ધર્મતેજ

વાણી કેવી બોલવી? સત્યં વદ પ્રિયં વદ

વિશેષ -રાજેશ યાજ્ઞિક

આપણે ત્યાં બે કહેવત બહુ બોલાય છે, ‘બોલે તેના બોર વેચાય’ અને ‘ન બોલવામાં નવ ગુણ.’ બંને કહેવતને સાથે વિચારીએ તો સમજી શકાય કે કહેવાનો ભાવાર્થ એવો છે કે જરૂર હોય ત્યાં બોલવું જોઈએ અને ન જરૂર હોય ત્યાં ચૂપ રહેવું જોઈએ. એક વિદ્વાને બહુ સરસ વાત કરી છે કે, ‘બોલતાં તો વ્યક્તિ પોતાની જાતે શીખી જાય છે, પણ ક્યાં ચૂપ રહેવું તે શીખવવું પડે છે.’ આપણે ત્યાં સાધુ-સંતો, શાસ્ત્રો, લોકસાહિત્ય એમ દરેક ઠેકાણે વાણીની મર્યાદા અને વાણીની મીઠાશ ઉપર ઘણું કહેવાયું છે. સ્કંદ પુરાણમાં વાણીના 18 દોષ બતાવાયા છે. શાસ્ત્રોમાં આવી વાણી બોલનારનું બોલવું દોષયુક્ત
કહેવાયું છે.

1) અપેતાર્થ: એવી વાણી જે બોલાય પછી કહેવાયાનો અર્થ ન સમજાય. મતલબ કે, અર્થ વગરની વાણીને અપેતાર્થ કહેવાય.

2) અભિન્નર્થ: જે વાણી બોલ્યા પછી તેમાં અર્થભેદ ન સમજાય તેવી વાણી બોલવાને અભિન્નર્થ કહ્યું છે.

3) અપ્રવૃત્ત: જે કહેવાય પણ આચરણમાં, અર્થાત્ કે પ્રવૃત્તિમાં ન મુકાય તેવી વાણીને અપ્રવૃત્ત કહ્યું છે. (ક્યાંક શાસ્ત્રકારોએ આજના રાજકારણીઓની ભવિષ્યવાણી પહેલાં જ ભાખી લીધી છે નહીં?!!)

4) અધિક: જે કહેવાયું હોય તેના કરતાં પણ વધુ અર્થ ધરાવતી વાણીને અધિક દોષ વાળી વાણી કહી છે.

5) અશ્લક્ષણ: અસ્પષ્ટ અથવા અપરિમાર્જિત વાણીને અશ્લક્ષણ કહેવાય છે. લોકો ઘણી વાર અજાણતાં તો ક્યારેક જાણીબૂઝીને સંદિગ્ધ ભાષાપ્રયોગ કરે છે.

6) પદાંતે ગુરુ અક્ષર : જ્યારે કોઈ પદના અંતે ગુરુ અક્ષરનો પ્રયોગ થાય તે.

7) પરાંગમુખ-મુખ: વક્તા જે કહેવા માગતા હોય તેનાથી વિપરીત અર્થવાળી વાત કહેવી.

8) સંદિગ્ધ: વ્યક્તિ જ્યારે એવી વાણી બોલે કે જેના પછી શ્રોતાના મનમાં કથનના સાચા અર્થ વિશે સંદેહ ઉત્પન્ન થાય, તેને સંદિગ્ધ વાણીદોષ કહ્યો છે.

9) અને 10) અનૃત અને અસંસ્કૃત: અસત્ય અને અસંસ્કારી તેમ જ વ્યાકરણની દૃષ્ટિએ અયોગ્ય હોય તેવી વાક્યરચનાયુક્ત વાણીને પણ દોષપૂર્ણ કહી છે.

11) ત્રિવર્ગ વિરુદ્ધ: ધર્મ, અર્થ અને કામથી વિરુદ્ધ હોય તેવી વાતને પણ દોષપૂર્ણ વાણી ગણવામાં આવી છે.

12) ન્યૂન: કથનનો પૂર્ણ અને સ્પષ્ટ અર્થ સમજવા માટે પર્યાપ્ત શબ્દોનો અભાવ હોય ત્યારે તે ન્યૂન દોષયુક્ત વાણી કહેવાય છે.

13) કષ્ટશબ્દ: જેના ઉચ્ચારણમાં કષ્ટ પડે તેવા શબ્દોવાળું કઠણ કષ્ટશબ્દ દોષ છે.

