રામનું સ્મરણ કરીએ અને રાષ્ટ્ર માટે સમર્પણ કરીએ તો ભવિષ્ય અદ્દભુત વળાંક લઇ શકે

માનસ મંથન -મોરારિબાપુ
આપણા સૌ ભારતીયો માટે આ ગૌરવનો દિવસ છે, કારણ કે આજે કૈલાસ-માનસરોવરની ભૂમિ પર, સંતોની ઉપસ્થિતિમાં આપણે બધાએ મળીને, આપણો ત્રિરંગો ફરકાવ્યો છે. સવારે મારી પાસે પ્રસ્તાવ આવ્યો કે અહીંની સત્તાનો પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો છે. મેં કહ્યું કે જરૂર ફરકાવે. એક વાત મારી પાસે એવી પણ આવી કે એ ધ્વજ પણ આપ જ ફરકાવો. મેં બહુ વિનમ્રતાથી કહ્યું કે એ ધ્વજ અહીંના અધિકારીગણ ફરકાવશે. હું મારા હાથે એ ધ્વજ નહીં ફરકાવું. હા, અમારા દેશનો ફરકાવીશ. આ બધાને આદર આપી, આજે સંતોની ઉપસ્થિતિમાં ધ્વજ ફરકાવ્યો. એ આપણો છે, કદાચ એટલા માટે પણ એવું લાગતું હોય, પણ દુનિયાના રાષ્ટ્રધ્વજ તો અમે બહુ જોયા છે, ત્રિરંગો, ત્રિરંગો છે. એની પોતાની ઊંચાઈ છે, મહિમા છે.
વિજયી વિશ્ર્વ ત્રિરંગા પ્યારા,
ઝંડા ઊંચા રહે હમારા !
આજના દિને, ખુશીના સમયે મારે બીજું કંઇ વધુ કહેવાનું નથી. ઠીક, આ ઝંડાને કહેવાવાળા રાષ્ટ્રના નેતાઓ, આગેવાનોએ, કેટલી ઈજ્જત કરી છે, એ વિષયમાં નથી જતો, પણ જેટલી ફકીરોએ, સાધુઓએ ઈજ્જત કરી છે, એટલી કોઈએ કરી નથી. અમારા પૂજ્ય મહારાજશ્રીએ વિવેકાનંદજી માટે સરસ શબ્દ પ્રયોગ કર્યો કે રાષ્ટ્રના એ પ્રણેતા હતા. આજે મને લાગે છે કે થોડો વખત રામકથાને પ્રણામ કરીને તેને રાષ્ટ્રકથા કહું. અને ભૂલતા નહિ, રાષ્ટ્રકથા પણ રામકથા જ છે. રામકથા રાષ્ટ્રકથા હોવા છતાં વૈશ્ર્વિક કથા છે.
જ્યાં સુધી આપણા દેશમાં રામકથા છે, કૃષ્ણકથા છે,શિવકથા છે, ઉપનિષદ છે અને એ નહીં રહેશે એવી વાત નથી, રહેશે, સદા સદા માટે રહેશે. બીજી વાતોથી તો થશે, પણ જ્યાં સુધી આપણી પાસે એ સંપદા છે, વૈદિક સંપદા, એ બધું,રામાયણ જેવી સંપદા આપણી પાસે છે, ત્યારે હું વ્યાસગાદી પરથી ખૂબ ભરોસા સાથે કહી શકું છું કે, ‘ઝંડા ઊંચા રહે હમારા’ -ઝંડો ઊંચો રહેશે.
સાચો સાધુ, સાધુ સચ્ચા જ હોય છે, સાધુ આગળ ‘સાચો’ એવું લગાવવાની જરૂર નથી, પણ દેશકાળ પ્રમાણે એ પ્રયોગ કરવો પડે છે, સાચો સાધુ સદૈવ રાષ્ટ્રીય ગૌરવથી ઓતપ્રોત હોય છે. કારણ કે રાષ્ટ્રીય ગૌરવથી ઓતપ્રોત ખરેખર જીવન એનું મનાશે, જે સત્તા પર નથી બેઠા, સત’ પર બેઠા છે. સત્તા જેની ભૂમિકા નથી, ‘સત’ હી જેની ભૂમિકા છે.
