નિવૃત્તિ પછી સન્માનપૂર્વક અને આનંદથી કેવી રીતે જીવવું?
ખરું જીવન ૬૦ વર્ષે શરૂ થાય છે જીવનને સારુ બનાવવું કે દુષ્કર બધું આપણા હાથમાં છે
જિનદર્શન -મહેન્દ્ર પુનાતર
જીવનના ત્રણ તબક્કા છે.બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા.બાળપણમાં જીવન કલકલ વહેતા ઝરણા જેવું હોય છે. યુવાનીમાં હોય છે ઉત્સાહ, ઉમંગ અને ખુમારી. આ શક્તિ અને સ્ફૂર્તિનો સમય પૂરો થયા પછી શરૂ થાય છે વૃધ્ધાવસ્થા. એમાં માણસને ખૂબ જ સહાનુભૂતિ અને માવજતની જરૂર પડે છે. જીવન થોડું ઓશિયાળું બની જાય છે. ઉંમર વધતાં ઘરનો સ્વામી રંક બની જાય છે. તેને કોઈ ગણકારતું નથી. વૃદ્ધો પ્રેમ અને સ્નેહ ઝંખે છે. તેમને જોઈએ છે માન અને આદર. તેમની મનોકામના છે પરિવારની સુખ અને શાંતિની. મોટેભાગે વૃદ્ધ જનો અસલામતીમાં જીવતાં હોય છે. થોડા દુ:ખી પણ હોય છે. તેના કારણોમાં કાંડાની કમાણી બંધ, શરીર અશક્ત અને મોત સામે આવી રહ્યું હોય હોવાનો અહેસાસ. આ બધા ભયો તેમને વધુ કમજોર બનાવે છે. આ બધી પરિસ્થિતિમાં તેઓ માનભેર કેવી રીતે જીવી શકે તે અત્યારનો મહત્વનો પ્રશ્ર્ન છે. આર્થિક સલામતી, સારું આરોગ્ય, સકારાત્મક વિચારો, પરિવર્તનનો સ્વીકાર તેમજ સ્વાર્થ, લોભ, ઈચ્છા અને અપેક્ષાઓને છોડી દેવાય તો સુખ, શાંતિ, સંતોષ અને આનંદનો અનુભવ થઇ શકે અને જીવન જીવવા જેવું લાગશે.
માણસે ઉંમર વધવા સાથે વધુ સાવચેત બનવું જોઈએ. બધુ આયોજન ભવિષ્યને નજર સમક્ષ રાખીને કરવું જોઈએ. આવી તકેદારી હશે તો સન્માન પૂર્વક જીવન જીવી શકાશે. ખ્યાતનામ ચિંતક અને લેખક ડૉ. એલોયસીસ લોહે ૬૦ વર્ષ પછીના જીવન અંગે સરસ વિચારો વ્યક્ત કર્યા છે. તેના થોડા અંશો માણીએ.
ખરું જીવન ૬૦ વર્ષે શરૂ થાય છે. જીવનને સારું બનાવવું કે દુષ્કર બધું આપણા હાથમાં છે. ઉંમર વધવાની સાથે પોતાનું અને પોતાના અભિપ્રાયનું મહત્ત્વ ઓછું થતાં ઘણા માણસો દુ:ખ અનુભવતા હોય છે. જો આપણે જીવનના મૂળભૂત સિદ્ધાંતોને સમજીએ અને તેનું ચુસ્ત પાલન કરીએ તો આપણે દુ:ખી થવાની જરૂર નથી. આનાથી સન્માનપૂર્વક જીવી શકાશે અને નિવૃત્તિ પછીનો આનંદ માણી શકાશે.
