરુષાર્થ કર્યો છે! સીતાજીની શોધ, સેતુબંધનું નિર્માણકાર્ય, રામ-રાવણ-યુદ્ધ આદિ ભારે મોટા પુરુષાર્થ સીતાજીને પુન: પ્રાપ્ત કરવા માટે ભગવાન શ્રીરામે પ્રાપ્ત કર્યા છે, તે જ સીતાજીનો ત્યાગ ભગવાન શ્રીરામ શા માટે કરે? આવું અન્યાયપૂર્ણ, કઠોર અને સ્વભાવ-વિપરીત પગલું ભગવાન શ્રીરામ કદી ભરી શકે નહીં.
    હવે એક પ્રશ્નનો ઉત્તર આપવાનું બાકી રહે છે.

ભગવતી સીતાજી વાલ્મીકિના આશ્રમમાં રહે છે. મહાકવિ વાલ્મીકિજી રામાયણ'ના માત્ર રચયિતા જ નથી, પરંતુરામાયણ’નું એક પાત્ર પણ છે. તેઓ સત્ય હકીકત જાણતા જ હોય, જો આમ હોય તો વાલ્મીકિજીએ સીતાત્યાગની ઘટનાનું કથન રામાયણ'માં શા માટે કર્યું છે? વાલ્મીકિય રામાયણ’ ઈતિહાસગ્રંથ નથી અને સીતા-રામનું જીવનચરિત્ર પણ નથી. `રામાયણ’ આધ્યાત્મિક મહાકાવ્ય છે અને આધ્યાત્મિક સત્યોની કથાના માધ્યમથી અભિવ્યક્તિ માટે મહાકવિએ મૂળ કથામાં આવશ્યક પરિવર્તનો કર્યાં છે. આવું જ પરિવર્તન નહીં સીતાત્યાગની ઘટનામાં પણ થયું છે.

સીતાત્યાગની ઘટના સમજવી ઘણી કઠિન છે. જેમના સ્પર્શથી પવિત્રતા વધુ પવિત્ર બને તેવી સીતાનો ત્યાગ! જેમણે અગ્નિપરીક્ષા દ્વારા પોતાની પરમ પવિત્રતા સિદ્ધ કરી છે તેવાં સીતાનો ત્યાગ! જેમની પ્રાપ્તિ માટે ભગવાન શ્રીરામે રાવણ જેવા મહાસમર્થ અસુર સાથે યુદ્ધ કર્યું છે, જેમના વિયોગમાં ભગવાન શ્રીરામ ચોધાર આંસુએ રડ્યા છે, જેમણે રામ માટે વનવાસમાં કષ્ટો વેઠ્યાં છે અને લંકામાં અપરંપાર કષ્ટો વેઠ્યાં છે તે સીતાનો ત્યાગ! અને તે પણ કલંકના આરોપ માટે! અને એક ધોબીના કહેવાથી! શ્રીરામ આમ કદી કરે? પરમ વિવેકવાન પુરુષ ભગવાન શ્રીરામ સીતાજીનો ત્યાગ કરે? આવું અન્યાયયુક્ત અને અવિવેકી કાર્ય તેઓ કરી શકે?
રામભક્તોનાં મનમાં પણ આ ઘટના વિશે અસમાધાન રહ્યા કરે છે. સમાજશાસ્ત્રીઓ અને પંડિતોએ આ ઘટનાની યોગ્યતા-અયોગ્યતા વિશે અપરંપાર ચર્ચા-વિચારણા કરી છે. સદીઓથી આ ઘટનાની યોગ્યતા-અયોગ્યતા વિશે વિવાદ-સંવાદ-પરિસંવાદ ચાલ્યા જ કરે છે.

આ ઘટનાને એક સ્થૂળ બહિરંગ ઐતિહાસિક ઘટના તરીકે જ લઈએ, તો તેનો અર્થ કદી સમજી શકાય તેમ નથી. એક બાહ્ય ઘટના તરીકે આ પ્રસંગની સમસ્યાનું નિરાકરણ મળી શકે તેમ જ નથી. તેથી આપણે આ ઘટનાના સૂક્ષ્મ અર્થ તરફ, સાંકેતિક અર્થ તરફ ધ્યાન આપવું જોઈએ.
પારમાર્થિક દૃષ્ટિથી રામ અને સીતા પરમેશ્વર અને પરમેશ્વરી છે. બંને એકમેવ અદ્વિતીય પરમ તત્ત્વનાં જ પાસાં છે. તે ભૂમિકાએ સીતાનો ત્યાગ નથી. તે ભૂમિકાએ તો શાશ્વત મિલન છે – પરમ મિલન છે.

