ધર્મતેજ

અવતારલીલાનું સ્વરૂપ ભગવાન શ્રીરામ

જીવનનું અમૃત -ભાણદેવ

ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણ ભારતીય જનમાનસના રાજાધિરાજ છે. સમ્રાટ છે. અધિપતિ છે.
ભગવાન શ્રીરામનું સ્મરણ થાય એટલે તુરંત આપણા ચિત્તમાં ધર્મ. મર્યાદા, કર્તવ્ય, મૂલ્યો આદિનો ઉદય થવા માંડે છે.
ભગવાન શ્રીરામે વિટંબણાઓ ભોગવી છે. પરંતુ ધર્મ છોડ્યો નથી. ભગવાન શ્રીરામે અંગત સંવેદનાઓનો ભોગ આપ્યો છે. પરંતુ ધર્મ છોડ્યો નથી. ભગવાન શ્રીરામે ચૌદ વર્ષનો વનવાસ સ્વીકાર્યો છે, પરંતુ ધર્મ છપડ્યો નથીે. જેમના સ્પર્શથી પવિત્રતા વધુ પવિત્ર બને તેવી સીતાને ભગવાન શ્રીરામે અલગ રાખ્યાં છે. પરંતુ ધર્મ છોડ્યો નથી. ભગવાન શ્રીરામે યથાર્થ ધર્મનું પાલન કર્યું છે. સગવડિયા ધર્મનું નહિ જ!
એક રામ દશરથકા બેટા
એક રામ ઘટ ઘટમેં બૈઠા
એક રામ હે જગત પસારા
એક રામ સબસે ન્યારા
દશરથકા બેટા- તે અવતાર રામ છે. ઘટ ઘટમેં બેૈઠા- તે આતમરામ છે. જગત પસારા-તે સગુણ બ્રહ્મ છે અને સબસે ન્યારા-તે નિર્ગુણ બ્રહ્મ છે. રામ અનંત છે અને રામનાં અનંત સ્વરૂપ છે. આ અગણિત સ્વરૂપોમાંનું એક સ્વરૂપ છે-અવતાર રામ!
આપણે અહીં અવતાર રામની જીવનલીલાને અને પછી અવતાર તરીકે રામાવતારના વિશિષ્ટ સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીએ.
ભગવાન શ્રીરામની જીવનલીલા અતિ સંક્ષિપ્ત સ્વરૂપે અહીં પ્રસ્તુત છે.
૧. તમસા નદીને કિનારે વાલ્મીકિના આશ્રમમાં નારદજી પધારે છે અને મહર્ષિ વાલ્મીકિને સંક્ષેપમાં રામકથા કહે છે.
૨. તમસા નદીમાં સ્નાન કરતાં વાલ્મીકિજી સામે કિનારે જુએ છે- ચારો ચરતાં સારસયુગલમાંના એકને પારધી હણે છે અને બીજું માથાં પછાડીને મૃત્યુ પામે છે.
૩. વાલ્મીકિજીના મુખમાંથી શાપવાણી નીકળે છે:
નળ રુણરળડ પ્ટિશ્રછર્ળૈ ટ્ટમનઉંન: યળ઼ટિ: લનળ:
પટ્ર ઇૃં઼ળજ્ઞક્કખરુનઠૂણળડજ્ઞઇંનઢિ: ઇંળનનળજ્ઞરુવટન્ર ॥
-મળલ્નિઇંતપ ફળનળપઞ રૂળ. ઇંળ. ૨-૧૫
“હે નિષાદ! તને શાશ્ર્વતકાળ સુધી શાંતિ નહિ મળે, કારણકે સારસયુગલમાંના કામથી મોહિત થયેલા એકની તેં હત્યા કરી છે.
૪. બ્રહ્માજી આવીને વાલ્મીકિજીને ‘રામાયણ’ની રચના કરવાની પ્રેરણા આપે છે, અને આમ રામકથાનો પ્રારંભ થાય છે.
