ધર્મતેજ

આપણી ચાલાકીને કાઢી નાખીએ તો આપણેભગવાન શિવની પાસે નિવાસ કરશું:મોરારિબાપુ

માનસ મંથન -મોરારિબાપુ

શિવતત્ત્વ શું છે ? ‘કુંદ ઈંદુ સમ દેહ’, શરદપૂર્ણિમાનો ચંદ્ર હોય એવી જેની કળા છે. ચંદ્ર વિકાસનું પ્રતીક છે. આપણી ઘણી ધારાઓએ ચંદ્રને પૂજ્યો છે. ચંદ્રનો બહુ મહિમા છે આપણે ત્યાં. શંકરતત્ત્વ શું છે? નિત વિકસતી ઉજજવલ ગતિશીલ વિચારધારા; અને જયારે માણસ વિકસે ત્યારે માણસ ક્યારેક ભૂલ કરે. એ ભૂલોને ક્ષમ્ય થવી જોઈએ. ચંદ્રમામાં ક્યાંય દાગ છે અને તમારું પૂર્ણ થવું હોય ત્યારે ત્યાં તો કાંઈક મુશ્કેલી આવે. બીજના ચંદ્રમામાં દાગ ન હોય, પણ પૂર્ણિમાનો બને એટલે એમાં દાગ દેખાય! એમ તમે જેમ વિકસો એટલે કાં તો સમાજ તમારામાં દાગ ખોજે અને ક્યાં તો તમે ભૂલ કરો અને દાગપણું દેખાય! છતાં વિકાસ બંધ ન કરાય. હું ને તમે એવો સંકલ્પ ન કરી શકીએ કે માણસનો સ્વીકાર એની નબળાઈઓ સાથે કરી લઈએ? આપણે તો માણસ માટે એક ફ્રેમ બનાવીએ છીએ કે, આવો હોય તો જ! નહીં, માણસ માણસ છે.

હવે એના સ્થૂળ રૂપમાં શિવજી, ઉમાની સાથે રમણ કરે છે. અર્ધ નારેશ્ર્વર છે. ‘ઉમા એની અર્ધાંગિની છે.’ ભવાની એ શ્રદ્ધા છે. શિવતત્વ એ છે, જે વિશુદ્ધ શ્રદ્ધાની સાથે રમણ કરે છે. શ્રદ્ધા ગુમાવે નહીં. અશ્રદ્ધા નહીં અને અંધશ્રદ્ધા નહિ. શ્રદ્ધા તો જોઈએ જ. શ્રદ્ધા વગર જીવાય જ નહીં. શ્રદ્ધાની સાથે જે રમે છે એવું વિશ્ર્વાસતત્ત્વ, એવું ભરોસાનું તત્ત્વ, એનું નામ ‘હરત્વ’ છે. ‘ઉમા રમન કરુણા અયન’, જે કરુણાનું મંદિર છે, તે શિવ છે.

હે કાશીપતિ, હે વિશ્ર્વનાથ, આપ કળીયુગના, ઓઘના ઓઘ, પુંજનાં પુંજ જે પાપો છે, એને નષ્ટ કરનારા છો. કલ્યાણના જે કલ્પવૃક્ષ છે, એવા શિવની છાયામાં જે આવ્યા હોય એનું કલ્યાણ ન થાય ? શિવ કલ્યાણનું સદાવ્રત બની ગયા છે. તારા ઘરના દ્વારે જે આવે છે, એના પાત્રમાં તું કલ્યાણ ભરી દે છે. તારું નામ હી તો કલ્યાણ છે ગોસ્વામીજી કહે છે શંખ અને ચંદ્રમાં જેવા,જેનું તન અતીવ સુંદર છે. શાર્દુલનું ચામડું આપનું વસ્ત્ર છે. શાર્દુલચર્માંમ્બર -આ અમ્બર જે પહેરે છે. કોઈ સાધારણ માણસ સિંહના ચામડાનું વસ્ત્ર પહેરેતો સુંદર લાગે, મારા મહાદેવ શાર્દુલ ચર્માંમ્બર પહેરે તો કેટલા રૂપાળા લાગે ? જીવનની સમસ્ત પશુતાને મારીને જેણે વસ્ત્ર બનાવ્યું, પશુતા વિહીન જીવન જેનો શૃંગાર છે. મારી પાસે એક પ્રશ્ર્ન આવ્યો છે. શિવ, શંકર, શંભુ એ જુદા છે ?

