ધર્મતેજ

અવતારલીલાનું સ્વરૂપ રામકથા રહસ્ય

જીવનનું અમૃત – ભાણદેવ

શ્રીમદ્ ભાગવત પ્રધાનત: ભગવાન શ્રીકૃષ્ણની લીલાકથા છે. આમ છતાં શ્રીમદ્ ભાગવતમાં ભગવાનના સર્વ અવતારોની કથા પણ છે. શ્રીમદ્ ભાગવતમાં ભગવાન શ્રીરામની લીલાકથા પણ છે.
રામકથા અવતારકથા તો છે જ, પરંતુ સાથેસાથે તે અધ્યાત્મકથા પણ છે. એક સાધકની અધ્યાત્મયાત્રાની કથા પણ રામકથામાં પરોવાયેલી છે. આ અધ્યાત્મયાત્રાની કથા રામકથાની સાથેસાથે ચાલતો આંતરપ્રવાહ છે. રામકથાના પ્રસંગોને ખોલીને જોઈએ તો આ આંતરકથાનું રહસ્ય અર્થાત્‌‍ તેની આધ્યાત્મિક અભિવ્યંજના પ્રગટ થાય છે. આ આંતરિક અભિવ્યંજના રામકથાનું રહસ્ય છે
મહર્ષિ વાલ્મીકિના ચિત્તમાં કોઈ આત્મવાન પુરુષનું ચરિત્ર જાણવાની ઈચ્છા થાય છે. તેમની આ સાત્ત્વિક ઈચ્છાના પ્રતિભાવરૂપે દેવર્ષિ નારદજી તેમના આશ્રમ પર આવે છે અને તેમને ભગવાન શ્રીરામની લીલાકથા સંભળાવે છે. નારદજી પાસેથી રામકથા સાંભળીને મહર્ષિ વાલ્મીકિ તમસા નદીને કિનારે સ્નાન માટે જાય છે. તે વખતે નદીકિનારે તેમની નજરે એક સારસયુગલ ચડે છે. આનંદથી કિલ્લોલ કરતા આ સારસયુગલમાંના એકને પારધીએ બાણ માર્યું. પક્ષી મૃત્યુ પામે છે. બીજું સારસપક્ષી કરુણ આક્રંદ કરે છે. આ દૃશ્ય જોઈને વાલ્મીકિજીના મુખમાંથી અનાયાસે એક શ્લોક નીકળી જાય છે-

मा निषाद प्रतिष्ठां त्वमगमः शाश्वतीः समाः ।
यत् क्रोग्चमिथुनादेकमवधीः काममोहितम् ॥


“હે નિષાદ! તને શાશ્વતકાળ સુધી શાંતિ નહીં મળે, કારણ કે સારસયુગલ્માંના કામથી મોહિત થયેલા એકની તેં હત્યા કરી છે.”
આ નાના પરંતુ હૃદયસ્પર્શી પ્રસંગમાં રામકથાનું બીજ છે. સારસયુગલ એટલે સીતારામ અને નિષાદ એટલે રાવણ એવો તેનો સાંકેતિક અર્થ છે.
શાપવાણી મુખમાંથી નીકળી ગઈ તેથી વ્યથિત થયેલા વાલ્મીકિજી પાસે બ્રહ્માજી પધારે છે અને તેમને રામકથાની રચના કરવાનો આદેશ આપે છે. વાલ્મીકિજી સમાધિ અવસ્થામાં પ્રતિષ્ઠિત થઈને રામકથાનું અનુસંધાન અને દર્શન કરે છે અને તદ્નુરૂપ રામકથાની રચના કરે છે. વાલ્મીકિજીએ રામાયણની રચના રામજન્મ પહેલાં કરી છે. આનો અર્થ એમ કે રામકથા દ્વારા જે સત્ય અભિવ્યક્ત થાય છે તે સનાતન છે.
શ્રીરામનો જન્મ સૂર્યવંશમાં થયો છે. તેનો અર્થ એમ કે જેમના જીવનમાં સવિતૃ-ઉપાસના છે, તેમના જીવનમાં ભગવાન રામ એટલે કે આતમરામ પ્રગટે છે.
