માન કે અપમાન !
ગીતા મહિમા -સારંગપ્રીત
ગત લેખમાં ‘ગુણાતીત સ્થિતિ’ સમજ્યા. આ ગુણાતીત સ્થિતિ માટે જે સૌથી અગત્યની બાબત છે, જેની ઉપર ભગવાન ધ્યાન દોરે છે, તે છે- ‘માન અપમાનથી ભિન્નતા.’
હા, માણસ અપમાનમાં તો દુ:ખી થાય છે, પરંતુ માન મેળવવાની લાલસા તેને વધારે દુ:ખી કરે છે. માન, સન્માન અને પ્રશંસાની ભૂખ ક્યારેય સંતોષાતી નથી, છતાં માણસ તેની પાછળ વલખાં મારે છે, તે હકીકત છે. વળી, માનની અસીમ લાલસા પરસ્પર સંબંધો બગાડવાનો હેતુ બને અને તેનું પરિણામ અજંપો અને હતાશામાં જોવા
મળે છે.
માણસ માત્રના મનમાં શત્રુનું ચિત્ર કાંઈક આવું હોય છે. આપણી સામે પડેલો, હથિયાર ધારણ કરીને આપણને મારવા માટે તત્પર, ભય ઊભો કરનાર…વગેરે. આ બહારના શત્રુનું ચિત્ર હોઈ શકે, પણ આપણી
અંદર પણ એક ભયંકર અને વિકરાળ શત્રુ છુપાયેલો છે… અજેય શત્રુ ! હા, આ શત્રુ છે માનરૂપી શત્રુ! માનવની અંદર બેઠેલો આ માનરૂપી શત્રુ વ્યાવહારિક જીવનમાં પ્રગટ થઈને ડગલે ને પગલે તેનું અહિત કરતો આવ્યો છે.
એક મહાન શિલ્પી હતો. એણે ઘડેલી પ્રતિમાઓ હંમેશાં જીવંત લાગતી. મૃત્યુનો સમય નજીક આવ્યો એટલે એણે યમના દૂતોને છેતરવાનો નિર્ણય કર્યો. એણે પોતાના જેવી જ સાત મૂર્તિઓ કંડારી. પછી બધી મૂર્તિઓને એક પંક્તિમાં સુવાડીને બાજુમાં પોતે સૂઈ ગયો.
યમના દૂતો શિલ્પીના આત્માને લેવા આવ્યા ત્યારે એકના બદલે એક સરખા આઠ શિલ્પને જોઈ ભારે વિમાસણમાં પડી ગયા. બહુ ઝીણવટથી નિરીક્ષણ કરવા છતાં સાચો શિલ્પી ઓળખાયો નહિ, એટલે દૂતો યમરાજ પાસે પાછા ગયા અને એમને પોતાની મૂંઝવણ વ્યક્ત કરી.
યમરાજાએ એમને એક યુક્તિ બતાવી. દૂત ખૂશ થતાં થતાં પાછા શિલ્પીના ઘરે આવ્યા. આઠે શિલ્પીઓની આસપાસ ફરી ફરીને મુખ્ય દૂતે મોટેથી કહ્યું: ‘શિલ્પીએ કારીગરી તો સરસ કરી છે’ પણ માત્ર એક જ ભૂલ રહી ગઈ છે.‘ના હોય, મારી ભૂલ હોય કદી? ક્યાં છે બતાવો?’ એમ કહીને શિલ્પી ઊભો થઈ ગયો. શિલ્પી નહીં, ખરેખર તો તેનું માન ઊભું થઈ ગયું. દૂતોએ કહ્યું: ‘આ જ તારી ભૂલ.’ અને એના આત્માને ખેંચીને લઈ ગયા.
એટલે જ કહ્યું છે: અહમ્, તું જ મૃત્યુ છે. અરે, મરીને નહીં, જીવતાં પણ માનને લીધે મનુષ્ય પાપની શૃંખલા સર્જે છે. સંત તુલસીદાસજી જણાવે છે:
દયા ધરમ કો મૂલ હૈ, પાપ મૂલ અભિમાન;
તુલસી દયા ન છોડિયે જબ લગ ઘટ મેં પ્રાન.
‘ધર્મના મૂળમાં દયા છે તો એની સામેના છેડાના કર્મ-પાપના મૂળમાં અભિમાન છે.’ આમ કહી તુલસીદાસજીએ અભિમાનને ઘણો મોટો દુર્ગુણ બતાવ્યો છે.
દયાવિરોધી વૃત્તિ તરીકે ક્રૂરતાને ગણાવવાને બદલે અભિમાનને ગણાવી તેઓ સૂચવે છે કે અભિમાન ક્રૂરતાથી પણ ચડિયાતો દુર્ગુણ છે.
અહંકારથી સ્પર્ધા-હરીફાઈનો ભાવ જાગે છે ને એમાંથી વેરની ખતરનાક વૃત્તિ ઉદ્ભવે છે. અભિમાન પર હુમલો થતાં માણસનો ક્રોધાગ્નિ ભભૂકી ઊઠે અને તરત જ કલહનો દાવાગ્નિ સળગી ઊઠે. અહંકારના કારણે લડાયેલાં યુદ્ધોના દાખલા ઇતિહાસમાં શોધવા જવા પડે એમ નથી.
ભારતના મધ્યકાલીન ઇતિહાસમાં રાજાઓના અહમ્ અને પતનના ઘણા
દાખલા જોવા મળે છે, જયારે યુદ્ધના
નિર્ણયો વ્યક્તિગત માન અને સન્માનના આધારે લેવાય અને વિવેકબુદ્ધિ અભરાઈ ઉપર મૂકી દેવાય ત્યારે પરાજય નિશ્ર્ચિત
બને છે.
આધ્યાત્મિક દૃષ્ટિએ વિચારીએ તો આત્મા અને પરમાત્માના જોડાણ વચ્ચે અભિમાનનો ખડક જ અંતરાયરૂપ થઈ પડે છે. અહંકારમાંથી રાગદ્વેષ ઉદ્ભવે છે, મારા-તારાનો ભેદ સર્જાય છે અને માયાનું સર્જન થાય છે. અહંકારના નાશ સાથે માયા નાશ પામે છે, પરિણામે આત્મા બ્રહ્મનો સાક્ષાત્કાર કરી શકે છે, પરંતુ માણસ અજ્ઞાનતાને કારણે ‘હું ભાવ’ છોડતો નથી.
નરસિંહ મહેતા લખે છે-
હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા
શકટનો ભાર જેમ શ્ર્વાન તાણે.
જીવનમાંથી ‘હું ભાવ’ દૂર થાય ત્યારે જ બ્રહ્મનો પ્રકાશ રેલાય છે. અજ્ઞાનતિમિરને હરવા માટે આ એક દિવ્ય તેજ:પુંજની આવશ્યક્તા છે. હું કાંઈ નથી, બધા મારાથી મોટા છે. એવી ભાવનાનો સતત આલોચ જ માનરૂપી શત્રુને હણી શકે છે.
સને ૧૯૮૬માં સારંગપુરમાં પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજનો ઈન્ટરવ્યૂ લેવાતો હતો. સભામાં વિશાળ જનમેદની વચ્ચે સ્વામીશ્રીને પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો : બાપા ! આપને શું થવું ગમે? સ્વામીશ્રી તરત બોલ્યા, અમને સેવક થવું ગમે. આમ, સેવા અને દાસત્વનો બોધ આપીને સ્વામીશ્રીએ માનરૂપી શત્રુથી પરાભવ ન પામવાનો શાશ્ર્વત ઉપાય બતાવી દીધો.