રામચરિતમાનસના આધારે મહાદેવનું નામ શંકર છે. બાકી એ બધા વિશેષણ, શિવ, શંભુ બધું એને જ લાગુ પડે છે. તમે ભોલાને ભજો. તમારા પોતાના ભોળપણને ભજો તો તમેય શિવ થઇ શકો. તમારી ચાલાકીને કાઢી નાખો, તમારા ભોળપણને,બાલસહજ સ્વભાવને, તમારી પ્રાકૃત્તતાને, તમારી નીજી મૌલિકતાને બનાવી રાખો, તો તમે શિવની પાસે છો. બાકી રામેશ્ર્વરમાં જઈને પણ ચાલાકી કરો તો તમે શિવ નથી. ભોલાને પૂજો, તમારા ભોલાપન ને પૂજો. કોઈપણ નામ લો, શું ફર્ક પડે છે? કેટલાય સંપ્રદાયોએ બહુ ગરબડ કરી છે. નાના રસ્તા પર ગલીઓમાં બહુ ઘૂમ્યા, હવે નીકળી જાઓ રાજમાર્ગ પર.

પછી તમારા આગ્રહને તમે પકડી જ રાખો એ વાત જુદી છે. બાકી શિવ, શંકર, ભોળો કોઈ પણ નામ કહો. નામનો અંત નહિ આવે. ભોલાના રૂપ પણ અનંત છે. કદી તાંડવ નૃત્ય કરે છે, કદી વૃંદાવનમાં ગોપી બની રાસ કરવા જાય છે, કદી દુલ્હા બને છે. એના જેવો માણસ મળવો મુશ્કેલ છે.

શિવ, શંભુ, મહાદેવ, હર કોઈ નામે પુકારો. જે તમારા વિકારોને હરિ લે એ હર છે. જે તમારી બુદ્ધિને હરિ લે એ તમારો હરિ છે. મહાદેવને કોઈ પણ નામે પુકારો.
પરંતુ આ ગલીઓમાં બહુ ફર્યા, ચાલ્યા. હવે રાજપથ પર ચાલો. કોઈ નાના નાના ગ્રુપ નહિ, જૂથ નહિ, સંકિર્ણતા નહિ, એવા શિવમાર્ગ પર ચાલો. જે મનમાં આવે એ નામ જપો. સંપ્રદાયના નામ પર લોક કહે છે, શિવ, શંકર જુદાં છે. કોઈ કહે છે, શિવ પરમાત્મા છે. શંકર તો જે પરણવા ગયા હતા એ છે. એ તો જેને જેટલું દેખાય એ જુએ. જેના ચશ્માંના નંબર જેટલા હોય એટલું જુએ, સીધી વાત છે. એમાં એનો દોષ પણ નથી. શિવ તો રત્નાકર છે. કોણ એનો થાહ પામી શકે ?

કૃષ્ણ, શિવ અને રામ ત્રણે એક જ છે. માર ડાલા હૈ એ તીનોને, ત્રણે મળી ગયા છે. કદી કનૈયો મારે છે, કદી શંકર મારે છે, તો કદી રઘુનાથજીનું મૌન મારે છે. ત્રણે મળેલા છે. મરવું હોય તો જાઓ એની પાસે. એવી રીતે મરવું એ કોટિ કોટિ જન્મોથી યે બહેતર છે. કોટિ કોટિ જીવનથી એનાં ચરણોમાં મરવું એ બહેતર છે. અદ્દભુત છે. શિવ અલૌકિક છે. તો કોઈ પણ નામ લો, કોઈ આપત્તિ નથી. બાબા બહુ ભોળા છે. કોઈવાર નાચ કરે છે, કોઈ વાર રાસ કરે છે, હ્ય્રંસ કરે છે, કોઈ વાર હાસ્ય કરે છે, કોઈ વાર ચુપ રહે છે, કોઈ વાર સમાધિમાં રહે છે. કદી રસિક બને છે, કદી ગુણવાન લાગે, કદી ત્રિગુણાતીત લાગે. શું નથી?

જેનો નાનામાં નાના માણસને પ્રેમ કરવાનો સ્વભાવ છે. ‘દીન-હીન’ ઉપર જેને નેહ છૂટે છે. એક શિવતત્ત્વ જ એવું છે સાહેબ, જેણે કોઈનો અનાદર નથી કર્યો. દેવતાઓનો, રાક્ષસોનો, યોગીઓનો, ભૂતનો, પ્રેતનો ડાકિણી-શાકિણી, ભસ્મ, ચંદન, ગંગા, ચંદ્રમ, અમૃત, ઝેર, આ તમામનું સમન્વિત એક વૈશ્ર્વિક રૂપ,જેને આપણે વિશ્ર્વનાથ’ કહીએ છીએ, આ શિવતત્ત્વ છે.
(સંકલન : જયદેવ માંકડ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button