ધર્મતેજ

મહાપુરુષના સંગનું મહત્ત્વ


મનન -હેમંત વાળા

નારદ-સૂત્રમાં જણાવ્યું છે કે મહત્સઙ્ગસ્તુદુર્લભોઽગમ્યોઽમોઘશ્ચ અર્થાત્ મહાપુરુષોનો સંગ દુર્લભ, અગમ્ય અને અમોઘ છે. નારદ મુનિ દ્વારા કથિત આ શાસ્ત્રમાં નારદ મુનિ દ્વારા કરાયેલી આ વાત મુખ્યત્વે ભક્ત માટે હોઈ શકે, પરંતુ મહાપુરુષના નિર્ધારણનો વ્યાપ વિશાળ છે. મહાપુરુષ એટલે એવી વ્યક્તિ કે જેના સંગથી અતિ મુશ્કેલ જણાતો અગમ તરફનો પ્રવાસ પણ સરળ બની રહે અને અંતિમ લક્ષ્ય સુધી પહોંચવું સંભવી શકે.

મહાપુરુષ એટલે એવી વ્યક્તિ કે જે પુરુષ તરીકેની સામાન્ય નબળાઈઓથી મુક્ત હોય. જે વ્યક્તિ ષટ્રિપુની અસરથી મુક્ત હોય, વિવેકસભર હોય, જેના વ્યવહારમાં સંયમ જળવાતો હોય, જે સ્થિતપ્રજ્ઞ પણ હોય અને ગુણાતીત પણ હોય, ભક્તને હોય તે પ્રમાણેની તેને ઈશ્વરમાં શ્રદ્ધા હોય અને યોગી સમાન તે નિર્વિકલ્પતામાં સ્થિત હોય, દુનિયાના પ્રપંચથી જે દૂર હોય, માયા અને મમતાથી જે મુક્ત હોય, હું અને મારું જેવી બાબતો જેને સ્પર્શતી ન હોય, જેમણે આત્મસાક્ષાત્કાર કર્યો હોય, પોતાના ગુરુદેવની જેના પર અપાર કૃપા હોય, સાક્ષીભાવે માત્ર નિમિત્ત કર્મ કરવાનો જેમનો ધર્મ હોય, કોઈ પણ જાતના લગાવ વગર જે મુમુક્ષુ બનીને જીવન વ્યતીત કરતી હોય અને જેમનો આ અંતિમ જન્મ હોય – અને છતાં પણ પ્રકૃતિની ઇચ્છા હોય તો ફરીથી અવતરિત થવાની જેમની તૈયારી હોય, તે વ્યક્તિ મહાપુરુષ.

સંગ એટલે સાંનિધ્ય. સંગ એટલે અસર કરી શકે તેવી સ્થિતિ. સંગમાં જે તે બાબતનું પ્રભુત્વ સ્થપાયેલું રહે, ક્યાંક વ્યક્તિગત બાબતો બિન-અસરકારક બની રહે, પ્રભુત્વ સ્થાપી શકે તેવી બાહ્ય બાબતોની હયાતી જે પ્રમાણમાં નબળી વ્યક્તિને કાબૂમાં કરી શકે તેવી બાબત. સંગ, કુસંગ પણ હોઈ શકે અને સત્સંગ પણ. સ્વાભાવિક છે કે જ્યારે મહાપુરુષ સાથેના સંગની વાત થતી હોય ત્યારે સત્સંગનો ઉલ્લેખ થાય. સત્સંગને કારણે તે મહાપુરુષની હકારાત્મક બાબતોની અસર સચોટતાથી, યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં અસર કરે. તે મહાપુરુષની સાત્ત્વિકતા, ધાર્મિકતા, આધ્યાત્મિકતા, સત્યપરાયણતા કે દિવ્યતા કંઈક છાપ છોડી જાય. સંગને કારણે જ આ બધું સંભવી શકે.

