હું દેવરાજ નહુશ તમને મારી પત્ની બનાવવા ઉત્સુક છું, શું મારી દરખાસ્ત તમે સ્વીકારશો?
શિવ રહસ્ય -ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
વૃત્રાસુર અને દેવરાજ ઇન્દ્ર સંયુક્ત રીતે સ્વર્ગલોકના સિંહાસન પર આરૂઢ હતા. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ દેવગણો વૃત્રાસુરનો જયજયકાર કરીને થાકી ગયા હતા. દેવરાજ ઇન્દ્ર પણ મિત્રતાનો ઢોંગ કરતાં થાકી ગયા હતા. દેવગુરુ બૃહસ્પતિ જણાવે છે કે, વૃત્રાસુરને વરદાન મળેલું છે કે તેનો વધ પૃથ્વી કે અન્ય કોઈ પણ લોકના પુરુષ કે શસ્ત્રથી નહીં થઈ શકે. વૃત્રાસુરનો વધ એવા કોઈ શસ્ત્રથી થવો જોઈએ જે સર્વશક્તિશાળી હોય. સર્વશક્તિશાળી શસ્ત્ર એટલે સર્વશક્તિમાન અસ્થિનું વજ્ર અને સર્વશક્તિમાન અસ્થિ જો કોઈનાં હોય તો તે દેવાધિદેવના મહાન ભક્ત મહર્ષિ દધીચિનાં. દેવગણોએ મહર્ષિ દધીચિ પાસે તેમનાં અસ્થિનું દાન માગતાં મહર્ષિ દધીચિ યોગશક્તિથી દેહત્યાગ કરે છે. મહર્ષિ દધીચિનાં અસ્થિ નવાં વજ્રનો આકાર ધારણ કરે છે. નવા વજ્રને મેળવી દેવરાજ ઇન્દ્ર પ્રસન્ન થઈ અટ્ટહાસ્ય કરવા લાગે છે. દેવરાજ ઇન્દ્રના અટ્ટહાસ્યને જોઈ મહર્ષિ દધીચિનાં પત્ની માતા સુયશા ક્રોધિત થાય છે અને દેવરાજ ઇન્દ્રને શ્રાપ આપતાં કહે છે, ‘હે મૂર્ખ દેવરાજ ઇન્દ્ર મારા પતિના ત્યાગને તમે અટ્ટહાસ્યથી વધાવતાં હોય તો હું તમને શ્રાપ આપું છું કે નવા વજ્રથી વૃત્રાસુરના વધ બાદ પણ તમે સ્વર્ગલોકના સિંહાસન પર બેસી નહીં શકશો. તમે કૃષ્ઠરોગ નામના એક ભયંકર રોગથી પીડાશો અને કુરૂપ બની જશો. નવા વજ્રથી ઉત્સાહિત દેવરાજ ઇન્દ્ર અને દેવગણો સ્વર્ગલોક પર આક્રમણ કરી વૃત્રાસુરનો વધ કરે છે. વૃત્રાસુરના વધ બાદ દેવરાજ ઇન્દ્રનું મુકુટ અને વજ્ર કૈલાસ ખાતે જતાં રહે છે અને માતા સુયશાના શ્રાપથી દેવરાજ ઇન્દ્રને કૃષ્ઠરોગ થતાં તેઓ કુરૂપ થઈ જાય છે. દેવગણો તેમને ઓળખી શકતા નથી અને તેમને સ્વર્ગલોકથી પ્રતાડિત કરે છે. કંટાળેલા દેવરાજ ઇન્દ્ર કૈલાસ પહોંચે છે અને ભગવાન શિવના શરણે જાય છે અને કહે છે, ‘હું મારી ભૂલોનો સ્વીકાર કરું છું, શું મારાં કષ્ટો દૂર નહીં થાય.’ ભગવાન શિવ તેમને સલાહ આપે છે કે, નીચે આવેલા માનસરોવરમાં એક મોટા કમળની નાળમાં સમાઈ શકો તેટલું શરીર કૃષ કરી નાળમાં બેસી આરાધના કરો, તમારી મનોકામના પૂર્ણ થશે.
