શિવ રહસ્ય: જો તમે ઈર્ષા ને અહંકારનો ત્યાગ કરશો તો તમારા કૂવાનું પાણી પણ મીઠું થઈ જશે… | મુંબઈ સમાચાર
ધર્મતેજ

શિવ રહસ્ય: જો તમે ઈર્ષા ને અહંકારનો ત્યાગ કરશો તો તમારા કૂવાનું પાણી પણ મીઠું થઈ જશે…

– ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)

શિવરાત્રીની પૂર્ણ રાત શિવલિંગ પર બીલીપત્ર ચઢાવી, પોતાના પાપનું પશ્ર્ચાત્તાપ કરતા શિકારી ગુરુ ધ્રુવ પર પ્રસન્ન થયેલા ભગવાન શિવ ત્યાં પધારે છે અને કહે છે, ‘ઉઠો ગુરુ ધ્રુવ, હું તમારો કાયાકલ્પ શિંગવેરપુરના રાજા તરીકે કરું છું. દ્વાપર યુગમાં ભગવાન શ્રીહરિ વિષ્ણુના અવતારના પરમ મિત્ર તરીકે તમે અમર થશો અને કળિયુગમાં તમારી આ કથા જે સાંભળશે તેનું કલ્યાણ થશે.‘ ગુરુ ધ્રુવ કહે છે, ‘મહાદેવ આ મૃગ ભાઈ-બહેનના પરિવારને લીધે જ હું તમને પામી શક્યો છું. દેવાધિદેવ એમનું પણ કલ્યાણ કરો.’ આટલું બોલતાં જ ભગવાન શિવના ત્રિશુળમાંથી નીકળેલો પ્રકાશ એ મૃગ પરિવાર પર પડતા જ મૃગ પરિવાર માનવ બની જાય છે.

ભગવાન શિવ કહે છે, ‘હે ગુરુ ધ્રુવ તમારી ઈચ્છા અને અન્યોનું કલ્યાણ કરવાની ઈચ્છા પ્રબળ હોવાથી આ મૃગ પરિવાર હવે પશુ યોનીમાંથી માનવ યોનીમાં પ્રવેશ્યું છે. હું તેમને મારા શિવગણોમાં સામેલ કરું છું આજથી તેઓ કૈલાસ પર નિવાસ કરશે. મૃગમાંથી માનવ બનેલું ભાઈ-બહેનનું પરિવાર ભગવાન શિવના આશીર્વાદ લે છે અને કહે છે, ‘પ્રભુ તમારા આશીર્વાદ અમને મળ્યા અને શિવગણ તરીકે કૈલાસ ખાતે સ્થાન મળ્યું એનાથી વિશેષ શું હોઈ શકે.’ કૈલાસ આવેલા નવા સાથીઓને મળીને નંદી સહિતના શિવગણો આનંદિત થઈ જાય છે. માતા પાર્વતી નંદી મહારાજની ઈચ્છા અને ઉત્સાહને ઓસરવા ન દેતાં તેમના હાથે ખીર બનાવે છે અને કૈલાસ ખાતે સમગ્ર શિવગણ ભગવાન શિવ સહિત માતા પાર્વતીના હાથની ખીર ખાઈની આનંદિત થાય છે.

થોડા સમય બાદ કૈલાસ ખાતે બે સ્ત્રીઓના સ્વર કૈલાસ સુધી પહોંચવા માંડે છે. અચંબિત માતા પાર્વતી ભગવાન શિવને કહે છે, ‘સ્વામી ફરી બે સ્ત્રીનો સ્વર કૈલાસ સુધી પહોંચવા માંડ્યો છે, શું આ બે સ્ત્રીઓ આસુરી વૃત્તિ ધરાવે છે.’ તેના જવાબમાં ભગવાન શિવે કહ્યું કે, ‘દેવી આ બે સ્ત્રીઓ બુંદેલગઢના રાજા ભાનુપ્રતાપની પત્ની ચંદ્રમુખી અને બહેન રત્નાવલી છે. બંને સ્ત્રીઓ બુંદેલગઢ રાજ્યથી જનારા મુસાફરો માટે કુવો ખોદાવવા માગતાં હતાં.