પરંતુ જ્યારે આ પરમ ચેતના – પરમાત્મા માનવસ્વરૂપે અવતાર ધારણ કરે છે, ત્યારે દ્વૈતની ભૂમિકાનો પ્રારંભ થાય છે. આ દ્વૈતની ભૂમિકા પર આ પૃથ્વીલોકની લીલામાં પરમાત્મા આતમરૂપે આવે છે અને તેમની અભિન્ન શક્તિ પ્રકૃતિરૂપે આવે છે. દ્વૈતની ભૂમિકા પર પુરુષ અને પ્રકૃતિ બે ભિન્ન તત્ત્વો છે.

પુરુષ અને પ્રકૃતિનાં સ્થાન, ગતિ, નિયતિ અને સ્વરૂપ ભિન્ન-ભિન્ન છે. પુરુષ-પ્રકૃતિના સંબંધમાં તો આખરે પુરુષને પ્રકૃતિનો ત્યાગ કરવો જ પડે છે. પુરુષ સ્વરૂપત: એકાકી છે. પુરુષને પ્રકૃતિનો સંગાથ કાયમી નથી. આખરે પ્રકૃતિનો ત્યાગ કરવો તે પુરુષની નિયતિ છે. બંનેના પંથ જુદા છે. પકૃતિરૂપી સીતા ધરતીની પુત્રી છે અને તે ધરતીમાં જ સમાઈ જાય છે. એ જ તેની નિયતિ છે.
પુરુષ સાથે પ્રકૃતિનું સાંનિધ્ય પુરુષ અર્થાત્‌‍ આતમરામના પરમ પદ પર આરોહણ અર્થાત્‌‍ રાજ્યાભિષેક સુધી જ છે, તેજી રાજ્યાભિષેક પછી સીતાનો ત્યાગ એક સ્વાભાવિક આધ્યાત્મિક ઘટના છે.

અયોધ્યાના રાજા શ્રીરામે અયોધ્યાનાં મહારાણીનો એક ધોબીના કહેવાથી ત્યાગ કર્યો – આ એક સ્થૂળ, ઐતિહાસિક ઘટના છે. પરમ પદ પર આરોહણ કર્યા પછી આતમરામે પ્રકૃતિનો ત્યાગ કર્યો, તે આ ઘટનાનો સૂક્ષ્મ, સાંકેતિક, આધ્યાત્મિક અર્થ છે. `રામાયણ’ વિશુદ્ધ ઈતિહાસ નથી કે માત્ર વાર્તા પણ નથી, પરંતુ આધ્યાત્મિક મહાકાવ્ય છે. તદ્નુસાર સૂક્ષ્મ, સાંકેતિક, આધ્યાત્મિક અર્થને જ પ્રાધાન્ય આપવું જોઈએ.
સીતાત્યાગની ઘટનાને આ દૃષ્ટિથી જોઈએ તો કોઈ સમસ્યા નથી, કોઈ વિવાદ નથી.

આમ રામે સીતાનો ત્યાગ કર્યો, તે એક આધ્યાત્મિક ઘટના છે. ઐતિહાસિક દૃષ્ટિથી વિચાર કરીએ તો રામે સીતાનો ત્યાગ કર્યો જ નથી. હા ભગવાન શ્રીરામે ભગવતી સીતા માટે વાલ્મીકિજીના આશ્રમમાં શાંતિથી રહેવાની વ્યવસ્થા ગોઠવી, તે હકીકત સાચી છે અને તે ઐતિહાસિક ઘટના છે.

તમે મને પૂછશો કે તમે શાને આધારે આ પ્રમાણે કહો છો? આધાર તો હોય છે અને છે જ! પરંતુ બધા આધાર બધા સમયે પ્રગટ કરી શકાય તેમ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button