ધર્મતેજ

…મનુષ્યની વરણી કરવી એ દેવતાઓનું અપમાન છે, એ હું કદાપિ સહન નહીં કરું

શિવ રહસ્ય -ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
નિષધ દેશના રાજા વીરસેનને ત્યાં પુત્રનો જન્મ થયો. રાજજ્યોતિષીએ તેનું નામ નળ રાખવા જણાવ્યું. સામે વિદર્ભ દેશમાં રાજા ભીમસેનને ત્યાં પુત્રીરત્નની પ્રાપ્તિ થઈ. તેમના રાજ જ્યોતિષીએ તેનું નામ દમયંતી રાખવા જણાવ્યું. સમય વહેતો જતો હતો, રાજકુમાર નળ અને રાજકુમારી દમયંતી યુવાન થઈ ગયાં હતાં. એક દિવસ રાજકુમાર નળ બગીચામાં બેઠા હતા, તે સમયે એક સુંદર હંસ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. રાજકુમાર નળે તેને પકડી લીધો. હંસે કહ્યું, ‘રાજકુમાર મને છોડી દો, હું એના બદલામાં રાજકુમારી દમયંતી પાસે જઈ એવી પ્રશંસા કરીશ કે તે નિશ્ર્ચિતપણે આપને પરણી જશે.’ ત્યારે રાજકુમાર નળે પૂછ્યું કે ‘રાજકુમારી દમયંતી કોણ છે?’ હંસે કહ્યું, ‘રાજકુમારી દમયંતી આ સંસારની સૌથી સુંદર યુવતી છે, હું ઇચ્છું છું કે તે તમારી પત્ની બને.’ રાજકુમારી દમયંતી વિશે માહિતી મળતાં રાજકુમાર હંસને છોડી દે છે. હંસ રાજકુમારી દમયંતી પાસે જઈને કહે છે: ‘હે દમયંતી! નિષધ દેશમાં નળ નામનો રાજકુમાર છે જે મનુષ્યજાતિમાં એના જેવો સુંદર કોઈ પુરુષ નથી.

જો આપ તેની પત્ની બનો તો આપનો જન્મ અને સ્વરૂપ બંને સાર્થક થઈ જાય.’ હંસની વાત સાંભળી રાજકુમાર નળ અને રાજકુમારી દમયંતી એકબીજાને પ્રેમ કરવા લાગ્યાં. રાજા ભીમસેને જોયું કે પુત્રી લગ્નયોગ્ય થઈ ગઈ છે એટલે તેમણે રાજકુમારી દમયંતીનો સ્વયંવર યોજ્યો. તેમણે દેશ-પરદેશના દરેક રાજાઓને આમંત્રણ મોકલ્યું, દેવર્ષિ નારદ થકી દેવતાઓને પણ સ્વયંવરમાં જોડાવાનું આમંત્રણ મોકલ્યું. ચારેય દેવતાઓ દેવરાજ ઇન્દ્ર, વરુણ, અગ્નિ અને યમ રાજકુમાર નળનો વેશ ધારણ કરી પહોંચી ગયા. સ્વયંવરમાં રાજકુમારી દમયંતીને પાંચ રાજકુમાર નળ દેખાતાં અવઢવમાં મુકાઈ ગઈ. તેણે દેવતાઓનું શરણ લઈ હાથ જોડીને કહ્યું, ‘હે દેવતાઓ! મારી સત્યતાના બળ પર હે દેવતાઓ મને તમારા વાસ્તવિકરૂપનાં દર્શન કરાવો જેથી હું મારા પતિ રાજકુમાર નળને ઓળખી શકું.’ દેવતાઓ રાજકુમારી દમયંતીનો આંતર્વિલાપ સાંભળી પોતાના વાસ્તવિક રૂપમાં આવી ગયા. દેવતાઓનો પડછાયો ધરતી પર પડતો નહોતો. રાજકુમાર નળનો પડછાયો ધરતી પર પડતો દેખાતાં ખરા રાજકુમાર નળને ઓળખી લીધો અને તેને વરમાળા પહેરાવી દીધી. રાજા ભીમસેને વાજતે-ગાજતે રાજકુમાર નળ અને રાજકુમારી દમયંતીને વિદાય આપી.


