ધર્મતેજ

જીવનમાં કોઈ ઉત્તમ દાન કરવું હોય તો એ કન્યાદાન છે, હું મારી પુત્રી ઉષાનું કન્યાદાન કરવાની ઈચ્છા ધરાવું છું

શિવ રહસ્ય -ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
મંત્રી કુંભાડે કહ્યું, ‘દૈત્યરાજ બાણાસુર આપણા શોણિતપુર નગર પર બાર અક્ષૌહિણી સેના લઈ શ્રીકૃષ્ણ ચઢાઈ કરવા આવ્યા છે. તેઓ શોણિતપુરથી ફક્ત ૧૦૦ જોજન દૂર છે. તમે માર્ગદર્શન આપો.’ આટલું સાંભળતાં જ બાણાસુરે આદેશ આપ્યો કે ‘મારી સમક્ષ બંદી અગ્નિ, વરુણદેવને ઉપસ્થિત કરવામાં આવે.’ સૈનિકોએ અગ્નિદેવ અને વરુણદેવને ઉપસ્થિત કરવામાં આવતાં બાણાસુરે કહ્યું, ‘અગ્નિ અને વરુણ તમે મારા દાસ છો, જાઓ દ્વારકાપુરીથી આવી રહેલી બાર અક્ષૌહિણી સેનાનો વિનાશ કરો.’ આજ્ઞા મળતાં જ અગ્નિદેવ અને વરુણદેવ ભગવાન શ્રીકૃષ્ણની સેના પર તૂટી પડે છે. ભગવાન શ્રીકૃષ્ણની સેનાની પહેલી હરોળમાં ઊભેલા પ્રદ્યુમન અગ્નિદેવ અને વરુણદેવને મૂર્છિત કરી દે છે. એની જાણ થતાં બાણાસુર તેમના રક્ષક ભગવાન શિવને બોલાવે છે અને કહે છે: ‘મારા રક્ષક એવા શિવ તમને આ દિવસ માટે જ મેં રક્ષક બનાવ્યાં હતાં હવે ખરેખર તમારે મારી રક્ષા કરવાનો સમય આવી ગયો છે, જાઓ દ્વારકાપુરીથી આવેલી બાર અક્ષૌહિણી સેનાનો વિનાશ કરો.’ ભગવાન શિવ સજીધજીને સશસ્ત્ર થઈ શોણિતપુર નગરના દ્વાર પર મક્કમ બની ઊભા રહી જાય છે. ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શિવે વચ્ચે ભયાનક યુદ્ધ થાય છે. કોઈ એકબીજાને હરાવી શકતું નથી. અંતે ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન શિવને કહે છે, ‘આપની આજ્ઞાથી હું બાણાસુરની ભુજાઓનું છેદન કરવા અહીં આવ્યો છું તમે આ યુદ્ધથી નિવૃત્ત નહીં થશો તો બાણાસુરની ભુજાઓનું છેદન નહીં થાય, તમારો શાપ વ્યર્થ જશે.’ ભગવાન શિવ તેમને કહ્યું, તમે જૃંભણાસ્ત્ર દ્વારા મને જૃંભિન (ઉંઘાઈ જવું) કરી દો ત્યાર બાદ તમે તમારું અભિષ્ટ કાર્ય પૂર્ણ કરો’. ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના ધનુષ પર જૃંભણાસ્ત્રનું સંધાન કરી ભગવાન શિવ પર છોડી દીધું. આ રીતે શ્રીકૃષ્ણના જૃંભણાસ્ત્ર દ્વારા ભગવાન શિવ જૃંભિત (ઉંઘાઈ) જતાં ભગવાન કૃષ્ણના સુદર્શન ચક્રએ બાણાસુરની સહસ્ત્ર ભુજાઓ કાપી નાંખી. અંતમાં એની બાણાસુરનું વરદાન પહેલાનું શરીર રહી ગયું. યુદ્ધમાં ક્રોધિત થયેલા શ્રીકૃષ્ણ એનું માથું કાપી લેવા તૈયાર થયા ત્યારે ભગવાન શિવ જૃંભિત અવસ્થામાંથી બહાર આવે છે.
***
ભગવાન શિવ: ‘હે દેવકીનંદન, ભગવન્ મેં પહેલાં આપને જે કામને માટે આજ્ઞા આપી હતી, એ તો આપે પૂરી કરી દીધી. હવે બાણાસુરનો શિરચ્છેદ ન કરશો. તમારા સુદર્શન ચક્રને પરત વાળી લો અને તમે આ યુદ્ધથી નિવૃત્ત થઈ જાઓ, જો તમે બાણાસુરનો શિરચ્છેદ કરશો તો મારું વરદાન વ્યર્થ જશે.’

ભગવાન કૃષ્ણ: ‘આપની આજ્ઞાથી હું સુદર્શન ચક્રને પરત વાળું છું પણ આ દૈત્ય પરત ફરી આ સંસારમાં ઉત્પાત મચાવશે.’

