હું તમને વરદાન આપું છું કે તમે યોગ વિદ્યામાં પારંગત થઈ અસંખ્ય શિષ્યોને યોગ વિદ્યા પ્રદાન કરશો
શિવ રહસ્ય -ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
ભગવાન શિવના ઇશારે ઉપમન્યુની આજુબાજુમાં આગની જ્વાળાઓ લપેટાઈ જાય છે, ગભરાયેલો ઉપમન્યુ ભગવાન શિવની લિંગને વિંટળાઈ જાય છે અને ‘ૐ નમ: શિવાય’ના જાપ શરૂ કરે છે, થાકી હારી ભગવાન શિવ પોતાનો ખરો વેશ ધારણ કરતાં આગની જ્વાળાઓ અદૃશ્ય થઈ જાય છે. ‘ૐ નમ: શિવાય’ના જાપમાં ઉપમન્યુ લીન હોય છે.
ભગવાન શિવ: ‘ઉઠ ઉપમન્યુ તમારી પરીક્ષા પૂર્ણ થઇ છે.’
ભગવાન શિવને જોઈ ઉપમન્યુ પ્રસન્નતા અનુભવે છે અને ચરણસ્પર્શ કરે છે.
ભગવાન શિવ: ‘ઉપમન્યુુ તમે મારા દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છો, અલ્પઆયુમાં સ્વર્ગનું પ્રલોભન ઠુકરાવી પ્રખર શિવભક્તોમાં તમારું નામ જોડી દીધું છે. વરદાન માગો શું જોઈએ છે? ઉઠો ઉપમન્યુ હું ભગવાન શિવ તમને પિતૃભાવે ગળે લગાડવા ઉત્સુક છું.’
જાપમાં લીન ઉપમન્યુને અગ્નિની જ્વાળાની જગ્યાએ શીતલતાનો અનુભવ થતાં તે આંખ ખોલીને જુએ છે સામે તેમને ભગવાન શિવ નજરે પડતાં ઊભો થઈ દોડતો જાય છે અને ભગવાન શિવને વળગી પડે છે, ચરણ સ્પર્શ કરી કહે છે:
ઉપમન્યુ: ‘હે મારા આરાધ્ય, ભગવાન શિવ.’
ઉપમન્યુ અને ભગવાન શિવના મિલનને આવકારવાં માતા પાર્વતી અને દેવરાજ ઈન્દ્ર ત્યાં પ્રગટ થાય છે.
માતા પાર્વતીને જોઈ ભગવાન શિવ: ‘પાર્વતી મેં તમને કહ્યું હતું ને કે તમારો પુત્રવિયોગ ભંગ થશે. પિતાના સ્વર્ગવાસ બાદ જીવન જરૂરિયાત પૂર્ણ કરવા ઉપમન્યુએ પિતાતુલ્ય સમજી મારી આરાધના કરી છે એટલે આપણે એના માતા-પિતા કહેવાઈએ, તમને ઉપમન્યુ તરીકે પુત્રની પ્રાપ્તિ થઈ છે તમે એને માતાની મમતાનું વરદાન આપો.’
ઉપમન્યુ માતા પાર્વતીના આશીર્વાદ લે છે. એ જ સમયે ઉપમન્યુની માતા દેવિકા તેને શોધતી શોધતી ત્યાં પહોંચે છે. માતા પાર્વતી અને ભગવાન શિવના સાંનિધ્યમાં ઉપમન્યુને જોતાં દેવિકા ભાવવિભોર થઈ જાય છે.
દેવિકા: ‘હું ધન્ય થઈ ગઈ, તને માતા પાર્વતી અને ભગવાન શિવે પુત્ર તરીકે સ્વીકાર કર્યો છે, માતા પાર્વતી અને ભગવાન શિવની જે કૃપા તેં પ્રાપ્ત કરી છે એ દેવતાઓ પણ નથી મેળવી શક્યા. તને દેવતુલ્ય સંપદા પ્રાપ્ત થઈ છે. હે ભોળાનાથ મારા પુત્રએ દરિદ્રતામાં જન્મ લીધો છે અને એક પ્યાલો દૂધ પિવાની ઇચ્છા પણ હું પૂરી કરી શકી નથી. એનું કલ્યાણ કરોે.’
