તમને જવાબ આપતા મારા શબ્દોમાં જો કઠોરતા આવી ગઈ તો તેની અસર મારી આરાધનામાં થશે
શિવ રહસ્ય -ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
પોતાના હાથમાંથી દૂધનો પ્યાલો છીનવાઈ જતાં ઉપમન્યું આક્રંદ કરે છે.
દેવિકા: ‘પુત્ર ઉપમન્યુ તારે દૂધ પીવું છે તો ભગવાન શિવની આરાધના કર, એ તને દૂધનો સાગર પ્રદાન કરશે.’
ઉપમન્યુ: ‘હું દૂધ માટે નહીં, પણ તમારા દુ:ખ દૂર કરવા ભગવાન શિવની આરાધના કરીશ.’
માતાની સલાહ માની ઉપમન્યુ ભગવાન શિવની આરાધના કરવા ચાલી નીકળે છે. વનમાં ઓમ નમ: શિવાય’ના જાપ કરતાં કરતાં આગળ વધતો હોય છે. એક સ્થળે ગાયમાતા પોતાના આંચળથી એક પથ્થર પર દૂધાભિષેક કરતી નજરે પડતાં જુએ છે. નજદીક જઈ જુએ છે તો એને એક શિવલિંગ દૃશ્યમાન થાય છે. ઉપમન્યુ સમજી જાય છે કે શિવઆરાધના કરવા આનાથી ઉત્તમ સ્થળ બીજું કોઈ નહીં હોય. તુરંત વનમાંથી પુષ્પો લઈ આવે છે અને એ શિવલિંગ સમક્ષ બેસી પોતાની આરાધના શરૂ કરે છે.
કૈલાસ ખાતે માતા પાર્વતી અને ભગવાન શિવ ચર્ચા કરતા હોય છે
માતા પાર્વતી: ‘સ્વામી, ઘણા દિવસ થઈ ગયા સિદ્ધિ-બુદ્ધિ તેમના પિતાના ઘરે ગઈ છે અને હવે તો ગણેશ પણ ત્યાં પહોંચી ગયા છે. હું મારા બંને પુત્રનો વિયોગ સહન કરી રહી છું. મારો પુત્ર વિયોગ કયારે પૂર્ણ થશે?’
ભગવાન શિવ: ‘દેવી થોડા જ સમયમાં તમારો પુત્ર વિયોગ દૂર થશે અને તમને વધુ એક પુત્ર મળશે.’
આટલું બોલતાં જ ઉપમન્યુની આરાધના સ્વર કૈલાસ સુધી પહોંચવા માંડયો.
ભગવાન શિવ: ‘દેવી પાર્વતી હવે સમય થઈ ગયો છે મારે મારા ભક્ત ઉપમન્યુની પરીક્ષા લેવી જ પડશે.’
એટલું કહી ભગવાન શિવ કૈલાસથી વિદાય લે છે.
ઉપમન્યુની પરીક્ષા લેવાની હોવાથી ભગવાન શિવ દેવરાજ ઈન્દ્રનું રૂપ લઈ ઉપમન્યુ સમક્ષ પ્રગટ થાય છે.
ભગવાન શિવ: ‘ઊઠ બાળક તું શું કરી રહ્યો છે?’
ઉપમન્યુ: ‘હું ભગવાન શિવની આરાધના કરી રહ્યો છું.’
ભગવાન શિવ: ‘એ ભભૂતધારી પાસે ભભૂત સિવાય કાંઈ નથી, તેને છોડ મારી સાથે આવ.’
ઉપમન્યુ: ‘માફ કરો, હું ફક્ત શિવ દર્શનનો અભિલાષી છું.’
ભગવાન શિવ: ‘હું સ્વર્ગાધિપતી દેવરાજ ઇન્દ્ર છું, તું અને તારી માતા દરિદ્રતાભર્યું જીવન ગુજારી રહ્યા છો, હું તારી દારિદ્રતા દૂર કરવા આવ્યો છું, તું અને તારી માતા મારી સાથે સ્વર્ગલોક ચાલો ત્યાં તમને દરેક પ્રકારનું સુખ મળશે. એ ભભૂતધારી પાસેથી તને કંઈ નહીં મળે.’
ઉપમન્યુ: ‘સાવધાન દેવરાજ, સમસ્ત સંસારના ત્રણે લોકમાં પૂજાનારા ભગવાન શિવનું નામ નાના વિચાર અને ખોટા શબ્દોથી કરી રહ્યા છો, મોટાઓને માન-સન્માન આપવું આપણી ફરજ છે.’
ભગવાન શિવ: ‘હે અજ્ઞાની બાળક, સમજવાની કોશિષ કર હું તારા લાભની વાત કરી રહ્યો છું.’
ઉપમન્યુ: ‘મારા લાભ માટે ભગવાન શિવ વિશે ખોટા શબ્દો વાપરવા જરૂરી છે ઇન્દ્ર મહારાજ?’