વિદાય વખતે રાજકુમાર નળ અને રાજકુમારી દમયંતીએ દેવતાઓના આશીર્વાદ પણ લીધા. દેવરાજ ઇન્દ્રએ આશીર્વાદ આપતાં કહ્યું, ‘હે નળ તમને હું વરદાન આપું છું કે તમને યજ્ઞમાં મારું દર્શન થશે અને ઉત્તમ ગતિ મળશે.’ અગ્નિદેવે આશીર્વાદ આપતાં કહ્યું, ‘જ્યારે તમે મને યાદ કરશો ત્યારે હું પ્રગટ થઈશ અને મારા જેવા જ દીપ્તિવંત લોકો તમને પ્રાપ્ત થશે.’ વરુણદેવે આશીર્વાદ આપતાં કહ્યું, ‘જ્યાં તમે ઇચ્છશો ત્યાં હું પ્રગટ થઈશ અને તમારી માળા ઉત્તમ સુવાસથી સભર રહેશે.’ યમદેવે આશીર્વાદ આપતાં કહ્યું, ‘દમયંતી તમે બનાવેલી રસોઈ ઘણી મધુર હશે અને તમે બંને પોતાના ધર્મમાં દૃઢ રહેશો.’

વિદર્ભ દેશની રાજધાની કુંડિનપુરથી વિદાય થઈ નવદંપતી નિષધ દેશ પહોંચ્યા. રાજા વિરસેને તેમનું સ્વાગત કર્યું અને તેમને રાજગાદી આપી. વિદર્ભના પ્રજાજનો નવા રાજા નળ અને નવી રાણી દમયંતીને આશીર્વાદ આપવા રાજમહેલ ઊમટી પડ્યા. રાજ્યમાં ઉત્સવનું વાતાવરણ યોજાયું. સમય વહેતો ગયો રાજા નળ યોગ્ય રીતે વિદર્ભ દેશનું સંચાલન કરી રહ્યા હતા. રાણી દમયંતીના ગર્ભથી ઇન્દ્રસેન નામના પુત્ર અને ઇન્દ્રસેના નામની પુત્રીનો જન્મ થયો.


વિદાય બાદ નળ-દમયંતી નિષધ પહોંચ્યા અને દેવરાજ ઇન્દ્ર સહિત દેવગણો સ્વર્ગલોક જઈ રહ્યા હતા. રસ્તામાં કળિયુગ અને દ્વાપર મળ્યા.

દેવરાજ ઇન્દ્ર: ‘કેમ કળિયુગ! ક્યાં જઈ રહ્યા છો?’

કળિયુગ: ‘હું દમયંતીના સ્વયંવરમાં તેની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છું.’

દેવરાજ ઇન્દ્ર: ‘એ સ્વયંવર તો પૂરો થઈ ગયો છે. રાજકુમારી દમયંતીએ નિષધ રાજકુમાર નળને વરી લીધો છે અમે તેમને વરદાન અને આશીર્વાદ આપીને જ આવી રહ્યા છીએ.’

કળિયુગ: ‘દેવતાઓને સ્વયંવરમાં બોલાવી મનુષ્યની વરણી કરવી એ દેવતાઓનું અપમાન છે એ હું કદાપિ સહન નહીં કરું એમને દંડ અવશ્ય મળશે.’

