ધર્મતેજ

જેમના ઘરમાં રામકથા હોય છે, એમના ઘરમાં સાત રત્નો હોય છે

માનસ મંથન -મોરારિબાપુ

‘રામચરિતમાનસ’માં સાત સોપાન છે. એનાં નામ છે- ‘બાલકાંડ’, પ્રથમ સોપાન; ‘અયોધ્યાકાંડ’,બીજું સોપાન; ‘અરણ્યકાંડ’, ત્રીજું; ‘કિષ્ક્ધિધાકાંડ’,ચોથું; ‘સુંદરકાંડ’, પાંચમું; ‘લંકાકાંડ’, છઠ્ઠું; ‘ઉત્તરકાંડ’, સાતમું સોપાન છે. આ સાત સોપાનની સીડી છે. જે રામકથાનો આશ્રય કરે છે, એ તળેટીમાં હોય એને પણ શિખર સર કરાવી દે છે, અને જે માણસે બહુ જ ઊંચાઈ સિદ્ધ કરી લીધી હોય એ માણસને ધરામાં પહોંચાડે છે, જેથી એ નિરાભિમાની બને. આ સીડી બંને પ્રકારનું કામ કરે છે. આ સાત સોપાનની રામકથા છે. જેમના ઘરમાં રામકથા હોય છે, એમના ઘરમાં સાત રત્નો હોય છે. હું ભગવાન વેદને પ્રાર્થના કરીને આ શ્રુતિવાક્ય લઇ રહ્યો છું. વેદનું એક વાક્ય છે, ‘દમે દમે સપ્ત રત્ના: ’ દમ એટલે દમન. સીધી વાત છે. અનેક મહાપુરુષોએ વેદોનું ભાષ્ય કર્યું , એ બધી વ્યાસકર્મ કરનારી આપણા દેશની પરમપ્રજ્ઞાને પ્રણામ; પરંતુ મહામુનિ વિનોબાજીએ ‘દમ’ શબ્દનો જુદો જ અર્થ કર્યો. વિનોબાજી કહે છે, દમ એટલે ઘર. આપણે કહીએ છીએ ,બે મિનિટ દમ લેવા દો.દમ એટલે શાંતિ. તો, શાંતિ ઘરમાં જ મળે. તો,‘દમે દમે સપ્ત રત્ના:’ તો, ઘર-ઘરમાં સાત રત્નો હોય છે, હોવા જોઈએ. અને આ કેટલી વ્યવહારુ વાત છે ?

તો, વેદને પૂછવામાં આવ્યું કે સપ્ત રત્નનો આપણો મતલબ શું ? તો, ભગવાન વેદે કહ્યું, પહેલું રત્ન,આંગણવાળું ઘર હોય. એક એવું ઘર હોય, જ્યાં આંગણ હોય. બીજું રત્ન, સૌને ભરપેટ પોષક ભોજન મળે. વેદોએ વિચાર કર્યો કે ભરપેટ અને સારું ભોજન મળે. ત્રીજું રત્ન છે, સારાં કપડાં પ્રાપ્ત થાય, સારાં વો પ્રાપ્ત થાય. સારાં કપડાંનો મતલબ લોકો લાજ-મર્યાદાથી જીવી શકે. કપડાં મર્યાદાનું પ્રતીક છે. ચોથું રત્ન, સૌને આરોગ્ય અને દવા મળે. પાંચમું રત્ન છે, સૌને સારી તાલીમ મળે. છઠ્ઠું રત્ન છે, આપણા કાર્યક્ષેત્રમાં કામ કરવાનાં સારાં સાધન મળે. સાતમું રત્ન ઋષિએ બતાવ્યું કે, સૌને સારું-સાત્ત્વિક મનોરંજન પ્રાપ્ત થાય. ઋષિ કેટલા વ્યવહારુ હશે?

