ધર્મતેજ

જ્ઞાન અને વૈરાગ્યરૂપી દૃષ્ટિ મળી જાય તો સંસારની ઘટનાઓ વિચલિત ન કરી શકે

માનસ મંથન -મોરારિબાપુ

આંખ બે પ્રકારની હોય છે. ક્ક્રૂળણ રુરૂફળઉં ણ્રૂણ ઈફઉંળફિ ‘માનસ’ કહે છે બે આંખો હોય છે- જ્ઞાન અને વૈરાગ્યની. આ બે આંખો તમને શાસ્ત્રથી પણ નથી મળતી. હા, તમારા જીવનમાં શાસ્ત્રથી જેમણે જ્ઞાન, વૈરાગ્ય પ્રાપ્ત કર્યા છે, એમાં મેં કેટલીયે વાર મોતિયા જોયા છે. આ નેત્રોમાં કેટલીયે વખત બીમારી આવી છે, પણ જ્ઞાન વૈરાગ્ય જ્યારે સદ્ગુરુથી પ્રાપ્ત થાય, ત્યારે એ આંખો દિવ્યચક્ષુનું પ્રતીક થઈ જાય છે.

સદ્ગુરુ આંખો આપે છે- આ બે આંખો છે જ્ઞાનની અને વૈરાગ્યની. ખૂબ ભારી શબ્દ છે, મહિમાવંત શબ્દ છે. અધ્યાત્મ જગતના આ બે થાંભલા છે-જ્ઞાન, વૈરાગ્ય. આદિ જગદ્ગુરુ શંકરે કહ્યું કે સદ્ગુરુની પાદુકાપૂજન કરવાથી તમને શું મળશે ? તમને જ્ઞાન, વૈરાગ્યની ઉપલબ્ધિ થઈ જશે. તો બહુ મહિમાવંત શબ્દ છે, પણ તમે ને હું સર્વસામાન્ય અર્થમાં લઈએ છીએ જ્ઞાન વૈરાગ્યને. મેં બહુવાર સરળ કરીને કહ્યું છે કે જ્ઞાન એટલે સમ્યક્ સમજ-યથાયોગ્ય નિર્ણય.

વસ્તુને, વ્યક્તિને, ઘટનાને, વિષયને ઓળખવાની એક સહજ દૃષ્ટિ, સમજ, એક વિવેક એ છે જ્ઞાન. અને સદ્ગુરુ દ્વારા એવી આંખ જો મળી જાય છે, તો ત્યારે શું થશે ? મારા અનુભવમાં દુનિયાનું કોઈ દુ:ખ, તમને દુ:ખ નહીં રહે. સંસારમાં
દુ:ખ છે, હું કબૂલ કરું છું, પણ સદ્ગુરુથી જ્ઞાનદૃષ્ટિ મળી જાય છે, તો સંસારનું કોઈ દુ:ખ, દુ:ખ મહેસૂસ નથી થતું.

એક બહુ મોટો રાજા હતો. એને એક નોકર પર પ્રેમ હતો. ક્યાં રાજા, ક્યાં નોકર? એક સેવક માત્ર, પણ કહે છે કે એટલો પ્રેમ હતો આ નોકર સાથે કે રાજા પોતાના શયનકક્ષમાં એને સૂવડાવતો હતો. એ સવારે ઝાડું કાઢતો, પોતાં કરતો, વાસણ સાફ કરતો હતો, પણ રાજાને આ નોકર પર એટલો પ્રેમ હતો કે સ્વયં એના શયનકક્ષમાં એ સૂતો હતો. સમ્રાટ એને સાથે બેસાડી ભોજન કરાવતો. એક એકલો ભાવ, વાત્સલ્ય કહો, જે કહો તે. બહુ વર્ષો થઈ ગયાં. એક દિવસ રાજા અને એનો નોકર મૃગયા કરવા જંગલમાં ગયા. બપોરનો સમય, ભૂખ લાગી.

રાજાએ એક ફળ તોડ્યું, કયું ફળ હતું, એ રાજા ઓળખી ન શક્યો. એનો નિર્ણય ન કરી શક્યો, પણ જોઇને એને લાગ્યું કે આ સારું ફળ છે.

