ધર્મતેજ

મહામૃત્યુંજય મંત્રની રચના કેવી રીતે થઈ?

શિવમંત્ર -રાજેશ યાજ્ઞિક

મહાશિવરાત્રીનું પરમ પવિત્ર પર્વ આવે એટલે મહામૃત્યુંજય મંત્રનું સ્મરણ પણ અવશ્ય થાય. શિવ ભક્તો મહામૃત્યુંજય મંત્રનો નિયમિત જાપ તો કરે જ છે, મહામૃત્યુંજય મંત્ર સાથે શિવ પૂજાના વિશિષ્ટ અનુષ્ઠાનો પણ થાય છે. આ મંત્રને કાળના ભયને હરનાર ગણવામાં આવ્યો છે. આ મંત્રના માહાત્મ્યનું રહસ્ય છુપાયું છે, તેની રચનામાં. સનાતન ધર્મના શાસ્ત્રોમાં આઠ પુરુષોને અજર-અમર ગણવામાં આવ્યા છે. અશ્ર્વત્થામા, રાજા બલી, મહર્ષિ વેદવ્યાસ, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ અને ઋષિ માર્કંડેય. આ અમર મહાત્માઓમાંથી ઋષિ માર્કંડેય દ્વારા અદ્ભુત મહામૃત્યુંજય મંત્રની રચના કરવામાં આવી હતી. માર્કંડેય પુરાણમાં આ મંત્રનો ઉલ્લેખ મળે છે. મૃત્યુ પર વિજય મેળવનાર આ માર્કંડેય સાથે વારાણસી જિલ્લાના કૈથી ગામનું નામ જોડાયેલું છે. કૈથી ભગવાન શિવના પ્રિય શહેર કાશીથી લગભગ ૨૭ કિમી. દૂર વારાણસી-ગાઝીપુર નેશનલ હાઈવે પર આવેલું છે. આ ગામમાં માર્કંડેય મહાદેવનું વર્ષો જૂનું મંદિર આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર માર્કંડેય ઋષિએ ભગવાન શિવની તપસ્યા કરી હતી અને યમરાજને પાછા વળવા મજબૂર કર્યા હતા. તમામ કષ્ટોનો નાશ કરે તેવા આ પવિત્ર સ્થાનનો મહિમા, હરવંશ પુરાણ, પદ્યપુરાણ, માર્કંડેય પુરાણ, રામચરિત માનસ અને મહાભારતના વન પર્વમાં પણ ગાવામાં આવ્યો છે.

તેમના પિતા મર્કન્ડુ ઋષિ હતા. જ્યારે મર્કન્ડુ ઋષિને કોઈ સંતાન નહોતું ત્યારે તેમણે તેમની પત્ની સાથે ભગવાન શિવની પૂજા કરી હતી. તેમની તપસ્યાથી પ્રગટ થયેલા ભગવાન શિવે તેમને પૂછ્યું કે શું તેઓ દીર્ઘાયુષી પુત્ર ઈચ્છે છે કે ટૂંકું આયુષ્ય ધરાવતો સદ્ગુણી પુત્ર ઈચ્છે છે. ત્યારે મર્કન્ડુ ઋષિએ કહ્યું કે તેઓ અલ્પજીવી પણ સદ્ગુણી પુત્ર ઈચ્છે છે. ભગવાન શિવે તેને આ વરદાન આપ્યું હતું. માર્કંડેય જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તે શિવ ભક્તમાં લિન થતો ગયો હતો. જ્યારે માર્કંડેય ઋષિ ૧૬ વર્ષનો થવા આવ્યો ત્યારે તેને તેની માતા પાસેથી એ વાતની જાણ થઈ કે તેનું આયુષ્ય પૂર્ણ થવામાં છે. પોતાના મૃત્યુ વિશે જાણ્યા પછી માર્કંડેય વિચલિત થયો નહીં અને પોતાના આરાધ્ય શિવની ભક્તિમાં લીન થઈ ગયો. પ્રચલિત કથા મુજબ એક દિવસ અચાનક સપ્તર્ષિનું આગમન થયું. તેમના સ્વભાવ પ્રમાણે બાળક માર્કંડેયે પણ તેમને વંદન કર્યા. સાત ઋષિઓએ તે બાળકને આયુષ્માન ભવ પુત્ર કહીને તેને દીર્ઘાયુ થવાના આશીર્વાદ આપ્યા. પરંતુ તેમણે જોયું કે, બાળકનું આયુષ્ય અતિ અલ્પ શેષ છે. તેથી તરત જ સાત ઋષિઓ તેને સાથે લઈને પરમપિતા બ્રહ્મા પાસે ગયા. બાળકે પણ તેમને પ્રણામ કર્યા. બ્રહ્માએ પણ તેને હંમેશ માટે દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા. પરંતુ ઋષિઓએ નિવેદન કર્યું કે મર્કન્ડુ ઋષિના પુત્ર માર્કંડેયનું આયુષ્ય માત્ર થોડા દિવસોનું છે. ત્યારે બ્રહ્માજીએ તેને ભગવાન શિવની તપસ્યા કરવા કહ્યું અને કહ્યું કે શિવના આશીર્વાદથી આ બાળક આયુષ્યમાં મારી સમાન થશે.