મારાં ભાઈ-બહેનો, એક ‘રામચરિતમાનસ’ પકડી લો, વેદોએ જે રત્નની વાત કરી છે, એ સાતેય રત્ન તમારા ખિસ્સામાં આવી જશે. તમે કહેશો, કેવી રીતે ? તો, આંગણવાળું ઘર એટલે તમારું હૃદય એક ઘર છે. એ વિશાળ થઇ જશે, ઉદાર થઇ જશે; કેમ કે ‘રામાયણે’ આંગણવાળા ઘરની ચર્ચા કરી છે. રુચિર આંગણની ચર્ચા ‘માનસ’માં છે. આપણું હૃદય સંકીર્ણ ન થઇ જાય, ઉદાર રહે. આપણને ભરપેટ ભોજન મળે. રામકથા સાંભળતાં સાંભળતાં તમને હરિનામનું વ્યસન થઇ જાય. હરિનામ જપવાની એકદમ ઈચ્છા થઇ જાય. તો, હરિનામ સમાન પૌષ્ટિક આહાર બીજો કયો છે ? રામ સચ્ચિદાનંદ છે. હરિનામ જપવાથી અંદરનાં કેમિકલ્સ બદલે છે. અંદર એક જુદી જ જાતનું સંગીત નિર્મિત થાય છે. રામકથા બહુ જ સુંદર મર્યાદાનાં કપડાં પહેરાવે છે. સ્વતંત્રતા છિનવતી નથી, પરંતુ સહજ મર્યાદા પ્રદાન કરે છે. સારું આરોગ્ય અને સારી દવા મળવી જોઈએ. ‘જાસુ નામ ભવ ભેષજ ’ દુનિયામાં કોઈ ન કરી શકે એવો માનસ રોગનો ઈલાજ ગોસ્વામીજીએ ‘રામચરિતમાનસ’માં કરાવી દીધો.

પાંચમું, સારી તાલીમ. રામકથા દ્વારા નવયુવાન ભાઈ-બહેનો કેટલી સારી તાલીમ પ્રાપ્ત કરે છે ? વ્યક્તિ નહીં, વિચાર પકડો. એક વિચારમાંથી તમે મૂર્તિનું નિર્માણ કરો તો એ મૂર્તિ કોઈ આક્રમક વ્યક્તિ તોડી શકે છે, પરંતુ મૂર્તિ પ્રત્યેના તમારા જે વિચાર પ્રગટ્યા છે એ વિચારને કોઈ તોડી નથી શકતું. વિશ્વમાં વૈચારિક મૂર્તિભંજક કોઈ પેદા નથી થયો. સ્થૂળ તોડી શકાય છે. કથા નવા થવાની તાલીમ છે. રામકથા સારી તાલીમ પ્રદાન કરે છે; અને રામકથા જીવનમાં સારાં સાધન અપાવે છે, ભૌતિક પણ અને આધ્યાત્મિક પણ. તમે તમારો માર્ગ નિશ્ર્ચિત કરી શકો છો. રામકથા સાંભળતાં સાંભળતાં તમે કોઈ નિર્ણય પર આવી શકો છો કે મારો મારગ આ જ છે, મારે આ રસ્તેથી જવાનું છે. અને સાતમું રત્ન છે નિર્દોષ,આબાલ-વૃદ્ધ સૌની વચ્ચે બેસીને એન્જોય કરી શકાય એવું મનોરંજન સૌને મળવું જોઈએ. રામકથા-
બુધ બિશ્રામ સકલ જન રંજનિ રામકથા કલિ કલુષ બિભંજનિ રામકથા પંડિતોનો વિશ્રામ છે અને સર્વસામાન્ય જનોનું મનોરંજન છે. ઉત્તમ મનોરંજન પ્રાપ્ત થવું જોઈએ. તો, હું ક્યારેક તમારી સમક્ષ કોઈ શે’ર, કોઈ શાયરી,સુગમ સંગીતનું ગીત,કોઈ સંતવાણી કે પછી કોઈ ફિલ્મગીતની પંક્તિ પ્રસ્તુત કરું છું, તો એ ફિલ્મનું ગીત નથી હોતું. યાદ રાખજો, ફિલ્મનું ગીત મેં ક્યારેય ગાયું નથી, હું ગાતો નથી, હું ગાઇશ નહીં. રામકથા એક વૈશ્વિક બુલાવા છે.