ભગવાન શિવની આજ્ઞાથી દેવરાજ ઇન્દ્ર માનસરોવરમાં એક મોટા કમળની નાળમાં સમાઈ શકે તેટલું શરીર કૃષ કરી નાળમાં બેસી આરાધના કરે છે. તો સામે સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્રની ગેરહાજરીથી દેવગણો પર સંચાલન છૂટી જતાં પૃથ્વીલોકમાં દુકાળ પડે છે. અગ્નિ અને વાયુ પર પણ કોઈ સંચાલન ન હોવાથી પૃથ્વીલોક પર અરાજકતા ફેલાય છે. પૃથ્વીલોકની અરાજકતા જોઈ દેવગુરુ બૃહસ્પતિ કૈલાસ પહોંચે છે.
દેવગુરુ બૃહસ્પતિ: ‘હે ભોલેનાથ, દુકાળ અને અનાવૃષ્ટિથી પૃથ્વીવાસીઓ ત્રસ્ત છે, એમના પર કૃપાદૃષ્ટિ નાખો શિવશંકર.’
ભગવાન શિવ: ‘હે દેવગુરુ બૃહસ્પતિ, તમે એ સત્યને જાણો જ છો કે, સ્વર્ગલોક પર ઇન્દ્રનું સિંહાસન ખાલી હોવાથી ત્યાંની વ્યવસ્થા તૂટી પડી છે, હવે દેવગણને પ્રશ્ન છે કે તેઓ કોના આદેશથી કામ કરે.’
દેવગુરુ બૃહસ્પતિ: ‘હે ભોલેનાથ હું તમને વિનંતી કરું છું કે દેવરાજ ઇન્દ્રને દોષમાફી આપી મુક્ત કરો જેથી સ્વર્ગનું સંચાલન વ્યવસ્થિત પાર પાડી શકાય.’
ભગવાન શિવ: ‘ઇન્દ્રદેવ પ્રાયશ્ર્ચિત અને તપસ્યા પૂર્ણ કર્યા વગર દોષમુક્ત નહીં થઈ શકે, તમારે સ્વર્ગના સિંહાસન પર એવા પુણ્યાત્માને બેસાડવા પડશે જે સદેહે સ્વર્ગ જઈ શકે તેટલો પુણ્યશાળી હોવો જોઇએ.’
દેવગુરુ બૃહસ્પતિ: ‘હે દેવાધિદેવ, શું આ પગલું સૃષ્ટિના નિયમોથી વિરુદ્ધ નહીં હોય.’
ભગવાન શિવ: ‘નિયમોમાં અપવાદ પણ હોઈ શકે છે.’
દેવગુરુ બૃહસ્પતિ: ‘હે પ્રભુ દેવરાજ ઇન્દ્રના સ્થાને આરૂઢ થઈ શકે તેવો પુણ્યાત્મા પૃથ્વી પર ઉપલબ્ધ છે? અને હા તો અમને જણાવવાની કૃપા કરશોજી.’
ભગવાન શિવ: ‘કુરુવંશી મહારાજા નહુશ, તેમની પાસે જઈ તેમને સ્વર્ગાધિપતિ બનવા વિનંતી કરશો તો તેઓ તૈયાર થશે.’
દેવગુરુ બૃહસ્પતિની વિનંતીને માન આપી કુરુવંશી રાજા નહુશ સ્વર્ગલોક આવી રાજગાદી સંભાળી લે છે.
પ્રખર શિવભક્ત અને કુરુવંશી રાજા નહુશ દેવરાજ ઇન્દ્રની ગાદી સંભાળ્યા બાદ ઋષિ ત્વષ્ટા દ્વારા બનાવવામાં આવેલ માતા શક્તિના મંદિરમાં નિત્ય જવા લાગ્યા. કોઈ કોઈવખત દેવી સચિ સાથે પણ તેમનો માતા શક્તિના મંદિરમાં ભેટો થવા લાગ્યો. દેવી સચિ દેવરાજ નહુશને જોઈ સંકોચ અનુભવી ત્યાંથી વિદાય લેતાં હતાં અને અંતે પુણ્યાત્મા કુરુવંશી રાજા નહુશ દેવી સચિના આકર્ષણમાં બંધાઈ ગયા. સ્વર્ગલોક ખાતે દેવર્ષિ નારદ પુણ્યાત્મા રાજા નહુશની આંખોમાં એ આકર્ષણ જોઈ ગયા. તેઓ તુરંત કૈલાસ પહોંચ્યા
દેવર્ષિ નારદ: ‘દેવાધિ દેવ મહાદેવની જય હો, પ્રભુ હું સ્વર્ગાધિપતિ રાજા નહુશની આંખોમાં કંઈક જોઈ રહ્યો છું.’