14) અતિશબ્દ: કહેવાયેલી વાતને વધારી-ચઢાવીને કહેવાય ત્યારે અતિશબ્દ દોષ બને છે.

15) વ્યુત્ક્રમાભિહૃત: જેમાં ક્રમનો ભંગ કરીને બોલાયું હોય ત્યારે આ વાણીદોષ કહેવાયો છે.

16) સશેષ: જેમાં બોલાઈ ગયા પછી પણ અર્થ બાકી રહી જાય, કશુંક ખૂટે ત્યારે સશેષ દોષયુક્ત વાણી કહેવાય છે.

17) અહેતુક: જે કહેવાયું છે તેનો હેતુ સિદ્ધ ન થતો હોય, એટલે કે વ્યર્થ લાગે તેવી વાણી.

18) નિષ્કારણ: વાક્યમાં એવા શબ્દપ્રયોગો હોય જે વાપરવા માટે કોઈ કારણ ન હોય તેવી વાણી આ દોષયુક્ત ગણાય છે. ઉદાહરણ તરીકે દરેક વાક્યમાં અપશબ્દ બોલતા હોય.
આપણા શાસ્ત્રકારોએ શું બોલવા યોગ્ય છે અને શું અયોગ્ય તેના વિશે કેટલું ચિંતન કર્યું હશે તે આ વાણીના દોષ ઉપરથી જણાઈ આવે છે. આપણા સંત કવિઓએ આ વાતનો મર્મ બે લીટીમાં કહી દીધો છે.

‘ઐસી જગહ બૈઠીયે કોઈ ન બોલે ઊઠ, ઐસી વાણી બોલીએ કોઈ ન બોલે જૂઠ’ પણ આપણો સિદ્ધાંત તેનાથી તદ્દન ઊલટો છે! આપણે તો આપણા સ્વાર્થ માટે અસત્ય, સંદિગ્ધ, અતિશયોક્તિયુક્ત, અસંસ્કૃત પણ બોલીએ છીએ. એટલું જ નહિ, કારણ વિના અને હેતુ વિનાનું પણ બોલતાં જ રહીએ છીએ. એટલે તો હાસ્યકવિએ કટાક્ષ કરતાં કહ્યું છે કે,‘ઐસી વાણી બોલીએ કી જમકર ઝઘડા હોય, પર ઉસસે ન બોલીએ જો આપસે તગડા હોય!’

આપણા ઋષિમુનિઓ આ વાણીના દોષોને સમજાવતાં કહે છે, જ્યારે વક્તા, શ્રોતા અને વાક્ય, એમ ત્રણેય અવિકલ રહીને (વધતું-ઓછું કર્યા વિના) સમાન સ્તર પર હોય ત્યારે જ વાણીનો અભિપ્રાય યથાવત્ રૂપે પ્રગટ થઈ શકે છે. વાતચીત કરતી વખતે જો વક્તા શ્રોતાની અવહેલના કરે, અથવા તો શ્રોતા વક્તાની ઉપેક્ષા કરવા લાગે ત્યારે કહેવાયેલી વાત બુદ્ધિમાં આવતી નથી. ઉપરાંત જ્યારે સત્યનો પરિત્યાગ કરીને ખુદને અથવા શ્રોતાને પ્રિય લાગે તેવું જ બોલે તો તેનાથી સંદેહ ઉત્પન્ન થાય છે. તેથી, તેવું વાક્ય પણ સદાય સદોષ જ હોય છે. તેથી પોતાને અથવા શ્રોતાને પ્રિય લાગે તેવું નહીં, પણ કેવળ સત્ય હોય તે બોલે તેને જ આ પૃથ્વી પર યથાર્થ વાણી કહી છે, બીજી કોઈ નહીં. એટલે જ તો માત્ર એક વાક્યમાં શાસ્ત્રો કહે છે.

સત્યં વદ પ્રિયં વદ, અર્થાત્ જે સત્ય હોય તે અને પ્રિય હોય તે બોલજે. કહેવાનો અર્થ એ કે પ્રિય હોય, પણ અસત્ય હોય તો ન બોલવું અને સત્ય પણ અપ્રિય થઈ પડે, કષ્ટદાયક હોય તો ચૂપ રહેવું, પણ અસત્ય ન બોલવું. શાસ્ત્રોના અર્થગંભીર જ્ઞાનમાં જેટલા ઊંડા ઊતરીએ તેટલા જ્ઞાનના આવા મોતીઓ આપણને મળતાં જ રહે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button