ઉદાસીનતાનું મહત્ત્વ
ચિંતન – હેમંત વાળા
ઉદાસીનતા અને અવગણના બે ભિન્ન પરિસ્થિતિ છે. પ્રથમ નજરે બંને જણાય પરંતુ ભેદ એ છે કે ઉદાસીનતા એ હકારાત્મક વલણ છે જ્યારે અવગણના નકારાત્મક. ગીતામાં ભગવાન સ્વયં કહે છે કે તેઓ જે કંઈ કરે છે તે પ્રત્યે તેમની ઉદાસીનતા છે અને તેથી તે કર્મોનું બંધન તેમને લાગતું નથી. આનાથી કેટલીક વાતો સ્થાપિત થાય છે. કર્મનું બંધન એ સ્વાભાવિક પ્રક્રિયા છે. કર્મના બંધન લાગવાની સંભાવના દરેક માટે છે. આ બંધનથી મુક્ત થવાનું એકમાત્ર સાધન ઉદાસીનતા છે. ઈશ્ર્વર પણ જો કર્મ કરે તો તેનું બંધન ઉદ્ભવે એ સ્વાભાવિક ક્રિયા છે. ઈશ્ર્વરને પણ તે લાગુ પડે. પણ ઈશ્ર્વર ઉદાસીન રહેતા હોવાથી આ બંધનથી તેને મુક્તિ મળે. કર્મનું બંધન તોડવાનું આ એકમાત્ર સત્ય છે.
ઉદાસીનતા એટલે વિષયવસ્તુ અને તેના ભોગો પ્રત્યે નિસ્પૃહતા. ઉદાસીનતા એટલે મોહ-માયાનો સંપૂર્ણ અભાવ. ઉદાસીનતા એટલે કાર્યના પરિણામની અપેક્ષાની ગેર મોજૂદગી. ઉદાસીનતા વાળી સ્થિતિમાં કોઈપણ બાબત પ્રત્યે નથી હોતો રાગ કે નથી હોતો દ્વેષ. આ સ્થિતિમાં કોઈપણ બાબત માટે લગાવ ન હોય. અહીં નથી હોતી પ્રવૃત્તિની ઈચ્છા કે નથી હોતી નિવૃત્તિની આકાંક્ષા. જે પણ પરિસ્થિતિ સામે આવે તેને તટસ્થતાથી પસાર કરવાની વૃત્તિ એટલે ઉદાસીનતા. આ કેવળ સાક્ષીભાવ વાળી સ્થિતિ માત્ર છે. ઉદાસીન વ્યક્તિને નથી આ લોકની દુન્યવી ચીજ-વસ્તુ માટે આકર્ષણ કે નથી બીજા પરલોકની કોઈ ચોક્કસથી સ્થિતિ માટેની ઈચ્છા. તેને નથી સંપત્તિ આકર્ષી શકતી કે નથી તેને કોઈ પદ માટેનો મોહ. તે પ્રેમ પ્રત્યે પણ ઉદાસીન હોય છે અને માન સન્માન માટે પણ તેનો તેવો જ અભિગમ રહે. સંપૂર્ણ ઉદાસીન વ્યક્તિને તો મોક્ષની પણ આકાંક્ષા નથી હોતી.
ઉદાસીનતાવાળી સ્થિતિમાં શરીરનો નિર્વાહ ટકી રહે તે પ્રકારનું અને તેટલું જ કાર્ય કરવા માટેની રુચિ હોય, જે કોઈ પરિસ્થિતિ સામે આવે તેને સાક્ષીભાવે સ્વીકારવા માટે તેની તૈયારી હોય, પણ તેમાંથી કશું પણ પ્રાપ્ત કરવાની ઈચ્છા ન હોય, જે થાય છે તે બરાબર છે, જે મળે છે તે બરાબર છે, જે પરિણામે છે તે પણ બરાબર છે – આ પ્રકારનો ભાવ અહીં સદાય પ્રવર્તમાન રહે. ઉદાસીન વ્યક્તિ બધું જ કાર્ય-કારણના સમીકરણ પર છોડી દે.
ભોગો ઈશ્ર્વર પ્રાપ્તિના દુશ્મનો છે. ઈશ્ર્વર પ્રાપ્તિના માર્ગમાં આવતા અવરોધોમાં સંલગ્નતા મૂળ કારણ ભૂત છે. પુત્ર, પરિવાર, પત્ની, સંપત્તિ, મિત્રો, સ્નેહીજનો વગેરે પ્રત્યેની આસક્તિ આધ્યાત્મના પ્રવાસમાં અડચણરૂપ ગણાય છે. આ સાથે દેહભાવના પણ એક મુશ્કેલ અવરોધ છે. કોઈકને દેહ માટે લગાવ હોય, કોઈકને લોકેષણા માટે લગાવ હોય તો કોઈકને શાસ્ત્ર માટે લગાવ હોય. આ દરેક પ્રકારના લગાવથી મુક્તિ એટલે ઉદાસીનતા. જન્મ-મરણના બંધનમાંથી મુક્ત થવાનો ભાવ પણ ઉદાસીનતાનો વિરોધી બની શકે.