ભગવાન શિવ: ‘નહુશે અનિચ્છાએ સ્વર્ગનું સિંહાસન લીધું હતું, તેમને આશંકા હતી કે તેઓ સ્વર્ગ જશે તો ધર્મના માર્ગથી વિમુખ થઈ જશે, અને હવે આ આ શંકા સત્યનું રૂપ લઈ સાકાર થઈ રહી છે. તેઓ ધર્મથી વિમુખ થઈ રહ્યા છે. સ્વર્ગલોક કોઈ પણ ધર્માત્માને ધર્મના માર્ગ પર ચાલતાં ભટકાવી શકે છે.’
બીજી તરફ સ્વર્ગલોક ખાતે દેવરાજ નહુશ દેવગુરુ બૃહસ્પતિને
મળે છે.
દેવરાજ નહુશ: ‘દેવગુરુ હું એ જાણવા માગું છું કે, દેવરાજ તરીકે સ્વર્ગલોકના સિંહાસન પર બેસ્યા બાદ દેવી સચિ પર મારો અધિકાર કેટલો?’
દેવગુરુ બૃહસ્પતિ: ‘મારા અનુભવે હું એટલું અવશ્ય જાણું છું કે દેવી સચિ પોતાના પતિ દેવરાજ ઇન્દ્રને જ વરેલી છે, તે અન્ય કોઈ પુરુષની પત્ની બનવાનો સ્વીકાર નહીં કરે.’
દેવરાજ નહુશ: ‘જો હું બળપ્રયોગ કરું તો?’
દેવગુરુ બૃહસ્પતિ: ‘આપ જેવા પ્રખર શિવભક્ત, ન્યાયપ્રિય અને નીતિવાન પુરુષ અસુરોની જેમ બળપ્રયોગ કરી શકે જ નહીં, એની મને ખાતરી છે.’
એ જ સમયે દેવી સચિ ત્યાંથી જઈ રહ્યાં હતાં.
દેવરાજ નહુશ: ‘દેવી સચિ, દેવી સચિ.’
દેવી સચિ: ‘બોલો, હુકુમ કરો દેવરાજ નહુશ.’
દેવરાજ નહુશ: ‘હું દેવરાજ નહુશ તમને મારી પત્ની બનાવવા ઉત્સુક છું. શું મારી દરખાસ્ત તમે સ્વીકારશો?’
દેવી સચિ: ‘અવશ્ય, પણ મારી એક શરત છે કે, તમે
પાલખીમાં આવો અને એ પાલખી સપ્તઋષિઓએ ઊંચકવી જોઈએ.’
દેવરાજ નહુશ: ‘હું દેવરાજ નહુશ તમને વચન આપું છું કે થોડા જ સમયમાં સપ્તઋષિઓએ ઊંચકેલી પાલખીમાં તમારી વરણી કરવા આવીશ.’
દેવી સચિની વિદાય બાદ દેવરાજ નહુશ સપ્તઋષિઓનું આહ્વાન કરે છે અને તેમને આદેશ આપે છે કે ‘એક પાલખી લઈ આવો તેમને દેવી સચિના નિવાસે લઈ જવામાં આવે.’
દેવરાજ નહુશના આદેશ પર સપ્તઋષિ પાલખીની વ્યવસ્થા કરે છે અને દેવરાજ નહુશને બેસાડી તેમને દેવી સચિના નિવાસસ્થાને લઈ જવા પ્રસ્થાન કરે છે.
દેવરાજ નહુશ: ‘હું દેવી સચિની વરણી કરવા ઉત્સુક છું, તમે બહુ ધીમે ધીમે ચાલો છો, હે સપ્તઋષિઓ હું તમને આદેશ આપું છું કે સર્પગતિથી ચાલો, નહીં તો હું તમને દંડિત કરીશ.’
ક્રોધિત ઋષિ વશિષ્ઠ: ‘હે મૂર્ખ, જા હું તને શ્રાપ આપું છું કે તું સર્પ બની જા અને પાતાળલોકમાં નિવાસ કર.’
ઋષિ વશિષ્ઠના શ્રાપથી તુરંત દેવરાજ નહુશ સર્પ બની જાય છે અને પાતાળલોકમાં નિવાસ કરે છે. (ક્રમશ:)ઉ