આજના આ રાષ્ટ્રીય પર્વ પર ‘સ્મરણ’ અને ‘સમર્પણ’નો જો આપણે સંકલ્પ કરીએ, રામનું આપણે સ્મરણ કરીએ, રાષ્ટ્ર માટે સમર્પણ કરીએ, તો ભવિષ્ય અદભુત વળાંક લઇ શકે છે. મારા રાષ્ટ્રની બડાઈ ક્યાં સુધી કરું ? ઘણા લોકો મને પ્રશ્ર્ન કરે છે, અમને થોડા ચિંતિત કરવાની કોશિશ પણ કરે છે કે, બે-ચાર વર્ષોથી કહ્યા કરો છો કે ભવિષ્ય ઉજ્જવળ છે, તો તેનું પ્રમાણ તો આપો. મેં કહ્યું કે મારી પાસે પ્રમાણ નથી. ફક્ત અંત:કરણની પ્રવૃત્તિ જ પ્રમાણ છે. તો કહું, આટલું રાષ્ટ્રમાં થાય છે, કંઇ કેટલું ખરાબ નીકળે છે, આ કાંડ થાય છે, તેને સારી નિશાની તો સમજો કે બુરાઈઓ બહાર નીકળી જાય છે. કચરો ખાલી થઇ રહ્યો છે. મને તો ભવિષ્ય બહુ ઉજ્જવળ દેખાય છે.
આ ત્રિરંગાના અધિકારી તો સાધુ-સંત છે, એની કારોબારી હેઠળ એ ફરકાવવો જોઈએ. ભ્રષ્ટાચારથી ગંદા થયેલા હાથ, રાષ્ટ્રધ્વજ ફરકાવવાને યોગ્ય નથી. જેમણે પોતાના હાથો વડે ભિક્ષા મેળવીને, પોતાના હાથોને રાષ્ટ્રને સમર્પિત કર્યા છે, એ પીયૂષપાની લોકો જ ત્રિરંગો ફરકાવવા માટે યોગ્ય મનાય. સંવિધાનનો આદર કરવો જોઈએ, કારણ કે આપણે ભારતના નાગરિક છીએ. ભારત આપણો દેશ છે.
દુનિયામાં કોઈ દેશ એવો નથી, જેમાં છ ઋતુઓ નિયમિત આવતી હોય. હું રામાયણની કૃપાથી દુનિયામાં ફર્યો છું. છ ઋતુઓ સપ્રમાણ આવતી હોય, એવો કોઈ દેશ દુનિયામાં નથી. બધી ચીજો પાકતી હોય, એવો દેશ દુનિયામાં નથી. શું નથી રાષ્ટ્રમાં? દુરુપયોગ થયો, થોડું આમતેમ થયું, વાત જુદી છે. બાકી-રાષ્ટ્ર એ રાષ્ટ્ર છે.
હિંદુસ્તાન તો એક સ્વસ્તિક છે. રામ અવતારે ભારતને ઉત્તરથી દક્ષિણ સુધી, અદભુત વૈદિક રેખા પ્રદાન કરી. કૃષ્ણ અવતારે જગન્નાથથી શરૂ કરીએ, તો પૂર્વથી પશ્ર્ચિમ દ્વારિકા સુધીની એક રેખા આપી, હિંદુસ્તાનને એક સ્વસ્તિક બનાવ્યો. ઉપરથી નીચે સુધી એક રેખા આવી, પૂર્વથી પશ્ર્ચિમ એક રેખા ગઈ. આપણા દેશમાં આદિ ગુરુ શંકરાચાર્યથી લઈને બીજા અન્ય આચાર્યો સુધી, આ રેખાઓને છોર લગાવી, સ્વસ્તિકને સુદ્રઢ કર્યો. વચ્ચે જે ચાર બિંદુઓ આવે છે, એ ભારતના દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રધાન ચાર જ્યોતિર્લિંગો છો. ક્યાં એવો દેશ છે?
આવા ભારતના સંતાન હોવાનું આપણને સૌને ગૌરવ છે. ભારત ભારત છે. આ નાની મોટી જે ગરબડો છે, એ તો નગણ્ય છે. જે દેશમાં રામકથા છે, ગીતા છે, એવા દેશમાં આવી નાની નાની વાતો તો કોઈ ગણતરીમાં લેવા જેવી નથી.
આ લીલો રંગ-ફકીરીનું પ્રતીક. આ ગેરુઆ રંગ-ભારતીય વેદાંત અને વૈરાગ્યનું પ્રતીક અને આ સફેદ રંગ-શાંતિ- ૐ શાંતિ: શાંતિ: શાંતિ:નું પ્રતીક અને આ ચક્ર ચરૈવેતિ ચરૈવેતિનું પ્રતીક છે.
તલગાજરડાના રામજી મંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠા થયા બાદ મેં એ પરંપરા શરૂ કરાવી કે ભગવાનની આરતી ત્રણ સમય થઇ જાય,પછી જે જયજયકાર થાય છે, એમાં ભારતના સૈનિકોની પણ જયજયકાર બોલાવાય,જે સિલસિલો આજે પણ ચાલી રહ્યો છે. રાજનીતિને ગૌણ બનાવીને રાષ્ટ્રપ્રીતિને પ્રધાન કરવી જોઈએ.
- સંકલન : જયદેવ માંકડ