શ્રીરામ એટલે આતમરામ. દશરથ એટલે સાત્ત્વિક ચિત્ત. પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયોરૂપી દશ ઘોડાવાળા રથના ચાલક હોવાથી તેમનું નામ દશરથ છે. દશરથને ઘેર રામજન્મ છે એટલે કે સાત્ત્વિક ચિત્તમાં આતમરામ પ્રગટે છે. દશરથને ત્રણ રાણીઓ છે એટલે કે ચિત્તની ત્રણ પ્રકારની વૃત્તિઓ છે. સાત્ત્વિક વૃત્તિ કૌશલ્યા, રાજસિક વૃત્તિ સુમિત્રા અને તામસિક વૃત્તિ કૈકેયી છે. તામસિક વૃત્તિ આતમરામને વનમાં મોકલે છે. અયોધ્યા દેહનગરી છે, આતમરામનું નિવાસસ્થાન છે. અયોધ્યારૂપી દેહનગરીને દશ દ્વાર છે.
ભગવાન રામ અને ત્રણે ભાઈઓનો જન્મ યજ્ઞને પરિણામે થાય છે. તેનો અર્થ છે આતમરામ યજ્ઞપરંપરામાં પ્રગટે છે.
વિશ્વામિત્ર ગુરુ છે અને રામ-લક્ષ્મણને ગુરુગૃહે લઈ જાય છે. ગુરુ શિષ્યને પ્રારંભમાં જ સવિતૃ-ઉપાસનામાં દીક્ષિત કરે છે. ઋષિ વિશ્વામિત્ર રામ-લક્ષ્મણને બલા-અતિબલા વિદ્યા શીખવે છે. બલા-અતિબલા તે સવિતૃ-ઉપાસના જ છે.
ભગવાન રામ વિશ્વામિત્રજીના આશ્રમે પહોંચતાં પહેલાં જ રસ્તામાં તાટકા રાક્ષસીનો વધ કરે છે. તટ એટલે સેઢો. મારું અને અન્યનું નક્કી કરનાર નિશાની તે જ તટ કહેવાય છે. તાટકા રાક્ષસી એટલે મારા-તારાની વૃત્તિ. આ જ માયા છે. મોર-તોર તે માયા. સાધક આતમરામ સાધનાના પ્રારંભે જ જો મારા-તારાની વૃત્તિ અર્થાત્‌‍ તાટકાથી મુક્ત થાય તો તેની અધ્યાત્મયાત્રા સુકર બને છે.
અધ્યાત્મ-સાધન યજ્ઞકર્મ છે. યજ્ઞમાં અસુરો વિઘ્નો નાખે છે અર્થાત્‌‍ અધ્યાત્મ-સાધનમાં આસુરી વૃત્તિઓ વિઘ્નરૂપ બને છે. ગુરુઆજ્ઞાથી સાધક આવી વૃત્તિઓનો નાશ કરે છે. ભગવાન રામ સુબાહુનો નાશ કરે છે, પરંતુ મારીચનો નાશ કરવાને બદલે તેને માનવાસ્ત્રથી દૂર ફેંકી દે છે. દૂર ફેંકેલી વૃત્તિ ફરીથી આક્રમણ કરે છે. મારીચ માયા-મૃગ બનીને ફરીથી વિઘ્ન કરશે અને સીતાહરણનો પ્રસંગ આવશે.
પતિના શાપથી જડત્વને પામેલી અહલ્યા ભગવાન શ્રીરામના સ્પર્શથી પુન: ચેતનવંતી બને છે. વબ્ર એટલે ખેડવું. હળ દ્વારા ખેડી શકાય તેવી જમીન માટે હલ્યા' શબ્દ છે. ખેતી ન થઈ શકે તેવી ઉજ્જડ જમીન માટેઅહલ્યા’ શબ્દ છે. ભગવાન શ્રીરામ અહલ્યાનો ઉદ્ધાર કરે છે. એટલે કે ઉજ્જડ જમીનને ફળદ્રુપ બનાવે છે. અહીં જમીનનો અર્થ ચિત્તપ્રદેશ છે. ચિત્તના વણખેડાયેલા પ્રદેશો અને ભૂમિકાઓનું આધ્યાત્મિક રૂપાંતર કરવું તેવો અહલ્યા ઉદ્ધારનો આધ્યાત્મિક અર્થ છે.
