જમન -પ્રકરણ: 3
જોજે વાંહળી વગાડવા બેહી જાતો નૈ… ગાય શું ચરે છે એનું ધ્યાન રાખજે. તારે તો નહીં હાંભળવું કે નહીં બોલવું… પણ ભગવાને આંખો તો આપી સેને…

અનિલ રાવલ
આખા પંથકમાં ઘોડા ડાક્ટર તરીકે પ્રખ્યાત પશુઓના એકમાત્ર ડોક્ટર જાની કાનમાં સ્ટેથોસ્કોપ ભરાવીને બચુ સુથારના ફળિયામાં ચત્તિપાટ પડેલી ગાયના ધબકારા ગણી રહ્યા હતા. ગાયનું આખું શરીર ધમણની જેમ ઊંચુંનીચું થઇ રહ્યું હતું. નગરશેઠ, સરપંચ, જમન, અરજણ, બચુ સુથાર, એની પત્ની લખમી ઘોડા ડાક્ટરનું મોઢું જોતા ઊભાં હતાં. માત્ર બચુના પાંચ અને આઠ વરસના બે દીકરા ગાયની પાસે બેસીને ગાય પર પોતાના કુમળા હાથ ફેરવી રહ્યા હતા. ઘોડા ડાક્ટરે એની ઘસાઇ ગયેલી ચામડાની બેગમાંથી ઢોરને પીવરાવવાનો વાંસનો બાંબુ કાઢીને શીશીમાંથી એમાં દવા નાખી. પછી મદદની આશાએ અરજણિયાની સામે જોયું. એણે અને બચુએ ગાયનું જડબું ખોલ્યું. જેમતેમ કરીને દવા એના મોંઢામાં રેડી. દવા પીવરાવીને ઘોડા ડાક્ટરે એલાન કરતા હોય એમ કહ્યું: ‘આપણે કોશિશ કરવી રહી, પણ કદાચ આજની રાત નહીં કાઢે.’ લખમીએ ડૂસ્કું મૂક્યું. જમન કોઇ અમંગળ ઘટનાને પામી ગયો હોય એમ બહાર નીકળી ગયો. મનમાં આશંકા અને ચિંતા સાથે બધા છૂટા પડ્યા. એક ગાયનું મોત અને બીજી મોતને રસ્તે.
જમન ખુલ્લાં આકાશને તાકતો અને પડખાં ઘસતો ખાટલામાં પડ્યો હતો. આકાશમાં તારાઓની ફરતી દિશા જોઇને કેટલા વાગ્યા હશે એનું અનુમાન કરી લેનારા જમને જોયું કે લગભગ ત્રણ વાગ્યા હશે. એણે સૂવાની કોશિશમાં આંખો મીંચી કે કોઇએ એને ઢંઢોળ્યો. એ સફાળો બેઠો થઇ ગયો. એ અરજણ હતો. બન્નેનાં પગલાં એક ચોક્કસ ઘર તરફ જતા હતા. શેરીઓ સૂમસામ હતી. ઘરોમાંથી હજી ઘંટી ચાલવાનો લયબદ્ધ અવાજ શરૂ થયો નહતો. ભાભાઓના કર્કશ ખોંખારા ય સંભળાતા નહોતા. ગાડાં જોડાવાને પણ વાર હતી. હજી તો ભળભાંખળું પણ થયું નહતું. જમનના ખાસડાનો અવાજ ઠંડી પરોઢ અને નીરવ શાંતિમાં ખલેલ પહોંચાડતો હતો. બેઉ જેમજેમ આગળ જતા ગયા તેમ તેમ બચુ સુથારના ઘરમાંથી આવતો રોકકળનો અવાજ અરજણને સંભળાવા લાગ્યો, પણ જમનને નહીં. એને કાન સાથે કોઇ સંબંધ નહતો…એનો નાતો માત્ર આંખ સાથે હતો. આંખ જે જુએ એ સાચું. હવે એણે જે જોવાનું હતું એજ સત્ય હતું. મન ન માને તોય એનો સ્વીકાર કરવો પડે એમ હતો…કારણ એ સાંભળેલી વાત નહતી, આંખે જોયેલી ઘટના હતી. શેરીમાં ઘોડા ડાક્ટર મળ્યા. અબોલ જીવને પોતે બચાવી શક્યા નથી એવા અપરાધભાવ સાથે જમન સાથે આંખ મિલાવ્યા વિના જ બાજુમાંથી નીકળી ગયા. બચુ સુથારના ઘરે બનેલી ઘટના રઘુના ઘરમાં બનેલી ઘટનાનું પુનરાવર્તન હતું. ફરક એટલો હતો કે પહેલી ઘટના સીમમાં બની હતી અને બીજી ઘરમાં. હવે ચિંતા વધી ગઇ. શંકાનાં વાદળો વધુ ઘેરાયાં. બધા પોતપોતાની બુદ્ધિ પ્રમાણે વિચારતા હતા. ગાયોએ કોઇ ઝેરી ઝાડપાન ચરી લીધા હશે કે હવાડાનું ઝેરી-દૂષિત પાણી પીધું હશે….