ધર્મતેજ

હું કોઇને તપસ્યા કરવા નથી કહેતો પણ જે મારી તપસ્યા કરશે તેને વરદાન આપવા હું પ્રતિબદ્ધ છું

શિવ રહસ્ય -ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
અસુરરાજ દૂષણ વેદપ્રિય અને તેમના પુત્રનો વધ કરવા આગળ વધવા જતાં તેને કોઈ અટકાવે છે.

દૂષણ: ‘અહીં મારો અવરોધક કોણ છે? મને આગળ કેમ વધવા નથી દેતો.’

ભગવાન શિવ: ‘તારો અવરોધક કાળ છું.’

દૂષણ: ‘હું સર્વશક્તિમાન છું અને સર્વશક્તિમાનનો કોઈ કાળ નથી હોતો. બ્રહ્માજીએ વરદાન આપ્યું છે કે હું અજય, અભય અને સર્વશક્તિમાન છું.’

આટલા શબ્દો સાંભળતાં જ ભગવાન શિવ હુંકાર કરતાં તેમાંથી નીકળેલી અગ્નિ અસુરરાજ દૂષણને ભસ્મ કરે છે.

વેદવ્રત: ‘પ્રભુ તમે ખરા સમયે આવી પહોંચ્યા એમ હનુમાનજીને પણ તમે ખરા સમયે મોકલ્યા, પણ પ્રભુ ઉજ્જૈનના સામાન્ય માનવીનું શું? અહીં આકાશ અને પૃથ્વી માર્ગે આવનારા અસુરો સામાન્ય માનવીને રંજાડે છે, મારી અરજ છે કે તમે જ્યોતિલિર્ંગ સ્વરૂપે ઉજ્જૈનમાં સાક્ષાત બિરાજો, જેથી તેમનું કલ્યાણ થાય.’

ભગવાન શિવ તથાસ્તુ કહેતાં જ તેમના હૃદયમાંથી એક જ્યોત નીકળે છે અને તેમાંથી એક લિંગ સ્થાપિત થાય છે, જે આજે ઉજ્જૈન ખાતે વિદ્યમાન છે અને મહાકાલ તરીકે પ્રખ્યાત છે. તેમના દર્શનમાત્રથી માનવોમાં મૃત્યુનો ભય દૂર થાય છે.

ત્રણ અસુરપુત્રોનો ‘ઓમ બ્રહ્મદેવાય નમ:’ના જાપનો સ્વર મેરુ પર્વતની કંદરામાં ગુંજવા લાગ્યો. ધીમે ધીમે આ સ્વર મેરુ પર્વતની કંદરામાંથી ઇન્દ્રલોક સુધી પહોંચ્યો.

ઇન્દ્રદેવ: ‘અગ્નિદેવ જુઓ તો ખરા આ બ્રહ્મદેવના જાપ કોણ કરી રહ્યું છે.’

અગ્નિદેવ: ‘ઇન્દ્રદેવ આ સ્વર તારકાસુરના ત્રણ પુત્રો તારકાક્ષ, વિદ્યુનમાલી અને કમલાક્ષનો છે. તેઓ ઘણા સમયતી મેરુ પર્વતની કંદરામાંથી બ્રહ્મદેવની આરાધના કરી રહ્યા છે.’

ઈન્દ્રદેવ: ‘અગ્નિદેવ જાઓ અને તેમની તપસ્યા ભંગ કરો.’

અગ્નિદેવ ઇન્દ્રદેવની આજ્ઞા માની મેરુ પર્વતી પહોંચે છે તેઓ જુએ છે કે તારકાક્ષ, વિદ્યુનમાલી અને કમલાક્ષ બ્રહ્મદેવની આરાધના કરી રહ્યા છે. અગ્નિદેવ તેમના અગ્નિબાણ છોડે પણ તેમની આસપાસ એક તપસ્યા કવચ રચાયેલું હોવાથી અગ્નિદેવનું અગ્નિબાણ પરત ફરે છે. અગ્નિદેવ ઇન્દ્રદેવ પાસે આવી કહે છે
અગ્નિદેવ: ‘ઇન્દ્રદેવ તારકાક્ષ, વિદ્યુનમાલી અને કમલાક્ષની તપસ્યા કોઈ ભંગ કરી શકે એવું શક્ય છે નથી કેમકે તેઓની સુરક્ષા તપસ્યા કવચ કરી રહ્યું છે.’