્(૧) મારી ઉંમર થઈ ગઈ છે. હું વૃધ્ધ બની ગયો છું એવું કહેશો નહીં અને એવો અહેસાસ પણ અનુભવશો નહીં. ઉંમર ત્રણ પ્રકારની હોય છે એક ક્રોનોલોજિકલ કાળક્રમ અનુસાર એટલે કે જન્મતારીખ મુજબ, બીજી બાયોલોજિકલ એટલે શારીરિક તંદુરસ્તી અને ફિટનેસ અનુસાર અને ત્રીજી સાયકોલોજિકલ એટલે કે માનસિક સ્થિતિ અનુસાર. એક ઉંમર જન્મતારીખ મુજબ આપણને કેટલા વર્ષ થયા છે તેની ગણતરી કરીએ છીએ. બીજા પ્રકારની ઉંમર આરોગ્યની અને તંદુરસ્તીની નજરથી જોવાય છે આમાં આપણે ભલેને ૬૦ વર્ષના હોઈએ પણ આપણને અને બીજાને લાગે કે આપણે ૫૦ વર્ષના છીએ. ત્રીજા પ્રકારની ઉંમર છે માનસિક. આપણે ૫૦ કે ૫૫ વર્ષના હોઈએ પણ સતત લાગ્યા કરે કે આપણે ખખડી ગયાં. બુઢાપો આવી ગયો. અને આપણે હોઈએ તેના કરતાં વધુ કમજોર બની જઈએ છીએ.
પ્રથમ પ્રકારની ઉંમર છે જન્મતારીખ અનુસાર તેમાં આપણે કોઈ ફેરફાર કરી શકીએ નહીં. બીજા પ્રકારની ઉંમર છે આપણી હેલ્થ અનુસાર અને ત્રીજા પ્રકારની ઉંમર છે આપણી માનસિક સ્થિતિ અનુસાર. આ બેમાં આપણે ધારીએ તો ફેરફાર કરી શકીએ. કેટલાક લોકોને સતત એમ થાય કરે છે કે આપણે વૃદ્ધ થઈ ગયા હવે આપણાથી આ બધું ન થઈ શકે એવી માનસિક ભ્રમણા દૂર કરવી જોઈએ.
પ્રથમ પ્રકારની ઉંમર આપણા હાથમાં નથી. આપણો જન્મ આપણી ઇચ્છા મુજબ થઈ શકે નહીં. એટલે એમાં કોઈ પણ જાતના ફેરફારને અવકાશ નથી. પરંતુ પૌષ્ટિક ખોરાક, કસરત અને આનંદી સ્વભાવ અંગે આપણે ખ્યાલ રાખી શકીએ. આ અંગેનું ધ્યાન રાખીને ખુશ થવાનું આપણી પહોંચમાં છે. તમે સિનિયર સિટિઝન થઈ ગયા છો એવું ફીલ કરો નહીં. સકારાત્મક વિચારો અને આશાવાદી વલણ તમને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકે છે.
(૨) આરોગ્ય તંદુરસ્તી. “હેલ્થ ઇઝ વેલ્થ સારુંઆરોગ્ય અને મન તંદુરસ્ત નહીં હોય તો દુનિયાના બધા સુખો નકામાં છે. આરોગ્ય સારું હશે તો બધું સારું લાગશે. તમે તમારા સંતાનો અને પરિવાર પર બોજો બનવા માગતા ન હો તો તબિયતની બરાબર સંભાળ રાખજો. બાકી ઉંમર વધવાની સાથે થોડી તકલીફ થવાની છે. આમાં નાની બાબતને મોટું સ્વરૂપ આપશો નહીં. આ માટે આંતરે આંતરે હેલ્થ ચેકઅપ કરાવતા રહેવું જરૂરી છે. જરૂરી દવાઓ નિયમિત લેવાનું રાખશો અને સૌથી મહત્વનું મેડિક્લેઇમનું કવચ પ્રથમથી જ લઈ રાખશો. હવે આરોગ્ય સેવાઓના ખર્ચાઓ ખૂબ જ વધ્યા છે. બીમારી પૂછીને આવતી નથી.