રાણી ચંદ્રમુખીએ ઉશ્કેરાઈને કહ્યું કે, ‘તેં ઈર્ષાને લીધે જ કૂવો ખોદાવવા માગણી કરી છે એટલે તારા કૂવાનું પાણી ખારું જ નીકળશે.’ મહારાજા ભાનુપ્રતાપે કહ્યું કે, ‘તમે નણંદ-ભોજાઈ ઝઘડો નહીં, સૌથી પહેલા તમે બંને કહો ત્યાં કૂવો ખોદાવીશ અને તેનું પાણી હું ચાખી જોઈશ કે કયું પાણી મીઠું છે અને ક્યું પાણી ખારું.’ રાજા ભાનુપ્રતાપના આદેશથી નણંદ-ભોજાઈ દ્વારા બતાવવામાં આવેલી જગ્યા પર કૂવો ખોદવાનું ચાલું થયું. નણંદ રત્નાવલી અને ભોજાઈ રાણી ચંદ્રમુખી બંને મારા ભક્ત છે. તેઓ બંને મારી આરાધના કરી રહ્યા છે કે તેમના કૂવાનું પાણી મીઠું નીકળે. માતા પાર્વતી ભગવાન શિવને પૂછે છે કે. ‘સ્વામી આ પરિસ્થિતિમાં કોનું પાણી મીઠું લાગશે.’ તો ભગવાન શિવ કહે છે, દેવી, તમે શું બોલી રહ્યા છો, એ બંને મારા ભક્ત છે, બંનેના કૂવાનું પાણી તો મીઠું જ નીકળશે. પણ… જુઓ આગળ આગળ શું થાય છે.

આ પણ વાંચો…શિવ રહસ્ય: પ્રભુ તમારા આશીર્વાદ અમને મળ્યા ને શિવગણ તરીકે કૈલાસ ખાતે સ્થાન મળ્યું એનાથી વિશેષ શું હોઈ શકે

માતા પાર્વતી: ‘સ્વામી હું પણ તમારી સાથે આવી જોવા માગું છું કે તમારા ભક્ત એવાં નણંદ-ભોજાઈના ગૃહયુદ્ધમાં કોણ વિજેતા બને છે.

ભગવાન શિવ: ‘ચાલો પાર્વતી.’

ભગવાન શિવ અને પાર્વતી પ્રથમ રાણી ચંદ્રમુખી પાસે પહોંચ્યા.

ભગવાન શિવ: ‘રાણી ચંદ્રમુખી આંખ ખોલો.’

રાણી ચંદ્રમુખી: ‘મહાદેવ અને માતા પાર્વતીના સાથે દર્શન કરી હું ધન્ય થઈ ગઈ.’

ભગવાન શિવ: ‘રાણી ચંદ્રમુખી હું પ્રસન્ન છું તમારે જે જોઈતું હોય તે મનમાં ઈચ્છા કરો.’

રાણી ચંદ્રમુખીએ મનમાં ઇચ્છા ધરી.

ભગવાન શિવ: ‘તથાસ્તુ.’

ત્યારબાદ ભગવાન શિવ અને માતા પાર્વતી બહેન રત્નાવલી પાસે પહોંચ્યા.

ભગવાન શિવ: ‘દીકરી રત્નાવલી આંખ ખોલ.’

રત્નાવલી: ‘પ્રભુ માતા પાર્વતી સહ તમારા દર્શન થયા હું ધન્ય થઈ ગઈ.’

ભગવાન શિવ: ‘રત્નાવલી તારા પર પણ હું પ્રસન્ન છું તારે જે જોઈતું હોય તે મનમાં ઈચ્છા કર.’

રત્નાવલીએ પણ મનમાં ઈચ્છા ધરી.

ભગવાન શિવ: ‘તથાસ્તુ.’

ભગવાન શિવ અને માતા પાર્વતી બંનેને વરદાન આપી અદૃશ્યરૂપે ત્યાં ઉપસ્થિત રહ્યાં.

રાણી ચંદ્રમુખી અને બહેન રત્નાવલીએ કૂવા ખોદાવ્યાં અને બંનેને માતા પાર્વતી સહિત ભગવાન શિવે વરદાન આપ્યું એ વાત પ્રજાજનોમાં ફેલાઈ ગઈ. આ વાત આજુબાજુનાં રાજ્યમાં પણ ફેલાઈ ગઈ. ત્યાંના રાજકુમારો પણ ત્યાં આવી પહોંચ્યા.

કૂવા તૈયાર થઈ ગયા હતા, અસંખ્ય પ્રજાજનો અને અન્ય રાજ્યના રાજકુમારો ત્યાં આવી પહોંચ્યા. સૌને કુતૂહલ હતી કે કોનું પાણી મીઠું નીકળશે.

રાજપુરોહિત : ‘મહારાજ, પ્રથમ આપ રાણીના કૂવાનું પાણી ચાખો.’

રાજા ભાનુપ્રતાપ પ્રથમ રાણી ચંદ્રમુખી ખોદાવેલા કૂવા પાસે પહોંચ્યા. રાણી ચંદ્રમુખીએ પાણી કાઢી રાજા ભાનુપ્રતાપને ચખાડયું.

રાજા ભાનુપ્રતાપ: ‘વાહ! આ પાણી તો ખૂબ જ મીઠું છે. રાણી ચંદ્રમુખી તમને ખૂબ ખૂબ અભિનંદન.’

ચારેકોર રાણી ચંદ્રમુખીનો જયઘોષ ગુંજી ઉઠયો.

સદીઓથી સામાન્ય વ્યાખ્યા છે કે, ‘ન નંદતિ ઈતિ નનંદ (નણંદ)’ એનો સામાન્ય અર્થ એમ કે જે ભાભી સાથે આનંદ ન કરે તે નણંદ, પરંતુ અનોખી રત્નાવલીએ ભાભી પાસે જઈ તેમના ચરણસ્પર્શ કર્યા અને તેમની અભિનંદન આપ્યા. એનામાં કોઈ ઈર્ષાવૃત્તિ કે અદેખાઇ ન દેખાઈ.

રાજપુરોહિત : ‘મહારાજ, હવે આપ દીકરી રત્નાવલીના કૂવાનું પાણી ચાખો.’

રાજા ભાનુપ્રતાપ રાણી ચંદ્રમુખી સાથે રત્નાવલીના ખોદાવેલા કૂવા પાસે પહોંચ્યા. રત્નાવલીએ પાણી કાઢી રાજા ભાનુપ્રતાપને ચખાડયું.

રાજા ભાનુપ્રતાપે ‘થૂ… થૂ…’ કરીને બહેનના પાણીને થૂંકી નાખ્યું.

એકત્ર થયેલ માનવમેદની દિગ્મૂઢ બની ગઈ. ઇર્ષ્યાને કારણે રાણી ચંદ્રમુખીના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ. રત્નાવલીની આંખોથી અશ્રુની ધારા વહેવા લાગી.

પડોશી રાજ્યનો રાજકુમાર સ્વર્ણકેશી ઊભો થઈ બોલ્યો: ‘પાણી મીઠું હોય કે ખારું, સૌએ તે પ્રસાદરૂપે સ્વીકારવું જોઈએ.’

પ્રજાએ બંને કૂવાના પાણી ચાખીને કહ્યું, ‘ખરેખર તો રાણીના કૂવાનું પાણી એકદમ ખારું છે અને રત્નાવલીના કૂવાનું પાણી મીઠું છે.’

આ પણ વાંચો…શિવ રહસ્ય: ભક્તિ જ એવો માર્ગ છે જે મારા સુધી તમને પહોંચાડશે…

પ્રજા કહેવા લાગી કે રાજાએ પક્ષપાત કર્યો છે અને ઊલટી વાત કરી બહેનને લજાવી છે.

