ઈશ્વરની પ્રાપ્તિ કેવી રીતે થાય? પરમાત્માનો મેળાપ કેવી રીતે થાય?
માનસ મંથન -મોરારિબાપુ
એક સુંદર કિસ્સો યાદ આવે છે. એક વખત ભગવાન સ્વામી રામાનુજજીની પાસે એક વ્યક્તિ ગયો. કોઈ જુદો જીવ રહ્યો હશે. કંઈ કેટલાયે સાધુ-સંતો, ગુરુજનો, મહાત્માઓને તે મળ્યો હતો. કેટલાએ ગુરુનાં ચરણો તેણે પૂજ્યાં હતાં. તેની એક ઈચ્છા હતી કે કોઈ પણ રીતે મારે બ્રહ્મને પ્રાપ્ત કરવો છે. મહાત્માઓનાં ચરણો પૂજીને થાક્યો પણ તેને ક્યાયથી સંતોષકારક સમાધાન પ્રાપ્ત ન થયું. તેને ઈશ્ર્વર કૃપા પામવી હતી. ખૂબ ફર્યો એવામાં કોઈએ તેને કહ્યું કે તું ક્યારેય ભગવાન રામાનુજજી ને મળ્યો છો ? કહે ના, એમને તો નથી મળવાનું થયું. રામાનુજ ભગવાન પાસે જા, ત્યાં તારું સમાધાન થશે. ગયો રામાનુજ પાસે. ચરણોમાં બેસી ગયો. પોતાની ભગવદ્દ પ્રાપ્તિ માટે કરેલી વર્ષોની યાત્રા વર્ણવે છે. ક્યાં ક્યાં ગયો, કોને કોને મળ્યો, કોની પાસે શું હતું અને તેને શું ન મળ્યું, આ બધી વાત વિગતથી કહેવા લાગ્યો. અંતમાં તેને રામાનુજ ભગવાનને કહ્યું કે ભગવન, મને ઈશ્ર્વરની ભક્તિ આપો. મારે ભક્તિ કરવી છે. મને બ્રહ્મની પ્રાપ્તિ કરાવો.
રામાનુજ ભગવાન તો જાણે સાંભળતા જ નથી તેમ બેસી રહ્યા. પેલાની વાતમાં કંઈ ધ્યાન જ ન આપ્યું. પેલો જિજ્ઞાસુ તો થાકેલો, માંદો આવ્યો હતો. ઈશ્ર્વરની ભક્તિ પ્રાપ્ત કરવા બહુ લાંબી મઝલ ખેડીને આવ્યો હતો અને તેના તરફ રામાનુજ ભગવાને ધ્યાન પણ ન આપ્યું ! પેલાએ બીજી વખત વિનંતી કરી. ન સાંભળ્યું. ત્રીજી વખત આજીજી કરી ને કહ્યું ભગવાન, આપ મારી તરફ ધ્યાન તો આપો, મારે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, ભક્તિ કરવી છે. કૃપા કરી મારો પરમાત્મા સાથે મેળાપ કરાવી દો. વારંવાર પ્રશ્ર્નો પૂછ્યા છે, વારંવાર વિનંતી કરી છે પરંતુ ભગવાન રામાનુજ કંઈ બોલ્યા નહીં. નારાજ થઇ ગયો બિચારો. તેને થયું કે લોકોએ મને ખોટી જગ્યાએ મોકલ્યો છે. આ વળી કેવા સંત ? આટલી આટલી વિનંતી કરું છું તો પણ કોઈ જવાબ જ નહિ ? ખિન્ન મનથી વિદાય થવા જાય છે. તેને થયું લાવ છેલ્લી વાર પૂછી જોઉં. તેણે કહ્યું બાબા, કંઈ નહીં બોલો ?
જ્યાં જવા જાય છે ત્યાં બાબાએ તેને પૂછ્યું, બેટા, તારે ભક્તિ કરવી છે ને ? તારે પરમાત્માને મળવું છે ને ? બ્રહ્મનો ભેટો કરવો છે ને ? પણ હું તને એક સાવ સહેલો પ્રશ્ર્ન પૂછવા માગું છું. તે ક્યારેય દુનિયામાં કોઈને પ્રેમ કર્યો છે ? ક્યારેય કોઈના પ્રેમમાં પડ્યો છો ? પેલાને નવાઈ લાગી. બાબા, બધી આપતિ, સંસારનો મોહ, સંસારનાં બંધનો, પરિવારનો પ્રેમ બધો રાગ છોડીને તમારી પાસે આવ્યો છું. અને તમે મને પ્રેમમાં પડ્યો છું કે નહીં તેવું પૂછો છો ? આ બધું છોડો અને મને પરમાત્મા કેમ મળે તે કહો. ફરી ભગવાન રામાનુજે તેને પૂછ્યું, તે કોઈને પ્રેમ નથી કર્યો? કહે બાબા, બ્રહ્મની ચર્ચા કરો ને, આ બધું શા માટે વચમાં લાવો છો ? ભગવાન રામાનુજે કહ્યું બેટા, તને પરમાત્માનો મેળાપ કરાવવો અઘરો છે ! બહુ મુશ્કેલ
કાર્ય છે.