૫. અયોધ્યાના રાજા દશરથ અને તેમની ત્રણ રાણીઓ છે- કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી.
૬. મહારાજ દશરથને સંતાન નથી. પુત્રકામેષ્ટિ યજ્ઞ કરે છે અને અગ્નિદેવ પાયસ આપે છે અને ચાર સંતાન થશે- એમ પણ કહે છે.
૭. ચૈત્ર સુદ નવમીના મધ્યાહ્નકાળે ભગવાન શ્રીરામ પ્રગટ થાય છે. સાથે લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના જન્મ પણ થાય છે.
૮. વસિષ્ઠ મહારાજ પાસેથી વિદ્યા ગ્રહણ કરે છે.
૯. વિશ્ર્વામિત્રના યજ્ઞના રક્ષણ માટે જાય છે. રસ્તામાં તાટકાનો ઉદ્ધાર કરે છે.
૧૦. યજ્ઞરક્ષા કરતાં સુબાહુ આદિ અસુરોનો ઉદ્ધાર અને મારીચને દૂર ફેંકી દે છે.
૧૧. જનકપુર તરફ પ્રયાણ થાય છે અને રસ્તામાં અહલ્યાનો ઉદ્ધાર થાય છે.
૧૨. સીતા સ્વયંવરમાં ભગવાન શ્રીરામના હાથે ધનુષ્યભંગ થાય છે.
૧૩. સીતા-રામ, ઊર્મિલા-લક્ષ્મણ, માંડવી-ભરત, શ્રુતકીર્તિ-શત્રુઘ્ન – આ પ્રમાણે લગ્ન થાય છે.
૧૪. પરશુરામના ગર્વનું ખંડન થાય છે.
૧૫.ભગવાન શ્રીરામના રાજ્યાભિષેકની તૈયારી થાય છે, પરંતુ તેને બદલે વનગમન થાય છે. રામ, લક્ષ્મણ અને સીતા ચૌદ વર્ષ માટે વનમાં જાય છે.
૧૬. મહારાજ દશરથ રામવિયોગમાં દેેહત્યાગ કરે છે.
૧૭. ભરત-શત્રુઘ્ન મોસાળથી અયોધ્યા આવે છે.
૧૮. ચિત્રકૂટમાં ભરતજી અને સૌ ભગવાન શ્રીરામને મળે છે.
૧૯. વનવાસ આગળ ચાલે છે અને પંચવટીમાં નિવાસ થાય છે.
૨૦. શૃર્પણખા આવે છે અને સજા પામે છે.
૨૧. પંચવટીમાં મારીચને સુવર્ણમૃગ બનાવીને રાવણ સીતાજીનું હરણ કરે છે.
૨૨. જટાયુનું સમર્પણ અને પરમગતિની પ્રાપ્તિ થાય છે.
૨૩. શબરીજીને ભગવાન શ્રીરામનાં દર્શન. સત્સંગ પ્રાપ્ત થાય છે.
૨૪. હનુમાનજી મહારાજ ભગવાન શ્રીરામને સમર્પિત થાય છે.
૨૫. ભગવાન શ્રીરામ અને સુગ્રીવ વચ્ચે સખ્ય બંધાય છે.
૨૬. વાલીનો ભગવાન શ્રીરામના હાથે ઉદ્ધાર થાય છે.
૨૭. ભગવતી સીતાજીની શોધ માટે ભારે પુરુષાર્થ થાય છે અને શોધ થાય છે.
૨૮. હનુમાનજી દ્વારા લંકામાં પ્રવેશ થાય છે અને લંકાનું દહન થાય છે.
૨૯. વિભીષણ શ્રીરામને શરણે આવે છે. શ્રીરામ તેમનો રાજ્યાભિષેક કરે છે.
૩૦. સેતુબંધનું નિર્માણ થાય છે.
૩૧. રામ-રાવણ યુદ્ધ થાય છે. અસુરોનો નાશ અને શ્રીરામનો વિજ્ય થાય છે.
