ધર્મતેજ

હું પતિવ્રતા સ્ત્રી હોઉં તો હે અગ્નિદેવ આ કામમોહિત થઈ ચૂકેલા પુરુષને ભસ્મ કરી દો

શિવ રહસ્ય -ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
વિદાય વખતે રાજકુમાર નળ અને રાજકુમારી દમયંતીએ દેવતાઓના આશીર્વાદ પણ લીધા. વિદર્ભ દેશની રાજધાની કુંડીનપુરથી વિદાય થઈ નવદંપતી નિષધ દેશ પહોંચ્યાં. રાજા વિરસેને તેમનું સ્વાગત કર્યું અને તેમને રાજગાદી આપી. સમય વહેતો ગયો રાજા નળ યોગ્ય રીતે વિદર્ભ દેશનું સંચાલન કરી રહ્યા હતા. રાણી દમયંતીના ગર્ભથી ઇન્દ્રસેન નામના પુત્ર અને ઇન્દ્રસેના નામની પુત્રીનો જન્મ થયો. બીજી તરફ વિદાય બાદ નળ-દમયંતીને આશીર્વાદ આપી દેવરાજ ઇન્દ્ર સહિત દેવગણો સ્વર્ગલોક જઈ રહ્યા હતા. રસ્તામાં કળિયુગ અને દ્વાપર મળ્યા. વાતચીતમાં કળિયુગને ખબર પડી કે દમયંતીએ સ્વયંવરમાં દેવતાઓની વરણી ન કરતાં નળની પસંદગી કરી છે. ક્રોધિત કળિયુગે કહ્યું, દેવતાઓને સ્વયંવરમાં બોલાવી મનુષ્યની વરણી કરવી એ દેવતાઓનું અપમાન છે એ હું કદાપિ સહન નહીં કરું એમને દંડ અવશ્ય મળશે.' ક્રોધિત કળિયુગ દ્વાપર પાસે જાય છે અને મદદ માગે છે. દ્વાપર અને કળિયુગ બંને નળના નિષધ રાજમાં આવીને વસ્યા. બાર વરસ સુધી તેઓ એ વાતની વાટ જોઈ રહ્યા હતા કે નળમાં કોઈ દોષ દેખાય. એક દિવસ રાજા નળ સંધ્યાટાણે લઘુશંકાથી પરવારીને પગ ધોયા વગર જ આચમન કરીને સંધ્યા-વંદન કરવા બેસી ગયા. આ અપવિત્ર અવસ્થા જોઈને કળિયુગ તેમના શરીરમાં પ્રવેશી ગયો. બીજું રૂપ ધારણ કરી રાજા નળના ભાઈ પુષ્કરને મળીને કહ્યું,તમે નળની સાથે જુગાર રમો. મારી મદદથી જુગારમાં નળ બધું જ હારી જશે તમને નિષધ દેશનું રાજ્ય પણ મળી જશે. પુષ્કર કળિયુગની વાત માની લે છે અને નળ પાસે જાય છે. દ્વાપર પણ પાસાનું રૂપ લઈને તેમની સાથે થઈ જાય છે. પુષ્કર રાજા નળને વારંવાર જુગાર રમવા આગ્રહ કરે છે. રાજા નળ દમયંતીની હાજરીમાં પોતાના ભાઈના વારંવારના પડકાર અને પોતાના શરીરમાં પ્રવેશેલા કળિયુગના પ્રતાપે ધૂત રમવાનો નિર્ણય કરે છે. અંતે રાજા નળ રાજમહેલ અને રાજ્ય બધું જ હારી જાય છે. દમયંતીએ રાજા નળના સારથી વાર્પ્ણેયને બોલાવ્યો અને કહ્યું, `ભાઈ, બધી વાતની આપને જાણ છે, રાજા મોટા સંકટમાં આવી ગયા છે, મારી વિનંતી છે કે કોઈને ખબર ન પડે એમ મારા બંને બાળક ઇન્દ્રસેન અને ઇન્દ્રસેનાને મારા પિયર કુંડીપુર પહોંચાડી દો અને થઈ શકે તો તમે પણ ત્યાં જ રાજયાશ્રય લેજો.’ સારથીએ મંત્રીમંડળ સાથે ચર્ચા-વિચારણા કરી બાળકોને કુંડીપુર પહોંચાડી દીધા. બીજી બાજુ રાજા નળ અને દમયંતી રાજવિહોણાં થતાં ત્યાંથી નીકળી પડયાં.