‘રામચરિતમાનસ’માં ગોસ્વામીજી કહે છે-
ફળપરુવ ઇંજ્ઞમબ પ્જ્ઞપૂ રુક્ષઅળફળ
ઘળરુણ બજ્ઞઉ ઘળજ્ઞ ઘળણણિવળફળ॥
મારાં યુવાન ભાઈ-બહેનો, આવો, હું ને તમે એકબીજાને વધુ ને વધુ પ્રેમ કરીએ. સત્ય લઈએ, પ્રેમ દઈએ અને કરુણામાં જીવીએ. પ્રેમ માગો નહીં, આપો. સામેથી મળે કે ન મળે, હિસાબ-કિતાબની વાત પ્રેમમાં છે જ નહીં; પ્રેમ આપો. પ્રેમ હશે ત્યાં બધું જ આવશે. પ્રેમ હશે ત્યાં શું નહિ હોય ! પરમાત્માના અવતારનું મૂળ કારણ પ્રેમ છે. એકવીસમી સદીનો આ જગત માટે મહામંત્ર હોય તો એ કેવળ પ્રેમ હોઈ શકે. ક્યાંય નફરત ન હોય, ઘૃણા ન હોય, ક્યાંય ઉપેક્ષાનો ભાવ ન હોય. માનવધર્મનો મોટામાં મોટો આધારસ્તંભ પ્રેમ છે. તેમાંથી અનેક પ્રશાખાઓ ફૂટશે. પ્રેમ એક મોટો મહાસિંધુ છે. પ્રેમ એ મોટી શક્તિ છે. પ્રેમ એ માનવધર્મ છે. કથા રેલી નથી, મોટો રેલો છે. આ પ્રેમનો રેલો છે. મારી પાસે પ્રેમ સિવાય કંઈ નથી બાપ ! એક વસ્તુ સમજી લે જો. નથી મારી પાસે ઉપદેશ,નથી મારી પાસે તમને બીજું કંઈ આપવાનું,મારી પાસે મારા અંત:કરણનો ત્રિભુવની પ્રેમ છે. આ સિવાય બીજું કંઈ નથી. આ પ્રેમ લઈને ફરું છું. માનવીને પ્રેમની જરૂર છે. અલ્લાહ ઈશ્ર્વર માનવીને મળે તો ઉત્તમ. પણ એ કદાચ ન મળે તો? બહુ ઘાટનો સોદો નથી.
પ્રેમ મળી જવો જોઈએ. પ્રેમ મળે તો બધું મળી જશે. પ્રેમ એ પંચમ પુરુષાર્થ છે.
કથા એ પરંપરા નથી,પ્રવાહ છે. પરંપરા હોય તો ફિલ્મનું ગીત ન આવે. ઘણાં ટીકા કરે કે બાપુએ ફિલ્મનાં ગીતો, ગાણાં શરૂ કર્યા. એ ગાવાનો છું અને તમને મોઢે થઈ જાય એટલે ગવડાવીશ. મોઢે,એટલે તમને આવડે, ને જે ટીકા કરે એને યાદ કરવું પડશે. માસ્તર છું ને ? મારે એને કંઠપાઠ કરાવવો છે,કારણ પછી બોલશે નહીં,પણ એને યાદ તો આવશે.
મુદ્દ્તે હો ગઈ, મુસ્કુરાયે,
આજ સોચા તો આંસુ ભર આયે.
મુદ્દ્તે હો ગઈ મુસ્કુરાયે આજ…
આ પ્રેમ સભા છે. પ્રેમ વગર પરિવર્તન સમભાવ નથી. પ્રેમ ચેતનને જડ બનાવે,ચેતનને જડ બનાવે. પ્રેમ જોઈએ. પ્રેમમાં ટીચર ન હોય ને પ્રિચર પણ ન હોય. પ્રેમના કંઈ શિક્ષક હોય ? હાલો,હું તમને પ્રેમના પાઠ ભણાવું ? એ તો થઈ જાય. માસ્તરને થયો હોય હો તો ભણાવે નહીં કોઈને. પ્રેમ ટીચરનો વિષય નથી અને પ્રેમ પ્રવક્તાનો, પ્રિચરનો યે વિષય નથી, પ્રેમ છે રીચરનો વિષય. જે પહોંચીને પાછા આવ્યા હોય,એનું કામ છે. જે પહોંચી ગયા હોય,જેણે હરિને જોઈ લીધો હોય. જે પહોચ્યાં હોય અને પછી ‘ઘાયલકી ગત ઘાયલ જાણે’ એ પ્રેમના પાઠ ભણાવી શકે. કથાનાં અનેક રૂપો છે. ‘પ્રેમ દેવો ભવ’ એ માનવજાતને નામે મોરારિબાપુનો ટેલિગ્રામ છે. પ્રેમ દેવો ભવ’. રામહિ કેવલ પ્રેમપિઆરા’ આ સિવાય બીજું કંઈ છે નહીં. રામાયણના આદિમાં, મધ્યમાં અને અંતમાં પ્રેમ સિવાય બીજું કંઈ નથી. દરેક જગ્યાએ પ્રેમની જ પ્રતિષ્ઠા છે. પ્રેમરસ સમસ્ત દ્વૈતોને મિટાવી દે છે. આપણામાં જો પ્રેમ હશે તો પ્રભુ અહીં પ્રગટ થશે. પ્રેમ જ પરમાત્મા છે.
(સંકલન: જયદેવ માંકડ)