દુર્લભ એટલે જે સહેલાઈથી પ્રાપ્ત ન થઈ શકે તેવી ઘટના. દેહધારી માટે ઘણી બાબતો દુર્લભ છે. તે ઇચ્છા પ્રમાણે જન્મ ધારણ નથી કરી શકતો અને મૃત્યુ માટે પણ અનિશ્ચિતતા હોય છે. સ્મૃતિ અને વિસ્મૃતિ પરનું નિયંત્રણ પણ તેના માટે દુર્લભ છે. તે પોતાના જ કામ – ક્રોધ – લોભને કાબૂમાં નથી કરી શકતો. સૂચિ તો ઘણી લાંબી છે. દુર્લભ બાબતો ઘણી છે, પણ તે બધામાં મહાપુરુષના સંગને અહીં દુર્લભ ગણાવાયો છે. ઘણી બધી બાબતો માટે પૂર્વજન્મના સંસ્કારો જરૂરી બની રહે. અમુક પ્રકારની પ્રાપ્તિમાં અવરોધ તરીકે આગળનાં કર્મોનાં લેખાંજોખાં વચ્ચે આવે. તેથી જ કહેવાયું છે કે મનુષ્ય દુર્લભ છે. તેમાં પણ ધર્મ અને સત્ય પર આસ્થા રાખનાર માનવી વધુ દુર્લભ છે. આ દિશામાં પ્રયત્ન કરનાર વ્યક્તિ તેનાથી પણ વધુ દુર્લભ છે. આ માર્ગ પર ચાલીને અંતિમ સ્થાને પહોંચનાર અતિ દુર્લભ છે. મહાપુરુષનો સંગ એટલે આ દુર્લભની પ્રાપ્તિની સંભાવના.

સામાન્ય સમજ પ્રમાણે કહીએ તો અગમ્ય એટલે જેની ગતિ સમજી ન શકાય તેવી ઘટના. અગમ્ય એટલે એવી પરિસ્થિતિ કે જે બાબતે જરા પણ જ્ઞાન ન હોય. અગમ્ય એટલે સાવ જ અંધકાર-યુક્ત સ્થિતિ. જ્યાં બુદ્ધિ પહોંચી ન શકે, મન તથા ઇન્દ્રિયોનો જ્યાં પ્રવેશ ન હોય, ત્યાં જવા માટે કોઈ પણ રસ્તા માટે કોઈ પણ ખાતરી ન આપી શકાય, જ્યાં પહોંચવા માટે કશે જ પહોંચવાની જરૂરિયાત ન હોય, જે હોવા માટે માત્ર શ્રદ્ધા હોય – તે અને તેવી પૂર્ણ, સાત્ત્વિક, ન્યાયુક્ત, સત્ય આધારિત સ્થિતિ એટલે અગમ્ય. આવી સ્થિતિ કે સ્થાન સુધી પહોંચવામાં એ જ મદદ કરી શકે કે જે અગમ્યમાં પ્રવેશી ચૂક્યું હોય અને તે છે મહાપુરુષ, સદ્ગુરુ, સંત મહાત્મા, જ્ઞાનયુક્ત યોગી, પરમ ભક્ત – પૂર્ણતાને અનુભવી ચૂકેલ વ્યક્તિત્વ. આ સર્વેનો સમન્વય એટલે નારદ મુનિ દ્વારા દર્શાવાયેલ મહાપુરુષ.

અમોઘ એટલે એવી બાબત કે જે ક્યારેય નિષ્ફળ ન જાય. અમોઘ એટલે એવું શસ્ત્ર કે જે પરિણામ લાવે જ. અમોઘ હંમેશા પરિણામલક્ષી હોય. અમોઘ એક પ્રકારની ખાતરી છે, એક પ્રકારનો વિશ્વાસ છે. સત્ય અમોઘ છે, ધર્મ અમોઘ છે. શ્રીરામનું બાણ, શ્રીકૃષ્ણનું સુદર્શન, શિવજીનું પિનાક, ઉપનિષદનું જ્ઞાન, સાંખ્ય દર્શનના સિદ્ધાંત, યોગશાસ્ત્રની ક્રિયા, વેદોનું તાત્પર્ય, ગીતાનો સંદેશ, ગુરુદેવનો આશીર્વાદ, કુળદેવીની મમતા, ઇષ્ટદેવની પ્રસાદી અને મહાપુરુષનો સત્સંગ – આ અને આવી બાબતો પૂર્ણતાને પામવા માટે અમોઘ ગણાય. આ જ જીવનનું લક્ષ્ય છે અને આ જ તે લક્ષ્ય સિદ્ધ કરવાનું સાધન. નારદ મુનિ અહીં સરળતાથી મુક્તિનો માર્ગ બતાવી દે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button