ઇન્દ્રદેવ: ‘તારકાક્ષ, વિદ્યુનમાલી અને કમલાક્ષની તપસ્યા પૂર્ણ થવી જોઈએ નહીં અન્યથા આપણે દેવલોકથી પલાયન કરવું પડશે.’

ઇન્દ્રલોક ખાતે સમસ્ત દેવગણ ચર્ચામાં વ્યસ્ત રહે છે કે તારકાક્ષ, વિદ્યુનમાલી અને કમલાક્ષની તપસ્યા કેમ ભંગ થાય. તે દરમિયાન તારકાક્ષ, વિદ્યુનમાલી અને કમલાક્ષના ‘ઓમ બ્રહ્મદેવાય નમ:’ના જાપનો સ્વર બ્રહ્મલોક સુધી પહોંચવા માંડે છે. બ્રહ્મદેવ પ્રસન્ન થઈ તેમને વરદાન આપવા મેરુ પર્વતની કંદરા તરફ પ્રયાણ કરે છે. અધવચ્ચે ઇન્દ્રદેવ તેમને રોકે છે.

ઇન્દ્રદેવ: ‘બ્રહ્મદેવની જય હો, પરમપિતા તમે આગળ ના વધો, આ ત્રણે અસુરપુત્રો વરદાન મળતાં જ તારકાસુરની જેમ સંસારમાં ઉત્પાત મચાવશે, સંસારના માનવ અને દેવોની શાંતિ ભંગ કરી દેશે. તમે એને વરદાન ન આપો એમાં જ સંસારનું હિત સમાયેલું છે.’

બ્રહ્મદેવ: ‘વરદાન આપવું મારો સ્વભાવ નથી પણ બંધન છે. દેવ – દાનવ કે માનવ હું કોઇને તપસ્યા કરવા નથી કહેતો પણ જે મારી તપસ્યા કરશે જેને વરદાન આપવા હું પ્રતિબદ્ધ છું. જે તપસ્યા કરશે તેને વરદાન જરૂર આપીશ.’

ઇન્દ્રદેવ: ‘તો અમારું શું થશે બ્રહ્મદેવ?’

બ્રહ્મદેવ: ‘એ તો સમય જ કહેશે પણ મને તમારી પરિસ્થિતિ જોતાં આશ્ર્ચર્ય થાય છે. અસુરગણ તપસ્યા કરીને વરદાન મેળવવા પ્રયત્નશીલ છે અને દેવગણ તેમનાથી ચિંતિત થઈ પોતાનું આત્મબળ ખોઈ રહ્યા છે. સમય જ કહેશે કે તમારી અને અસુરો વચ્ચે શું થશે.’

આટલું કહી બ્રહ્મદેવ તારકાક્ષ, વિદ્યુનમાલી અને કમલાક્ષને વરદાન આપવા મેરુ પર્વત તરફ આગળ વધે છે.

બ્રહ્મદેવ: ‘હે મહાદૈત્યો! હું તમારા લોકોના તપથી પ્રસન્ન થયો છું. તેથી તમારી કામના અનુસાર તમને વરદાન પ્રદાન કરીશ. હે તારકપુત્રો હું બધાની તપસ્યાનો ફળદાતા છું બતાવો કહો કે તમે લોકોએ આટલું ઘોર તપ શા માટે કર્યું.’

બ્રહ્મદેવની આ વાત સાંભળીને તારકાક્ષ, વિદ્યુનમાલી અને કમલાક્ષે અંજલિબદ્ધ થઈને પિતામહનાં ચરણોમાં પ્રણિપાત કર્યો, પ્રણામ કર્યા અને પછી ધીરે ધીરે પોતાના મનની વાત કહેવાનો આરંભ કર્યો.

તારકાક્ષ: ‘હે પરમપિતા જો તમે અમારા પર પ્રસન્ન થયા છો અને અમને વરદાન આપવા ચાહો છો તો એ વરદાન આપો કે સમસ્ત પ્રાણીઓમાં અમે બધાંને માટે અવધ્ય થઈ જઈએ. હે પરમપિતા આપ અમને સ્થિર કરી દો અને અમારા રોગ, જરા બધા શત્રુઓ નષ્ટ થઈ જાય તથા મૃત્યુ ક્યારેય અમારી પાસે ફરકી ન શકે એવું વરદાન આપો.’