માર્કંડેય પુરાણમાં ઉલ્લેખ છે કે તેણે પોતાના પિતાની અનુમતિ લીધી અને કાશી પાસે ગંગા-આદિગંગા (ગોમતી)ના સંગમ પર સ્થિત કૈંથના જંગલોમાં માટીમાંથી પાર્થિવ શિવલિંગનું સર્જન કરીને ત્યાં તપસ્યા આદરી. કહેવાય છે કે આ તપસ્યા માટે જ માર્કંડેય દ્વારા મહામૃત્યુંજય મંત્રની રચના કરી.

ૐ ત્રયમ્બકં યજામહે, સુગન્ધિમ્ પુષ્ટિવર્ધનમ્,
ઉર્વારૂકમિવ બન્ધનાન, મૃત્યોર્મુક્ષીયમામૃતાત્!
અર્થાત્ સમસ્ત સંસારના પાલનહાર ત્રિનેત્રવાળા ભગવાન સદાશીવનું અમે ધ્યાન ધરીએ છીએ, આરાધના કરીએ છીએ. સમસ્ત વિશ્ર્વમાં સૌરભ ફેલાવનાર અને પોષણ કરનાર ભગવાન શંકર મૃત્યુ અને નશ્ર્વરતાથી અમને એ રીતે મુક્તિ કરો, જે રીતે ફળ શાખાના બંધનથી મુક્ત થઇ જાય છે.

મહામૃત્યુંજય એ સૌથી શક્તિશાળી મંત્રોમાંનો એક છે, જેનો જાપ ભગવાન શિવને અત્યંત પ્રસન્ન કરે છે. ઋગ્વેદથી લઈને યજુર્વેદમાં મહામૃત્યુંજય મંત્રનો ઉલ્લેખ છે. આ સિવાય શિવપુરાણ અને અન્ય ગ્રંથોમાં પણ તેનું મહત્ત્વ વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. સંસ્કૃતમાં મૃત્યુંજયનો અર્થ થાય છે મૃત્યુ પર વિજય મેળવનાર. આ મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય ઓછો થાય છે સાથે સાથે આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે.

