ધરમુ ન દૂસર સત્ય સમાના
આગમ નિગમ પૂરાન બખાના
બધા વેદ અને શાસ્ત્રો કહે છે-સંસારમાં સત્ય સમાન કોઈ ધર્મ નથી. સત્ય એટલે પરમાત્મા, પરમાત્મા એટલે સત્ય. સત્યને રામ કહો, રામને સત્ય કહો, જે નામ આપો તે-સત્ય જ પરમ ધર્મ છે. બધા મહાપુરુષોએ આ કહ્યું છે પરંતુ આજે આપણે સત્યથી, પરમાત્માથી વિમુખ કેમ છીએ? આ નવા વર્ષમાં શાંતિથી વિચારીએ કે આપણે પરમાત્માથી વિમુખ કેમ છીએ?
આપણી ભારતીય સંસ્કૃતિમાં ત્રણ શબ્દો અત્યંત મહત્ત્વના છે. સત્સંગ, કુસંગ અને દુસંગ. આપે આ વિશે સાંભળ્યું હશે. કદાચ તમે એ વિશે જાણતા પણ હશો. પહેલો શબ્દ ખૂબ પ્રચલિત છે, જે છે સત્સંગ. બીજો પણ એટલો જ પ્રચલિત છે, જે છે કુસંગ. પરંતુ ત્રીજા શબ્દ ઉપર કદાચ તમારું ધ્યાન વધારે નહીં ગયું હોય. સામાન્ય રીતે આપણે તેને કુસંગ સાથે જોડી દેતા હોઈએ છીએ. ઋષિઓની દૃષ્ટિમાં અને મુનિઓની વ્યાખ્યા અનુસાર આ જે ત્રીજો મૂલ્યવાન શબ્દ છે તેને દુસંગ તરીકે ઓળખીએ છીએ. તો પહેલો શબ્દ છે સત્સંગ,બીજો છે કુસંગ અને ત્રીજો છે દુસંગ. આ ત્રણેય વચ્ચેના મૂળ અંતરને ઋષિમુનિઓએ પોતાના અનુભવને આધારે સ્પષ્ટ કર્યું છે. નારદભક્તિસૂત્રમાં નાનાં-નાનાં સૂત્રો આપ્યા છે. એમાં બહુ જ બળ આપીને કહેવાયું છે કે દુસંગ સર્વથા ત્યાજ્ય છે.
મારાં ભાઈ-બહેનો, આપણું જે જીવન છે તેના પર શાંતિથી થોડો વિચાર કરીએ. આપણે સત્યથી અને પરમાત્માથી આજે આટલા વિમુખ કેમ છીએ? જીવનને નારદભક્તિસૂત્રની કસોટી પર કસવું જોઈએ. આપણને સત્ય જોઈએ છીએ, પરમાત્મા તરફ આપણી રૂચિ પણ છે અને ભાવ પણ છે. ત્યાંથી તો આપણી યાત્રા શરૂ થઈ છે. તેમ છતાંયે આપણે આપણી જાતને પરમાત્માથી વિમુખ થયેલી કેમ અનુભવીએ છીએ? કયું કારણ છે કે સત્યનો આપણે યોગ્ય રીતે સંગ નથી કરી શકતાં? આપણે પરમાત્માથી વિમુખ છીએ એવું અનુભવવાનું સૌથી મોટું કારણ છે-આપણી પાપમાં રૂચિ. પાપ તરફની આપણી રૂચિ પરમાત્માથી આપણને વિમુખ કરે છે. જ્યારે વ્યક્તિને પાપમાં રૂચિ હોય છે ત્યારે સત્ય સારું લાગતું નથી. જેને તાવ આવ્યો હોય તેને આપ કેટલું પણ મિષ્ટાન આપો, તેને તેનો સ્વાદ નહીં આવે. મિષ્ટાન સ્વાદહીન હોય તે સંભવ નથી. પરંતુ જેને તાવ આવ્યો છે તેને તેનો સ્વાદ નહીં આવે. આપણી રુચિ પાપમાં ફસાઈ ગઈ છે. જ્યારે આપણે પાપમાં રૂચિ રાખીએ છીએ ત્યારે સંસાર તરફ ખૂબ અભિમૂખ થઈએ છીએ અને પરમાત્માથી વિમુખ થઈ જઈએ છીએ. ‘રામચરિતમાનસ’ માં ભગવાન કહે છે મોહિ કપટ છલ છિદ્ર ન ભાવા.’ ભગવાન રામને કપટ નથી ગમતું. કામની, ક્રોધની અને લોભની આલોચના શાસ્ત્રોમાં થઈ છે. જ્યાં સુધી ‘રામચરિતમાનસ’નો પ્રશ્ન છે ત્યાં સુધી ગોસ્વામીજીએ અથવા ભગવાન રામે એવું નથી કહ્યું કે એને કામી, ક્રોધી કે લોભી પસંદ છે. ભગવાન રામ એક વાત બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે-‘મોહિ કપટ છલ છિદ્ર ન ભાવા.’ જેની રૂચિ પાપમાં થઈ જાય છે,જે દંભ કરે છે એવી વ્યક્તિ
ભગવાનને પસંદ નથી. પાપમાં રૂચિ હોવી એ ભગવાનથી વિમુખ થવાનું પ્રમુખ કારણ છે. શાંતિથી વિચારો, ચિંતન કરો તો જીવનનું સત્ય મળશે. પરમાત્માથી વિમુખ થવાનું કારણ સમજાશે.