ધનુષ્યભંગ અને સીતાપરિણ્ાયની ઘટના દ્વારા અધ્યાત્મપથની મહત્ત્વપૂર્ણ ઘટના સૂચિત થાય છે. ધનુષ્યના ત્રણ વળાંક પ્રકૃતિના ત્રણ ગુણો અને ધનુષ્ય પ્રકૃતિ છે. ધનુષ્યના ત્રણ ટુકડા થાય છે, તેનો અર્થ એ છે કે આતમરામ પ્રકૃતિના ત્રણ ગુણો પર વિજય મેળવે છે. આતમરામ ગુણાતીત અવસ્થામાં પ્રવેશ કરે છે. આ રીતે પ્રકૃતિ પર વિજય મેળવીને પુરુષ તેનો સ્વામી બને છે. રામ સીતાના સ્વામી બને છે. આતમરામનું પ્રકૃતિ પરનું આધિપત્ય સિદ્ધ થાય છે.
આતમરામના રાજ્યાભિષેકની તૈયારી થાય છે. રાજ્યાભિષેક એટલે પરમપદમાં પ્રતિષ્ઠા. રામ આતમરામ છે અને રાવણ અહંકાર છે. રાવણનો સંહાર કર્યા પહેલાં અર્થાત્‌‍ અહંકારનું વિલીનીકરણ થયા પહેલાં આતમરામ પરમપદ પર પ્રતિષ્ઠિત થઈ શકે નહીં. રાવણરૂપી અહંકાર અને અહંકારની સેનાનો નાશ કરવાનું મહત્‌‍ કાર્ય હજુ બાકી છે તેથી રાજ્યાભિષેકમાં વિઘ્ન આવે છે.
રામના રાજ્યાભિષેકમાં કોણ વિઘ્ન ઊભું કરે છે? મંથરા. મંથરા એટલે મંથર અર્થાત્‌‍ ધીમી ગતિએ ચાલનારી મતિ. મંથરા એટલે મંદમતિ. ચૌદ વર્ષનો વનવાસ એટલે ચૌદ વર્ષનું ગહન સાધન. ચિત્તનું અસ્તિત્વ આત્માને આધારે છે. આતમરામના વિયોગમાં ચિત્તરૂપી દશરથનું મૃત્યુ થાય છે.
ગુહરાજ દાસ્યભક્તિ છે. વિરાધ રાક્ષસ જડતાનું પ્રતીક છે. શરભંગ અને સુતીક્ષ્ણ તપશ્ચર્યાનાં પ્રતીક છે. પંચવટી એટલે પાંચ વડોનો સમૂહ. પાંચ વડો એટલે મહાભૂતો. પાંચ મહાભૂતોનું બનેલું શરીર તે જ પંચવટી છે. તે આતમરામનું નિવાસસ્થાન બને છે. શૂર્પણખા સ્થૂળ વાસનાનું પ્રતીક છે. સૂપડા જેવા નખથી આ રાક્ષસી વાસના માનવને ચીરી નાખે છે. વાસના દમનને પાત્ર છે. લક્ષ્મણજી શૂર્પણખાને દંડ આપે છે, તે દમનની ઘટના છે.
સીતાજીની પ્રેરણાથી આતમરામ માયામૃગની પાછળ દોડે છે. જે નથી તેનું તે સ્વરૂપે દર્શન તે જ માયા છે. માયા આતમરામને લોભાવે છે. આતમરામ માયાની પાછળ દોડે તો રાવણરૂપી અહંકાર સીતાને હરી જાય છે. રાવણરૂપી અહંકાર વેશપલટો કરીને, કપટસાધુ બનીને સીતાજીનું હરણ કરે છે. અહંકાર થોડા સમય માટે પણ આતમરામને છેતરીને પ્રકૃતિ પર પોતાનું આધિપત્ય સિદ્ધ કરે છે. આતમરામ રડે છે. પંચભૂતોમાં આવે તો ભગવાન પણ રડે.
જટાયુ આત્મસમર્પણનું પ્રતીક છે. પોતાની જાતને નિ:શેષ સમર્પિત કર્યા વિના કોઈ ભગવાનને પામી શકે નહીં. જટાયુ પોતાની જાતને નિ:શેષ હોમીને ભગવાનને પામે છે.