કે કોઇએ ઝેર તો આપી નહીં દીધું હોયને, પણ ગામમાં કોઇને કોઇ માટે મનમાં ઝેર નથી કે નથી કોઇ વેરઝેર, પણ જમનના મનમાં કોઇ બીજા જ તર્કબદ્ધ વિચારો ઘૂમરાતા હતા. ઝેરી ઝાડપાન ખાધા હોય કે કોઇએ ઝેર આપ્યું હોય તો મોંઢામાંથી ફીણ નીકળે….પેટમાંથી કંઇક મળી આવે, પરંતુ ઘોડા ડાક્ટરે પણ કોઇ પ્રમાણ આપ્યું નથી કે જીવલાએ પણ કોઇ પુરાવો આપ્યો નથી. ગાયોના મોતની પાછળ નક્કી કોઇ અકળ કારણ છે. એક મૂંગો જીવ બીજા અબોલ જીવ વિશે વિચારી રહ્યો હતો.
એ પછી બેચાર દિવસ ગામમાં ભારે અજંપો રહ્યો. ગામ પર ગાયોના મોતના ભયનો ઓછાયો પથરાયેલો રહ્યો. ગાયને ચરાવવા માટે જમનને સોંપતા જીવ ચાલતો નહીં. જમન ગાયોને લઇને શેરીમાંથી નીકળે એટલે લોકો એને શંકાભરી આંખે જોવા બહાર આવે. કોઇ પોતાની ગાયની સાથે પાદર સુધી મૂકવા જાય. કોઇ છેક સીમમાં એની સાથે જ રહે. કેટલાક ગામવાળા એને સલાહ આપે. જોજે વાંહળી વગાડવા બેહી જાતો નૈ…ગાય શું ચરે છે એનું ધ્યાન રાખજે. તારે તો નહીં હાંભળવું કે નહીં બોલવું…પણ ભગવાને આંખો તો આપી સેને…
જમનની લાખ દરકાર અને ગામવાળાઓની હજાર સૂચના અને સલાહ છતાં ફરી કોઇ ગામવાળાની ગાયને મોત ભરખી ગયું. ફરી ગામમાં સન્નાટો છવાઇ ગયો. ફરી ગાયોનું અકાળે થતું મૃત્યુ અને જમન ચર્ચામાં આવ્યા. ગાયોના મરવાના કિસ્સા વધતા ગયા. ગામમાં એક પછી એક ગાયો મરવા લાગી એટલે લોકોએ પોતાની ગાયોને ચરવા મોકલવાનું બંધ કર્યું, પણ બધાના આશ્ર્ચર્યની વચ્ચે ઘરમાં, ગમાણમાં ખૂંટે બાંધી રાખેલી ગાયો પણ અકારણ મરવા માંડી. ગાયોની સંખ્યા ઘટવા લાગી. ઘોડા ડાક્ટર કોઇ કારણ પકડી શકતા નથી, કોઇ નિદાન થતું નથી. આખું ગામ ફફડી ઊઠ્યું. આખાય પંથકમાં ગામની વાતું થવા લાગી. ગામને ચોરે જાતજાતની ચર્ચાઓ થવા માંડી. તાજુબની વાત તો એ હતી કે આસપાસના કોઇ ગામમાં આવું બનતું નહતું. તો પછી માત્ર આ ગામ જ કેમ.? આ જ ગામની ગાયોના મરવાનું કારણ શું.? ગાયો ઉપર જ મોત કેમ ભમે છે.? ગામમાં લોકો એકબીજાને મળી જાય ત્યારે ગાય કેમ એવું પૂછી લેવા માંડ્યા. જેના ઘરે ગાય હોય એ પણ દિવસમાં બેચારવાર ગાયને જોઇ-તપાસી લે. કોઇક લોકો તો ગમાણની બહાર ખાટલો ઢાળીને સૂવા લાગ્યા. ગાયોના મોતનું કારણ શોધો. બસ, સૌના મોઢે આ એક જ વાત. નગરશેઠ, સરપંચ, ઘોડા ડાક્ટર અને ગામના મોભીઓ ઉપરાઉપર મીટિંગો કરવા લાગ્યા.
(ક્રમશ:)