માર્કંડેય તો મૃત્યુને વિસારે પાડીને શિવ આરાધના લીન હતો. તેમના નિર્ધારિત મૃત્યુના દિવસે તેમણે શિવલિંગના નિરાકાર સ્વરૂપમાં શિવની પૂજા કરવાનું ચાલુ રાખ્યું. સમય થતાં જ યમદૂત તેડું લઈને આવ્યા. પરંતુ મહાદેવની તપસ્યામાં મગ્ન છોકરાના તેજને કારણે તેઓ તેમની પાસે પણ ફરકી શક્યા નહીં. તેથી તેણે પરત ફરવું પડ્યું. આખરે માર્કંડેયના પ્રાણ હરવા સ્વયં યમરાજને હાજર થવું પડ્યું. મંત્રજાપ કરી રહેલા બાળકનો એક મંત્ર જાપ જેવો પૂરો થયો કે યમરાજે તેના ઉપર પોતાનો પાશ ફેંક્યો, કેમકે મંત્ર ચાલુ હોય ત્યારે તો તેને યમપાશમાં બાંધવો અશક્ય હતો. યુવાન ઋષિના ગળામાં પોતાનો પાશ નાખીને યમ તેને ખેંચવા લાગ્યા. માર્કંડેય પાર્થિવ શિવલિંગને વળગીને મંત્રજાપ ચાલુ કર્યો. કથા કહે છે કે, સંયોગવાશાત્ યમનો પાશ માર્કંડેયથી નીકળીને શિવલિંગને વીંટળાઈ વળ્યો. ભક્ત પર આવેલ સંકટને જાણીને શિવલિંગમાંથી મહાદેવ પ્રગટ થયા અને શસ્ત્ર ઉપાડીને યમરાજને ભક્તના પ્રાણ હાર્ટ પહેલા યુદ્ધ કરવા આદેશ કર્યો. યમરાજને યુદ્ધમાં લગભગ મૃતપ્રાય કરીને શિવ ઊભા હતા ત્યારે યમરાજ કહે છે, હે મહાદેવ આ બાળકનું આયુષ્ય પૂરું થયું છે તો તેને જીવિત કેમ રાખી શકાય? મહાદેવે કહ્યું કે તેનો જન્મ વિધાતાના વિધાનથી નહીં, મારા આશીર્વાદથી થયો છે તેથી તેનું મૃત્યુ પણ મારી મરજીથી જ થઇ શકે. અને યમરાજને એ શરતે જીવનદાન આપ્યું કે શિવ ભક્તિ કરીને મહામૃત્યુંજયનો જાપ કરનારને યમનો પાશ કોઈ દિવસ ડરાવી ન શકે. એટલું જ નહીં, પણ ભગવાન બ્રહ્માજીના વચનોને યથાર્થ સિદ્ધ કરતા મહાદેવે માર્કંડેયને અમર થવાનું વરદાન આપ્યું છે. આ રીતે મહામૃત્યુંજયની
રચના અને તેનો જાપ કરીને માર્કંડેય મુનિ સનાતન ધર્મના આઠ અમર જીવોમાં સ્થાન પામ્યા.

એટલે જ તો કહેવાય છે કે,
અકાલ મૃત્યુ વો મરે જો કામ કરે ચાંડાલ કા,
કાલ ઉસકા ક્યા કરે જો ભક્ત હો મહાકાલ કા
કૈથી સ્થિત માર્કંડેય મહાદેવ મંદિરમાં સ્થાપિત શિવલિંગ ક્યારે પ્રકાશમાં આવ્યું તે ચોક્કસ કહી શકાય નહીં. પરંતુ, એવું ચોક્કસપણે કહેવાય છે કે તેની સ્થાપના માર્કંડેય ઋષિ દ્વારા કરવામાં આવી હતી. જે એક સમયે ગંગા અને આદિગંગા તારીખે ઓળખાતી ગોમતીના સંગમ પર સ્થિત કૈંથના જંગલોમાં હતું. કૈથીવાસીઓના જણાવ્યા મુજબ વર્ષો પહેલા આ શિવલિંગ આ ગામના જમીનદારનું ખેતર ખેડતી વખતે મળી આવ્યું હતું. સ્વપ્નમાં મળેલા આદેશ પર આ શિવલિંગની સ્થાપના તે જ જગ્યાએ કરવામાં આવી હતી. આ મંદિરના શિવલિંગ પર આજે પણ નિશાન દેખાય છે, જેને કેટલાક લોકો હળનું નિશાન માને છે, જ્યારે શ્રદ્ધાળુઓ તેને યમરાજ દ્વારા માર્કંડેય મુનિના ગાળામાં ફેંકેલા યમ પાશનું નિશાન માને છે. કાલાંતરે હોળકર વંશના રાજા વડોદરા નરેશે કાશીરાજની મદદથી આ મંદિરનો ર્જીણોદ્ધાર કરાવ્યો હતો.

બે પવિત્ર નદીઓના સંગમ પર સ્થિત આ તીર્થમાં નશ્ર્વર મનુષ્યને આત્માના અમરત્વનો માર્ગ ચીંધે છે. માર્કન્ડેયમુનિએ ન માત્ર મહામૃત્યુંજય મંત્રની આપણને ભેટ આપી, પણ દેવી શક્તિનો મહિમા ગાતા શ્રી દુર્ગા સપ્તશતી, તેમના દ્વારા રચિત માર્કંડેય પુરાણમાં જ મળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button