આપણે પાંચ લોકોનું મનોરંજન નથી કરી શકતાં. મેરે ભાઈ-બહેન, આખો સંસાર રામકથામાં ઝૂમે છે, કેમ ? કારણ કે ભગવાનની કથા કલિયુગના કલિ કલ્મષને હરે છે. તો આનાથી વધુ સરળ ઉપાય બીજો કયો હોઈ શકે ? આપણામાં જે કલિયુગના મેલ હશે તેને છોડાવી દેશે રામકથા. ધીરે ધીરે છૂટશે. જૂઠું બોલવા જશો ને ‘માનસ’ની ચોપાઈ યાદ આવશે તો જૂઠું બોલતાં બાધ્ય કરશે. અસત્યમાં જીવવું, અપવિત્રતામાં જીવવું, હિંસક અને ક્રૂર બનીને જીવવું, નિર્દયી અને કઠોર બનીને જીવવું, નિરંતર ભયભીત રહેવું, આયુષ્ય ઓછું છે છતાં મારે આટલું કરી લેવું છે એવી સમજનો અભાવ અને ભગવદ્ સુમિરનનો વેગ ઘટી જવો, એ બધા કલિકલ્મષ છે. તુલસી કહે છે દંભ, પાખંડ, દ્વેષ, કપટ, મદ, માર એ બધાં આખા બ્રહ્માંડમાં વ્યાપી રહ્યા છે. લોકો કરશે તો પણ તામસ તપ, જપ કરશે. એકબાજુ આટલી ભીષણતા છે પાપોની અને બીજી તરફ કેટલું સરળ સાધન, ઉપાય છે કે સૂનો રામકથા, ગાઓ રામકથા અને સ્મરો રામકથા, તમારાં કલિકલ્મષનો નાશ થઈ જશે! મેં કેટલીયે વાર કહ્યું છે કથામાં આનંદ આવે છે, કારણ કે કથા પાપોનો નાશ કરે છે. પાપ હી આનંદ નથી લેવા દેતાં. આનંદ તો આપણો સ્વધર્મ છે. આનંદ કંઈ ખરીદ કરવા નથી જવું પડતું, પણ પાપ છાયેલાં છે અને કથામાં આનંદ આવે છે, કારણ પાપ મિટે છે. મન રંજન થાય છે, કથામાં એ કામ કરી દીધું,આપણું કલ્મષ મિટાવી દીધું, આપણા સ્વરૂપનું આપણને ભાન કરાવી દીધું.

અરણિમંથનથી જેમ અગ્નિ પ્રગટ થાય,તેમ રામકથા માણસમાં વિવેકને જન્મ આપે છે. જો વિવેક ન જન્મે તો સમજો કે અરણિમંથન થયું જ નથી. બે અરણિની લાકડીઓને ઘસવાથી અગ્નિ પ્રગટ થાય છે. રામકથાનું મંથન, ચિંતન, અરણિમંથન સિદ્ધ થશે ને વિવેક પ્રાપ્ત થશે. તો, જો આપણા ઘરમાં ‘રામચરિતમાનસ’ છે, તો આપણા ઘરમાં સાત રત્ન છે. આપણે એને ઘણા અર્થોમાં જોડી શકીએ છીએ. તો, રામકથાનો આવો અદભુત મહિમા છે. ‘માનસ’નો મહિમા શું ગાવો ? શા માણસને કોઈ પણ સ્થિતિમાં કેટલો બધો આનંદ આપે છે? મને અને તમને,આપણને સૌને પ્રસન્ન કરી શકે છે. હું બોલવાથી આટલો બધો પ્રસન્ન થઇ શકું છું, તો મારો શ્રોતાગણ સાંભળવાથી વિશેષ પ્રસન્ન રહી શકે છે.તો,‘માનસ’નો મહિમા એ જ છે કે કેટલા બધા સમય પછી પણ કથા ચાલી રહી છે અને છતાં લોકો સાંભળતા થાકતા નથી!

(સંકલન : જયદેવ માંકડ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button