પરમાત્માથી વિમુખ થવાનું બીજું કારણ છે આપણા મનની ચંચળતા. ત્રીજું કારણ છે સંસારમાં ઉત્પન્ન થયેલાં પદાર્થોનું અભિમાન અને અહંકાર. આ પણ એક બહુ મહત્ત્વનું કારણ છે. ચોથું કારણ છે ઈશ્ર્વરના મહિમા અંગે આપણું અજ્ઞાન. હવે પ્રશ્ર્ન એ છે કે આપણા જીવનમાં આ કારણોનો પરિહાર કેવી રીતે થાય! આપણે પરમાત્માની સન્મુખ કેવી રીતે થઈએ!
‘રામચરિતમાનસ’માં ભગવાન રામે કહ્યું છે
લણપૂઈં વળજ્ઞજ રુઘમ પળજ્ઞરુવ ઘરૂવિં ઘધ્પ ઇંળજ્ઞરુચ અઢ ણળલવિ ટરૂવિં
જીવ જ્યારે પરમાત્માની સન્મુખ થઈ જાય છે ત્યારે પૂર્વજન્મના તેના અગણિત પાપ સ્વયં બળીને ભસ્મ થઈ જાય છે. જેવી રીતે દીવો પ્રગટાવીએ અને ગમે તેવો જૂનો અંધકાર નાશ પામે એમ જીવ જ્યારે ભગવાનની સન્મુખ થાય છે ત્યારે તેના પાપો નાશ પામે છે. જાહેર છે કે આપણે પરમાત્માથી વિમુખ છીએ. આપણે ભગવાનની સન્મુખ કેવી રીતે થઈએ? આપણી પાપમાં રૂચિ છે, મન ચંચળ છે, અભિમાન છે અને ઈશ્ર્વરના મહિમાને જાણતા નથી. શું કરવું? આનું
નિવારણ શું?
પાપમાં રૂચિ છે તો એનું નિવારણ છે ધર્માચરણ કરવું. ધર્મનું આચરણ કરવાથી ધીરે ધીરે પાપમાંથી આપણી રૂચિ ઓછી થવા લાગશે. જેમ જેમ તાવ ઊતરશે તેમ તેમ મિષ્ટાનનો મૂળ સ્વાદ અનુભવમાં આવશે. ધર્માચરણ કઠિન છે. ધર્મની વ્યાખ્યા કરવા માટે વેશ પહેરવો અને એનું આચરણ કરવું બંને અલગ વાત છે. સત્ય ધર્મ છે. અહિંસા ધર્મ છે. પરોપકાર ધર્મ છે. સેવા ધર્મ છે.
‘રામચરિતમાનસ’માં ધર્મની આ વ્યાખ્યાઓ કરવામાં આવી છે. આપણે એવી કોશિશ કરીએ કે આપણા જીવનમાં ધર્મનું આચરણ આવે. જેમ જેમ વ્યક્તિના જીવનમાં ધર્માચરણ વધશે તેમ તેમ તેનો પ્રભાવ પણ વધશે.
મનની ચંચળતાનું નિવારણ શું? શાંતિથી વિચારો. મન બે કારણથી ચંચળ બને છે. મનની ચંચળતાનું એક કારણ છે-રાગ અને દ્વેષ, જ્યાં રાગ હોય છે ત્યાં વારંવાર જવાની મનને ઈચ્છા થાય છે. અને જેનાં તરફ દ્વેષ હોય છે તે તરફ પણ મન વારંવાર ખેંચાય છે. બીજું કારણ છે અકારણ વિચારો કર્યા કરવા. બેઠા-બેઠા અકારણ વિચારો કરવાથી મન ચંચળ બને છે. મનને સમજવું પડશે. આપ સત્સંગ કરો છો,કથા સાંભળો છો,ભગવદ્ સ્મરણ પણ કરો છો. પોતપોતાની સાધના કરો છો. પરંતુ આજે આ નવ વર્ષે જાતને પૂછીએ કે આપણામાં માનવ પ્રગટ થયો? આપણી ચેતનાની, ચૈતસિક જાગૃતિ થઇ કે નહિ?
- સંકલન : જયદેવ માંકડ