ધર્મતેજ

ભક્તિભાવથી કથા સાંભળશું તો કર્મની જંજાળ ખતમ થશે

માનસ મંથન -મોરારિબાપુ

એક આંતર્રાષ્ટ્રીય સંમેલનમાં મારે બોલવાનું થયું હતું ત્યારે મેં કહેલું કે, તમે લોકો ‘રામાયણ’ને હિસ્ટ્રી કહો છો, પરંતુ તમને ખબર નથી કે એ કેવળ હિસ્ટરી નથી. ‘રામાયણ’ મિસ્ટરી છે. બાપ! આપણે જો ભક્તિભાવથી ભગવાનની કથા સાંભળશું, તો કર્મની બધી જ જંજાળ ખતમ થઈ જશે.

શાસ્ત્રોમાં મેં એવું વાંચ્યું છે કે, પ્રારબ્ધકર્મનું ફળ ભોગવવું જ પડે છે, પરંતુ ‘રામચરિતમાનસ’ને શરણે આવીએ તો, તુલસી આખા કર્મસિદ્ધાંતને એકબાજુ રાખીને કહે છે કે પ્રારબ્ધકર્મ પણ મટી જશે. તો આપણું પ્રારબ્ધકર્મ કેવી રીતે મટે? અહીં પાંચ વસ્તુ છે. મારાં શ્રાવક ભાઈ-બહેનો. બહુ ગંભીરતાથી વિચારજો. પ્રારબ્ધકર્મનો નાશ થશે, થશે, થશે. જો કે, શિવ કરાલ છે, પરંતુ કરાલતાથી વધારે એ કૃપાળુ છે.

नमामीशमीशान निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपं |
निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेहं |
કર્મનો સિદ્ધાંત કહે છે કે, આપણે આપણા પ્રારબ્ધકર્મનું ફળ ભોગવવું જ પડશે, ત્યારે કરુણાપૂર્ણ અસ્તિત્વ એક વટહુકમ બહાર પાડે છે કે પાંચ વસ્તુ કરો. એક, પવિત્ર હૃદયથી પ્રાર્થના કરવાથી પ્રારબ્ધકર્મ ક્ષીણ થવા લાગે છે. પવિત્ર હૃદયથી કરવામાં આવેલી પ્રાર્થના પ્રારબ્ધકર્મના બંધનથી આપણને મુક્ત કરી દે છે. અહલ્યાએ જ્યારે શુદ્ધ હૃદયથી પ્રભુને પોકાર્યા ત્યારે તેનું પ્રારબ્ધકર્મ મટી ગયું.

‘મહાભારત’માં દ્રૌપદીનું વસ્ત્ર ખેંચાઈ રહ્યું છે, દ્રૌપદીને ક્યું પ્રારબ્ધકર્મ ભોગવવું પડે છે? ભરી સભામાં એક આર્ય નારીને નિર્વસ્ત્ર કરવામાં આવી રહી છે! પ્રારબ્ધકર્મ ફળ આપવા લાગ્યું હતું, પરંતુ પ્રારબ્ધકર્મએ ત્યારે ફળ આપવાનું બંધ કરી દીધું, જ્યારે દ્રૌપદીએ પોતાના પવિત્ર હૃદયથી ઠાકોરજીને પોકાર્યા, ‘હે દ્વારકાધીશ, હે ગોવિંદ, હે હરિ, કૃષ્ણ, કૃષ્ણ, મહાયોગી.’ એ પોકાર, એ પવિત્રતમ હૃદયની પ્રાર્થના દ્રૌપદીને પ્રારબ્ધકર્મના ફળથી મુક્ત કરી દે છે.

