ધર્મતેજ

જાણો અક્ષરાતીત પુરુષોત્તમને

ગીતા મહિમા -સારંગપ્રીત

પરબ્રહ્મને જાણવા યોગ્ય તત્ત્વ કહીને હવે ભગવાન કૃષ્ણ સમજાવે છે કે- સમગ્ર સૃષ્ટિમાં બે પ્રકારના પુરુષો (ચૈતન્યો) રહેલા છે ક્ષર અને અક્ષર. તેમાંથી બધા જ જીવો અને તેનાથી વધારે ઐશ્વર્યયુક્ત તત્ત્વો પણ ‘ક્ષર’ છે અને કૂટસ્થ (અવિકારી) એવા બ્રહ્મ તે ‘અક્ષર’ છે. વળી, આ બંને પુરુષો (ચૈતન્યો) કરતાં જે ઉત્તમ પુરુષ (પરમાત્મા) છે તે તો તે બંનેથી જુદા જ છે અને તે પરમાત્મા નામથી શાસ્ત્રોમાં કહેવાયા છે, કે જેઓ સમગ્ર જગતમાં અંતર્યામી પણે પ્રવેશીને તેને ધરી રહ્યા છે. એવો હું પરમાત્મા ‘ક્ષર’ અને ‘અક્ષર’થી પણ ઉત્તમ હોવાથી જ આ લોકમાં અને વેદોમાં પણ ‘પુરુષોત્તમ’ નામથી પ્રસિદ્ધ છું. જે મનુષ્ય પોતાની મૂઢમતિ મૂકીને મને આવી રીતે (અક્ષરાતીત) પુરુષોત્તમ જાણે છે તે જ બધું જાણ્યો કહેવાય, અને તે જ મને સર્વે પ્રકારના ભક્તિભાવથી ભજી શકે છે. (ગીતા-15/16-19)

અહીં, પ્રત્યક્ષ ભગવાનમાં ભક્તિભાવ કે પરાભક્તિ પામવાનું સર્વોત્તમ અને સરળતમ સાધન ઉદ્બોધાયું પ્રત્યક્ષ ભગવાનને અક્ષરાતીત પુરુષોત્તમ જાણવા તે!! સર્વેથી પર અક્ષરને જાણવાથી જ સઘળું જણાઇ જાય છે, તો તેવા અક્ષરથી પણ પરપણે પુરુષોત્તમને જાણવાથી ભગવાનના માહાત્મ્યજ્ઞાનમાં બાકી જ શું રહે? તેથી જ અક્ષર અને પુરુષોત્તમ એ બંનેને તત્વત્ત: જણાવનારી બ્રહ્મવિદ્યાનો પણ સાર પ્રત્યક્ષ ભગવાનને ‘અક્ષરાતીત પુરુષોત્તમ’ જાણવામાં સહેજે જ સમાઈ-સમજાય છે.

બ્રહ્મવિદ્યાનો આ સાર સમજવા માટે મુમુક્ષુઓએ ‘એ બે પુરુષો કેવા છે, કે અક્ષરથી પર ઉત્તમ, પુરુષોત્તમ કેવા છે?’ એવી જિજ્ઞાસા સાથે પ્રથમ તો એ બે પ્રકારના ચૈતન્ય-પુરુષો ક્ષર અને અક્ષર સ્વરૂપત: સમજવા પડે. તેમાં પણ મુમુક્ષુઓને ‘ક્ષર’ એવા ક્ષરણશીલ દેહના ધારકો (જીવો વગેરે) ઓળખાતા તે સર્વેના નાશવંત દેહાદિકમાંથી, વૈરાગ્ય પામ્યા પછી પરમ પદ કહેવાયેલા અક્ષર ને ઓળખીને અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની પરાભક્તિ પામી શકે છે.

અહીં વૈદિક શ્રુતિઓ દ્વારા પ્રતિપાદિત થયેલી અક્ષરપુરુષોત્તમ ઉપાસના માત્ર એક ‘પુરુષોત્તમ’ શબ્દમાં સમજાઈ જાય છે! તેથી જ ગીતામાં ગૂંથાયેલા આ સારભૂત શબ્દનો અર્થ સમજાવાથી સમગ્ર વૈદિક સિદ્ધાંત સમજાઈ જાય છે! ગીતામાં ‘પુરુષોત્તમ’ શબ્દ સમજાવવા માટે ભગવાને તે શબ્દના અંગભૂત શબ્દો જેવા કે પુરુષ, અક્ષર, ક્ષર વગેરે પહેલાં જ સમજાવી દીધાં. અહીં, વપરાયેલો ‘પુરુષ’ શબ્દ સ્ત્રી-પુરુષમાં વપરાતા ‘પુરુષ’ જેવો જાતિવાચક શબ્દ નથી. શાસ્ત્રોમાં ‘પુરુષ’ શબ્દ ચેતન આત્મા માટે પણ વપરાય છે. અહીં વપરાયેલા ‘પુરુષ’ શબ્દ પણ ચૈતન્ય તત્ત્વ માટે જ વપરાયો છે.

