ધર્મ સત્ય: પૈસાથી ધર્મ અને પુણ્ય પ્રાપ્ત કરીશકાશે એવો કેટલાક લોકોને ભ્રમ
ધાર્મિકતા સાથે ઉદારતા, ખુલ્લું મન, શુદ્ધતા અને સમદ્રષ્ટિ હોવી જોઈએ માત્ર ક્રિયાકાંડથી કશું વળે નહીં
જિનદર્શન – મહેન્દ્ર પુનાતર
સમ્રાટ બિમ્બીસારે એક વખત મહાવીર પ્રભુને પૂછ્યું ધર્મના માર્ગે જવા માટે શું કરવું જોઈએ. પ્રભુએ કહ્યું, આ માટે જીવનના સત્યને સમજવું જરૂરી છે. સમ્રાટે કહ્યું ; પ્રભુ મારે આ સત્ય પ્રાપ્ત કરવું છે. આ માટે ગમે તે કિમત ચૂકવવા હું તૈયાર છું. હું દુ:ખમાંથી મુક્ત કરે એવું સત્ય ઈચ્છું છું.
મહાવીરે જોયું કે જગતને જીતનાર સમ્રાટ સત્યને પણ તે જ રીતે જીતવા માંગે છે. સત્યને પણ ખરીદવા ઈચ્છે છે. મહાવીરે બિમ્બીસારને કહ્યું જીવનનું સત્ય એમ મળી શકે નહીં. સમ્રાટે કહ્યું, પ્રભુ મારી પાસે જે કાંઈ છે તે આપી દેવા હું તૈયાર છું. મને મુક્તિનો માર્ગ બતાવો.
મહાવીરે કહ્યું આનો એક રસ્તો છે. સમ્રાટ તમે તમારા રાજ્યના પુણ્યશાળી શ્રાવક પાસેથી એક સામાયિકનું પુણ્ય મેળવી શકો તો આના ફળથી સત્ય અને મોક્ષની પ્રાપ્તિનો તમારો માર્ગ પ્રશસ્ત બનશે.
બિમ્બીસાર પુણ્યા શ્રાવક પાસે ગયા અને કહ્યું; શ્રાવક હું એક સામાયિકનું ફળ મેળવવા આપની પાસે આવ્યો છું. કિમત જે કાંઈ થશે તે આપીશ પણ મને નિરાશ કરશો નહીં. સમ્રાટની યાચના સાંભળીને શ્રાવકે કહ્યું મહારાજ સામાયિક તો સંયમ અને સાધનાનું નામ છે. રાગ -દ્વેષની વિષમતાને દૂર કરી સંયમમાં રહેવું એ જ સામાયિક છે. એ કોઈ બીજાને કેવી રીતે આપી શકે ? તમે તેને ખરીદવા ઈચ્છો છો પણ એ અસંભવ છે. આ પુણ્ય તમારે પોતે જ મેળવવાનું છે. આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. પુણ્ય કોઈને આપી શકાતું નથી અને લઈ શકાતું નથી. પ્રેમ અને સત્ય એ બે એવી ચીજ છે જે ખરીદી શકાય નહીં. દાનમાં પણ મેળવી શકાય નહીં. તેની પર ચડાઈ કરીને જીતી પણ શકાય નહીં. સાધના અને સ્વ અનુભવ દ્વારા તેને પ્રાપ્ત કરી શકાય.
જીવનના સત્યને માટે આપણે આપણા પોતાના અનુભવમાંથી પસાર થવું પડે, અંતરમાં ઊતરવું પડે. અનુભવ જેમ પ્રગાઢ થતો રહે તેમ તેમ સત્ય પ્રગટ થતું રહે. ધર્મના માર્ગે જવાનો આ રસ્તો છે. આ માટે સાચું શું છે અને ખોટું શું છે તે સમજવું પડે અને આ રસ્તો આપણે પોતે શોધી કાઢવાનો છે. જીવનના સત્યને જાણવા માટે અહંકારશૂન્ય બનવું પડે. માણસ સીધો અને સરળ બને નહીં ત્યાં સુધી જીવનનું સત્ય સમજાય નહીં. હકીકતમાં સત્યને ક્યાંય શોધવાની જરૂર નથી એ આપણી પોતાની પાસે જ છે. આ સત્ય પ્રાપ્ત કરવા માટે જાગવાની જરૂર છે.
