ધર્મતેજ

ઈશ્ર્વર એટલે દિવ્યતાનો પર્યાય

મનન -હેમંત વાળા

ઈશ્ર્વરનું અવતરણ પણ દિવ્ય છે અને તેના કર્મ પણ દિવ્ય છે. ઈશ્ર્વરની કરુણા દિવ્ય છે અને તેની શિક્ષામાં પણ દિવ્યતા સમાયેલી હોય છે. શ્રદ્ધાપૂર્વકની ઈશ્ર્વરની ભક્તિ પણ દિવ્ય છે અને તે ઈશ્ર્વરને સમજવા માટે પ્રયોજાતો જ્ઞાનયજ્ઞ પણ દિવ્ય છે. ઈશ્ર્વરનું નિરાકારપણું દિવ્ય છે તો સાથે સાથે તેના સાકાર સ્વરૂપમાં પણ ભરપૂર દિવ્યતા હોય છે. ઈશ્ર્વર એટલે દિવ્યતાનો પર્યાય, દિવ્યતાની સાબિતી, દિવ્યતાનું પ્રતીક, દિવ્યતાનું નિર્ધારણ. ઈશ્ર્વર એટલે સમગ્ર સૃષ્ટિની વિવિધ પ્રકારની દિવ્યતાનો સમન્વય. ઈશ્ર્વર છે એટલે દિવ્યતાની પરિકલ્પના થઈ શકે અને દિવ્યતાની પરી કલ્પના સ્થાપિત થવાથી ઈશ્ર્વરને સમજવાની શરૂઆત થઈ શકે.

દિવ્ય એટલે ઐશ્ર્વરિય સત્તાની હાજરી, સંપૂર્ણતામાં નિયંત્રણ કરવા પણ સમર્થ હળવાશ ભરેલું અસ્તિત્વ, દૈવી ઐશ્ર્વરિય સ્વરૂપ, સાત્ત્વિક પણ મોહક હકીકત, કલ્પનાના છેવાડા સુધીની સુંદર-શક્તિ, નતમસ્તક કરી દેનારી ઘટના, આધ્યાત્મિક હકારાત્મકતા માટેનું સત્ય, પોતાની જ પ્રકૃતિ સાથે સ્વતંત્રતાથી આરંભાયેલી લીલા અને આત્માની પરમ સુંદરતાનું પ્રતિબિંબ. દિવ્ય એટલે સુંદરતા, ભવ્યતા, આધ્યાત્મિકતા, સત્ય, સાત્ત્વિકતા, શાશ્ર્વતતા, રસિકતા, મધુરતા અને સાથે ‘પરમતા’નો સમન્વય. દિવ્યતા એટલે મનને ગમી જાય તેવી જાય તે ઘટના, બુદ્ધિને માન્ય હોય તેવું સત્ય, આધ્યાત્મિકતા સાથે પ્રેમ થઈ જાય તેવું માધુર્ય, સદા આનંદમાં રહેતા ચિત્તને પરમાનંદની પ્રતીતિ કરાવે તેવી ઘટના, આશ્ર્ચર્યચકિત કરી દે તેવું સાત્ત્વિક સ્વરૂપ અને શ્રદ્ધા તેમ જ ભક્તિથી પામી શકાય તેવું સૌંદર્ય.

ઈશ્ર્વર દિવ્ય છે અને દિવ્યતા તેમની પ્રકૃતિ છે. દિવ્ય-ઈશ્ર્વર દ્વારા – દિવ્યતા દ્વારા, જે ક્યારેય સંભવી ન શકે તે હકીકત બની શકે. જે અનંતતાની કલ્પના પણ ન થઈ શકે તે પૂર્ણતાની, દિવ્યતાના સહારે પ્રતીતિ થઈ શકે. દિવ્યતાના પ્રતાપે શૂન્યતા પણ સંપૂર્ણતામાં પરિણમી શકે. આ દિવ્યતાને કારણે સૃષ્ટિની રચનામાં નિયમબદ્ધતા સાથે સુંદરતા સમાઈ જાય. આ દિવ્યતાને કારણે પ્રેમ-સભર ચેષ્ટાઓથી સૃષ્ટિ ટકી રહે છે. વળી આ દિવ્યતા જ, સમય આવ્યે સૃષ્ટિના વિનાશનું નિમિત્ત પણ બને. દિવ્યતા છે એટલે બધું સરસ રીતે પોતપોતાના સ્થાને છે, એકબીજા સાથે સંલગ્નતા અને સમન્વય છે, અને સમગ્રતામાં એક પૂર્ણ મધુર આકાર ઉભરે છે.

દિવ્યતાને કારણે દરેક પ્રકારની શંકાનું નિરાકરણ થઈ જાય. જેમ દરેક તત્વનું નિયંત્રણ દિવ્યતાના પ્રભાવનું પરિણામ છે તેમ દરેક તત્વનું સર્જન પણ દિવ્યતાના પ્રસાર સમાન છે. દિવ્યતામાં દરેક પ્રકારના નિમિત્ત સમાયેલા છે. દિવ્યતા જ કાર્ય-કારણનો સંબંધ નક્કી કરે છે. દિવ્યતાના પ્રભાવમાં કર્મફળનો સિદ્ધાંત જાગ્રત રહે છે અને આ દિવ્યતા જ તેમાં ક્યારેક અપવાદ સર્જે છે. સૃષ્ટિ સંચાલનના નિયમો આ દિવ્યતાને કારણે અસ્તિત્વમાં આવે છે અને દિવ્યતાના આદેશ હેઠળ જ એમાં પરિવર્તન શક્ય બને છે. ઈશ્વરની દિવ્યતા જ સૃષ્ટિ માટે સર્જક, ચાલક તથા પ્રલયકારી બળ છે. દિવ્યતા છે એટલે બધું છે. દિવ્યતા છે એટલે બધું પૂર્ણ છે. દિવ્યતા છે એટલે આ પૂર્ણતામાં મહા-આનંદ છુપાયેલો છે.

દિવ્યતાના વિવિધ પાસાનું વર્ગીકરણ કરાતાં દૈવી પ્રકૃતિના ગુણધર્મો સ્થાપિત થાય છે. દિવ્યતાનો કોઈક અંશ આધ્યાત્મિકતા બને છે તો કોઈક સત્યનિષ્ઠા સ્થાપિત કરે છે. દિવ્યતાનો કોઈ અંશ ધર્મ-પરાયણતા દર્શાવે છે તો અન્ય કોઈ અંશ જ્ઞાનનો પ્રેરક બને છે. ઈશ્વરની દિવ્યતા ક્યારેય મહાદેવનું સ્વરૂપ ધારણ કરે છે તો ક્યારેક તે વિષ્ણુ બને છે. આ દિવ્યતા જ ક્યારેક માની મમતાનું સ્વરૂપ ધારણ કરી મા જગદંબા બની સૃષ્ટિને ગોદમાં લે છે. ઈશ્વરની દિવ્યતા ક્યારેય શ્રીરામ બની આદર્શની તો ક્યારેક શ્રીકૃષ્ણના સ્વરૂપે ધર્મની સ્થાપના કરે છે. દિવ્યતાના એક ભાગ રૂપે જ હનુમાનજી અતુલ બલ ધારણ કરે છે તો ક્યારેક એવો જ કોઈક ભાગ હરિશ્ચંદ્ર બનીને સત્યના મહત્વની સ્થાપના કરે છે.

ઐશ્વરિય દિવ્યતા ક્યારેક મહાદેવ બની ભભૂત ધારણ કરે તો ક્યારેય વિષ્ણુ બની અલંકૃત રહે. ઐશ્વરિય દિવ્યતા સમાધિમાં બેસી જાય તો ક્યારેય યોગનિદ્રાને આધીન રહે. ઐશ્વરિય દિવ્યતા ક્યારે પ્રકૃતિ બની લીલા કરે તો ક્યારેક પુરુષ બની તે લીલામાં સાક્ષી ભાવની સ્થાપના કરે. ઐશ્વરિય દિવ્યતાને પરિણામે સાંસારિક પ્રપંચ ઉભો થાય અને તેના નિરાકરણના માર્ગ પણ સ્થાપિત થાય. ઐશ્વરિય દિવ્યતાને કારણે જ ક્યારેક અધર્મનો પ્રભાવ વધતો જણાય જેને પરિણામે ધર્મની સ્થાપના કરવાનો માર્ગ સમાજમાં સ્થાપિત થઈ શકે. ઐશ્વરિય દિવ્યતાને કારણે સીતા-હરણ પણ થાય અને રાવણ-વધ પણ થાય.

ઈશ્ર્વર જેમ દિવ્ય છે તેમ તેનું સર્જન પણ દિવ્ય છે, તેના કાર્યો પણ દિવ્ય છે, તેની લીલા પણ દિવ્યતાના અંશ સમાન છે. આ દિવ્યતા થકી જ પાંચ મહાભૂત બને છે, અંત:કરણની ચાર અવસ્થા સ્થાપિત થાય છે અને તે જ કારણ સ્વરૂપ આત્માનું નિરૂપણ કરે છે. ગીતાના વિભૂતિ યોગ અધ્યાયમાં શ્રીકૃષ્ણ સ્વયં પોતાના – ઈશ્વરના દિવ્ય સ્વરૂપોની યાદી ઉપરછલ્લી જણાવે છે. અંતમાં તેઓ જણાવે છે કે તેઓના એક અંશ માત્રથી આ સમગ્ર સૃષ્ટિ ધારણ કરાઈ છે. આ છે ઈશ્વરની દિવ્યતાની સાબિતી. દરેક શ્રેષ્ઠ સર્જન પર ચિંતન કરવાથી આ દિવ્યતાના પ્રમાણની પ્રતીતિ થઈ શકે. ઈશ્ર્વરની – દિવ્યતાની ગુરુદેવ હંમેશા સાક્ષી ભરે છે. આ દિવ્યતાની પ્રતીતિ ગુરુદેવ કરાવી શકે. આ દિવ્યતાની સમજ ગુરુદેવ આપી શકે. આ દિવ્યતા માટેની શ્રદ્ધા પ્રગટે તે માટે ગુરુદેવ નિમિત્ત બની શકે. આ દિવ્યતા અનુભવી શકાય તે માટે ગુરુદેવ માર્ગ બતાવી શકે, અને માર્ગના પ્રવાસ દરમિયાન રક્ષા પણ કરી શકે. ગુરુદેવ પણ ઐશ્વરિય દિવ્યતાના પ્રતીક સમાન જ હોય છે. આ દિવ્યતા સુધી પહોંચવા માટે તેઓ પ્રેરક પણ હોય છે અને માધ્યમ પણ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ રાશિના જાતકો માટે લકી રહેશે July, બંને હાથે ભેગા કરશે પૈસા… Airport પર આ રીતે Deepika Padukoneને સંભાળતો જોવા મળ્યો Ranveer Singh.. સોનાક્ષીની નણંદ પણ છાપે છે પૈસા 53 વર્ષ પહેલાં આવેલી Rajesh Khannaની ફિલ્મના એ સુપરહિટ ડાયલોગ…