૩૨. સીતા રામનું મિલન થાય છે.
૩૩. અયોધ્યામાં ભગવાન શ્રીરામનો રાજયાભિષેક થાય છે.
૩૪. સીતાજીનો ત્યાગ થાય છે?
૩૫. રાજસૂય યજ્ઞ થાય છે.
૩૬. સીતાજી ધરતીમાં સમાઇ જાય છે.
૩૭. લવકુશ અયોધ્યામાં રહે છે.
૩૮. ભગવાન શ્રીરામ દ્વારા લક્ષ્મણનો ત્યાગ થાય છે. લક્ષ્મજી સરયૂમાં દેહનો ત્યાગ કરે છે.
૩૯. ભગવાન શ્રીરામ અયોધ્યા સહિત સાકેતધામ પધારે છે.
૪૦. ભગવાન શ્રીરામનો અપ્રતિમ યશ પૃથ્વી પર ફેલાઇ જાય છે.
પ્રત્યેક અવતારનું સ્વરૂપ વિશિષ્ટ હોય છે. તદ્નુસાર ભગવાન શ્રીરામની જીવનલીલા. સ્વરૂપ આદિ વિશિષ્ટ હોય તે સ્વાભાવિક જ છે.
અહીં આપણે શ્રીરામાવતારના વિશિષ્ટ સ્વરૂપને જોઇએ
૧. ભગવાન શ્રીરામ મર્યાદાપુરુષોત્તમ છે મર્યાદાનું સર્વથા અને સર્વદા પાલન કરે છે. રાષ્ટ્રની, રાજધર્મની, સમાજની, પરિવારની -આ સર્વની એક નિશ્ર્ચિત મર્યાદા હોય છે. ભગવાન આ સર્વ મર્યાદાઓનું પાલન કરે છે. મર્યાદાનું અતિક્રમણ કદી કરતા નથી, મર્યાદાધર્મનું પાલન કરતાં પોતાને સહન કરવું પડે તો તે સહન કરીને પણ મર્યાદાની રક્ષા કરે છે.
૨. ભગવાન શ્રીરામ ધીર, સ્થિર, અને સમતોલ પુરુષ છે. ગમે તેવા વિકટ સંજોગોમાં પણ શ્રીરામ વિચલિત થતા નથી.
ચિત્તની ચંચળતા, ક્ષોભ, મનની અસ્થિરતા-આવાં તત્ત્વો ભગવાન શ્રીરામમાં કલ્પી શકાય તેમ જ નથી.
૩. ભગવાન શ્રીરામ સત્યનિષ્ઠ છે. ગમે તેવા વિકટ સંજોગોમાં પણ શ્રીરામ સત્યને છોડતા નથી. સત્યને રસ્તે ચાલે છે. વાણી અને વ્યવહારમાં ભગવાન સત્ય કદી છોડતા નથી.
બધાં વ્રતો સત્યમાં પ્રતિષ્ઠિત છે અને સત્યના પાલનમાં અન્ય સર્વ વ્રતોનું પાલન આવી જાય છે. ભગવાન શ્રીરામની જીવનલીલાનું અધ્યયન કરતાં સ્પષ્ટત: સિદ્ધ થાય છે કે ભગવાન શ્રીરામે સત્ય કદી છોડ્યું નથી.
૪. ભગવાન શ્રીરામ ધર્મપુરુષ છે અને તદ્નુસાર શ્રીરામ સતત ધર્મનિષ્ઠ છે. પોતાના માટે કે પોતાના પરિવાર માટે ભારે વિટંબણા આવે તેવા સંજોગો હોય તોપણ પોતાના કે પોતાના પરિવારની સુખાકારી કે સલામતી માટે ભગવાન શ્રીરામ ધર્મને છોડતા નથી. સંજોગો ગમે તેવા હોય તોપણ ધર્મને ભગવાન શ્રીરામ અગ્રતાક્રમ જ આપે છે.
