ધર્મતેજ

જાનામી ધર્મમ્ નચ મમ્ નિવૃત્તિ

દુર્યોધન પાસે માત્ર ધર્મ વિશેની માહિતી હશે – સમજ નહીં. દુર્યોધનની જેમ ભીષ્મ તથા દ્રોણ જેવી હસ્તીઓ માટે પણ એમ કહી શકાય. તેમણે સ્વયંના ધર્મને સમગ્રતાના ધર્મ કરતા વધારે મહત્વ આપ્યું – આ પણ અધર્મ છે.

મનન-ચિંતન -હેમંત વાળા

ગીતામાં કર્મની ગતિ ગહન છે એમ જણાવીને કર્મની સુક્ષ્મતાની વાત કરાઈ છે. આમ તો કર્મ સાથે જોડાયેલી અન્ય બાબતો પણ સૂક્ષ્મ છે. તેવી જ રીતે ધર્મની ગતિ પણ સૂક્ષ્મ છે. ધર્મ એ ન સમજી શકાય તેવી હકીકત છે. જો દુર્યોધન એમ કહેતો હોય કે ધર્મ શું છે એની મને ખબર છે’, તો એ માની શકાય તેવી વાત નથી. જે વ્યક્તિને સંપૂર્ણતામાં ધર્મની સમજ હોય એ ક્યારેય અધર્મનું આચરણ કરી જ ન શકે. દુર્યોધન પાસે માત્ર ધર્મ વિશેની માહિતી હશે – સમજ નહીં. દુર્યોધનની જેમ ભીષ્મ તથા દ્રોણ જેવી વ્યક્તિઓ માટે પણ એમ કહી શકાય. તેમણે સ્વયંના ધર્મને સમગ્રતાના ધર્મ કરતા વધારે મહત્વ આપ્યું – આ પણ અધર્મ છે.

મહાભારતનું યુદ્ધ ધર્મ અને અધર્મ વચ્ચે હતું. સામાન્ય સમજથી એમ જણાય છે કે, ધર્મની સ્થાપના માટે કરાયેલ આ અભૂતપૂર્વ યુદ્ધ જીતવા માટે અધર્મનો સહારો પણ લેવાયો હતો. ભીષ્મ, દ્રોણ, કર્ણ વગેરે મહારથીઓને પરાસ્ત કરવા જેને ધર્મ ન કહી શકાય એવી ચેષ્ટાઓ કરાઈ હતી. અહીં ધર્મને સૂક્ષ્મતાથી સમજવાની જરૂર છે.

અકસ્માત થયે શરીર પર ઘા પડે ત્યારે કેટલાક સંજોગોમાં તે ઘાની પ્રકારની સારવાર માટે તબીબ દ્વારા કેટલાક કાપ પણ મૂકવા પડે. સર્જરી માટે કરાયેલ આવા કાપ હકીકતમાં વધારાના ઘા સમાન જ ગણાય પણ સૂક્ષ્મતાથી જોતા સમજાશે કે આ એક સારવારની પદ્ધતિ છે. તબીબ દ્વારા કરાયેલ ઘા એ સારવારની શ્રેણીમાં આવે, અકસ્માતથી થયેલા ઘાની શ્રેણીમાં નહીં. તબીબ દ્વારા કરાયેલ કાપો એક પ્રકારની સારવાર જ છે. મહાભારતના યુદ્ધમાં ધર્મની સ્થાપના માટે ભીષ્મ કે દ્રોણ સાથે જે પ્રકારનો વ્યવહાર થયેલો તે ધર્મની શ્રેણીમાં જ આવે. ધર્મની સ્થાપના માટે કરાયેલ આ સારવાર છે – જેમાં કાપો મુકવો જરૂરી હતો.

વૃક્ષ કે છોડ વધુ વ્યવસ્થિત વિકસી શકે તે માટે તેની અમુક ડાળીઓ કાપવી પડતી હોય છે. બાળકના વિકાસ માટે લોહી બને તે જરૂરી છે અને તે માટે તેણે ખોરાક લેવો પડે. જો ખોરાક લેવામાં તે આનાકાની કરે તો તેને સજા પણ થાય અને આમાં તેનું લોહી પણ બળે. પણ સમગ્રતામાં આ જરૂરી છે. આપણી સંસ્કૃતિમાં વિદ્યાર્થીને, તેમની પ્રગતિ માટે સજા કરવાની છૂટ પણ છે. આ બધું લાંબા ગાળે જે તે વ્યક્તિ કે વ્યક્તિ સમૂહના હિતમાં જ હોય છે. અધર્મ તરીકે ગણી શકાય તેવો કોઈકની સાથેનો વ્યવહાર લાંબા ગાળે એ વ્યક્તિ અને સમગ્ર સમાજ માટે હિતદાયી હોય શકે – સમગ્ર સમાજમાં ધર્મની સ્થાપના માટે હોય શકે.