‘ક્ષર’ શબ્દનો અર્થ ભગવાને પોતે જ બહુવચનયુક્ત શબ્દ દ્વારા અનંત જીવો-આદિ પરક કર્યો (સ્વરૂપત: તે બધા શુદ્ધ ચૈતન્યો હોવા છતાં તેમના ક્ષરણશીલ માયિક દેહના સંબંધે કરીને તેને ‘ક્ષર’ કહેવાય છે.) જ્યારે ‘અક્ષર’ શબ્દનો અર્થ કરવા માટે ભગવાને ‘કૂટસ્થ’ એવો એકવચનયુક્ત શબ્દ વાપરીને નિત્ય, એક અને અદ્વિતીય એવા અક્ષરબ્રહ્મપરક જ તે શબ્દાર્થ સમજવાનું સ્પષ્ટ સૂચન કરી આપ્યું! (કૂટ એટલે પર્વત. જેમ પર્વત પોતાના સ્થાને સ્થિર રહે છે, ચલિત થતો નથી, તેમ અક્ષરબ્રહ્મના સ્વરૂપ-સ્વાભાવાદિક નિત્ય સ્થિર રહે છે, તેમાં હાનિ-વૃદ્ધિ જેવા વિકારો નથી. તેથી જ આવા નિર્વિકારી અક્ષરબ્રહ્મને ‘કૂટસ્થ’ શબ્દથી ઓળખાવ્યા છે.) વળી, પરબ્રહ્મ પણ પોતે એક ચૈતન્ય ‘પુરુષ’ છે. તેમ છતાં આ ‘પુરુષ’(પરબ્રહ્મ) પેલા બંને પુરુષો(ક્ષર-અક્ષર) કરતા તદ્દન નોખા અને ઉત્તમ છે. જેનાથી ઉત્કૃષ્ટ કોઈ જ ન હોય તેના માટે જ ઉત્તમ શબ્દ સાર્થક ઠરે છે. પરમાત્મા એવા પુરુષોત્તમ છે કે જેનાથી ઉત્કૃષ્ટ કોઈ અન્ય પુરુષ ચૈતન્ય છે જ નહીં, તેથી તેનું ઉત્તમ વિશેષણ ઉત્તમ સાર્થકતાને વરેલું છે.

આવી રીતે, માયાનિર્મિત દેહવાળા ક્ષર એવા જીવો અને નિર્વિકારી ‘અક્ષર’ એવા અક્ષરબ્રહ્મથી પણ ‘ઉત્તમ’ ઉત્કૃષ્ટ એવા પરબ્રહ્મ માટે ઉદ્બોધાયેલ ‘પુરુષોત્તમ’ શબ્દમાં અક્ષરપુરુષોત્તમ દર્શનમાં દર્શાવેલા નિત્ય પાંચ તત્ત્વોનું જ્ઞાન પણ ગર્ભિત થતું જોઈ શકાય છે. તે પણ શ્રુતિ પ્રમાણે પાંચેય તત્ત્વોના અનુક્રમ સાથે માયાવેષ્ટિત જીવ વગેરેથી પર અક્ષરબ્રહ્મ અને તે બધાથી પર પરબ્રહ્મ એમ પાંચેય તત્ત્વોનું ઉત્તરોત્તર શ્રેષ્ઠપણું પણ ‘પુરુષોત્તમ’ એ એક શબ્દમાત્રે સમજાઈ જાય તેમ છે. તેથી જ સનાતન વૈદિક સિદ્ધાંતોના સારરૂપ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત તત્ત્વજ્ઞાનનું ‘અક્ષર પુરુષોત્તમ’ એવા નામાભિધાનના નિર્માણ માટે હરિનાં હજારો નામોમાંથી આ એક સારભૂત નામ ‘પુરુષોત્તમ’ પસંદ કરાયું.

આમ, પ્રત્યક્ષ અક્ષરાતીત પુરુષોત્તમ નારાયણના સ્વરૂપના નિશ્ચયથી (સ્વરૂપનિષ્ઠાથી) સનાતન વૈદિક બ્રહ્મવિદ્યાનો ‘યોગ’ સિદ્ધ થાય છે. તેથી જ અક્ષરપુરુષોત્તમના જ્ઞાનરૂપી બ્રહ્મવિદ્યાનું જ મુખ્યપણે પ્રતિપાદન કરતું ગીતાશાસ્ત્ર, ‘અક્ષરાતીત પુરુષોત્તમ’ની સ્વરૂપનિષ્ઠા રૂપ યોગના પ્રતિપાદક ‘યોગશાસ્ત્ર’ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button