બ્રહ્મદેવ: ‘હે તારકપુત્રો તમારે એ સમજી લેવું પડશે કે અમરત્વ બધાંને ન મળી શકે, તેથી તમે લોકો એ વિચાર જ છોડી દો. એ સિવાય અન્ય કોઈ વરદાન જે તમને રુચતું હોય તે માગી લો. કેમ કે, હે દૈત્યો! આ ભૂતલ પર જયાં કયાંય પણ જે પ્રાણી જન્મ્યું હોેય અથવા જન્મ લેશે તે આ જગતમાં અજર-અમર થઈ જ ન શકે. એટલા માટે હે પાપરહિત તારકપુત્રો તમે લોકો સ્વયં પોતાની બુદ્ધિથી વિચાર કરીને મૃત્યુની વંચના કરતા કોઈ એવું દુર્લભ અને દુસ્સાધ્ય વરદાન માંગી લો, જે દેવતા અને અસુરને માટે અશક્ય હોય. એ પ્રસંગે તમે લોકો પોતાના બળનો આશરો લઈ લો જેથી તમારી રક્ષા થઈ જાય અને મૃત્યુ તમારું વરણ ન કરી શકે.

થોડો સમય ત્રણે તારકાસુર પુત્રોએ વિચાર કરી કહ્યું.

તારકાક્ષ: ‘હે પરમપિતા, અમે પ્રબળ પરાક્રમી તો છીએ પણ અમારી પાસે કોઈ એવું ઘર નથી જયાં અમે શત્રુઓથી સુરક્ષિત રહીને સુખપૂર્વક નિવાસ કરી શકીએ, તેથી આપ અમારે માટે એવા ત્રણ નગરોનું નિર્માણ કરાવી આપો જે અત્યંત અદ્ભુત અને સંપૂર્ણ સંપત્તિથી સંપન્ન હોય તથા કોઈ દેવતા તેનો નાશ ન કરી શકે. આપ જગત ગુરુ છો. અમે લોકો આપની કૃપાથી એવા ત્રણ પુરોમાં અધિષ્ઠિત થઈને પૃથ્વી પર વિચરણ કરીશું. એ દરમિયાન તારકાક્ષે કહ્યું કે વિશ્ર્વકર્મા મારા માટે સ્વર્ણમય નગરનું નિર્માણ કરે જેને કોઈ દેવતા ભેદન ન કરી શકે. ત્યારબાદ કમલાક્ષે રજતમય અને વિદ્યુનમાલીએ લોહમય નગર માંગ્યું. હે બ્રહ્મદેવ એ ત્રણે નગર મધ્યાહ્ન સમયે અભિજિત મુહૂર્તમાં ચંદ્રમા જ્યારે પુષ્ય નક્ષત્રમાં રહીને એક સ્થાન પર મળ્યા કરે અને આકાશમાં નીલ વાદળો પર સ્થિર થઇને એ એક ઉપર એક એમ રહેતા અમારી દૃષ્ટિથી ઓઝલઆડ સંતાઇને રહે, પરંતુ પુષ્કરાવર્ત નામક કાલમેઘોની વર્ષા થાય અને એક હજાર વર્ષ પછી આ ત્રણે નગરો પરસ્પર મળે અને એકીભાવે પ્રાપ્ત થાય એ સમયે ભગવાન શિવ જે વેરભાવથી રહિત છે તેઓ લીલાપૂર્વક સંપૂર્ણ સામગ્રીઓથી યુક્ત એક અસંભવ રથ પર બેસીને અનોખા બાણથી અમારાં નગરોનું ભેદન કરે તો જ અમારું મૃત્યુ થાય. ભગવાન શિવ સદા અમારાં માટે વંદનીય, પૂજય અને અભિવાદનને પાત્ર છે તેથી કરીને તેઓ અમને કેવી રીતે ભસ્મ કરશે – મનમાં આવી ધારણા કરીને અમે આવું દુર્લભ વરદાન માગીએ છીએ.’

બ્રહ્મદેવે તથાસ્તુ કહી તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુતમાલીને વરદાન આપ્યું અને ભગવાન વિશ્ર્વકર્માને આદેશ આપ્યો કે ત્રણે તારકપુત્રોને મળેલા વરદાન પ્રમાણે તેમના નગર બનાવી આપે. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button