ભૂખ હતી, એણે તોડ્યું. ચાકુ કાઢીને ફળના ચાર ટુકડા કર્યા. એક ટુકડો એ નોકરને આપ્યો, એટલો પ્રેમ હતો કે સ્વયં પોતે ન ખાધું, નોકરને ખાવા આપ્યું. બીજો ટુકડો રાજા ખાવા ગયો તો નોકરે હાથમાંથી પાડી નાખ્યું, નાસમજી કરી, મર્યાદાનું પાલન ન થયું, પણ રાજાને કંઈ થયું નહીં. ચાલો, સારું ફળ હશે, તે નોકર ખાઈ ગયો. રાજાએ ત્રીજો ટુકડો લઈ મોઢામાં નાખવાની ચેષ્ટા કરી કે પછી તરત જ નોકરે લઈ લીધો, ત્રીજા ટુકડા પર પણ ઝપટ મારી. મોઢામાં નાખી દીધો. રાજાને થયું કે હદ થઈ ગઈ. મર્યાદાની પણ કોઈ સીમા હોય ? અને મારો નોકર એવો નહોતો. આજે કેમ બદલાઈ ગયો ? શું એટલું મીઠું ફળ છે કે એને સ્વાદ બહુ આવી ગયો ? સ્વાર્થી બની ગયો. મામલો શું છે ? ચોથો ટુકડો નોકરે ઉઠાવ્યો, પણ આ વખતની ઝપટમાં ફળનો ચોથો ટુકડો પડી ગયો, રાજાએ ખુદને ઉઠાવીને એ ખાધો. ખાતાં જ એકદમ રાજા ઊલટી કરવા લાગ્યો. એકદમ એને કંઈક તકલીફ થઈ લાગ્યું કે આમાં વિષ છે, ઝેર છે અને નોકરનો હાથ પકડીને કહ્યું કે આ ઝેરીલું છે, આ વિષભર્યું ફળ છે. તું ઝપટ ઝપટ કરીને, છીનવીને ખાઈ રહ્યો હતો.

નોકરની આંખમાં આંસુ આવી ગયાં. નોકરે કહ્યું કે મહારાજ, દૃષ્ટિનો સવાલ છે, જે હાથોથી પચાસ વર્ષ સુધી મીઠાં ફળ ખાધાં, એ હાથથી બેચાર ઝેરીલા ટુકડા પણ મળી જાય તો શું ? આખી જિંદગી જે હાથથી અમૃત પીધું, આજે વિષેલું ફળ છે, તો નહીં ખાઉં ? પણ આ દૃષ્ટિની પાછળ રહસ્ય શું છે ? બહુ સુંદર જવાબ આપ્યો નોકરે કે હું આ ફળના ટુકડાને નહોતો જોતો, ફળ આપવાવાળા હાથને જોતો હતો. મેં ફળને નથી જોયું, જે હાથએ આપ્યું, એ હાથને જોતો હતો. મારાં ભાઈ-બહેનો, સદ્ગુરુ આવી આંખ આપે છે ત્યારે દુ:ખ, દુ:ખ નથી લાગતું. દુ:ખ કોણ આપે છે, એ દેખાય છે. આપત્તિ આપત્તિ નથી; એ પ્રભુના હાથથી આપેલું ફળ છે. જે પરમાત્માએ આયુષ્ય આપ્યું, તંદુરસ્તી આપી, જીવન આપ્યું, શાન આપી, પ્રતિષ્ઠા આપી, પરિવાર આપ્યો, એણે શાયદ કદી થોડું દુ:ખ પણ આપી દીધું તો. સાધક કહે છે, હું એ કડવાં ફળને નથી જોતો. કોઈ સદ્ગુરુના હાથને જોઉં છું, કે ક્યાં હાથે એ આપ્યું છે. તમારી આખી દૃષ્ટિ બદલાઈ શકે છે, જ્યારે એવી આંખ મળી જાય, વિવેક મળી જાય. દુ:ખ તો એને પણ પડે. શરીરની પીડા તો બધાને થાય, શરીરનો એ ધર્મ છે, પણ જ્ઞાનીની દૃષ્ટિ એક છે. હું તો શરીરશાસ્ત્રનું પુસ્તક વાંચતો હતો કે એમાંથી લોખંડ, ફોસ્ફરસ કાઢીને વેચવામાં આવે તો પ્રયોગમાં માલૂમ પડ્યું છે કે એનાં પાંચ રૂપિયા આવે. આ આખા બજ્ઞમુની કિંમત પાંચ રૂપિયાથી વધુ નથી. એક સમજ સાધકમાં નિર્માણ થઈ જાય છે, જેને પછી સંસારની કોઈ ઘટના વિચલિત નથી કરી શકતી.
(સંકલન : જયદેવ માંકડ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button