શ્રીમદ્ ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે-
ઢનૃર્લૈશ્ર્નઠળક્ષણળઠળૃપ ર્લૈધમળરુન પૂઉંજ્ઞ પૂઉંજ્ઞ
“ધર્મની સંસ્થાપના માટે હું યુગે-યુગે અવતાર ધારણ કરું છું.
ભગવાન શ્રીરામની જીવનલીલામાં આ સત્ય સ્પષ્ટત: દષ્ટિગોચર થાય છે. ભગવાન શ્રીરામ ધર્મ જીવે છે. ધર્મ પ્રમાણે જીવનારને સહાય કરે છે અને અધર્મ અને અધર્મ પ્રમાણે જીવનારનો નાશ પણ કરે છે.
તેથી જ ભગવાન શ્રીરામને ધર્મપુરુષ ગણવામાં આવે છે. ભગવાન શ્રીરામે કહીને, કરીને અને જીવીને ધર્મની સંસ્થાપના કરી છે.
૫. ભગવાન શ્રીરામ એકવચની છે.
રઘુકુલ રીતિ સદા ચલી આઇ.
પ્રાણ જાય અરુ, બચન ન જાઇ.
આ વચનપાલનની પરંપરા સમ્રગ રઘુકુળમાં પ્રારંભથી જ ચાલી આવી. ભગવાન શ્રીરામમાં પણ એકવચનીપણું છે જ અને વિશેષરૂપે છે.
જુઓ! જુઓ! પોતાના વચન માટે જ નહિ, પિતાજીના વચનના પાલન માટે ભગવાન શ્રીરામ ચૌદ વર્ષ માટે વનમાં જાય છે. આ ઘટના ભગવાન શ્રીરામના એકવચનીપણાનું જ્વલંત દષ્ટાંત છે.
રામ-રાવણના યુદ્ધ પહેલાં જ રામેશ્ર્વરમાં વિભીષણ ભગવાન રામને શરણે આવે છે. તે જ વખતે ભગવાન વિભીષણનો રાજ્યાભિષેક કરીને, લંકાનો રાજા ઘોષિત કરી દે છે.
કોઇક ભગવાન શ્રીરામને પૂછે છે-
“પ્રભુ! રાવણ પણ શરણે આવશે તો શું કરશો! આપના વચનનું પાલન કેવી રીતે થશે?
ભગવાન શ્રીરામ ઉત્તર આપે છે-
“તો મારી અયોધ્યા આપી દઇશ, પરંતુ વચનભંગ નહિ થાય!
આવું છે ભગવાન શ્રીરામનું વચનપાલન! તેમની વચનનિષ્ઠા!
૬. ભગવાન શ્રીરામ વીર યોદ્ધા છે. રાવણ પર વિજય પ્રાપ્ત કરવો તે સરલ કાર્ય નથી. એ કાર્ય તો ભગવાન શ્રીરામ સિદ્ધ કરી શકે!
તાટકાવધ, મહર્ષિ વિશ્ર્વામિત્રના યજ્ઞની રક્ષા, ધનુષ્યભંગ, પરશુરામ ગર્વખંડન, લંકાવિજ્ય- આ સર્વ પ્રસંગે ભગવાન શ્રીરામ એક મહાન વીર યોદ્ધા તરીકે પ્રતિષ્ઠિત થાય છે.
ભગવાન શ્રીરામ માત્ર વીર યોદ્ધા નથી. તેઓ ધીર અને સ્થિર યોદ્ધા છે. ગમે તેવા ભયંકર યુદ્ધ વખતે પણ ભગવાન વિચલિત થતા નથી. ક્રોધાયમાન થયા નથી અને અહંકારી પણ બનતા નથી.
આમ ભગવાન શ્રીરામ ધીર, સ્થિર અને સ્વસ્થ વીર યોદ્ધા છે.
૭. ભગવાન શ્રીરામ સંત છે.
ભગવદવતાર સંતત્વનાં ધોરણો પ્રમાણે જીવવા બંધાયેલા નથી.
