ધર્મતેજ

અનુકૂળ કે પ્રતિકૂળની માગ કરનાર મન જોસમાપ્ત થઇ જાય તો શાંતિ પ્રાપ્ત થાય

માનસ મંથન -મોરારિબાપુ

બાપ ! આપણા શરીરમાં વાત, પિત્ત, કફ ત્રણે સપ્રમાણ હો, તો આયુર્વેદ કહે છે કે શરીર સારું રહે છે. એવી રીતે મનમાં રહ્યા કામ, ક્રોધ, લોભ પ્રમાણમાં રહે તો મન સાથસાથ ચાલે છે, ઉપર નથી ચઢી જતું. એમાં એક વસ્તુ અતિરેક કરી જાય તો મન માથા પર ચઢી જાય છે. માથા પર ચઢી જાય, પછી બધી ગરબડ થાય છે.

‘તન્મે મન: શિવસંકલ્પમસ્તુ:’
મનની જ્યાં સ્તુતિ, વંદના કરી છે, ત્યાં મનને સાથે સાથે રાખવાની વાત છે, એવી રીતે સાધક ચાલે. વાત, પિત્ત, કફને વધવા ન દો તો શરીર વિકૃત ન થાય. એવી રીતે મનને પણ વિકૃત ન કરો. જવું છે ક્યાં, મન પહોંચાડશે ક્યાં? કથા સાંભળતા સાંભળતા, મનને સાથે રાખો એને બહુ ઉપર ન ચઢવા દેશો, તો ફાયદો થઈ શકે છે. અને મન ચાલી જ જાય,તો તો પછી શી વાત છે ? મનની સમાપ્તિનું નામ શાંતિ છે, તમારા મગજમાં ઉતરે તો જડ કરી દેજો.

મનની સમાપ્તિનું નામ શાંતિ છે, આત્માની પ્રાપ્તિનું નામ આનંદ છે. શાંતિ અને આનંદમાં તફાવત છે. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: એ એક સીમા તક છે. મનની સમાપ્તિ એ શાંતિ, જેવી રીતે મન ગયું, અમન થઈ ગયું. અમનનો એક અર્થ છે શાંતિ. અશાંતિનો અભાવ શાંતિ, સીધી વાત છે. મન સમાપ્ત થઈ જાય તો શાંતિ. આત્માની પ્રાપ્તિ થઈ જાય, આત્મા સમજમાં આવી જાય, આનંદ છે. આનંદ અને શાંતિમાં ફેર છે. તેથી સાધકોએ ‘શાંતિ’માં ન રોકાતા, આનંદની માંગ કરવી જોઈએ. શાંતિ તો ઘરમાં કોઈ ન રહ્યું, બધાં ચાલી ગયા, કોઈ અહીં ગયું, કોઈ ત્યાં ગયું, કોઈ પિક્ચરમાં ગયાં, બધાં ચાલી જશે, તમે ઘરમાં એકલા બેસો, તો શાંતિ થઈ જશે. ઉપર ઉપરની શાંતિ તો થઈ જશે. ભીતરનું મન ચાલી જાય તો શાંતિ થઈ જશે. પણ આનંદ નહીં મળે. શાંતિ અને આનંદમાં બહુ ફેર છે.
સુખ, શાંતિ અને આનંદ ત્રણે વસ્તુ સમજી લેજો. સુખ જુદી વસ્તુ છે, શાંતિ જુદી વસ્તુ છે, આનંદ જુદી વસ્તુ છે. પદાર્થ પર આધારિત, શરીરની બધી ઇન્દ્રિયોને પોતાના મન વાંચ્છિત વિષયો મળે એ સુખ છે. મારી આંખોને, જે હું જોવા માગું છું એ મળી જાય તો સુખ. મારી જીભ જે ખાવા માંગે એ મળી જાય તો સુખી, હું જેને ચાહું એને સ્પર્શી લઉં, પકડી લઉં, આ પૈસા મારા હાથમાં આવી જાય, કોઈની તસવીર મારા હાથમાં આવી જાય, હું જેને સ્પર્શ કરવા માગું એ મારા હાથમાં આવી જાય તો સુખ. મારા પગને અનુકૂળ ગતિ મળે તો સુખ છે. મારા કાનને સ્તુતિ સારી લાગે છે. કોઈ મારી પ્રશંસા કરે, સુખની પરિભાષા એ છે. પોતાના શરીરની ઇન્દ્રિયોને અનુકૂળ વિષયોની પ્રાપ્તિ, એનું નામ સુખ પણ એની સામે દુ:ખ ઊભું છે. એને અનુકૂળ ન મળે તો દુ:ખ છે. અનુકૂળ, પ્રતિકૂળની માંગણી કરનાર મન જ ન રહે તો એ શાંતિ છે. પછી એ યાત્રામાં આત્માની પ્રાપ્તિ,સ્મૃતિ થાય તો આનંદ છે,કારણ આત્મા આનંદ સ્વરૂપ છે. ત્યારે વ્યક્તિ આનંદ મેળવે છે.