ક્રોધિત કળિયુગ દ્વાપર પાસે જાય છે અને કહે છે, ‘ભાઈ! હું પોતાના ક્રોધનું શમન કરી શકતો નથી, તેથી હું નળના શરીરમાં વાસ કરીશ, હું તેને રાજ્યભ્રષ્ટ કરી દઈશ, તેથી તે દમયંતી સાથે રહી શકશે નહીં ત્યારે તું જુગારના પાસામાં પ્રવેશીને મારી મદદ કરજે.’ દ્વાપરે તેની વાત માની લીધી અને દ્વાપર અને કળિયુગ બંને નળના નિષધ રાજમાં આવીને વસ્યા. બાર વરસ સુધી તેઓ એ વાતની વાટ જોઈ રહ્યા હતા કે નળમાં કોઈ દોષ દેખાય. એક દિવસ રાજા નળ સંધ્યાટાણે લઘુશંકાથી પરવારીને પગ ધોયા વગર જ આચમન કરીને સંધ્યા-વંદન કરવા બેસી ગયા. આ અપવિત્ર અવસ્થા જોઈને કળિયુગ તેમના શરીરમાં પ્રવેશી ગયો. બીજું રૂપ ધારણ કરી રાજા નળના ભાઈ પુષ્કરને મળીને કહ્યું, ‘તમે નળની સાથે જુગાર રમો. મારી મદદથી જુગારમાં નળ બધું જ હારી જશે તમને નિષધ દેશનું રાજ્ય પણ મળી જશે. પુષ્કર કળિયુગની વાત માની લે છે અને નળ પાસે જાય છે. દ્વાપર પણ પાસાનું રૂપ લઈને તેમની સાથે થઈ જાય છે. પુષ્કર રાજા નળને વારંવાર જુગાર રમવા આગ્રહ કરે છે. રાજા નળ દમયંતીની હાજરીમાં પોતાના ભાઈના વારંવારના પડકાર અને પોતાના શરીરમાં પ્રવેશેલા કળિયુગના પ્રતાપે દ્યૂત રમવાનો નિર્ણય કરે છે. શરીરમાં કળિયુગ પ્રવેશેલો હોવાથી રાજા નળ દાવમાં સોનું, ચાંદી, રથ, વાહન જે કંઈ લગાવતા હતા તે હારી જતા હતા. મંત્રીમંડળે અતિવ્યાકુળતાથી રાજા નળને જુગાર બંધ કરાવવા ઇચ્છયું, પણ તેઓ દ્યૂત રોકી શક્યા નહીં. મંત્રીએ રાણી દમયંતી પાસે આવીને કહ્યું કે, ‘તમે મહારાજને નિવેદન કરો કે તમે ધર્મ અને અર્થનાં તત્ત્વજ્ઞ છો, તમારી પ્રજાનો વિચાર કરી આ દ્યૂતક્રીડા રોકી દો.’ પણ નળના શરીરમાં પ્રવેશેલા કળિયુગે આ વાત સંભળાવા ન દીધી અને અંતે રાજા નળ રાજમહેલ અને રાજ્ય બધું જ હારી ગયા.


પતિ નળ રાજ હારી ગયા હોવાની જાણ થતાં દમયંતીએ રાજા નળના સારથી વાર્પ્ણેયને બોલાવ્યો અને કહ્યું, ‘ભાઈ, સારથિ તમે રાજા નળના શુભચિંતક અને પ્રીતિપાત્ર છો, બધી વાતની આપને જાણ છે, રાજા મોટા સંકટમાં આવી ગયા છે, મારી વિનંતી છે કે કોઈને ખબર ન પડે એમ મારા બંને બાળક ઇન્દ્રસેન અને ઇન્દ્રસેનાને મારા પિયર કુંડીનગર પહોંચાડી દો અને થઈ શકે તો તમે પણ ત્યાં જ રાજ્યાશ્રય લેજો.’ સારથિએ મંત્રીમંડળ સાથે ચર્ચાવિચારણા કરી બાળકોને કુંડીનગર પહોંચાડી દીધાં. બીજી બાજુ રાજા નળ અને દમયંતી રાજવિહોણાં થતાં ત્યાંથી નીકળી
પડયાં.
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button