ભગવદવતાર સંત હોય તે આવશ્યક પણ નથી અને અનિવાર્ય પણ નથી જ! અવતારોની જીવનલીલાના સ્વરૂપને જોતાં સ્પષ્ટ જણાય છે કે અવતાર સંત નથી, પરંતુ સંતોના આરાધ્ય છે. ભગવાન નરસિંહ કે ભગવાન પરશુરામની જીવનલીલા સંતની જીવનલીલા નથી.
આમ છતાં ભગવાન શ્રીરામ વિશે એવું અવશ્ય કહી શકાય કે તેઓ અવતાર તો છે જ, પરંતુ સાથેસાથે પોતાના બહિરંગ જીવનમાં સંત પણ છે જ!
વનવાસનો સ્વીકાર, પરિવારજનો સાથેનો વ્યવહાર, ગુહરાજ, જટાયુ, શબરી આદિ સામાન્યજનો સાથેનો વ્યવહાર- આ સર્વ ઘટનાઓ દ્વારા સ્પષ્ટત: સિદ્ધ થાય છે કે ભગવાન શ્રીરામ પોતાની દિવ્યચેતનામાં ભગવાન છે અને સાથેસાથે પોતાની માનવચેતનામાં સંત પણ છે જ!
સંત અને અવતાર એક નથી, અને છતાં ક્વચિત્ અવતાર સંત પણ હોઇ શકે. ભગવાન શ્રીરામની જીવનલીલાથી સ્પષ્ટ થાય છે કે જીવનચેતનામાં તેઓ સંત પણ છે.
અહીં આ રામાવતારમાં ભગવાન અને સંત એકાકાર થઇ ગયા છે.
૮. ભગવાન શ્રીરામ શરણાગતવત્સલ છે.
ગુહરાજ, કેવટ, જટાયુ, શબરી, સુગ્રીવ આદિનો સ્વીકાર કર્યો જ છે. હનુમાનજી મહારાજ તો રામને શરણાગત થઇને રામમય બની ગયા છે.
આ સર્વ ઘટનાઓ તો સહજ સ્વાભાવિક છે, પરંતુ વિભીષણની શરણાગતિ અને વિભીષણનો સ્વીકાર – એ તો એક વિરલ ઘટના છે. વિભીષણની શરણાગતિ ભગવાન શ્રીરામ દ્વારા તેમનો સ્વીકાર- આ પ્રસંગ દ્વારા ભગવાન શ્રીરામની અનન્ય શરણાગતવત્સલતાનો આપણને પરિચય મળે છે.
રાવણ વિભીષણને હડધૂત કરે છે. રાવણ પાસેથી સદાને માટે નીકળીને વિભીષણ શ્રીરામને શરણ આવે છે. વિભીષણજી જાણે છે કે પોતે રાવણના ભાઇ છે અને રામની સેના માટે દુશ્મન ગણાય છે. તેથી તેઓ સીધા જ રામ પાસે જતા નથી, પરંતુ દૂરથી જ રામનું શરણ સ્વીકારવાની પોતાની ઇચ્છા સંદેશવાહક દ્વારા શ્રીરામને પહોંચાડે છે.
રાવણના ભાઇ વિભીષણ આવે છે. તેમ જાણીને સુગ્રીવજી ભગવાન શ્રીરામને સાવધાન કરે છે. સુગ્રીવજી કહે છે કે વિભીષણ દુશ્મન પક્ષના છે. રાવણના ભાઇ છે. યુદ્ધકાળમાં દુશ્મન પક્ષની વ્યક્તિનો સ્વીકાર કરવામાં જોખમ છે. સામાન્ય દષ્ટિથી વિચારીએ તો સુગ્રીવજીની વાતમાં યથ્ય છે, પરંતુ શરણાગતનો સ્વીકાર અને તેની રક્ષા- એ તો ભગવાનનું વ્રત છે. સનાતન વ્રત છે. તદ્નુસાર સુગ્રીવજીને સમજાવતાં ભગવાન શ્રીરામ કહે છે-
લઇૈંડજ્ઞમ પ્ક્ષધ્ણળપ ટપળશ્ર્નનરિુટ ખ પળખટજ્ઞ
અધર્પૈ લમૃ ધુટજ્ઞ ફ્રપળજ્ઞ ડડળબ્પજ્ઞટડ્ર મૄર્ટૈ નન ॥
મળ. ફળ.: પૂ. ઇંળ. ૧૮-૩૩
“મારે શરણે આવનાર અને એક વાર ‘હું તારો છું’ એવી યાચના કરનારને હું સર્વ ભૂતોથી અભય આપું છું, એવું મારું વ્રત છે.
