શિવ રહસ્ય -: તમે વરદાન આપવા જ માગતા હો તો મને એવું વરદાન આપો કે હું વનમાં વનચર બની શકું
(ગતાંકથી ચાલુ)
ત્વષ્ટા ઋષિ ફરી પૃથ્વી લોકમાં આવી યજ્ઞ કરવા માંડે છે. ફરી માતા શક્તિ પ્રસન્ન થતાં વરદાન માગવા કહે છે. ઋષિત્વષ્ટા વરદાન માગતાં કહે છે, ‘હે જગતજનની માતા શક્તિ તમે મને એક એવો પુત્ર આપો કે જે દેવરાજ ઇન્દ્ર કરતાં ૧૦ ગણો શક્તિશાળી હોય અને મારો એ પુત્ર સ્વર્ગલોક પર વિજય મેળવી દેવરાજ ઇન્દ્રને શિક્ષા આપે તો મારા મનને તૃપ્તિ મળશે.’ માતા શક્તિ ચેતવણી આપતાં કહે છે,
‘ઋષિવર સમજવાની કોશિશ કરો કે પ્રતિશોધની જ્વાળા પોતાને જ રાખ કરે છે, હાલ તમે પ્રતિશોધની જ્વાળામાં લપેટાઈ ગયા છો. પ્રતિશોધ ક્યારેય સુખ આપતું નથી, હંમેશાં દુ:ખ જ આપે છે. દરેકને પોતાના કર્મનું ફળ મળતું જ હોય છે, પ્રતિશોધ છોડી યજ્ઞનો ઉપયોગ જનકલ્યાણ માટે કરો.’ આટલું સમજાવ્યા બાદ પણ ઋષિ ત્વષ્ટા સમજતા નથી અને કહે છે,
‘નહીં માતા, હું દેવરાજ ઇન્દ્રને ક્યારેય માફ નહીં કરી શકું. તમારે મને દેવરાજ ઇન્દ્ર કરતાં ૧૦ ગણો શક્તિશાળી પુત્ર આપવો જ પડશે અન્યથા આ યજ્ઞકુંડમાં મારી આહુતિ આપી હું પોતાને ભસ્મ કરી દઈશ.’ આટલું કહી ઋષિ ત્વષ્ટા યજ્ઞકુંડમાં પોતાને સ્વાહા કરવા જતાં માતા શક્તિ તેમને રોકે છે અને તેમને વરદાન આપે છે અને ત્યાંથી વિદાય લે છે.
બીજી તરફ ફરી પાછો ‘ઓમ નમ: શિવાય’નો ધ્વનિ કૈલાસ સુધી પહોંચે છે. માતા પાર્વતી ભગવાન શિવને એ ધ્વનિ વિશે પૂછે છે તો ભગવાન શિવ કહે છે કે, ‘દેવી આ ધ્વનિનો સ્વર વિંદ્યાચલ પર્વત પરથી અસુર દુન્દુભિનિર્હાદનો આવી રહ્યો છે.’
પ્રસન્ન ભગવાન શિવ દુન્દુભિનિર્હાદને વરદાન આપવા વિંદ્યાચલ પવત પર પહોંચે છે.
ભગવાન શિવ: ‘પ્રિય દુન્દુભિનિર્હાદ આંખ ખોલો, કહો તમને વરદાનમાં શું જોઈએ છે’
ભગવાન શિવને જોઈ દુન્દુભિનિર્હાદ પ્રસન્ન થઈ કહે છે, ‘હે દેવાધિદેવ તમારાં દર્શનથી જ હું તૃપ્ત થઈ ગયો, હવે શેષ જીવન જીવવા કોઈ વરદાનની જરૂર નથી.’
ભગવાન શિવ: ‘દુન્દુભિનિર્હાદ તમારી આરાધનાના ફળસ્વરૂપે તમને વરદાનની પ્રાપ્તિ અવશ્ય થવી જોઈએ, બોલો તમને શું જોઈએ છે.’
