માનસ મંથન : સિંદૂરવાળા પથ્થરને આપણે ઠુકરાવતા નથી તો જીવંત માણસને કેમ ધિક્કારીએ છીએ?
-મોરારિબાપુ
હું કાલે કહેતો હતો કે પરમાત્મા મોકો આપે છે કે હું દરેક મોડ પર ઊભો છું, ચૂકશો નહીં. હું ક્યારેક કોઈ ગરીબનાં આંસુ લઈને ઊભો છું; ક્યારેક ભૂખ્યું પેટ લઈને ઊભો છું; ક્યારેક નાચતો-નાચતો ઊભો છું; ક્યાંક દર્દીના રૂપમાં ઊભો છું. દરેક મોડ પર ઠાકુર મોજૂદ છે.
સત્સંગ એ જ કામ કરે છે, રામકથા એ જ કામ કરે છે કે આપણામાં એક પ્રકારની વિવેકદ્રષ્ટિ આવી જાય. કોઈ રસ્તામાં ક્યાંક નાનો એવો પથ્થર મૂકી દે. પછી કોઈ એને સિંદૂર લગાવી દે; હનુમાન બનાવી દે, માતાજી બનાવી દે; તો પછી તમે એને ઠુકરાવશો નહિ. તમારી આસ્થા સ્વાભાવિક છે પણ મારી સમજમાં નથી આવતું કે માણસ જીવંત પરમાત્માઓને ધક્કો કેમ મારી રહ્યા છે ? બિહારને હું આ રૂપમાં જોઉં છું.
સમગ્ર પ્રદેશને, સમગ્ર વિશ્ર્વને હું આ રૂપમાં જોવા માગું છું. ક્યારેક ગાંધીજીએ કહ્યું, ક્યારેક રમણ મહર્ષિએ કહ્યું હતું કે અભાગી માણસ મારા ઈશ્ર્વર છે. કોણ ઈશ્ર્વર ? રામ તો છે જ. કૃષ્ણ તો છે જ. શિવ તો છે જ. જુદા-જુદા અધ્યાત્મ પરંપરાના લોકોના પોતપોતાના જુદા-જુદા ઈશ્ર્વર હશે. હું બહુ જ આદર સાથે કહી રહ્યો છું અને માણસ છેવાડાના વિસ્તારમાં પડેલો જ રહેશે; એનામાં આપણે પરમાત્માનાં દર્શન નહીં કરીએ તો પછી એની મજબૂરી એને વ્યસની બનાવી દેશે! એની મજબૂરી એને ચોરી કરવાનું શીખવી દેશે!
જીવનના દરેક મોડ પર પરમાત્મા છે. તમને અહીં મા જાનકીના પ્રસાદના રૂપમાં ભોજન પીરસવામાં આવી રહ્યું છે. એ કંઈ તમારી પાસે ભોજનની વ્યવસ્થા નથી એટલા માટે નહીં, પરંતુ તમને પરમાત્મા સમજીને ભોજન પીરસવામાં આવી રહ્યું છે. તમારી ડિશમાં શું અન્ન આપવામાં આવી રહ્યું છે ? ભારતનું ઉપનિષદ કહે છે, ‘અર્ધ્ણૈ રૂૄહ્જ્ઞરુટ વ્રઘળણળટ્ર’ કોઈ તમારી ડિશમાં એક રોટી આપે છે તો એ તમને બ્રહ્મ આપે છે, તમને પરમાત્મા આપે છે. તમે રોટી નથી ખાતા, તમે રામને ભોગવી રહ્યા છો.
Also Read – ભજનનો પ્રસાદ : બ્રહ્માનંદસ્વામી: શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપૂર્ણ ઉદ્ગાતા
તો, પરમાત્મા મોકો આપે છે, દરેક મોડ પર હું ઊભો છું. એક પથ્થર પર સિંદૂર લાગી જાય છે તો આપણે તેને ઠુકરાવતા નથી, તો જીવંત પરમાત્માઓને કેમ ઠુકરાવાઈ રહ્યા છે? સમાજનાં બીજાં ક્ષેત્રો ઠુકરાવે, એ એનું નસીબ ! કમ સે કમ ધર્મજગત ન ઠુકરાવે. સૌને ગળે લગાવો. હું ત્રણ સૂત્ર કહું છું. સત્ય વ્યક્તિગત રાખો. બીજા સત્ય બોલે કે ન બોલે એનો, રંજ ન કરો. હું બોલી રહ્યો છું કે નહીં, હું બીજાના સત્યને સ્વીકારું છું કે નહીં, મને સત્ય પ્રિય લાગે છે કે નહીં? એ જ વિચારો. સત્ય વ્યક્તિગત હોવું જોઈએ.