આ છે ભગવાન શ્રીરામની શરણાગતવત્સલતા! ભગવાન શ્રીરામ અહીં વિભીષણને નિમિત્ત બનાવીને જીવમાત્રને આ વચન આપે છે. તેમ સમજવું જોઇએ!
અહીં એ પણ નોંધનીય છે કે ભગવાન શ્રીરામ વિભીષણનો સ્વીકાર કરે છે. એટલું નહિ, પરંતુ યુદ્ધ પહેલાં જ રાવણને જીત્યા પહેલા જ લંકાના રાજા તરીકે વિભીષણનો રાજ્યાભિષેક પણ કરી દે છે. આ છે ભગવાન શ્રીરામની ભગવત્તા!
૯. કેટલાક તર્કાધીન અભ્યાસુઓ એવો આક્ષેપ કરે છે કે ભગવાન શ્રીરામે તાપસ શંબુકનો વધ કર્યો. તે બરાબર ગણાય?
આ શંબુકવધની ઘટના વિશે ઘણો ઊહાપોહ થાય છે અને થઇ રહ્યો છે. રામનું આ શંબુકવધનું કાર્ય યોગ્ય કે અયોગ્ય, તે વિશે વિવાદો ચાલતા આવ્યા છે.
આપણે આ ઘટનાનો સૂક્ષ્માર્થ જોઇએ, તે પહેલાં એટલું સમજી લઇએ કે વાલ્મીકીય રામાયણ મહાકાવ્ય છે. તેમાં ઐતિહાસિક તથ્યો ઘણાં હશે; આમ છતાં આ રામાયણ વિશુદ્ધ ઇતિહાસગ્રંથ નથી. તદ્નુસાર વાલ્મીકીય રામાયણમાં વર્ણવેલી પ્રત્યેક ઘટનાને વિશુદ્ધ ઐતિહાસિક ઘટના તરીકે લઇ શકાય તેમ નથી રામાયણમાં અનેક ઘટનાઓ એવી પણ છે, જેનો સાંકેતિક અર્થ લેવો જોઇએ.
આપણે અહીં આ શંબુકવધની ઘટનાનો સૂક્ષ્મ સાંકેતિક અર્થ જોઇએ. શંબુકનો વધ એટલે તામસિક તપનો ત્યાગ, એમ સમજવું જોઇએ. તામસિક તપને આપણી અધ્યાત્મપરંપરામાં અગ્રાહ્ય અને ત્યાજ્ય ગણવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ગીતામાં તામસિક તપનું સ્વરૂપ સમજાવતાં કહે છે-
નુઝ ઉૃં઼ળવજ્ઞઞળટ્ટનણળજ્ઞ પટ્ટક્ષજિમ્ળ રુઇૃં઼પટજ્ઞ ટક્ષ:
ક્ષફશ્ર્નપળજ્ઞટ્ટલળડણળઠહ્ણ મળ ટણ્ળળનલનૂડળષ્ટટન્ર ॥
“જે તપ મૂઢતાપૂર્વક અને હઠથી, શરીર અને મનને પીડા થાય તેવી રીતે અને અન્યનું અનિષ્ટ કરવાના હેતુથી થાય, તે તપને તામસિક તપ કહેવામાં આવે છે.