શબરીજી પ્રેમલક્ષણાભક્તિનું સ્વરૂપ છે. પરમાત્માને માત્ર જ્ઞાનથી જ નહીં પ્રેમથી પણ પામી શકાય છે. સદ્ગુરુના શબ્દો પર શ્રદ્ધા રાખીને શબરીજીએ વર્ષો સુધી ભગવાનની રાહ જોઈ છે. શ્રદ્ધા અને ધૈર્ય અધ્યાત્મપથનાં અનિવાર્ય સાધનો છે. પ્રેમઘેલાં શબરીજી રામ-લક્ષ્મણને એઠાં બોર ખવડાવે છે અને ભગવાન તેમને મા' કહીને બોલાવે છે. હનુમાનજી વાયુપુત્ર છે. આપણા શરીરમાં જે જીવનશક્તિ છે તેને યૌગિક પરિભાષામાંપ્રાણ’ કહે છે. આ પ્રાણને આધારે જ વ્યક્તિ જીવન ટકાવવા અને ક્રિયા કરવા શક્તિમાન બને છે. પ્રાણનાં અનેક સ્વરૂપો અને પ્રવાહો છે. આપણા શરીરમાં જે મુખ્યપ્રાણ છે તે હનુમાનજી છે. જેવો આત્માનો અને પ્રાણનો સંબંધ છે તેવો રામ અને હનુમાનજીનો સંબંધ છે. અધ્યાત્મયાત્રાના પથિક પાસે બળવાન, સંયમિત, વિશુદ્ધ અને આતમરામને સમર્પિત પ્રાણ હોય તો તેનાથી તેની સાધનામાં અસાધારણ સહાય મળે છે. હનુમાનજી બળવાન, બ્રહ્મચારી, વિશુદ્ધ અને આતમરામને સમર્પિત છે, તેથી આતમરામની અધ્યાત્મયાત્રામાં સતત સહાયક બની રહે છે. રામકથામાં મુશ્કેલી વખતે હનુમાનજી જ માર્ગ કાઢે છે, તેમ સતત જોવા મળે છે. અધ્યાત્મયાત્રામાં આવો જ મહિમા સમર્પિત પ્રાણનો પણ છે.
સુગ્રીવ અને વાલી અનુક્રમે ઉદાન અને અપાનના પ્રતીક છે. બંનેનો દેખાવ સરખો છે, બંને બળવાન છે, પરંતુ અપાન અધોગામી છે અને ઉદાન ઊર્ધ્વગામી છે. અપાનનું સ્થાન નાભિથી નીચે અને ઉદાનનું સ્થાન કંઠપ્રદેશ છે. સાધકે ઊર્ધ્વયાત્રા માટે ઉદાન સાથે મૈત્રી સાધવાની છે અને અપાન પર વિજય પ્રાપ્ત કરી તેને વશ કરવાનો છે. ભગવાન શ્રીરામ-આતમરામની સુગ્રીવ સાથે મૈત્રી અને તેમના દ્વારા વાલીના વધ દ્વારા આ સત્ય સૂચિત થાય છે.
હનુમાનજી, વાલી, સુગ્રીવ, અંગદ અને વાનરસેનાને આપણે સૌ વાંદર (ખજ્ઞક્ષસયુ) ગણીએ છીએ. વસ્તુત: તેઓ વાંદરાઓ ન હતા. જેમ આર્ય, દ્રવિડ આદિ માનવજાતિઓ છે તેમ તે કાળમાં વાનર નામની એક મનુષ્યજાતિ હતી. આ વાનરજાતિ લુપ્ત થઈ ગઈ છે કે અન્ય જાતિઓમાં મળી ગઈ છે. કાળાંતરે રામાયણનાં આ પાત્રોને પૂંછડીવાળા વાંદર (ખજ્ઞક્ષસયુ) માનવાની રૂઢિ પડી ગઈ છે. વસ્તુત: તેઓ વાનર નામની મનુષ્યજાતિનાં જ પાત્રો છે.
આતમરામ પોતાની અર્ધાંગના પરાપ્રકૃતિની શોધ વાનરો અર્થાત્‌‍ પ્રાણની સેના દ્વારા કરે છે. આ શોધમાં સ્વયંપ્રભા નામના તાપસી અને સંપાતી નામના ગીધ સહાય કરે છે. સ્વયંપ્રભા એટલે અંત:પ્રેરણા અને સંપાતી ગીધ એટલે દીર્ઘદૃષ્ટિ. આતમરામની શોધમાં અંત:પ્રેરણા અને દીર્ધદૃષ્ટિ સહાયક બને છે.
રાવણ, કુંભકર્ણ અને વિભીષણ અનુક્રમે રાજસિક, તામસિક અને સાત્ત્વિક અહંકાર છે. રાજસિક અને તામસિક અહંકાર વધને પાત્ર છે. સાત્ત્વિક અહંકાર સમર્પિત થાય તો બચી શકે છે.