ભગવાન શિવ: ‘દેવિકા તમે ઉપમન્યુંને કહ્યું હતું કે મારી આરાધના કરવાથી દૂધનો સાગર મળશે. તમારા શબ્દોને સાચો પાડવા હું તેને પૃથ્વીલોક ખાતે ક્ષીરસાગર પ્રદાન કરું છું, જે ક્યારેય સમાપ્ત નહીં થાય.’
ભગવાન શિવ પોતાનું ત્રિશુળ છોડતાં જ ઉપમન્યુની સમક્ષ ક્ષીરસાગરની રચના થાય છે.
ભગવાન શિવ: ‘હે પુત્ર ઉપમન્યુ આ ક્ષીરસાગરના ક્ષીર(દૂધ)થી અનેક શિવભક્તોની દૂધની ઇચ્છા પૂર્ણ થશે, કોઈ અતૃપ્ત નહીં રહે.’
માતા પાર્વતી: ‘હું તમને અક્ષય વરદાન આપું છું કે તમે ચિરકુમાર રહી શિવ ભક્તિ અને જ્ઞાનના પ્રકાશથી સમગ્ર સંસારમાં શિવ આરાધનાનો પ્રચાર-પ્રસાર કરશો, પ્રભુ તમે ઉપમન્યું ને એવું વરદાન આપો કે જે અજોડ હોય.’
ભગવાન શિવ: ‘ઉપમન્યુ હું તમને વરદાન આપું છું કે તમે યોગ વિદ્યામાં પારંગત થઈ અસંખ્ય શિષ્યોને યોગ વિદ્યા પ્રદાન કરશો. વેદો સહિત સમસ્ત બ્રહ્મ વિદ્યા તમને સહજ પ્રાપ્ત થશે, જગતની કોઈપણ સમૃદ્ધિ ઇચ્છા માત્રથી તમારી સમક્ષ પ્રગટ થશે.
દેવીકા અને ઉપમન્યુ માતા પાર્વતી અને ભગવાન શિવના આશીર્વાદ લે છે.
તે જ સમયે દેવર્ષિ નારદ ત્યાં ઉપસ્થિત થાય છે.
દેવર્ષિ નારદ: ‘માતા પાર્વતી અને ભગવાન શિવને પ્રણામ અને વધુ એક પુત્ર પ્રાપ્ત થવા માટે તમને બંનેને અભિનંદન.
ભગવાન શિવ: ‘નારદ હવે તમે અહીં કંઈ લીલા કરી રહ્યા છો એ મને ખબર નથી પણ, મને ઇન્દ્રના રૂપે જોઈ લેતાં તમેે દેવરાજ ઇન્દ્રને ચોક્કસ ભયભીત કરી દીધા હતા અને હવે ઉપમન્યુને પુત્રને રૂપમાં જોતાં કુમાર કાર્તિકેય અને ગણેશને ભયભીત ના કરી દેતાં ’
દેવર્ષિ નારદ: ‘નહીં મહાદેવ, તમારી સમક્ષ હું લીલા કરી જ ન શકું, ક્યાં તમે અને ક્યાં દેવરાજ ઇન્દ્ર. તમારા બંનેમાં ધરતી અને આકાશ જેટલું અંતર છે, એટલે મારા આચરણમાં પણ તમારા બંને પ્રતિ એટલું જ અંતર હોય. હવે મને આજ્ઞા આપો.’
દેવર્ષિ નારદ, માતા પાર્વતી અને ભગવાન શિવ ત્યાંથી વિદાય લે છે. ઉપમન્યુના મામા સુશર્મા અને મામી તારાને ઉપમન્યુને મળેલા વરદાનની માહિતી થતાં તેઓ અફસોસ વ્યક્ત કરે છે.
તારા: ‘દેવિકા મને માફ કરો, મારા પિતાના ધનમાં આળોટનારી હું અજ્ઞાની તમારી માફી માગું છું.’
ઉપમન્યુ: ‘મામી તમે બંને મારા આપ્તજન છો, જે થયું તેને ભૂલી જાવ, મને મળેલા ક્ષીરસાગરથી હું ખૂબ જ પ્રસન્ન છું. ચાલો આપણે સહુ સાથે ક્ષીરસાગરના ક્ષીરનું આચમન કરીએ.’
ભગવાન શિવના વરદાનથી ઉત્પન્ન થયેલા ક્ષીરસાગરના ક્ષીરનું સેવન કરી ઉપમન્યુ પરિવાર પ્રસન્ન થાય છે અને તેમના મામા સુશર્મા ભગવાન શિવની આરાધનામાં લીન થઈ જાય છે. (ક્રમશ:)