દુન્દુભિનિર્હાદ: ‘હે દેવાધિદેવ તમે વરદાન આપવા જ માગતા હો તો મને એવું વરદાન આપો કે હું વનમાં વનચર બની શકું, જળમાં જળચર બની જાઉં અને રાત્રે વાઘ બની શકું.’
ભગવાન શિવ: ‘તથાસ્તુ’ કહી ત્યાંથી વિદાય લે છે.
વરદાન મળતાં અસુરો દુન્દુભિનિર્હાદ પાસે આવી તેનો જયજયકાર કરવા માંડે છે. માતા દિતી ત્યાં પધારે છે.
દુન્દુભિનિર્હાદ: ‘અસુર માતા દિતીની જય હો, કહો માતા શું આજ્ઞા છે.’
દિતી: ‘પુત્ર દુન્દુભિનિર્હાદ તમે ભગવાન શિવને વરદાન આપવા ફરજ પાડી, સમગ્ર અસુર જાત તમારા પર ગર્વ કરે છે, હવે અસુરોના અપમાનનો બદલો લેવાનો સમય આવી ગયો છે.’
દુન્દુભિનિર્હાદ: ‘માતા મને કહો કે શું કરવું જોઈએ.’
દિતી: ‘પુત્ર તમને ખબર નહીં હોય કે દેવતાઓનું બળ બ્રાહ્મણ છે. બ્રાહ્મણ નષ્ટ થઈ જશે તો યજ્ઞ નહીં થાય અને યજ્ઞ નહીં થવાથી દેવતાઓને આહાર પ્રાપ્ત થતાં બંધ થશે અને તેઓ નિર્બળ બનશે અને તેઓ નિર્બળ બનતાં તમે દેવતાઓ પર સહજ રીતે વિજય મેળવી શકશો.
અસુર માતા દિતીનો આદેશ મળતાં જ દુન્દુભિનિર્હાદ આવેશમાં આવી જાય છે અને બ્રાહ્મણોના પ્રધાનસ્થાન વારાણસી પર હુમલો કરે છે અને બ્રાહ્મણોને મારવા માંડે છે. કાશી પહોંચી વનમાં વનચર બનીને સમિધા લેનાર, જળમાં જળચર બનીને સ્નાન કરનાર અને રાત્રે વાઘ બનીને સૂતેલા બ્રાહ્મણોને ખાવા માંડે છે.
શિવરાત્રીના પાવન પ્રસંગે એક શિવભક્ત પોતાની પર્ણશાળામાં દેવાધિદેવ શંકરનું પૂજન કરી ધ્યાનસ્થ થઈ બેઠો હતો. દુન્દુભિનિર્હાદ વાઘનું રૂપ ધારણ કરીને ખાઈ જવાનો વિચાર કરવા લાગ્યો. શિવભક્તિમાં દૃઢચિત્તથી શિવદર્શનની લાલસા લઈને ધ્યાનમાં તલ્લીન થઈ બેસેલા શિવભક્તે પહેલાંથી જ મંત્રરૂપી અસ્ત્રનો વિન્યાસ કરી લીધો હતો. આ કારણે દુન્દુભિનિર્હાદ એના પર આક્રમણ કરવા સમર્થ નહીં થઈ શક્યો.
બ્રાહ્મણો પર થઈ રહેલા અત્યાચારથી ત્રાહિત ઋષિ દધિચી કૈલાસ પહોંચે છે.
ઋષિ દધિચી: ત્રાહિમામ્… પ્રભુ ત્રાહિમામ્…’
ભગવાન શિવ: ‘ઋષિ દધિચી તમારું કૈલાસ આગમન મને ચિંતિત કરી રહ્યું છે, હું જોઈ રહ્યો છું કે દુન્દુભિનિર્હાદ વનમાં વનચર બનીને સમિધા લેનાર, જળમાં જળચર બનીને સ્નાન કરનાર અને રાત્રે વાઘ બનીને સૂતેલા બ્રાહ્મણોને ખાઈ રહ્યો છે. હવે સમય આવી ગયો છે તેને હું દંડ અવશ્ય આપીશ.’
