ધર્મતેજ

કૈલાસનો કાર્યભાર હું સંભાળી રહ્યો છું, જ્ઞાનસભામાં ઉપસ્થિત થયા છો તો જ્ઞાનની વાત કરો: ભગવાન ગણેશ

શિવ રહસ્ય -ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
અસુરશ્રેષ્ઠમય વરદાન મળતાં જ ભગવાન શિવ, બ્રહ્મદેવ, માતા પાર્વતી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને સમગ્ર દેવગણને નમસ્કાર કરી પરિવાર સહિત વિતલલોક ચાલ્યો ગયો. સમગ્ર ઋષિગણ અને દેવતાગમણ આનંદ ઉત્સવ મનાવવા લાગ્યા. ભગવાન શિવ અને માતા પાર્વતી કૈલાસ તરફ પ્રયાણ કરે છે, ત્યારબાદ બ્રહ્મદેવ બ્રહ્મલોક તરફ તો ભગવાન શ્રીહરિ વિષ્ણુ ક્ષીરસાગર તરફ પ્રયાણ કરે છે. પ્રમુખ દેવતાઓ વિદાય લેતાં સમગ્ર દેવગણ અને સમગ્ર ઋષિગણ ભગવાન શિવના ઉત્તમ યશનું વર્ણન કરતાં કરતાં પોતપોતાના સ્થાને ચાલ્યા ગયાં અને પોતપોતાના ધામ પહોંચી પરમ સુખની પ્રાપ્તિ થઈ.

દેવરાજ ઈન્દ્ર અને સમસ્ત દેવગણ સ્વર્ગલોક પહોંચે છે, ઘણા વરસો બાદ સ્વર્ગલોક પહોંચતાં તેમને અસુરગણોએ સ્વર્ગલોકની અવદશા કરી હોવાનું દૃશ્યમાન થાય છે. સમસ્ત દેવગણ સ્વર્ગલોકને પૂર્વવત્ બનાવવા કાર્યરત થઈ જાય છે.

કૈલાસ ખાતે ભગવાન શિવ અને માતા પાર્વતી આવી પહોંચતાં જ શિવગણો માતા પાર્વતી અને ભગવાન શિવનો જયજયકાર કરે છે.

ભગવાન શિવ: ‘ગણેશ, ઘણા સમય બાદ અમે કૈલાસ પહોંચ્યા છીએ, થોડો સમય હું અને પાર્વતી એકાંતમાં તપ કરવા માગીએ છીએ. અમારા તપમાં કોઈ વિઘ્ન ન આવે તેનું ધ્યાન રાખશો?’

ભગવાન ગણેશ: ‘અવશ્ય પિતાજી, તમારા અને માતાજીના તપમાં હું કોઈ વિઘ્ન નહીં આવવા દઉં અને તમારી અનુપસ્થિતિમાં કૈલાસ ખાતે જ્ઞાન સભાનું પણ સંચાલન કરીશ.’

ભગવાન શિવ: ‘અવશ્ય ગણેશ, તમે જ્ઞાનસભાનું સંચાલન જરૂર કરજો.’

ભગવાન શિવ અને માતા પાર્વતી કૈલાસના એકાંતમાં તપમાં લીન થઈ જાય છે.

ભગવાન ગણેશ શિવગણોને આદેશ આપે છે કે ચાલો જ્ઞાનસભાની શરૂઆત કરીએ.

ભગવાન ગણેશની આજ્ઞાનું પાલન કરતાં સર્વ શિવભક્તો માનસરોવરના કિનારે જ્ઞાનસભામાં ઉપસ્થિત રહે છે.

ભગવાન ગણેશ: ‘કૈલાસના દરેક ગણ કર્તવ્યનિષ્ઠ છે, તેણે સમજવું જોઈએ કે…’

એજ સમયે દેવરાજ ઈન્દ્ર ત્યાં ઉપસ્થિત થાય છે, જ્ઞાનસભામાં ભગવાન ગણેશ ભગવાન શિવનું સિંહાસન સંભાળતા જોઈને કહે છે:

દેવરાજ ઈન્દ્ર: ‘ગણેશ, તમે મહાદેવનું રૂપ કેમ ધારણ કર્યું છે અને મહાદેવ ક્યાં છે?’

ભગવાન ગણેશ: ‘પિતાજી ક્યાં છે એ નહીં બતાવી શકું, આજે પિતાજી કૈલાસ ખાતે ઉપલબ્ધ નથી અને તેમની અનુપસ્થિતિમાં કૈલાસનો કાર્યભાર હું સંભાળી રહ્યો છું, જ્ઞાનસભામાં ઉપસ્થિત થયા છો તો જ્ઞાનની વાત કરો.’

દેવરાજ ઈન્દ્ર: ‘કોઈ ગંભીર વિષય પર ચર્ચા કરવા આવ્યો છું.’

ભગવાન ગણેશ: ‘તમારો ગંભીર વિષય તમારી અસુરક્ષિતતા બાબતે જ હોઈ શકે છે, બોલો હું તમારી શું મદદ કરી શકું.