અને પ્રેમ પરસ્પર હોવો જોઈએ. આપણે એકબીજાને પ્રેમ કરીએ. અને કરુણા બધા પ્રત્યે રાખવી જોઈએ. બસ, આ જ છે જીવન. સ્પ્રેડ લવ બિકોઝ લવ ઈઝ લાઈફ. ડોન્ટ સ્પ્રેડ હેઈટ બિકોઝ હેઈટ ઈઝ ડેથ. નફરત, ઘૃણા, તિરસ્કાર, ઉપેક્ષા એ મોત છે. મૃત્યુ શું છે? ‘રામચરિતમાનસ’ માં લખ્યું છે-
ચૌદ લોકો જીવતા હોય તો પણ મરેલા છે. ફાઈવ સ્ટાર-સેવન સ્ટાર હોટલમાં જીવતા હોય તો પણ મરેલા છે, મડદાં છે, લાશ છે. ‘કૌલ’; વામ માર્ગી. આખી દુનિયાથી વિપરીત ચાલનારો માણસ જીવિત નથી, મરેલો છે. ‘કામબસ’; અત્યંત ભોગી, નિરંતર ભોગ સિવાય જેની આંખમાં કશું નથી, એ જીવિત નથી; મરેલો છે, મડદું છે. ‘કૃપિન’; અત્યંત લોભી, કંજૂસ મરેલો છે. ‘મૂઢ’; મૂરખ, નાસમજ, બેહોશ, જેને મરેલો કહેવાયો છે. અતિ ‘દરિદ્ર’; અત્યંત ગરીબ. ઈવન વાણીનો પણ ગરીબ. શુભ બોલે પણ નહીં, સારું બોલે પણ નહિ! ‘અજસી’; જેને જગતમાં બદનામી મળી હોય, એ મરેલો છે. ‘અતિ બૂઢા’; અત્યંત વૃદ્ધ, એ પણ મૃત:પ્રાય છે. ‘સદા રોગબસ’; ગોસ્વામીજી કહે છે, સદાય જે રોગ અને વ્યાધિથી પીડિત છે એ જીવિત નથી. એમનું અપમાન ન કરવું, એમને ધક્કો ન દેવો; એ બિચારો ઓલરેડી મરેલો છે. ‘સંતત ક્રોધી’; ચોવીસ કલાક જે ક્રોધ કરે છે, દરેક વાતમાં ક્રોધ, દરેક વાતમાં ક્રોધ! પોતાની ઊર્જાને જે ગુમાવે છે, એ મરેલો છે! અને ‘બીષ્નું બિમુખ’; ભગવાન નારાયણના વિરોધી અથવા વિષ્ણુ એટલે વિશાળતાતા, જેમનું દિલ વિશાળ છે,
જેમની દ્રષ્ટિ વિશાળ છે, જેમના વિચાર વિશાળ છે, જેમનું અંત:કરણ બહુ વિશાળ છે, એવી વ્યક્તિનો વિરોધ કરનારા પણ મરેલા છે. ‘શ્રુતિ’ શ્રુતિ એટલે વેદ. વેદનો જે વિરોધ કરે છે; જે કલ્યાણકારી સદ્ગ્રંથ છે, જે દરેક યુગમાં પ્રેક્ટિકલ છે, એવા બુદ્ધપુરુષોનાં વચનોનો સંગ્રહ છે, એનો વિરોધ ન થવો જોઈએ. ‘સંત વિરોધી’; ‘રામાયણ’ માં કહ્યું છે કે જે સંતનો વિરોધી છે, એ ઓલરેડી મરેલો છે. સંતનાં ચરણસ્પર્શ કરવાની ઈચ્છા ન હોય તો ન કરવા પરંતુ વગર વિચાર્યે, વગર જાણ્યે સંતનો વિરોધ કરવો નહીં. મારાં ભાઈ-બહેનો, પરમાત્મા પાસે માગવું કે અમે સાધુને ઓળખી ન શકીએ તો કોઈ ચિંતા નહીં, પરંતુ અમારે કારણે કોઈ સાધુને ઠેસ ન પહોંચે.
‘તનુ પોષક’; જે માત્ર પોતાના શરીરનો જ ખ્યાલ રાખે. બસ, મને રોટી મળી જાય, મને આ મળી જાય, મારું કામ થઈ ગયું ! બીજાની જરા પણ ચિંતા ન કરે; એ મરેલો છે. ‘નિંદક’; બીજાની નિંદા કરનારો મરેલો છે. કોઈ તમારી પાસે આવીને બીજાની નિંદા કરે તો સમજવું કે એ મડદું છે, શબ છે ! એથી સૌને પ્રેમ કરો.
- સંકલન : જયદેવ માંકડ