આ પ્રકારનું તપ અધ્યાત્મપથના પથિક માટે સર્વથા ત્યાજ્ય છે. આમ છતાં કોઇ સાધક તામસિક તપનો માર્ગ ગ્રહણ કરે તો તે પોતાનો આધ્યાત્મિક વિનિપાત કરે છે અને અન્યનું પણ અનિષ્ટ કરે છે.
આ શંબુકવધની ઘટના દ્વારા રામાયણકાર એમ સૂચિત કરે છે કે અધ્યાત્મપથના પથિકે પોતાની અધ્યાત્મ સાધનામાં તામસિક તપને સ્થાન આપવું જોઇએ નહિ. શંબુકવધ એટલે તામસિક તપ કરવાની વૃત્તિનો ત્યાગ, તેમ સમજવું જોઇએ.
અહીં શંબુક તામસિક તપ કરવાની વૃત્તિનું વૈયક્તિક સ્વરૂપ છે. અહીં ‘શંબુક’ નામના તાપસનો વધ થયો. તેવો સ્થૂળ અર્થ લેવાને બદલે, આ ઘટનાનો સાંકેતિક, આધ્યાત્મિક અર્થ લેવો જોઇએ.
તામસિક તપની વૃત્તિનો ત્યાગ કરવો જોઇએ. તે એક આધ્યાત્મિક નિયમ છે. અધ્યાત્મપથનું સત્ય છે. આ સત્યને વાલ્મીકિજી શંબુકવધની આ ઘટના દ્વારા સાંકેતિક રીતે સૂચિત કરે છે. આ ઘટનાને એક ઐતિહાસિક ઘટના ગણવાને બદલે સાંકેતિક ઘટનાના અર્થમાં સમજવી જોઇએ. આમ થાય તો જ આ વિવાદનો અંત આવે છે, અને સાધકને અધ્યાત્મપથવિષયક માર્ગદર્શક પણ મળે જ છે.
આ ઘટનાને તેના સ્થૂળ અર્થમાં, એક ઐતિહાસિક ઘટના તરીકે લેવામાં બીજી પણ એક મુશ્કેલી છે. આ શંબુકવધની ઘટના ભગવાન શ્રીરામની સમગ્ર જીવનશીલા અને જીવનશૈલી સાથે સુસંગત પણ નથી જ! ભગવાન શ્રીરામ શૂદ્ર હોવાને કારણે એક તાપસનો વધ શા માટે કરે? ભગવાન શ્રીરામે અનેક શૂદ્રોનો પ્રેમપૂર્વક સ્વીકાર કર્યો છે. જટાયુ, શબરી, ગુહરાજા, કેવટ, વિભીષણ- આ સૌ કોણ છે? ભગવાન શ્રીરામે શંબુકનો વધ કર્યો નથી, પરંતુ તામસિક તપ કરવાની વૃત્તિનો ત્યાગ કરવાનું સૂચિત કર્યું છે!
૧૦. ભગવાન શ્રીરામે સીતાનો ત્યાગ કર્યો છે? રામાયણ આદિ ગ્રંથોમાં અને તદ્નુસાર લોકમાન્યતામાં લગભગ સર્વત્ર એમ સ્વીકારી લેવામાં આવેલ છે કે ભગવાન શ્રીરામે ભગવતી સીતાજીનો ત્યાગ કર્યો છે.
આમ છતાં આ વાત સાચી નથી, ભગવાન શ્રીરામે સીતાજીનો ત્યાગ કર્યો નથી.
હવે બે પ્રશ્ર્ન ઉપસ્થિત થાય છે.
વાલ્મીકિય રામાયણ, રામચરિતમાનસ આદિ ગ્રંથો સ્પષ્ટત: કહે છે કે ભગવાન શ્રીરામે સીતાજીનો ત્યાગ કર્યોછે. તેનો ઇન્કાર કેવી રીતે કરી શકાય?