ક્રોધાયમાન ભગવાન શિવ પ્રથમ વારાણસીના બ્રાહ્મણોની સુરક્ષા માટે ત્યાં પહોંચી વનમાં વનચર બનીને ફરી રહેલા દુન્દુભિનિર્હાદને શોધે છે અને રાત્રે વાઘના રૂપમાં દેખાતાં જ પોતાની બગલમાં દબાવી દે છે. ક્રોધિત ભગવાન શિવને જોઈ દુન્દુભિનિર્હાદ ભગવાન શિવનાં શરણે જાય છે અને કહે છે,
‘હે દેવાધિદેવ હું તો તમારો દાસ છું, મને જીવનદાન આપો.’ પણ ક્રોધિત ભગવાન શિવ તેનું ન સાંભળતાં બગલમાં દબાયેલા દુન્દુભિનિર્હાદને એના માથા પર વજ્રથી પણ કઠોર મુક્કો મારે છે. એ મુષ્ટિપ્રહારથી તથા બગલમાં દબાવાથી તે અત્યંત વ્યથિત થઈ ગયો અને પોતાની ગર્જનાથી પૃથ્વી અને આકાશને કંપાવતો મૃત્યુને વર્યો.
Also Read – ભજનનો પ્રસાદ: બ્રહ્માનંદસ્વામી: શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપૂર્ણ ઉદ્ગાતા-૧૩
સમગ્ર વારાણસી પંથકના બ્રાહ્મણોએ પરમેશ્ર્વર શિવને બગલમાં એ પાપીને દબાવેલો જોઈને બધા લોકો ભગવાન શિવના ચરણમાં પડ્યા અને જયજયકાર કરતાં એમની સ્તુતિ કરવા લાગ્યા.
મોટી સંખ્યામાં બ્રાહ્મણોની સ્તુતિથી પ્રસન્ન થઈ ભગવાન શિવ પ્રસન્ન થયા અને આશીર્વાદ આપતાં બોલ્યા કે, જે મનુષ્ય અહીં આવીને મારા આ રૂપનાં દર્શન કરશે, નિ:સંદેહ હું એનાં બધાં પાપોને નષ્ટ કરી દઈશ. જે માનવ મારા આ ચરિત્રને સાંભળીને અને હૃદયમાં મારા આ લિંગનું સ્મરણ કરીને સંગ્રામમાં પ્રવેશ કરશે એને અવશ્ય વિજયની પ્રાપ્તિ થશે.
જે મનુષ્ય વ્યાઘ્રેશ્ર્વરના પ્રાગટ્ય સંબંધી આ પરમોત્તમ ચરિત્રને સાંભળશે અથવા બીજાને સંભળાવશે તે પોતાના સમસ્ત મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરશે અને અંતમાં સંપૂર્ણ દુ:ખોથી રહિત થઈને મોક્ષને વરશે. આ શિવલીલા સંબંધી અમૃતમય અક્ષરોથી પરિપૂર્ણ આ અનુપમ વ્યાખ્યાન સ્વર્ગ, યશ અને લાંબું આયુષ્ય આપનાર તથા પુત્રપૌત્રની વૃદ્ધિ કરનારું છે.’
ભગવાન શિવના મુખેથી આટલું સાંભળતાં જ ઋષિ દધિચી તેમને દંડવત્ પ્રણામ કરે છે. ભગવાન શિવ ત્યાંથી ઋષિ દધિચી અને બ્રાહ્મણોને આશીર્વાદ આપતાં વિદાય લે છે. (ક્રમશ:)