દંભ, દિખાવટ, અસત્ય અને કપટના કારણે મુક્તિનો આ માર્ગ મળતો નથી. માણસ કેવો દેખાય છે એ નહીં પણ ખરેખર કેવો છે તેના પર આનો આધાર છે. માત્ર ઉપર છેલ્લી નૈતિકતાથી માણસ ધાર્મિક અને સદાચારી બની શકે નહીં. ઉપરથી સારા, સદાચારી, નૈતિક અને પ્રમાણિક દેખાતા માણસો ખરેખર સારા છે ધાર્મિક છે એમ કહેવું મુશ્કેલ છે. માણસનું આંતરિક રૂપાંતર થાય નહીં ત્યાં સુધી કોઈપણ મહોં તેને સાચો ધાર્મિક બનાવી શકે નહીં. માત્ર બાહ્ય આચરણ નહીં પણ અંદરનો ભાવ અને તેની આંતરિક શુદ્ધતા કેટલી છે તે ધર્મની દ્રષ્ટિએ મહત્ત્વનું છે.
જીવન શુદ્ધિ અને વ્યવહાર શુદ્ધિ એ ધર્મનો પાયો છે બહાર તો આપણે સારા દેખાવાના, કારણ કે તેમાં દંભ અને દેખાવ હોઈ શકે છે. આપણો અસલી ચહેરો એ નથી. કેટલાક માણસો બહાર બીજા પાસે જેવા દેખાતા હોય છે તેવા ઘરમાં પોતાના લોકો સાથે હોતા નથી.
ધર્મની શરૂઆત ઘરથી થવી જોઈએ. માણસ ઘરમાં કેવો છે તે તેની ધાર્મિકતાનું બૅરોમિટર છે. માણસ બહાર ધાર્મિક દેખાતો હોય, મંદિર, દેરાસર કે ઉપાશ્રયમા જતો હોય, પૂજા પાઠ કરતો હોય, પરંતુ ઘરમાં તેનો વ્યવહાર પ્રેમપૂર્ણ ન હોય, વાતવાતમાં ગુસ્સે થતો હોય, ઘરના સભ્યોનું અપમાન કરતો હોય, પોતાનું ધાર્યું કરાવીને જંપતો હોય અને આખા ઘરને અધ્ધરતાલે રાખતો હોય તો તેની ધાર્મિકતાનો કોઈ અર્થ નથી. કેટલાક ધાર્મિક માણસો જિદ્દી અને જડ બની જતા હોય છે. તેઓ કોઈ વાતમાં બાંધછોડ કરતા નથી, જીવનની વાસ્તવિકતાને સમજતા નથી અને પોતાનો કક્કો સાચો ઠેરવવા અને પોતે કહે છે તે સાચું છે એ માટે અથડામણમાં ઊતરતા હોય છે. અસલી ચહેરો ઘરમાં પ્રગટ થાય છે. એમાં દેખાવ ચાલતો નથી. ઘરમાં સૌ એકબીજાને જાણતા હોય છે. તેમાં ચહેરાને છુપાવી શકાતો નથી. જે પણ આપણી સૌથી નજીક હોય તેની પાસે કશું છુપાવી શકાતું નથી. ધર્મની વાતમાં પણ આસક્તિ હોવી જોઈએ નહીં. સાચો ધાર્મિક માણસ તો ખુલ્લા હૃદયનો હોય જે બધાને પોતાનામાં સમાવી શકે. ધાર્મિકતા સાથે ઉદારતા, ખુલ્લુ મન, શુદ્ધ ભાવના, પ્રેમ અને સમદ્રષ્ટિ હોવી જોઈએ. માત્ર ક્રિયાકાંડથી કશું વળે નહીં. ધર્મ અને ભક્તિમાં પ્રેમ અને ભાવ જરી છે.