નળ અને દમયંતી નગરની બહાર ત્રણ રાત રોકાયાં. નવા રાજા પુષ્કરે શહેરમાં ઢંઢેરો પીટાવ્યો કે જે વ્યક્તિ નળ કે દમયંતી પ્રત્યે સહાનુભૂતિ બતાવશે તેને મૃત્યુદંડ આપવામાં આવશે. ભયથી નગરના લોકો તેમના રાજાનું વિદાયવિધિ પણ ન કરી શક્યા. નળ અને દમયંતી ત્રણ દિવસ અને રાત્ર ફક્ત પાણી પીને રહ્યાં. ચોથા દિવસે તેમને આકરી ભૂખ લાગતા જંગલમાંથી મળી આવતા ફળ અને કંદમૂળ ખાધા અને ત્યાંથી આગળ વધ્યાં. એક દિવસ નળ રાજાએ જોયું કે કેટલાક સોનેરી પાંખના પક્ષીઓ તેમની આસપાસ આવીને બેઠા છે, નળે વિચાર્યું કે જો આ પક્ષીઓની પાંખમાંથી ઘણું ધન મેળવી શકાય એવું છે, એથી નળ રાજાએ પોતાના અંગ પરનું ધારણ કરેલું એકમાત્ર વસ્ત્ર ઉતાર્યું અને તે પક્ષીઓને પકડવા ફેંકયું, પણ એ પક્ષીઓ તો ભારે ચતુર નીકળ્યાં અને નળ રાજાએ ફેંકેલું વસ્ત્ર લઈને ઉડી ગયા. હવે નળરાજા સાવ નિર્વસ્ત્ર થઈ ગયા હતા પોતાનો લજિજ્ત ચહેરો નીચે રાખીને દયામણી અવસ્થામાં ઊભા રહ્યા. વસ્ત્ર લઈને ઊડી ગયેલાં પક્ષીઓ બોલ્યા, `હે મૂર્ખ રાજા તું નગરમાંથી એક વસ્ત્ર પહેરીને નીકળી આવ્યો હતો એ જોઈને અમને ખૂબ દુ:ખ થયું હતું, તો લે હવે એ વસ્ત્ર પણ અમે પાછું લઈ જઈએ છીએ, અમે પક્ષીઓ નથી દ્યુતના પાસાં છીએ.’

પતિ નળની આવી દશા જોઈ દમયંતી દુ:ખી થઈ ગઈ. તેણે નળને હિંમત આપતા કહ્યું, `સ્વામી જો જો થોડા સમયની વાત છે. બધું સારા વાના થશે.’

નળે દમયંતીને તેમની સામે જતા રસ્તાઓ બતાવતા કહ્યું કે `હે પ્રિયે, અહીં માર્ગો ફંટાય છે. સામેનો માર્ગ વિદર્ભ દેશના કુંડીનપુર તમારા પિયર તરફ જાય છે, બીજો રુક્ષવાન પર્વત તરફ અને ત્રીજો દક્ષિણ તરફ જાય છે.’

દમયંતી: `સ્વામી, તમે શું એવું વિચારી રહ્યા છો કે મને કુંડીનપુર મોકલી તમે એકલા નિર્જન અરણ્ય જંગલમાં જશો. તમારા શરીર પર એકેય વસ્ત્ર નથી, તમે થાકેલા છો ઉપરાંત ભૂખ્યા-તરસ્યા પણ છો, આવી પરિસ્થિતિમાં નિર્જન અરણ્યમાં તમને એકલા મૂકીને હું ક્યાંય જઈશ નહીં.’

દમયંતી માનશે જ નહીં એ ખબર હોવાથી નળ રાત થવાની રાહ જોવા લાગ્યા. રાત થઈ થાકેલી દમયંતી ભર નિદ્રામાં પોઢાતા નળ ત્યાંથી પલાયન થવાનો વિચાર કરે છે પણ તેના શરીર પર એક પણ વસ્ત્ર નહોતું. એટલે એક તલવારથી ધીરેધીરે દમયંતીનું અડધું વસ્ત્ર કાપી નાખે છે અને તે વસ્ત્ર પહેરી નળ ત્યાંથી પલાયન થઈ જાય છે.