પ્રજા બહેન રત્નાવલીનો જયજયકાર કરવા લાગી.

રાજકુમાર સ્વર્ણકેશી: ‘રત્નાવલી જરૂર દિવ્ય આત્મા છે, તેના કૂવાનું પાણી મીઠું છે. જો રત્નાવલી ઇચ્છે તો હું તેને મારી પત્ની બનાવવા ઇચ્છુક છું.’

રત્નાવલી: ‘પિતાતુલ્ય ભ્રાતા ભાનુપ્રતાપના આશીર્વાદ હોય તો હું તમારી પત્ની બનવા તૈયાર છું.’

રાજા ભાનુપ્રતાપે રાજપુરોહિતને બોલાવી બંનેની કુંડલી ચકાસાવી અને લગ્ન માટે તૈયારી દર્શાવી.

રત્નાવલી એ રાજકુમાર સ્વર્ણકેશીના કંઠે વરમાળા પહેરાવી.

દુ:ખી રાજા ભાનુપ્રતાપ: ‘હે દેવાધિદેવ! મારી પત્ની અને બહેને તમારી આરાધના કરી તમે પ્રસન્ન થયા બંનેને વરદાન આપ્યા. પણ જે કૂવાનું પાણી પ્રજા ખારું કહે છે એ મને મીઠું લાગે છે અને જે કૂવાનું પાણી પ્રજા મીઠું કહે છે એ મને ખારું લાગે છે. હે મહાદેવ, મને આ દાવાનળમાંથી ઉગારો.’

એ જ સમયે ભગવાન શિવ અને માતા પાર્વતી પ્રગટ થાય છે. સમગ્ર પ્રજા માતા પાર્વતી અને ભગવાન શિવનો જય જય કાર કરે છે.

ભગવાન શિવ: ‘હે રાજન ચંદ્રમુખીએ વરદાન માગ્યું કે, ‘હે મહેશ્ર્વર મારા કૂવાનું પાણી રાજાને મીઠું લાગે અને રત્નાવલીના કૂવાનું પાણી રાજાને ખારું લાગજો.’ તેથી રાણી ચંદ્રમુખીના કૂવાનું પાણી તમને મીઠું અને રત્નાવલીના કૂવાનું પાણી ખારું લાગ્યું. જ્યારે રત્નાવલીએ વરદાન માંગ્યું કે, ‘હે મહેશ્ર્વર, મારા કૂવાનું પાણી જનસમુદાયની તરસ છીપાવે.’ જેથી પ્રજાને રત્નાવલીના કૂવાનું પાણી મીઠું લાગે છે.’

કહેવાનું તાત્પર્ય એ છે કે,

‘કંચન તજવો સહજ હૈ, સહજ ત્રિયાકો સ્નેહ,

માન બડાઈ ઇર્ષા, તુલસી દુર્લભ એહ.’

ઈર્ષા મનની નાનપ બતાવે છે. ઈર્ષાની આગનો અંજામ વિનાશકારી હોય છે.

ભગવાન શિવ: ‘હે રાણી ચંદ્રમુખી તમે પણ મારા અનન્ય ભક્ત છો, જો તમે ઈર્ષા અને અહંકારને ત્યાગ કરશો તો તમારા કૂવાનું પાણી પણ મીઠું થઈ જશે.’

રાણી ચંદ્રમુખીએ અશ્રુભીની આંખે નણંદ રત્નાવલીને ગળે લગાડતાં તેનામાંથી ઈર્ષા અને અહંકારનો ભાવ ઊતરી ગયો અને ક્ષણભરમાં ચંદ્રમુખીનો કૂવો પણ મીઠો થઈ ગયો.

(ક્રમશ:)

આ પણ વાંચો…શિવ રહસ્યઃ મૃત્યુ બાદ મારા શરીર પરના ગજ ચર્મને આપ એક વખત ધારણ કરો ને તમારા ચરણોમાં શરણું આપો

સંબંધિત લેખો

Back to top button