દરેક પ્રકારની સંભવિત સંલગ્નતાથી મુક્તિ એટલે ઉદાસીનતા. અહીં જ્ઞાનનો હેતુ સિદ્ધ થઈ ગયા પછી તેની માટે પણ કોઈ પણ પ્રકારનો લગાવ ન હોવો જોઈએ. સાત્ત્વિકતા કે ધર્મપરાયણતા, સત્ય માટેનો આગ્રહ લો કે તટસ્થતાથી સામાજિક ઉત્તરદાયિત્વની નિભાવણીની વાત હોય, આ બધા તો અંતે સાધનો છે. આ બધાં સાધનોથી ઇચ્છિત લક્ષ્ય પ્રાપ્ત થયા પછી સાધન માટેનું મોહ-બંધન બની રહે. ઊંડાણમાં જોતા એમ પણ લાગશે કે આ સાધનોનો ઉપયોગ જો ઈચ્છિત લક્ષ્ય માટે કરાયો હોય તો તે પણ બંધનકર્તા બની રહે. અહીં પ્રત્યેક કાર્ય સહજતાથી સ્વાભાવિક રીતે કરવાનું રહે. ઉદાસીનતાની આ એક અગત્યની ભૂમિકા છે.
ઉદાસીન વ્યક્તિની મોટાભાગની ક્રિયા કાં તો દેહ-વ્યવહાર માટે હોય કાં તો દેહ-અસ્તિત્વથી મુક્તિ માટે. આવી વ્યક્તિ વિષયોમાં પ્રવૃત્ત હોય તો પણ નિસ્પૃહ રહી શકે. આ વ્યક્તિ સામાન્ય વ્યવહારમાં સંકળાયેલી હોય તો પણ તે તેનાથી પર હોય. સામાન્ય દ્રષ્ટિથી જોતા એમ જણાય કે આ વ્યક્તિ અન્યની જેમ ચોક્કસ બાબતો માટે અને ચોક્કસ પરિણામ માટે તત્પર લાગે છે, પણ તેમ નથી હોતું. ઉદાસીનતા એ વિશેષ પ્રકારની સ્થિતિ છે જેમાં મોટાભાગે જે દેખાય તેમ નથી હોતું, જે સમજાય તે નથી હોતું.
આ વ્યક્તિની દરેક ક્રિયા નાટકના પાત્ર સમાન હોય છે. જ્યાં સુધી નાટક ચાલુ છે ત્યાં સુધી તે પાત્રની નિભાવણી થાય. તે સમયે પણ તે એક નાટક હોવાની સભાનતા તો હોય જ. નાટકમાં પ્રત્યેક અભિનેતા પોતાનું ચરિત્ર અસરકારક રીતે નિભાવે, તે વખતે પણ પોતે વાસ્તવમાં કોણ છે તેનું ભાન હોય. દર્પણમાં ઘણા પ્રતિબિંબ પડે, પણ દર્પણ તે કોઈ પ્રતિબિંબથી લેપાય નહીં. દર્પણ તો સ્વચ્છ અને પ્રતિબિંબ ઝીલનારા માધ્યમ તરીકે લેખાય. ઉદાસીન વ્યક્તિના અસ્તિત્વમાં પણ ઘણા પ્રતિબિંબ પડે પણ તેમાંથી કોઈપણ પ્રતિબિંબ તે વ્યક્તિના અસ્તિત્વ પર છાપ ન છોડે. વાસ્તવમાં ઉદાસીનતા એટલે જ તે નિસ્પૃહતા.
વિચારો પ્રત્યેનો લગાવ ન હોવો જોઈએ. કોઈપણ સંબંધ માટે લાગણીના તાણાવાણા ન સ્થપાવા જોઈએ. જીવનમાં ઊભરતી ઊર્મિઓ પ્રત્યે અકર્તાપણાનો ભાવ હોવો જોઈએ. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણેના કર્મ હોવા જોઈએ. કોઈપણ પરિણામ બાબતે સ્વીકૃતિ કે વિરોધ ન હોવા જોઈએ. જે છે તે બરાબર છે – તે સિદ્ધાંત પ્રમાણે જીવનનો નિર્વાહ થવો જોઈએ. કોઈપણ પરિસ્થિતિમાં નિર્ણાયકની ભૂમિકામાં ન આવવું જોઈએ – આ અને આવી કેટલીક બાબતો ઉદાસીનતાને સમજવા માટે જરૂરી છે.
ગીતાના બારમા અધ્યાયમાં ભક્તની વિશેષતાઓ દર્શાવવામાં આવે છે. અહીં એમ જણાવ્યું છે કે આકાંક્ષા રહિત, શુદ્ધ, દક્ષ અર્થાત ચતુર, ઉદાસીન, દુ:ખની ભાવનાથી મુક્ત તથા દરેક પ્રકારના આરંભનો ત્યાગ કરનાર ભક્ત ઈશ્ર્વરને પ્રિય છે. અહીં પણ ઉદાસીનતાને મહત્ત્વ અપાયું છે.