યૌગિક પ્રાણવિજ્ઞાન પ્રમાણે મૂલાધારચક્રનું તત્ત્વબીજ ર્બૈકાર છે. ર્બૈકાર ઉપરથી જ વાાલ્મીકિજીએ લંકા શબ્દ પ્રયોજ્યો છે. આમ લંકા એટલે ર્બૈકાર જેનું તત્ત્વબીજ છે તેવું મૂલાધારચક્ર. રામકથાનાં સાત સ્થાનો મુખ્ય છે- જનકપુર, પ્રયાગરાજ, ચિત્રકૂટ, અયોધ્યા, કિષ્કિંધા, રામેશ્વર અને લંકા.
જનકપુર જ્ઞાનકેન્દ્ર સહસ્ત્રારચક્ર' છે. પ્રયાગરાજ ઈડા, પિંગલા અને સુષુમ્ણાનું મિલનસ્થાનઆજ્ઞાચક્ર’ છે.
ચિત્રકૂટ વિશુદ્ધચક્ર' છે. અયોધ્યા ભાવકેન્દ્ર છે. હૃદયસ્થાનનુંઅનાહતચક્ર’ તે જ અયોધ્યા છે.
કિષ્કિંધા પ્રાણકેન્દ્ર મણિપુરચક્ર' છે. લંકા ભોગકેન્દ્રમૂલાધારચક્ર’ છે.
લંકાનું દહન તે કામબીજનું દહન છે. લંકારૂપી કામબીજનું દહન કોણ કરી શકે? બ્રહ્મચર્યના અધિષ્ઠાતા હનુમાનજી જ આ કાર્ય કરી શકે. સંયમિત પ્રાણ દ્વારા બ્રહ્મચર્ય સિદ્ધ થાય છે.
વિભીષણ (સાત્ત્વિક અહંકાર) ભગવાન શ્રીરામ (આતમરામ)ને શરણે આવે છે ત્યારે સુગ્રીવ ભગવાનને સાવધાન કરે છે, કારણ કે યુદ્ધનો સમય છે અને વિભીષણ દુશ્મનનો ભાઈ છે. તે વખતે ભગવાન શ્રીરામ સુગ્રીવજીને સમજાવતાં પોતાનું વ્રત જાહેર કરે છે-

सकृदेव प्रपन्नाय तवास्मीति च याचते ।
अभयं सर्वभूतेभ्यो ददाम्येतद् व्रतं मम ॥

“મારે શરણે આવનાર અને એક વાર `હું તારો છું’ એવી યાચના કરનારને હું સર્વભૂતોથી અભય આપું છું, એવું મારું વ્રત છે.”
એક વાર જે જીવ ભગવાનને શરણે આવે છે, તેનો સ્વીકાર કરીને ભગવાન તેનો ઉદ્ધાર કરે છે તેવું ભગવાન વચન આપે છે.
આધ્યાત્મિક વિકાસ પછી પણ ઊર્ધ્વચેતના અને નિમ્નચેતના વચ્ચે એક ખાઈ રહેલી હોય છે. આ બંને ચેતના વચ્ચે કાયમી સેતુનું નિર્માણ ન થાય ત્યાં સુધી નિમ્નચેતનાનું નિશ્ચયાત્મક રૂપાંતરણ થતું નથી. ઊર્ધ્વચેતના અને નિમ્નચેતના વચ્ચે આધ્યાત્મિક સ્વરૂપનો સંબંધ જોડાય તે જ સેતુનિર્માણનો અર્થ છે.
રામ અને રાવણનું યુદ્ધ આત્મા અને અહંકારનું યુદ્ધ છે. રાવણરૂપી અહંકાર દશ માથાંવાળો છે. દશ ઈન્દ્રિયોનો ભોગ તે જ અહંકારનાં દશ માથાં છે. રાવણને એવું વરદાન છે કે મસ્તકો કપાઈ જાય ત્યારે નવાં મસ્તકો ઊગી નીકળે છે. આ ઘટના દ્વારા એમ સૂચવવામાં આવે છે કે ભોગેચ્છા કદી શાંત થતી નથી. ભોગેચ્છાના નવાનવા અંકુરો ફૂટ્યા જ કરે છે. પરિણામે રાવણરૂપી અહંકાર મરતો નથી. રાવણ માયાવી છે. અનેક રૂપો ધારણ કરી શકે છે. તેનો અર્થ એમ છે કે અહંકાર અનેક રૂપો ધારણ કરી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button