ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

સત્યની ઘર વાપસી અત્યંત જરૂરી

પ્રાંસગિક -રાજેશ યાજ્ઞિક

સાધુ અર્થાત્ કે સજ્જન પુરુષોના લક્ષણમાં એક અનિવાર્ય લક્ષણ એટલે સત્યનિષ્ઠ હોવું. સનાતન ધર્મનું મૂળ એક રીતે જોવા જઈએ તો આ ‘સત્ય’ ઉપર ટક્યું છે. સત્ય નિત્ય તો છે જ, પરંતુ જ્યાં સુધી પરમ સત્યની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી નિત્ય નવીન પણ હોય છે. 

માતાના ગર્ભમાં જ્યારે બાળક આકાર લેતું હોય ત્યારે તેને જગતની જાણ નથી હોતી. ત્યાં સુધી તેને માટે માતાનો ગર્ભ જ વિશ્ર્વ હોય છે અને તે જ સત્ય છે. પરંતુ જન્મ થતાં જ તેને એક નવું વિશ્ર્વ દેખાય છે, અને સમજાય છે કે પોતે જેને સત્ય માનતું હતું તેના કરતા વિશાળ સત્ય છે. એ બાળક પછી ગુરુ પાસે જ્ઞાન અર્જિત કરવા જાય ત્યારે જાણે છે કે આ જગત પણ અંતિમ સત્ય નથી, તેની પાર એક અન્ય જગત છે ત્યારે સમજાય છે કે બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે.

Also read: ભક્તિ મહારાણી પ્રભુની પ્રિય છે 

ભારતીય શાસ્ત્રોની આ સુંદરતા જગતના અન્ય કોઈ ધર્મ કે ફિલસૂફીમાં જોવા મળતી નથી. સત્ય, અસત્ય અને મિથ્યા એમ ત્રણ પરિભાષા છે, જે સત્ય નથી એ બધું અસત્ય નથી, પરંતુ કેટલુંક મિથ્યા પણ છે. તો મિથ્યા એટલે શું? મિથ્યા એટલે જે સત્ય ન હોવા છતાં સત્ય ભાસે. બીજા શબ્દોમાં મન અને આત્માને ભ્રમિત કરતી સ્થિતિ, એ મિથ્યા છે અને અસત્ય શું છે? જેનું અસ્તિત્વ છે જ નહીં તેની જાણ હોવા છતાં તેને સત્ય તરીકે સ્થાપિત કરવાનો પ્રયત્ન એટલે અસત્ય. 

હું કહું અથવા હું માનું એ જ સત્ય એમ કહેવું એ પણ એક પ્રકારે અસત્ય કે મિથ્યા જ સાબિત થાય, કારણકે સત્ય ક્યારેય એકાંગી નથી હોતું. આપણે ત્યાં રાત હોય એટલે સૂરજનું અસ્તિત્વ નથી એમ કહીએ તો? આત્મા જેવું કંઈ છે જ નહીં, એમ કહેનારા પણ આજ સુધી પુનર્જન્મ કેવી રીતે થાય છે તેનો જવાબ નથી આપી શકતા કે સ્વીકારવા માગતા નથી? જીવનનું અંતિમ સત્ય શું? મૃત્યુ અને આત્માનું અંતિમ સત્ય શું? મોક્ષ!

Also read: બ્રહ્માનંદસ્વામી : શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપ્ાૂર્ણ ઉદ્ગાતા-૭

આખેઆખું રામાયણ અને મહાભારત એટલે સત્ય અને અસત્ય વચ્ચેનો દ્વંદ્વ. આપણા સત્યો સગવડિયા હોય છે. અનુકૂળ હોય એ સત્ય અને પ્રતિકૂળ હોય તો અસત્યમાં ખપાવી દેતા આપણે અચકાતા નથી. આજના જગતમાં સત્યને દેશવટો આપીને અસત્યની બોલબાલા મચી છે. ધર્મના ક્ષેત્રમાં કહો, સામાજિક ક્ષેત્રોમાં કહો કે રાજકીય ક્ષેત્રમાં; બધે જ જૂઠનું સામ્રાજ્ય વ્યાપ્યું છે. 

ધર્મના ક્ષેત્રમાં પોતાને ઈશ્ર્વર કરતા પણ શક્તિશાળી બતાવે, કર્મના સિદ્ધાંતને નેવે મૂકીને કોઈના પણ દુ:ખ દૂર કરવાના ઠાલા વચનો આપે એ સજ્જન કહેવાને લાયક પણ નથી, સંત તો ક્યાંથી કહેવાય? સમાજમાં પણ, ખોટી પરંપરાઓ અને ધર્મ વિરુદ્ધના વર્તન દ્વારા પોતાના કરતા નબળા લોકોને પ્રતાડિત કરતા અથવા સમાજસેવાને નામે માત્ર પોતાના અહ્મનો વિસ્તાર કરવામાં રચ્યાપચ્ચા લોકોની સજ્જનતા પણ એક મિથ્યા જ છે. રાજકારણનું તો કહેવું જ શું?! ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું કાર્ય એટલે રાજકારણમાં સત્યનિષ્ઠ વ્યક્તિની ખોજ કરવી. શેઠ બનીને ફરનારા હકીકતમાં શઠ નીકળે એવું પણ બને. 

Also read: ભારતીય તહેવારોની ઉજવણી

અસત્યથી હંગામી સફળતા મળે એવું બને, પણ કાયમી સફળતા માટે તો સત્ય જ સહારો છે. અસત્યનો ચળકાટ વધારે હોય છે, પણ જેટલું ચળકે એ બધું સોનું નથી હોતું. સુવર્ણનું મૃગ સુંદર લાગે પણ હોય રાક્ષસી. સત્ય એ ધર્મ છે, અસત્ય અધર્મ છે. એ રીતે જોવા જઈએ તો આપણા સહુનું ધર્મ પરિવર્તન થઇ ગયું છે. હવે સત્યની ઘર વાપસી અત્યંત જરૂરી છે. અસત્ય સાધુના વેશમાં આવેલ રાવણ જેવું હોય છે, જ્યારે સત્ય એ વલ્કલ પહેરેલા રામ જેવું. દિવાળીનું પર્વ એટલે સત્યની ઘર વાપસીનું પર્વ. અસત એવા રાવણ પર વિજય પ્રાપ્ત કરીને સત્યમૂર્તિ રામનો અયોધ્યા પ્રવેશ એટલે દિવાળી, પણ હૈયાની અયોધ્યામાં સત્ય રૂપી રામની ઘરવાપસી થઇ છે ખરી? આ એક જટિલ પ્રશ્ર્ન છે.                              

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button