વાલ્મીકિય રામાયણ અને રામચરિતમાનસ વિશુદ્ધ ઇતિહાસગ્રંથો નથી, આ ગ્રંથો ભગવાનની લીલાવિષયક કાવ્યગ્રંથો છે, તેથી તેમાં બતાવેલ સર્વ ઘટનાઓને તેમના સ્થૂળ અર્થમાં અક્ષરશ: સાચી માની શકાય નહિ.
બીજો પ્રશ્ર્ન લગભગ સાર્વભૌમ લોકમાન્યતા એવી છે કે રામે સીતાનો ત્યાગ કર્યો છે, તો તેનો ઇન્કાર કેવી રીતે કરી શકાય?
લોકમાન્યતા પણ વિશુદ્ધ ઇતિહાસ નથી. તેથી સર્વ લોકમાન્યતાઓને શતપ્રતિશત સત્ય હકીકત તરીકે સ્વીકારી શકાય નહિ. એટલું જ નહિ, પરંતુ આ લોકમાન્યતા પણ રામાયણ પર આધારિત લોકમાન્યતા છે.
આ બંને પ્રમાણનો ઇન્કાર કરી શકાય તેમ છે અને સ્વીકારી શકાય તેમ છે- રામે સીતાનો ત્યાગ કર્યો નથી.
હવે પ્રશ્ર્ન ઉપસ્થિત થાય છે- તમે શાને આધારે કહો છો કે રામે સીતાનો ત્યાગ કર્યો નથી.
એક ત્રિકાલભેદી દષ્ટિવાન પરમ પુરુષના મુખેથી સાંભળીને અમે જાહેર કરીએ છીએ કે રામે સીતાનો ત્યાગ કર્યો નથી, તો હકીકત શી છે?
અગ્નિપરીક્ષામાંથી પસાર થયા છતાં સીતાજી પ્રત્યે અમુક લોકો શંકાની નજરે જોતા હતા. આ વર્ગમાં રાજકુટુંબના વડીલ ગણાતા અમુક સભ્યો પણ હતા.
આ લોકોની આ પ્રકારની શંકાશીલ દષ્ટિ અને આવી શંકાશીલ માન્યતાને કારણે સીતાજી મનમાં ખૂબ પરિતાપ ભોગવતાં હતાં. સીતાજીને રાજમહેલમાં સુખ નહોતું. ભગવાન શ્રીરામ સીતાજીની આ દુ:ખપૂર્ણ મનોદશાને જાણતા હા. સીતાજીને આ વેદનામાંથી શ્રીરામે સદ્ભાગપૂર્વક વાલ્મીકિજીના આશ્રમમાં મોકલ્યાં હતાં અને ત્યાં તેઓ સુખશાંતિથી રહી શકે તેની વ્યવસ્થા ભગવાન શ્રીરામે પોતે જ ગોઠવી હતી.
સીતાત્યાગની ઘટનાની સાંકેતિક આધ્યાત્મિક અર્થ લેવો જોઇએ. પરમ પદ પર અરોહણ કર્યા પછી આતમરામ પ્રકૃતિનો ત્યાગ કરે છે- આવો સીતાત્યાગની ઘટનાનો સાંકેતિક આધ્યાત્મિક અર્થ લેવો જોઇએ. તો રામાયણના કથનનો આપણી આ સત્ય ઘટનાના સાથે મેળ બેસી જશે!
સમાપન
હરિ અનંત હરિકથા અનંત!
ભગવાનની લીલાને સર્વાંશે સમજવાનું આપણું શું ગજું? હા, આપણે આપણા નાનકડા ગજા પ્રમાણે હરિના ગુણગાન ગાવાના ભાવથી અવતારની લીલાનું ચિંતન મનન-કથન કરીએ છીએ.
ભગવાનની લીલાનું ચિંતન આપણી ચેતનાને ઊંચે લઇ જાય. તેવા ભાવ સાથે આપણે રામકથા કે અન્ય અવતારોની કથાનું પરિશીલન કરવાનું છે.
આપણું આટલું જ ગજું!
આપણું આટલું જ કર્તવ્ય!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button