પ્રેમ હોય ભાવ હોય ત્યારે આપણે જે પણ કાર્ય કરીએ તે ભારરૂપ લાગતું નથી ઊલટાનું તે કાર્ય કરવાનું મન થાય. પ્રેમ નથી હોતો ત્યારે કર્તવ્ય બોજા પ લાગે છે. કરીએ છીએ પણ તેમાં મન લાગતું નથી. સંતાનો જો મા -બાપને ખરેખર પ્રેમ કરતાં હોય અને દિલથી ચાહતાં હોય તો તેમની સેવા કરવામાં આનંદ અનુભવશે પણ માત્ર કર્તવ્ય નિભાવવા માટે કરતા હશે તો આ તેમને ભારરૂપ લાગશે. પ્રેમ હોય તો સેવા કર્તવ્ય નહીં પણ ધર્મ બની જાય. જે સેવામાં પ્રેમ અને આનંદ હોય તે કર્યા વગર તમે રહી શકો નહીં. ધર્મ પણ પ્રેમ જેવો છે તેમાં સાશ્વત સુખ છે.
હાલ જે રીતે ધર્મ થઈ રહ્યો છે તેમાં અંત:કરણપૂર્વકની ભાવના કરતા દેખાવ વધ્યો છે. સૌ કોઈને લાગે છે કે પૈસાથી ધર્મ પ્રાપ્ત કરી શકાશે. એટલે ધર્મસ્થાનોમાં તો પૈસાની બોલબાલા છે.
એક બાજુ ધર્મગુઓ કહે છે પૈસા પાછળ પડો નહીં, પૈસાનો મોહ રાખો નહીં. અને બીજી બાજુ ધર્મસ્થાનોમાં પૈસાનું વર્ચસ્વ છે. અહીં ગમે તેવું ધન હોય તે આવકાર્ય છે. અહીં પૈસાથી માન સન્માન પ્રાપ્ત થાય છે, નામ કીર્તિ અને અહંકારને પોષણ મળે છે.
આપણે એક
બાજુ ધર્મ કરીએ છીએ અને બીજી બાજુ પડદા પાછળ અધર્મ આચરીએ છીએ. પ્રેમ, દયા અને કણા એ ખરો ધર્મ છે. કોઈનું દુ:ખ જોઈને હૃદય દ્રવી ન ઊઠે અને આપણો હાથ લાંબો ન થાય તો સમજવું કે આપણામાં કંઈક ઊણપ છે. ધર્મ કર્યા પછી આપણે જેવા છીએ તેવા રહીએ છીએ. ધર્મ પણ એક વહેવાર જેવો બનતો જાય છે.
ધર્મ પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા દિલની હોવી જોઈએ અને તે મુજબનું આચરણ હોવું જોઈએ. કોઈના દુ:ખની વાત સાંભળીએ, પુસ્તકમાં એવું કંઈ વાંચીએ કે પછી ટેલિવિઝન કે સિનેમાના પડદા પર બીજાનું દુ:ખ, પીડા અને અન્યાયનાં દ્રશ્યો નિહાળીએ ત્યારે આપણે ઘડી પર ભાવુક બની જઈએ છીએ. હૃદય દ્રવ્ય ઊઠે છે અને આંખો ભીની પણ થાય છે. પરંતુ વાસ્તવિક જીવનમાં તો આવું ડગલેને પગલે જોઈતા હોઈએ છીએ ત્યારે કણા અને દયા પ્રગટ થતી નથી. દુ:ખી અને લાચાર માણસો માટે હાથ લાંબો થતો નથી. કોઈ બીમાર કે અસહાય વ્યક્તિને મદદ કરવાનું મન થતું નથી. આ માટે આપણી પાસે દલીલ હોય છે. બીજાનું દુ:ખ અને પીડા જોઈને થોડીવાર અરેરાટી કરીને મોઢું ફેરવી લઈએ છીએ. કેટલીક વખત લાગે છે પ્રેમ, દયા અને કણાના ઝરણાઓ સાવ સુકાઈ ગયાં છે. ધર્મની જીવન પર જેટલી અસર થવી જોઈએ તેટલી થઈ નથી.