આટલું સાંભળતાં જ દૈત્યરાજ બાણાસુર ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણ સમક્ષ સાષ્ટાંત દંડવત પ્રણામ કરતાં કહે છે ‘હે દેવ, હું આપ બંને દેવતાઓનો દાસ છું, આ યુદ્ધમાં હું મારી કષ્ટદાયી સહસ્ત્ર ભૂજાના છેદન માટે આપનો આભારી છું, મારા જીવનની રક્ષા કરો, આજ બાદ હું મારી સમગ્ર આસુરી વર્તણૂંક છોડી દેવાની ખાતરી આપું છું, મને તમારું શરણ આપો.’

આટલું સાંભળતાં ભગવાન શ્રીકૃષ્ણ પોતાના સુદર્શન ચક્રને પરત વાળે છે. દૈત્યરાજ બાણાસુરની પત્ની ક્ધદલા, વધૂ-વર ઉષા અને અનિરુદ્ધને લઈ ઉપસ્થિત થાય છે. ભગવાન શ્રીકૃષ્ણની સેના યુવરાજ અનિરુદ્ધ અને ઉષાને જીવીત જોઈ ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણનો જયજયકાર કરે છે.

ભગવાન કૃષ્ણ: ‘ભગવાન શિવ અને દેવી ક્ધદલાની અનુમતી હોય તો નવયુગલ ઉષા અને અનિરુદ્ધને લઈ અને દ્વારકાપુરી પરત જઈએ.’

દેવી ક્ધદલા: ‘હે પ્રભુ જીવનમાં કોઈ ઉત્તમ દાન કરવું હોય તો એ ક્ધયાદાન છે, હું મારી પુત્રી ઉષાનું ક્ધયાદાન કરવાની ઈચ્છા ધરાવું છું. આપ યોગ્ય મુહૂર્ત જોઈ દ્વારકાપુરીથી જાન લઈ
આવો.’

વધૂ ઉષાની માતા ક્ધદલાના આ વચન સાંભળી ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણ હર્ષ અનુભવે છે અને ભગવાન શિવ આદેશ આપતાં કહે છે, ‘હે પુત્રી ક્ધદલા તમે લગ્નની તૈયારી કરો, આવનારી કાર્તિકી પૂનમને દિવસે ભગવાન કૃષ્ણ દ્વારકાપુરીથી જાન લઈને આવશે.’

ભગવાન શ્રીકૃષ્ણ: ‘જેવી તમારી ઇચ્છા, પણ કાર્તિકી પૂનમને દિવસે વધૂ-વરને આશીર્વાદ આપવા આપે દેવી પાર્વતી સહિત અવશ્ય પધારવું પડશે.’

ભગવાન શિવ: ‘જેવી તમારી આજ્ઞા, હું અને દેવી પાર્વતી શિવગણો સહિત અવશ્ય પધારશું.’
દ્વારકાપુરીથી આવેલી બાર અક્ષૌહિણી સેનાની સાથે પ્રદ્યુમ્ન અને અન્ય વીરોને લઈને ભગવાન શ્રીકૃષ્ણ પરત ફરે છે.


વિજયી થયેલી સેનાનું દ્વારકાપુરીમાં સ્વાગત કરવામાં આવે છે. રાજકુમાર અનિરુદ્ધ અને ઉષાના લગ્ન કાર્તિકી પૂનમને દિવસે હોવાની બાતમી મળતાં દ્વારકાપુરીમાં ઉત્સવ ઉજવાય છે. નગરજનો હર્ષોલ્લિત થઈ જાનમાં જવાની તૈયારી કરે છે.


સામે પક્ષે રાજકુમારી ઉષા પોતાના રાજકુમારને કાયમી સ્વરૂપે મેળવી લેવા દિવસો ગણવાં માંડે છે અને છેલ્લે કાર્તિકી પૂનમનો સૂર્યોદય થતાં તેની સખી ચિત્રલેખા તેના કક્ષમાં આવી કહે છે, ‘સખી તારો મનનો માણીગર રાજકુમાર અનિરુદ્ધ આપણા શોણિતપુર નગરના દ્વાર પર દ્વારકાપુરીથી જાન લઈને આવી ગયો છે, ચાલ તૈયારી કર તેના સ્વાગતની.’

દ્વારકાપુરીથી આવેલી જાનનું ક્ધદલા અને બાણાસુર સ્વાગત કરે છે. એજ સમયે માતા પાર્વતી અને ભગવાન શિવ શિવગણો સહિત ત્યાં પધારે છે. તેમનું પણ ક્ધદલા અને બાણાસુર સ્વાગત કરે છે અને મંગલબેલાએ રાજકુમારી ઉષા અને રાજકુમાર અનિરુદ્ધના લગ્ન સંપન્ન થાય છે. ભારે હૃદયે ક્ધદલા અને શોણિતપુરવાસીઓ પુત્રી ઉષાને વિદાય આપે છે. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button