‘હે ગોવિંદ, મને તમે યાદ આવો છો.’ શાંડિલ્ય કહે છે, પ્રાર્થના કરનારા ત્રણ વાર રડે છે. એક વાર પ્રાર્થના કરે, છતાં પણ પ્રભુની ઝલક ન મળે ત્યારે એ રડે છે. બીજી વાર ભક્ત ત્યારે રડે છે કે, પ્રભુની ઝલક મળે અને ચાલી જાય છે. ઠાકોરજીની ઝલક, એમની કરુણા મહેસૂસ થાય અને પછી વાત બદલી જાય. અને ભગવાન શાંડિલ્ય કહે છે, ભક્ત ત્રીજી વાર ત્યારે રડે છે, જ્યારે પરમાત્મા પૂરેપૂરા પ્રાપ્ત થઇ જાય છે. પછી શું કામ રડવું? એટલા માટે કે ‘हरि तुम बहुत अनुग्रह किन्हो’ તું મને મળે એવી મારી ઓકાત નહોતી. તું મને મળી ગયો! ભક્ત પાસે કઈ સંપદા છે? આંસુ જ. મારો એ વાત પર દૃઢ વિશ્ર્વાસ છે કે, જેમને પરમતત્ત્વનો અનુભવ કરવો હોય તેઓ બે વસ્તુ પર બહુ જ ભરોસો રાખે, એક અશ્રુ અને બીજો આશ્રય. સદ્ગુરુનો આશ્રય અને પ્રભુપ્રેમનાં અશ્રુ.

આંસુના સાત પ્રકાર હોય છે. એક હર્ષનાં આંસુ હોય છે. આંસુનો બીજો પ્રકાર શોક છે. ઘરમાં ન ઈચ્છતા હોઈએ એવી કોઈ ઘટના ઘટી જાય તો એ શોક માણસને રડાવે છે. આંસુની ત્રીજી શ્રેણી છે ક્રોધ. ગુસ્સામાં માણસ રડે છે. એક બાજુ ગુસ્સો કરે છે અને સાથે-સાથે રડે પણ છે. ચોથાં આંસુ છે યોગનાં આંસુ, સંયોગના આંસુ, મિલનનાં આંસુ. પાંચમા આંસુની શ્રેણી છે વિયોગનાં આંસુ. જેમ મારી વ્યાસપીઠ ગાય છે, ‘निशदिन बरसत नैन हमारे’ એ વિયોગનાં આંસુ છે. હર્ષનાં આંસુ, શોકનાં આંસુ, ક્રોધનાં આંસુ, યોગનાં આંસુ, વિયોગનાં આંસુ હોય છે. આંસુની છઠ્ઠી શ્રેણી છે કપટનાં આંસુ, ખોટું રડવું! ઘણાં લોકો દેખાવ કરવા માટે કપટનાં આંસુ સારતાં હોય છે! કોઈ ગ્લાનિ કે કોઈ પીડા નથી હોતી! સાતમી અને અંતિમ આંસુની શ્રેણી છે પ્રેમ, કરુણાનાં આંસુ. કોઈ કામ નહીં, કોઈ હેતુ નહીં, અનપેક્ષભાવ હોય તો પણ આંસુ આવે, કેવળ પ્રેમના કારણે, કેવળ ભક્તિના કારણે.

તો, ભક્ત રડે છે. જ્યારે પ્રભુને પુરા પામી લીધાં હોય ત્યારે અહોભાવનાં આંસુ આવે છે. વિશ્ર્વાસ કરજો, વિશુદ્ધ હૃદયની પ્રાર્થના પ્રારબ્ધકર્મના ભોગથી મુક્ત કરી દે છે. બીજું, ક્ષમાયાચના પ્રારબ્ધકર્મના ફળથી મુક્ત કરી દે છે. આપણે કશુંક ખોટું કર્યું હોય તો એ પ્રારબ્ધ સંચિત થાય અને ફળ મળવા લાગે પછી ફળ ભોગવવું પડે છે; એવી રીતે આપણી ત્રુટિ, આપણી નબળાઈઓ સમજાય અને જેનું ખરાબ આપણે કર્યું હોય ત્યાં જઈને એકવાર ક્ષમા માગીએ, પૂરા દિલથી ક્ષમા માંગીએ, તો પ્રારબ્ધકર્મનું ફળ મળવું બંધ થઈ જશે, પરંતુ અહંકાર બાધક બને છે. કારણ ખતમ કરો, કાર્ય આપોઆપ ખતમ થઈ જશે. ત્રીજું, પ્રાયશ્ર્ચિત કરવાથી પ્રારબ્ધકર્મના ફળનો નાશ થાય છે.

હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે. પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. ચોથો બહુ સરળ ઉપાય છે, કૃષ્ણનામનો જપ, હરિનામનો જપ, રામનામનો જપ. જેમના પ્રત્યે તમારી આસ્થા હોય એ પ્રભુનું નામ લો. પરંતુ હરિનામ જપવાનો મૂડ પણ નથી આવતો, ત્યારે પાંચમું સૂત્ર આવે છે કે રામની કથા સાંભળો, પ્રારબ્ધકર્મનો નાશ થઈ જશે. તમે જાણો છો આ ગ્રંથના સાત કાંડ છે. તેમાંના બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્ક્ધિધાકાંડ, સુંદરકાંડ અને લંકાકાંડ એ છ કાંડમાં જીવનની સમસ્યાઓને ચરિતાર્થ કરી છે, જીવનના સંઘર્ષોને લોકોની સામે રજૂ કર્યા છે. ભગવાન રાઘવને અને એના પરિવારને માધ્યમ બનાવીને. જે સમસ્યાઓ, જે સંઘર્ષો, પ્રત્યેક વ્યક્તિના જીવનમાં દરેક કાળમાં આવી છે, આવતી રહી છે, આવતી રહેવાની છે. ઉત્તરકાંડમાં તેના બધા જ જવાબો તુલસીદાસજીએ તૈયાર કરીને આપી દીધા છે. તો એવો એક મહાન ગ્રંથ… જે સમસ્યા પણ બતાવે છે, મારામાં અને તમારામાં પડેલી સમસ્યાઓને ખોલે છે અને તેનું સંપૂર્ણ સમાધાન પણ આપે છે. અદ્ભુત સમાધાન આપે છે. તો એવા મહાન ગ્રંથનું પારાયણ… સત્સંગ આજથી શરૂ થઈ રહ્યું છે.

રામાયણને સંતોએ ત્રણ ભાગમાં વહેંચી છે. પ્રત્યે વ્યક્તિના જીવનમાં ત્રણ ભાગ હોય છે. આ કથા કેવળ વાર્તા નથી, કેવળ ઈતિહાસ નથી, આ કથા મારા અને તમારા જીવનનું દર્શન છે. અયોધ્યાના મહાત્માઓ તો એમ કહે છે કે, બાલકાંડનો આરંભ, અયોધ્યાનો મધ્ય અને ઉત્તરનો અંત જે બરાબર સમજે એ પૂરો સાધુ. આવી એક વ્યાખ્યા છે. રામાયણના તત્ત્વજ્ઞાનને પ્રારંભ, મધ્ય અને અંત એમ ત્રણ ભાગમાં વહેંચી શકાય. રામકથાનો આરંભ સંશયથી-શંકાથી થાય છે; સવાલ છે, પ્રશ્ર્ન છે. રામાયણનો મધ્ય સમાધાન છે. અને રામાયણનો અંત જીવની રાઘવની શરણાગતિ છે. સંશયના સમાધાન અને શરણાગતિમાં મને અને તમને દોરી જતો આ ગ્રંથ પ્રત્યેક વ્યક્તિના જીવનમાં સંશયોનું પ્રતિનિધિત્વ કરે છે. મારા અને તમારા જીવનમાં આવતી સમસ્યાઓનું સમાધાન એમાં છે. પૂર્ણ સમાધાન છે. અને એમ કરતાં કરતાં અંતે જે પામવાનું છે તે ઈશ્ર્વરની શરણાગતિ તરફ આપણને દોરી જાય છે. સંકલન : જયદેવ માંકડ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker