ભગવાનના ચરણમાં પ્રેમ જાગશેતો ક્લેશો એની મેળે હટી જશે
માનસ મંથન -મોરારિબાપુ
એક પ્રશ્ર્ન આવ્યો છે કે જીવનમાં ક્લેશો, સંકટો, દુ:ખો, ચિંતાઓ, ઉપાધિ આદિ જે છે તે ભગવાનનાં ચરણમાં દ્રઢ ભક્તિ લાગે તો એનાથી મુક્તિ મળે કે એ કપટો હટી જાય પછી મુક્તિ મળે ? પ્રભુમાં પછી મન લાગે ?
બહુ ચર્ચાયેલો પ્રશ્ર્ન છે. બન્ને વસ્તુઓનો વિચાર કરવો જોઈએ. ઘણી વખત એવું પણ લાગે છે. અનુભવથી કે, થોડાક ક્લેશો ઓછા થાય તો પ્રીત જાગે. ઉપાધિ, ચિંતાઓને કારણે એક પતિ પોતાની પત્નીને ઘણી વખત પ્રેમ નથી કરી શકતો. એક બાપ પોતાનાં બાળકોને એટલું વાત્સલ્ય પણ નથી આપી શકતો.
પૂર્ણપક્ષ તો એ જ છે કે ભગવાનના ચરણમાં પ્રેમ જાગશે તો ક્લેશો એની મેળે હટી જશે. બાપ પ્રેમાળ હોય,પરિવાર પ્રેમાળ હોય, ઘેર પ્રેમાળ વાતાવરણ હોય તો બધાં સંકટો ભૂલી જાય એ પણ એટલું જ સત્ય છે. બહુ મુશ્કેલી હોવા છતાં પત્ની પ્રેમાળ હોય મુશ્કેલ છે, તો માણસ સંકટ ભૂલી જાય ! માણસ રાહત મેળવી શકે! ગઈ કાલે પણ યુવાન ભાઈ-બહેનો કહેતાં હતાં કે, આ દુ:ખો માટે શું કરવું ? મેં કીધું આ શરીર ધારણ કર્યું છે એટલે દુ:ખો તો રહેવાનાં જ, એ નક્કી કરીને રહો કે આ દુ:ખાલય’ છે ! પણ જેણે હરિભજી લીધો, જેને ભગવદ્ ચરણમાં પ્રીત થઇ એના દુ:ખો જતાં રહેશે. અથવા તો દુ:ખોની દ્રષ્ટિ બદલાઈ જશે. સવાલ તો દ્રષ્ટિ બદલી જાય એનો જ છે ને !
અયોધ્યાકાંડના સમાપનમાં લખ્યું છે ‘જાતે મિટહી કલેશ’ એની ઘણી ચર્ચા કરી કે સીતારામજીના ચરણમાં પ્રેમ જાગે તો સંસારમાં અવશ્ય વૈરાગ્ય આવે. વૈરાગ આવે તો પ્રેમ જાગે એ પણ એક પક્ષ રહ્યો. અંધકાર જાય પછી અજવાળાને લાવીએ એ જીવનનું સત્ય નથી. પ્રકાશ આવે તો અંધકાર જતો રહે એ સત્ય છે.
ભગવાનનું ચરિત્ર જેમ કલેશથી મુક્ત કરે એમ ભક્તનું ચરિત્ર પણ ક્લેશથી મુક્ત કરે. ક્લેશો ૬૪ છે. પાંચ મહા કલેશ છે. જગતના માનવસર્જિત ક્લેશો આવ્યા જ કરશે એથી હરિ ભજો.
‘રતિ એને કહેવાય જે પ્રતિક્ષણ વર્ધમાન હોય’ ક્ષણે ક્ષણે વધે અને પ્રેમ વધશે તો ક્લેશો મટી જશે. બાપ ! અધ્યાત્મ જગતમાં ભગવદ્ પ્રેમ જેનો-જેનો વધ્યો એનાં ક્લેશો મટી ગયા. એનો અર્થ એમ નથી કે, ભક્ત હોય, સંત હોય એને લોકો બહુ દુ:ખ નથી આપતા. એવું નથી, દુ:ખ તો બધા બહુ જ આપે છે, હેરાનગતિ તો બહુ કરે છે પણ સંતનું લક્ષણ છે કે કોઈના દ્વારા ઉદ્વિગ્ન ન થાય અને પોતાના દ્વારા કોઈને ઉદ્વિગ્ન ન કરે. કોઈને સંત સંતાપ ન આપે. છતાં પણ સમાજમાં દેખાય છે કે ઘણા માણસો એમ ને એમ જ ઉદ્વિગ્ન થતા હોય છે. છોકરાએ સારાં કપડાં પહેર્યાં હોય તો બાપ કહે, કરી લે જલસા, હું મરી જઈશ પછી ખબર પડશે’ છોકરાએ જૂનાં કપડાં પહેર્યાં હોય તો કહે, ‘મારી બદનામી કરવી છે ? હું છું ત્યાં સુધી તો પહેરી લે.’ આમાં તમે કંઈ ન સુધારી શકો. આ બધા પોતાના હાથે ઉત્પન્ન થયેલા ઉદ્વિગ્નો છે. નરસિંહ મહેતાએ કોને સંતાપ આપ્યો ? છતાંય એની નાતે એને હેરાન કર્યા!
કથા સાંભળનારા એટલો સંકલ્પ કરે બાપ ! આપણા સ્વભાવથી, આપણા દ્વારા કોઈ ઉદ્વિગ્ન ન થાય. ‘હરિ ભજો’ બાપ ક્લેશો મટશે. દુનિયાવાળા જે ક્લેશો કરશે એની દ્રષ્ટિ બદલાશે.
બહુ પહેલાં એક વાત કહેતો. હિમાલય જેવા પર્વત-પહાડી મુલક-ભયંકર વરસાદ પડે તો, પહાડ તૂટે તો પાણી અને પથરાઓ ખીણમાં જાય-વરસાદમાં બધું ખલાસ થઇ જાય. ખેતી ખલાસ થઇ જાય . નીચે એક ગામ, જેનું બધું ખલાસ થઇ જાય. માણસોનાં મૃત્યુ થાય. વર્ષો થયાં એ જ પ્રક્રિયા. ત્યાંના લોકોએ નક્કી કર્યું કે આ જ જિંદગી છે, આ સિવાય બીજું જીવન હોઈ ન શકે. સંઘર્ષ માટે તૈયાર જ રહેવું. સદીઓ વીતી. એક સંત ફરતા ફરતા ત્યાં આવ્યા. આ દશા જોઇને સાધુએ કહ્યું કે, ‘ભલા માણસ આવી દશામાં રહો છો ?’ કહે ‘આ જ જીવન છે. નથી પહાડોને બદલી શકતા, નથી જીવનને બદલી શકાતું. નથી વર્ષા રોકાતી, નથી નદીનાં વહેંણ બદલાતાં, નથી પહાડને તૂટતા રોકાતા’ સાધુએ બહુ સરસ કહ્યું. મારી એક વાત માનો તો આ બધું જ રહી જાય અને છતાંય તમને કંઈ નડે નહિ ’બોલે બહુ સારું કહેવાય.’ ડુંગરા, નદી, વર્ષા બધું પોતાનાં કાર્ય કરે છતાં તમે સુરક્ષિત ! એ કઈ રીતે ? કહે આ પહાડની થોડી ઉંચાઈ છે ત્યાં પથરા લઇ જાવ. થોડી મુશ્કેલી પડશે. ત્યાં થોડી જગા કરો. અહીંની જગામાં ખેતી કરો. સાધુની વાત ઠીક લાગી. એક વર્ષ સુધી પુરુષાર્થ કરી બધો સામાન ઉપર લઇ ગયા. મકાન બાંધ્યું. પછી વરસાદ ચાલુ, પહાડો તૂટવાનાં ચાલુ, પાણી,નદી બધું એમ ને એમ ચાલુ પરંતુ થોડી ઊંચાઈ પ્રાપ્ત થઇ એટલે માણસ સુરક્ષિત થઇ ગયો ! એમ આ દુનિયામાં દુ:ખો બધાં ચાલુ જ રહેવાનાં છે. તમે આદતી બની ગયા છે. કોઈ સાધુને પૂછીને મકાન થોડું ઊંચું કરી લ્યોને મારા બાપ ! એક બીજી વાત કહું ? સંસારના રોગોની ઔષધિ છે હરિનામ. એનાથી અંદરનાં રોગ મટી જાય છે. હરિના નામમાં તાકાત છે. મારા દેશના ઋષિમુનિઓના ખભે બેસીને રોજ નવું દર્શન કરો. ઋષિ રાજી થશે. તુલસીદાસજીની પંક્તિઓનું કેવળ ભાષાંતર નહીં, ભાવાંતર કરો. પ્રતિપળ બધું બદલાઇ રહ્યું છે. ભગવાન કરે કોઈ પર સંકટ ન આવે, પરંતુ કાળને કારણે, કર્મોને કારણે, સ્વભાવને કારણે, જો આવે તો એ સમયે ધ્યાનથી, શાંતિથી મનમાં વિચારવું કે એનું કારણ શું છે ? અને સંકટ આવી જ ગયું છે, તો હવે શું કરવું ? સંકટના સમયે બોલવામાં ધ્યાન રાખવું. હરિને યાદ કરો. હનુમાનજી સંકટથી મુક્ત કરશે. એક નાની એવી શરત છે કે, મન, કર્મ, વચનથી ધ્યાન ધરવું.
હનુમાન શંકરરૂપ છે. હનુમંત આશ્રય કરો.
- સંકલન : જયદેવ માંકડ