દેવરાજ ઇન્દ્ર: ‘પ્રજાપતિ ત્વષ્ટનો પુત્ર ત્રિષણા બ્રહ્મદેવની તપસ્યા કરી રહ્યો છે, મારા સિંહાસન પર સંકટ આવવાનું છે અને ગણેશ તમને રમૂજ સૂઝે છે.’

ભગવાન ગણેશ: ‘દેવરાજ ઇન્દ્ર તમારા સિંહાસન પર સંકટનું મોટું કારણ તમે પોતે જ છો, તમે વારંવાર ભૂલ કરો છો અને સદૈવ મનોરંજનમાં વ્યસ્ત રહો છો. ભૂલી ગયા હો તો યાદ અપાવી દઉં કે તમે ભાઈ કાર્તિકેયથી પર અસુરક્ષિત થઈ ગયા હતા. દેવરાજ તમારા સિંહાસનની સુરક્ષાના બાબતે તમે મને અને ભાઈ કાતિર્ર્કેયને ખૂબ હાની પહોંચાડી હતી. તમે અમારા પરિવારમાં કલહ ઉત્પન્ન થાય તેવી પરિસ્થિતિ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તમારો ભય હંમેશાં નિરર્થક સાબિત થયો છે, જાઓ તમારા સિંહાસનની સુરક્ષા તમારે કરવી પડશે.’

ક્રોધિત દેવરાજ ઇન્દ્ર ત્યાંથી વિદાય લે છે.

અરણ્યવન ખાતે ઋષિ વ્યાઘ્રપાદનું નિધન થાય છે. તેમના પરિવારમાં તેમની પત્ની અને પુત્ર ઉપમન્યું હોય છે. પિતા ઋષિ વ્યાઘ્રપાદના નિધન બાદ માતાના ભરણપોષણની જવાબદારી ઉપમન્યુ પર આવી પડે છે.

એક દિવસ ઉપમન્યુ રડતાં રડતાં પોતાના ગૃહે આવે છે. તેને જોઈ માતા પૂછે છે: ‘પુત્ર ઉપમન્યુ શું થયું, તમે કેમ રડો છો?’

ઉપમન્યુ: ‘માતા હવે હું આ ગામમાં ભિક્ષા માગવા નહીં જાઉં.’

માતા: ‘પુત્ર શું થયું તે કહો.’
ઉપમન્યુ: ‘માતા ગામના લોકો મારી મશ્કરી કરે છે અને કહે છે આટલા મોટા ઋષિ વ્યાઘ્રપાદના આ મૂર્ખ પુત્રને કોઈ મંત્ર નથી આવડતાં કે કોઈ પૂજા-પાઠ કરાવતા નથી આવડતી તો તેને ભિક્ષા શું કામ આપીએ. હવે હું આ ગામમાં કોઈ દિવસ ભિક્ષા માગવા નહીં જાઉં.’

માતા: ‘સમય સમયની વાત છે પુત્ર, આજ ગામવાસીઓ તારા પિતાને ભેટમાં એટલી સામગ્રી આપી જતાં હતાં કે અમારે ભિક્ષાની આવશ્યકતા જ નહોતી રહેતી અને આજે એવો સમય છે કે આપણને ભીખમાં એક દાણો પણ નથી મળતો, ચાલ પુત્ર આપણે તારા મામા સુશર્માને ત્યાં જઈએ.’

થાકી-હારેલા માતા અને પુત્ર મામા સુશર્માને ત્યાં પહોંચે છે. તેઓ ઘરની બહાર જ સાંભળે છે..

તારા: ‘હું કંટાળી ગઈ છું તમારા આ ભક્તિમાર્ગથી. મારી આવશ્યકતાઓની તમને કંઈ પડી જ નથી, નાના-નાની વસ્તુઓ માટે મારે સંઘર્ષ કરવો પડે છે. મારા પુરોહિત પિતાએ મારા લગ્ન જો કોઈ રાજપુરોહિત સાથે કર્યા હોત તો હું રાણી બનીને રહેત અને અહીં દાસીની અવસ્થામાં જીવી રહી છું.’

તેજ સમયે તારાની નજર ઉપમન્યુ અને તેની માતા પર પડતાં તેમને કહે છે:

તારા: ‘હવે આ ભિક્ષુકો આવી પડયા છે, જાઓ અહીંથી, અહીં કોઈ રાજપુરોહિત નથી રહેતાં, કંઈ નહીં મળે.’

તે જ સમયે સુશર્માની નજર પોતાની બહેન પર પડતાં તેઓ દોડી આવે છે
સુશર્મા: ‘રોકાઈ જા તારા, આ મારી બહેન અને ભાણેજ ઉપમન્યું છે. બહેન તારા દુ:ખમાં હું સહભાગી ન થઈ શક્યો મને માફ કર, પણ હવે તું અહીં જ રહશે.’ (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રાઈફલ ચલાવવામાં પાવરધો છે ચીનનો આ ‘Dog’, શ્વાસ લીધા વિના જ… અભિનેત્રીઓ પણ ચેઇન સ્મોકર છે SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