આમ તો કહેવું જોઈએ કે જે અહીંથી ગયા તેને માટે, લોકો કહે છે, કે ભગવાન એને શાંતિ આપે, સારી વાત છે. પણ ખરેખર તો અધ્યાત્મમાં કહેવું જોઈએ કે ભગવાન એને આનંદની પ્રાપ્તિ કરાવે, એવું બોલવું જોઈએ. વ્યવહારમાં ઠીક છે કે લોકો બોલે કે શાંતિ મળે, કારણ અહીં કોઈને લેવા નથી દીધી. એટલે લોકો બોલે છે, હોશિયાર છે કે, ભગવાન એને શાંતિ આપે, કારણ ઘરમાં એણે કોઈને લેવા નથી દીધી. પરંતુ અધ્યાત્મમાં તો કહેવું જોઈએ કે આત્માનો આનંદ મળે. એને આનંદની પ્રાપ્તિ થાય, આત્માની પ્રાપ્તિ થાય. આત્માની પ્રાપ્તિનું નામ આનંદ, મનની સમાપ્તિનું નામ શાંતિ. શરીરની ઇન્દ્રિયોને અનુકૂળ વિષયોની પ્રાપ્તિ એનું નામ સુખ. આનંદ મળે, આનંદ સુધી આપણી યાત્રા હો. એ ત્યારે થાય છે, જ્યારે મન સાથે સાથે પણ ન રહે, મન બિલકુલ ચાલી જાય, મન બિલકુલ સમાપ્ત થઈ જાય. બહુ કઠિન છે. આત્માની પ્રાપ્તિ એનું નામ છે. મન માથા પર ચઢી ગયું હોય, મહાભારતના કથન અનુસાર, તો બધાં કાળ,કર્મની ગતિથી પરેશાન રહે છે, બહુ બહુ વિચિત્ર છે.

કદી કદી તમને મન લાગે કે તમારા કહ્યા પ્રમાણે કરી રહ્યું છે, પણ હું બહુ અભ્યાસ કરીને, અનુભવમાં લઈને બોલી રહ્યો છું કે મન તમારું કહ્યું કરતું લાગે તો પણ બહુ સાવધાન રહેજો. વિચારીને વિચારીને કહી રહ્યો છું કે મન તમારા કહ્યા પ્રમાણે કરતું હોય એવું લાગે તો પણ ભરોસો નહીં કરતાં, કારણ મનને જ્યારે લાગશે કે હવે પકડાઈ જઈશ, તો તમારા પક્ષમાં ઊભું રહી જશે. મનની ગતિ,મનનું ચાંચલ્ય,પાંચ પ્રકારનાં માનવામાં આવ્યા છે. ‘માનસ’ને કેન્દ્રમાં રાખીને તમારી સાથે વાત કરું તો એક તો મનની મીનગતિ માનવામાં આવી છે. એનું ચાંચલ્ય માછલી જેવું છે. મનની એક ગતિ છે મર્કટગતિ,ચાંચલ્યનું એક રૂપ છે વાનરનું ચાંચલ્ય. ‘ઇંરુક્ષ ર્ખૈખબ લરૂવિ રુરૂરુઢ વણિળ’ મનનું એક ત્રીજું ચાંચલ્ય છે એ છે મધુકર એટલે કે ભમરાનું ચાંચલ્ય. મનના ચાંચલ્યની ચોથી ગતિ છે મૃગગતિ. મૃગનો એક અર્થ તો થાય છે પ્રાણીમાત્ર,પરંતુ અહીં હરણ અભિપ્રેત છે. મનનું એક ચાંચલ્ય છે હરણનું ચાંચલ્ય. જેવી રીતે મારીચ મૃગ બનીને આવે છે. પાંચમું,મદોન્મત્ત હાથીનું ચાંચલ્ય. હાથી જેટલો ભારે છે એટલો ચંચળ નથી પરંતુ જ્યારે મદયુક્ત થાય છે ત્યારે એનું ચાંચલ્ય વિનાશ કરી દે છે. હવે આ પાંચ પ્રકારનાં ચાંચલ્ય આપણા બધાના મનમાં છે. કેવી રીતે એ અમૃતને ધારણ કરવું? એટલા માટે આ શબ્દ આવ્યો છે ‘સાવધાન’. આપણને શીખવવામાં આવ્યું છે કે મનને મારો ! મન ક્યાં મરે છે ? એને પોતાના સ્વભાવમાં રહેવા દો ને ! મન સાથે તકરાર શા માટે કરીએ ? એકરાર કરીએ. ગુરુકૃપાથી હું પણ થોડું સમજી શક્યો છું. હું તો એ પક્ષનો માણસ છું કે મન સાથે તકરાર કરવામાં ઘણાં વર્ષો વીતી જાય છે! અને જિંદગી બહુ
મૂલ્યવાન છે. મનને બાંધો નહીં,મનને સાંધો.

આપણને શીખવવામાં આવ્યું છે કે મનને બાંધો. આ લાલ વસ્તુ છે એના પર મનને કેન્દ્રિત કરો. ૐકાર પર કેન્દ્રિત કરો. આ જ્યોતિ પર કેન્દ્રિત કરો. માછલી કેવી સુંદર હોય છે! માછલીની જેમ આપણું મન ચંચળ હોય તો એની સાથે મહોબ્બત કરો.

  • સંકલન : જયદેવ માંકડ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button