ભગવાન શિવ: ‘નહીં, મારો કોઈ આશય નથી તેમના માટે ખોટા શબ્દો વાપરવાનો, પણ હું તને એટલું જરૂર જણાવીશ કે ભગવાન શિવની આરાધના કરવાથી તને કંઈ નહીં મળે.’
ઉપમન્યુ: ‘હું કંઈ લેવા-દેવા માટે આરાધના નથી કરતો, મારા માતા-પિતાએ મને કહ્યું હતું કે, આ જગતમાં વરદાન દેનારા દેવોમાં ભગવાન શિવ સર્વશ્રેષ્ઠ છે.’
ભગવાન શિવ: ‘એ સ્મશાન નિવાસી અને શ્રેષ્ઠ વરદાનદાતા? કયા ભ્રમમાં છે તું ઉપમન્યુ.’
ઉપમન્યુ: ‘મારા ભ્રમની ચિંતા ના કરો ઇન્દ્ર મહારાજ, મારી વિનંતી છે કે મને મારા ભ્રમમાં છોડી આપ અહીંથી વિદાય લો, જેથી હું મારી આરાધના નિરંતર ચાલુ રાખી શકું.’
ભગવાન શિવ: ‘અરે મૂર્ખ બાળક તું સમજતો કેમ નથી? કેટલાય જ્ઞાનીઓ સ્વર્ગનું સુખ માણવા તલપાપડ છે, હું તને સ્વર્ગનું સુખ આપવા માંગું છું, પણ તું સમજતો જ નથી.’
ઉપમન્યુ: ‘ઇન્દ્ર મહારાજ તમે તમારી ગરીમા જાળવી શક્યા નથી, તમને જવાબ આપતા મારા શબ્દોમાં જો કઠોરતા આવી ગઈ તો તેની અસર મારી આરાધનામાં થશે, મારી વિનંતી છે તમે અહીંથી ચાલી જાવ.’
આ દેવરાજ ઇન્દ્રના રૂપમાં આવેલા ભગવાન શિવ અને ઉપમન્યુ વચ્ચે થઈ રહેલા વાર્તાલાપને જોઈ રહેલા દેવર્ષિ નારદ સ્વર્ગલોક પહોંચી દેવરાજ ઇન્દ્રને જણાવે છે. દેવરાજ ઇન્દ્ર ભયભીત થઇ કૈલાસ પહોંચે છે.
દેવરાજ ઇન્દ્ર: ‘રક્ષા કરો માતા, રક્ષા કરો માતા.’
માતા પાર્વતી: ‘દેવરાજ ઇન્દ્ર, આટલા ભયભીત કેમ છો?’
દેવરાજ ઇન્દ્ર: ‘ભગવાન શિવ મારું ઇન્દ્રાસન ઉપમન્યુને આપી દેવા માંગે છે. રક્ષા કરો માતા.’
માતા પાર્વતી: ‘પણ તેઓ છે ક્યાં અને તેઓ તમારું ઇન્દ્રાસન ઉપમન્યું શું કામ આપવા માંગે છે?’
દેવરાજ ઇન્દ્ર: ‘માતા તમે જ મારી સાથે ચાલો અને તેમને પૂછો.’
દેવરાજ ઇન્દ્રની કાકલૂદીથી માતા પાર્વતી ભગવાન શિવને મળવા જવા તૈયાર થાય છે. દેવરાજ ઈન્દ્ર અને માતા પાર્વતી દૂરથી ભગવાન શિવ ઉપમન્યુની પરિક્ષા લઈ રહેલા નજરે પડે છે.
ભગવાન શિવના ઇશારે ઉપમન્યુની આજુબાજુમાં આગની જ્વાળાઓ લપેટાઈ જાય છે, ગભરાયેલો ઉપમન્યુ ભગવાન શિવની લિંગને વિંટળાઈ જાય છે અને ‘ૐ નમ: શિવાય’ના જાપ શરૂ કરે છે, થાકી હારી ભગવાન શિવ પોતાનો ખરો વેશ ધારણ કરતાં આગની જ્વાળાઓ અદૃશ્ય થઈ જાય છે. ‘ૐ નમ: શિવાય’ના જાપમાં ઉપમન્યુ લીન થઇ જાય છે.
ભગવાન શિવ: ‘ઊઠ ઉપમન્યુ તમારી પરિક્ષા પૂર્ણ થઇ છે.’
ભગવાન શિવને જોઈ ઉપમન્યુ પ્રસન્નતા અનુભવે છે અને ચરણસ્પર્શ કરે છે.
ભગવાન શિવ: ‘ઉપમન્યુુ તમે મારા દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છો, અલ્પઆયુમાં સ્વર્ગનું પ્રલોભન ઠુકરાવી પ્રખર શિવભક્તોમાં તમારું નામ જોડી દીધું છે. વરદાન માંગો શું જોઈએ છે?’(ક્રમશ:)