ભલે મુહાવરામાં કહેવાતું હોય, પણ મૂળમાં ઘા નથી થઈ શકતો. હા, મૂળને સંપૂર્ણ રીતે ઉખાડી શકાય ખરું. પણ ઘા તો થડ કે ડાળીઓ પર જ કરવો પડે. સમાજ વ્યવસ્થામાં ક્યારેય અધર્મને મૂળથી ઉખાડી ન શકાય. અહીં તો અધર્મના મૂળને કારણે સર્જાયેલ થડ અને ડાળીઓ પર જ ઘા કરવો પડે. વિદ્યાર્થી માનસિક ચંચળતાને કારણે તોફાન કરે તો હાથને સજા મળે છે, મનને નહીં. જોકે હાથને થયેલી સજાની અસર મન સુધી ચોક્કસ પહોંચે, પણ પીડા તો હાથને સહન કરવી પડે. પરિસ્થિતિ સમગ્રતામાં મૂલવવાની હોય છે. પરિસ્થિતિના કોઈપણ એક અંગ સાથે થયેલા વ્યવહારને અલગતામાં જોવો એ ક્યાંક અજ્ઞાનતાની નિશાની ગણાય. સમગ્રતામાં બધું પરસ્પર વણાયેલું હોય છે. અહીં એક અંગ દ્વારા કરાયેલ શરારતની મજા સમગ્રતામાં લેવાતી હોય છે. તો તેની સજા પણ જ્યારે એક અંગને કરવામાં આવે ત્યારે તેનું પરિણામ પણ સમગ્રતામાં આવતું જોવા મળે છે.

ભીષ્મને ભીષ્મ તરીકે લેવાની જરૂર નથી – એ અધર્મના પક્ષે ઊભેલું એક અસ્તિત્વ છે. દ્રોણ માટે એમ કહી શકાય કે ધનની અપેક્ષાએ પોતાનું જ્ઞાન – પોતાની પારંગતતા રાજકુળ સમક્ષ વેચનાર વ્યક્તિ છે. તે પણ અધર્મના પક્ષે ઉભા હતા. પરિસ્થિતિને સમગ્રતાથી જોતા એમ જણાય છે કે તેમનું અસ્તિત્વ અધર્મથી ભિન્ન ન હતું. ધર્મની સ્થાપના માટે ભીષ્મ કે દ્રોણનું મૃત્યુ જરૂરી હતું. અહીં ભીષ્મ અને દ્રોણને અધર્મના એક અંગ તરીકે ગણવા જોઈએ, અને અધર્મના નાશ માટે તેમને સજા થાય તે જરૂરી હતું. વાંક દુર્યોધન અર્થાત મનનો હતો, અને સજા ભીષ્મ તથા દ્રોણ અર્થાત હાથને થઈ. આનાથી કંઈ ભીષ્મ કે દ્રોણની મહત્તા ઓછી નથી થતી. ઘણી બાબતો સમગ્રતામાં જોવાથી વાસ્તવિકતાની સમજ વધુ સ્પષ્ટ થઈ શકે. આ તો સ્વયં શ્રીકૃષ્ણ દ્વારા નિર્ધારિત કરાયેલ વાસ્તવિકતા હતી – ધર્મની વ્યાખ્યા હતી.

આમ પણ વસ્તુ જેવી દેખાય છે તેવી હોતી નથી. સામાજિક વ્યવહારમાં દેખીતી રીતે જે અન્યાય જણાય તેની પાછળ ન્યાય છુપાયેલો હોય છે. સંસારમાં જે કોઈ ઘટના આકાર લેતી હોય તેની પાછળ ઈશ્વરનો ન્યાય કે દૈવી સમીકરણ કાર્યરત હોય છે. ત્યાં સુધી નજર નથી પહોંચતી, અને જ્યારે પહોંચે છે ત્યારે તેની યથાર્થતા સમજાય છે. ધર્મ-અધર્મની વાત કરીએ તો જે સ્ત્રી પોતાના સાત સાત સંતાનોને જન્મની સાથે જ નદીમાં વહાવી મૃત્યુને હવાલે કરી દે તે સ્ત્રીને દેવીનો દરજ્જો તો ન જ મળે, છતાં મા ગંગા આપણી દેવી છે – તે પૂજનીય છે – તે પવિત્ર કરનાર છે. સત્યની જાણ થતા ધર્મ-અધર્મ માટેનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે.

એક પરિપ્રેક્ષ્યમાં જોતા જણાશે કે ધર્મ એટલે જન્મ અને સંજોગોને કારણે નિર્ધારિત થયેલું ઉત્તરદાયિત્વ. ટૂંકા દ્રષ્ટિકોણ સાથે આવું ઉત્તરદાયિત્વ મા-બાપ સાથે સૌથી વધારે જોડાયેલું હોય. પણ સામર્થ્યવાન વ્યક્તિ માટે આવું ઉત્તરદાયિત્વ સમગ્ર સમાજ અને માનવજાત ઉપરાંત બ્રહ્માંડ ના નિયમો સાથે જોડાયેલું હોય. આનું પાલન કરવું એ મહા-ધર્મ. એટલા માટે જ આદિ શંકરાચાર્ય દ્વારા માતાની સેવા કરતાં ધર્મની પુન:સ્થાપનાને વધુ મહત્વ અપાયેલું. દુર્યોધન આમ ન કરી શક્યો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…