(૩) જીવનમાં પૈસા મહત્ત્વના છે તેના વગર ગાડું આગળ ચાલી શકે નહીં. જીવનની પાયાની જરૂરિયાતોને પહોંચી વળવા ધન જરૂરી છે. સારું આરોગ્ય જાળવવા, પરિવારનો પ્રેમ અને આદર પ્રાપ્ત કરવા અને સલામતી માટે પૈસા જરૂરી છે. તમારા સાધનોથી વધુ ખર્ચ કરશો નહીં. તમારા સંતાનો માટે પણ નહીં. પછેડી એટલી સોડ તાણસો તો માનસિક ચિંતામાંથી બચી જશો. સંતાનો માટે ઘણું કર્યું હવે તમારા માટે જીવો અને તમારા જીવનસાથી સાથે આનંદ માણો. તમારા સંતાનો સારા, પ્રેમાળ અને વિવેકી હોય અને તમારી સંભાળ રાખે તો સમજજો કે પ્રભુની કૃપા છે. પણ આમ થશે એમ ધારી લેશો નહીં. તમે ગમે તે પરિસ્થિતિ માટે તૈયાર રહેજો. આ સમયે પૈસા સિવાય તમારું બીજું કોઈ સાથી નથી.
(૪) તણાવથી મુક્ત અને ખુશ રહો. નકારાત્મક વિચારો કદી કરશો નહીં. જે થાય તે સારા માટે જ હશે તેવી સક્રિય વિચારધારા તમને ગમે તેવી મુશ્કેલીમાંથી ઉગારી લેશે.
(૫) સમય બહુ કીમતી અને મહત્ત્વનો છે. સમય ઘોડાની લગામ જેવો છે. લગામ હાથમાં હોય ત્યારે તેને અંકુશમાં રાખી શકાય છે. સમયને સાચવતા અને તેનો સદુપયોગ કરતા શીખો. સમય આપણા માટે રાહ જોતો નથી. સમયને સાચવીશું તો તે આપણને સાચવશે.
(૬) પરિવર્તન જ કાયમી બાબત છે. તેના પ્રવાહને રોકી શકાય નહીં.આજે જે છે તે કાલે રહેવાનું નથી. કુટુંબ, સમાજ ધર્મ અને અન્ય બાબતોમાં સમયની સાથે બદલાવ આવવાનો છે. સંતાનો તમારા જેવા થાય તેવી કલ્પના કરશો નહીં. જીવનમાં બધું ધાર્યા મુજબ થતું નથી. ઉંમર અને સમયની સાથે માણસે બદલતા રહેવું જોઈએ, અને નવા વિચારો અને આવિષ્કારોને સ્વીકારવા જોઈએ.
(૭) સ્વાર્થ અને લોભ રાખો નહીં. જે કાંઈ કરો તેમાં બદલાની આશા રાખશો નહીં. સૌ પ્રત્યે પ્રેમ ભાવ રાખો. પ્રેમ જેટલો આપશો તેટલો બદલામાં મળશે પણ આ માટે અપેક્ષા હોવી જોઈએ નહીં. જીવનમાં જેનો જેનો સાથ અને સહકાર મળ્યો છે તેનો ઉપકાર ભૂલશો નહીં. સંતોષ જેવું બીજું કોઈ સુખ નથી. અને બીજાને માટે કંઈક કરવાનો આનંદ પણ અનોખો છે.
(૮) ક્ષમાની ભાવના રાખો. ભૂલો અને માફ કરો. કડવી યાદોને ભૂલી જાવ. આ જગતમાં કોઈ માણસ સંપૂર્ણ નથી. સારાને શોધવાનો પ્રયાસ કરો.
(૯) જગતમાં જે કંઈ બને છે તેની પાછળ કાંઈને કાંઈ હેતું રહેલો છે. જીવન જેવું છે તેવું સ્વીકારો અને જેવા છો તેવા બની રહો. અને બીજાને જેવા છે તેવા સ્વીકારો. ખોટો દંભ અને દેખાવ કરો નહીં.
(૧૦) મૃત્યુનો ભય રાખો નહીં. જન્મ છે તેનું મૃત્યુ નિશ્ર્ચિત છે. તો પછી ડર શા માટે ? આપણે માનીએ છીએ કે આપણા સંતાનો અને પરિવાર આ દુ:ખ સહન નહીં કરી શકે. પણ સમયની સાથે બધું ભુલાઈ જશે. જીવનનું આ પરમ સત્ય છે. આ દુનિયા તમારા વગર પણ ચાલશે. અહીં કશું અટકતું નથી.