સવાર પડતાં દમયંતીને નળ કયાંય ન દેખાતા એ આક્રંદ કરે છે અને શોધતા શોધતા ગાઢ જંગલમાં પ્રવેશ કરે છે, દુ:ખમાં ભાનભૂલેલી દમયંતી એક વિશાળકાય અજગરની પાસે પહોંચી જાય છે તેની ખબર પડતી નથી. અજગર માટે એ સાવ સહેલો શિકાર બની જાય છે અને એ દમયંતીના શરીર ફરતે ભરડો લે છે અને પછી એને ગળી જવાનું શરૂ કરે છે. એ આક્રંદ કરવા લાગી. આ આક્રંદ દૂરથી જઈ રહેલા એક શિકારીને સંભળાયું, એ ત્યાં આવીને જુએ છે કે એક સ્ત્રીને અજગર ગળી રહ્યો છે એ જોઈ એની સહાયતા માટે દોડી આવ્યો અને તેની પાસેના તીક્ષ્ણ ધારવાળા શસ્ત્રથી અજગરનું મોઢું કાપી નાખ્યું અને દમયંતીને અજગરથી બચાવી પોતાના ઘરે લઈ ગયો. દમયંતીને શાંત પાડી તેને ભોજન કરાવ્યું. શિકારી દમયંતીની સુંદરતા અને મધુરતા પર કામમોહિત થઈ ચૂક્યો હોવાનું સમજી જતાં દમયંતી તેને શ્રાપ આપતાં કહે છે કે, `જો હું પતિવ્રતા સ્ત્રી હોઉં તો હે અગ્નિદેવ આ કામમોહિત થઈ ચૂકેલા પુરુષને ભસ્મ કરી દો.’

શ્રાપના શબ્દો દમયંતીના મુખથી નીકળતાં જ શિકારી બળીને ભસ્મ થઈ જાય છે. દમયંતી આગળ વધતાં સુબાહુ રાજાના ચેદી દેશમાં પહોંચે છે.


એક તરફ દમયંતીના પિતા પોતાના રાજ્યના 1000 બ્રાહ્મણોને નળ-દમયંતીની શોધમાં મોકલે છે. એક યુવાન બ્રાહ્મણ પણ સુબાહુ રાજાના ચેદી દેશ ખાતે પહોંચે છે.


બીજી તરફ રાજા નળ જંગલમાં અગનજ્વાળાઓ જોતાં ચોંકી ઊઠે છે, એ અગનજ્વાળાઓમાંથી તેમને અવાજ આવી રહ્યો હતો કે, `હે નળરાજા, બચાવો મને આ દાવાનળથી.’ રાજા નળ એ અગનજ્વાળાઓમાં ઘૂસી જતાં જુએ છે કે નાગરાજ કર્કોટક ગૂંચળું વળીને બેસેલા છે. નળ રાજાને કહે છે, હું કર્કોટક સર્પ છું દેવર્ષિ નારદે મને શાપ આપ્યો છે કે જ્યાં સુધી નળરાજા તમને ઊંચકશે નહીં ત્યાં સુધી તમે અહીંથી હલી શકશો નહીં. રાજા નળ કર્કોટક સર્પને ઉંચકીને બહાર લાવતાં કર્કોટક સર્પ તેમને ડંખે છે.

કર્કોટક: `માફ કરજો રાજા નળ મેં તમને ડંખ માર્યો છે, આ ડંખ તમને કોઈ ઓળખે નહીં એ માટે માર્યો છે. આ રૂપમાં તમે અયોધ્યા જઈ દ્યુતકલામાં કુશલ એવા રાજા ઋતુપર્ણાને તમારી અશ્વવિદ્યા દેખાડી મિત્ર બનાવજો અને ત્યારબાદ દ્યુતકલામાં નિપુણ થઈ તમારું રાજ-પાટ પાછું મેળવજો. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button